અમુક વિરલ પ્રતિભા એવી હોય છે કે જે કોઈ એક દિવસની યાદનાં મહોતાજ નથી હોતાં.એવી જ એક વિરલ પ્રતિભા શ્રી દિલીપ ધોળકિયા.- વૈભવી જોશી.

કલા સાહિત્ય ગુજરાત ધાર્મિક ભારત સમાચાર

અમુક વિરલ પ્રતિભા એવી હોય છે કે જે કોઈ એક દિવસની યાદનાં મહોતાજ નથી હોતાં. એમણે કરેલાં પ્રદાન બદલ તો સાદર વંદન સહ આજીવન યાદ કરવા જ ઘટે. એવી જ એક વિરલ પ્રતિભા જેમનું નામ છે શ્રી દિલીપ ધોળકિયા.

ગુજરાતી ભાષામાં તેમણે અનેક સ્વરાંકનો આપ્યા તેમજ ગાયક તરીકે સફળતા મેળવી. ફક્ત એક જ ગીતને કર્ણપ્રિય સંગીતથી મઢી ગીતનાં રચયિતા અને સંગીતકાર બંન્ને ગીતનાં માધ્યમથી ઓળખનો પર્યાય બની ગયા હોય તે ગીત એટલે..તારી આંખનો અફીણી..તારાં બોલનો બંધાણી..તારા રૂપની પૂનમનો પાગલ એકલો. ગુજરાતી સુગમ સંગીતનું ગીત મણિયારા શ્રી વેણિભાઈ પુરોહિતની કલમમાંથી નીકળી શ્રી દિલીપ ધોળકિયાનાં સંગીતથી મઢાયું અને અમર થઈ ગયું.

શ્રી દિલીપ ધોળકિયા એટલે “રંગ નગરનો રસીયો નાગર”. ગુજરાતી ગીત-સંગીત જગતનું ખૂબ જ આદરપાત્ર અને દિગ્ગજ નામ..!! શ્રી દિલિપ ધોળકિયા, જેઓ ડી. દિલિપ અથવા દિલિપ રોય તરીકે હિન્દી ચલચિત્રોમાં જાણીતા હતાં અને ભારતીય સંગીત રચયિતા અને ગાયક હતા. તેમનો જન્મ ૧૫ ઓક્ટોબર ૧૯૨૧નાં રોજ જુનાગઢમાં થયો હતો. તેમના કુટુંબને કારણે સંગીત સાથે તેમનો પરિચય શરૂઆતનાં વર્ષોમાં જ થઇ ગયો.

તેમની કારકિર્દીની શરૂઆત ગાયક તરીકે કર્યા બાદ, તેમણે ૧૯૬૦ અને ૧૯૭૦નાં દાયકામાં બોલીવુડ અને ગુજરાતી સિનેમામાં સંગીત નિર્માણનું કામ કર્યું. તેમણે ૮ હિન્દી ચલચિત્રોનું અને ૧૧ ગુજરાતી ચલચિત્રોનું સંગીત નિર્માણ કર્યું હતું. તેઓ જ્યારે ૭ વર્ષનાં હતા, ત્યારે તેઓ તેમના પિતા ભોગીલાલ અને દાદા મણીશંકર ધોળકિયાને જુનાગઢમાં સ્વામીનારાયણ મંદિરમાં ભજન ગાવામાં અને સંગીતવાદ્યો વગાડવામાં સાથ આપતા હતા. તેમનું શિક્ષણ બહાદુર ખાનજી માધ્યમિક શાળા અને બહાઉદ્દીન કોલેજમાં થયું.

શરૂઆતમાં તેમણે કારકૂન અને ખાતાં લખનાર તરીકે બોમ્બે સ્ટેટનાં ગૃહ વિભાગમાં બે વર્ષ કામ કર્યું. તેમણે આકાશવાણીનાં કાર્યાલયની ઇમારતમાં જ કામ કર્યું હતું એ પછીથી તેઓ આકાશવાણી દ્વારા કલાકાર તરીકે પસંદ કરવામાં આવ્યા હતા. દૂરદર્શનની શ્રેણી ‘સરસ્વતીચન્દ્ર’નાં ૨૧ ગીતોની સ્વર રચના કરી છે.

