ઓમિક્રોન વેરિયન્ટને ટાર્ગેટ કરતી કોવિડ-19 રસી માર્ચમાં તૈયાર થવાની આશા

આંતરરાષ્ટ્રીય સમાચાર

ભારત સહિત વિશ્વભરના દેશોમાં કોરોનાના નવા વેરિયન્ટ ઓમિક્રોનનો કહેર વર્તાઇ રહ્યો છે. આવામાં ઘણા દેશોમાં વેક્સિનનો બૂસ્ટર ડોઝ આપવામાં આવી રહ્યો છે, ત્યારે ઓમિક્રોન સામેની લડાઇમાં એક સારા સમાચાર આવી રહ્યાં છે. ઓમિક્રોનને રોકવા માટે તૈયાર કરવામાં આવી રહેલી રસી પર કામ ચાલી રહ્યું છે. ફાર્મા કંપની ફાઈઝરને આશા છે કે ઓમિક્રોન વેરિયન્ટને ટાર્ગેટ કરતી કોવિડ-19 રસી માર્ચમાં તૈયાર થઈ જશે. કંપનીના વડાએ સોમવારે આ માહિતી આપી હતી.
ફાઈઝરના ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર આલ્બર્ટ બોર્લાએ સીએનબીસીને જણાવ્યું હતું કે કોવિડ-19 સંક્રમણના કેસ સતત વધી રહ્યા હોવાથી સરકારોની ભારે માંગને કારણે ફાઈઝર પહેલેથી જ રસીના ડોઝનું ઉત્પાદન કરી રહ્યું છે. એવા લોકો પણ મોટી સંખ્યામાં છે જેઓ રસી છતાં ઓમિક્રોનનો ભોગ બન્યા છે. તેમણે કહ્યું કે, આ રસી માર્ચમાં તૈયાર થઈ જશે. મને ખબર નથી કે અમને તેની જરૂર પડશે કે નહીં અને તેનો ઉપયોગ કેવી રીતે થશે.
ફાઈઝરના સીઈઓએ જણાવ્યું હતું કે, બે રસીના ડોઝ અને એક બૂસ્ટર ડોઝની હાલની સિસ્ટમ ઓમિક્રોનથી ગંભીર આરોગ્ય અસરો સામે જરૂરી રક્ષણ પૂરું પાડે છે. જો કે, ઓમિક્રોન વેરિયન્ટને સીધું જ ટાર્ગેટ કરનારી વેક્સિન સ્ટ્રેનના બ્રેકથ્રુ ઇન્ફેક્શન વિરુદ્ધ પણ રક્ષણ કરશે, જે અત્યંત ચેપી સાબિત થયું છે.

TejGujarati