યુપીમાં ભાજપને મોટો ફટકો, યોગી કેબિનેટમાંથી રાજીનામું આપીને સ્વામી પ્રસાદ મૌર્ય સપામાં જોડાયા

ભારત સમાચાર

ઉત્તર પ્રદેશ વિધાનસભા ચૂંટણી 2022 પહેલા ભાજપને મોટો ઝટકો લાગ્યો છે. યોગી સરકારના શ્રમ મંત્રી સ્વામી પ્રસાદ મૌર્યએ મંગળવારે કેબિનેટમાંથી રાજીનામું આપી દીધું છે. રાજીનામા બાદ મૌર્ય સમાજવાદી પાર્ટીમાં જોડાયા છે. તેઓ સપા સુપ્રીમો અખિલેશ યાદવને પણ મળ્યા હતા. અખિલેશે મુલાકાતની તસવીર શેર કરી છે.
મૌર્યનું સ્વાગત કરતાં સપા સુપ્રીમોએ કહ્યું કે, સામાજિક ન્યાયની ક્રાંતિ થશે. બાવીસમાં પરિવર્તન આવશે. તિલહરના ભાજપના ધારાસભ્ય રોશન લાલ વર્મા પણ મૌર્ય સાથે સમાજવાદી પાર્ટીમાં જોડાઈ રહ્યા છે. આ સિવાય બાંદાની તિંદવારી સીટ પરથી ભાજપના ધારાસભ્ય બ્રજેશ પ્રજાપતિ અને બિલ્હોરથી ભાજપના ધારાસભ્ય ભગવતી સાગરે પણ રાજીનામું આપી દીધું છે.
સ્વામી પ્રસાદ મૌર્યએ ગવર્નર આનંદબેન પટેલને લખેલા પત્રમાં કહ્યું હતું કે, મુખ્યમંત્રી યોગી આદિત્યનાથની કેબિનેટમાં શ્રમ અને સંકલન મંત્રી તરીકે વિપરીત સંજોગો અને વિચારધારામાં રહીને પણ ખૂબ જ હકારાત્મક સાથે જવાબદારી નીભાવી છે, પરંતુ દલિતો, પછાત, ખેડૂતો, બેરોજગાર યુવાનો અને લધુ તેમજ મધ્યમ કદના વેપારીઓના ઉપેક્ષાત્મક વલણને કારણે ઉત્તરપ્રદેશના મંત્રીમંડળમાંથી હું રાજીનામું આપું છું.
સ્વામી પ્રસાદ મૌર્યની ગણતરી યુપીના દિગ્ગજ નેતાઓમાં થાય છે અને તેઓ 3 વખત ધારાસભ્ય રહી ચૂક્યા છે. તેમની પાસે યોગી સરકારમાં શ્રમ મંત્રાલયની જવાબદારી હતી. 2017ની વિધાનસભા ચૂંટણી પહેલા સ્વામી પ્રસાદ મૌર્ય માયાવતીની પાર્ટી બસપા છોડીને ભાજપમાં જોડાયા હતા. મૌર્યની ગણતરી બસપા સુપ્રીમો માયાવતીના નજીકના નેતાઓમાં થતી હતી. સ્વામી પ્રસાદ મૌર્યની પુત્રી સંઘમિત્રા મૌર્ય બંદાયુથી ભાજપના સાંસદ છે. મૌર્ય ઓબીસી સમુદાયના છે.

TejGujarati