૧૯૪૨માં મુંબઇ આવ્યા પછી સંગીતની કારકિર્દી મુંબઇમાં શરૂ થઇ. શ્રી અવિનાશ વ્યાસનાં સહાયક રમેશ દેસાઇ અને આશિત દેસાઇનાં કાકા અને વાયોલિનવાદક બીપીન દેસાઇ સાથે એમની ઓળખાણ થઇ. તેમણે શ્રી દિલીપભાઇનો અવાજ સારો હોઈ પદ્ધતિસરની તાલીમ લેવાની સલાહ આપી એટલે શાસ્ત્રીય સંગીતની તાલીમ તેમણે પાંડુરંગ આંબેરકર પાસે મેળવી, જેઓ અમાનત અલી ખાનનાં શિષ્ય હતા.

દરમિયાન, ગુજરાતનાં શિવકુમાર શુક્લનાં ગુરુભાઇ પાસે તાલીમ લીધા બાદ સાંતાક્રૂઝ મ્યુઝિક સર્કલનાં શાસ્ત્રીય સંગીતનાં કાર્યક્રમો ખાસ સાંભળતા. શરૂઆતનાં સંઘર્ષ બાદ ફિલ્મ લાઇનમાં કામ મળ્યું. `પ્રાઇવેટ સેક્રેટરી’ સહિત કેટલીય હિન્દી ફિલ્મોમાં તેમના ગીતો લોકપ્રિય નિવડ્યા હતા. જેમ કે, જારે બેઇમાન, જા જા રે ચંદા, ઓ સાંવરે. લતા મંગેશકરની લંડનના આલ્બર્ટ હોલમાં ગવાયેલા ફિલ્મી ગીતોની એલ.પી.માં દિલીપભાઇએ સ્વરબઘ્ધ કરેલું એક માત્ર ગુજરાતી ગીત લેવાયું હતું રૂપલે મઢી છે સારી રાત.

હિન્દી ચલચિત્ર કિસ્મતવાલા (૧૯૪૪)માં ગીત ગાવા માટે તેમને ખેમચંદ પ્રકાશનાં ભાઇ રતનલાલ દ્વારા રજૂ કરવામાં આવ્યા હતા. તેમણે આ ફિલ્મ માટે ત્રણ ગીતો ગાયા, ‘ગોરી ચલો ના સિના ઉભારકે..’ અને ‘દેખો હમસે ના આંખે લડાયા કરો..’. તેમણે ભંવરા (૧૯૪૪) માટે સમૂહ ગીત ‘ઠુકરા રહી હૈ દુનિયા’ ગાયું હતું. ૧૯૪૬માં તેમણે ‘દુખ કી ઇસ નગરી મેં બાબા કોઇ ના પૂછે બાત’ લાજ માટે ગાયું.

HMV સ્ટુડિઓમાં તેમનો પરિચય સ્નેહલ ભાટકર સાથે થયો જેમણે વેણીભાઈ પુરોહિત દ્વારા રચિત ગીતોનાં સંગ્રહો રજૂ કરવામાં મદદ કરી હતી. આ સંગ્રહો ભીંત ફાડી ને પીપળો ઉગ્યો અને આધા તેલ ઓર આધા પાની હતાં. ૧૯૪૮માં, શ્રી અવિનાશ વ્યાસે તેમને બે યુગ્મ ગીતો સતિ સોન ચલચિત્ર માટે આપ્યા.

પછીથી તેમણે ચિત્રગુપ્તનાં સહાયક તરીકે કામ કર્યું અને ભક્ત પુંડલિકમાં ગીત ગાયા હતાં. તેમણે તેમની સાથે ૧૯૫૧થી ૧૯૭૨ સુધી કામ કર્યું અને અનેક ફિલ્મોમાં યોગદાન આપ્યું; ઇન્સાફ, કિસ્મત, જિંદગી કે મેલે, ભાભી, કાલી ટોપી લાલ રૂમાલ. તેમણે એસ. એન. ત્રિપાઠીનાં સહાયક તરીકે પણ કામ કર્યું હતું.

ત્યાર પછી તેમણે સ્વતંત્ર રીતે હિન્દી અને ગુજરાતી ચલચિત્રોમાં ગીત-સંગીત આપવાનું શરૂ કર્યું અને ડી. દિલિપ નામ નવી ઓળખ તરીકે અપનાવ્યું. કારણ ? તેઓ ઓલ ઇન્ડિયા રેડિયો પર ગાતા હતા ત્યારે આગાજાન નામનો એક એનાઉન્સર તેમનો ઉલ્લેખ હંમેશાં દિલીપ ધકિયા તરીકે કરતો હતો. નામનો આવો ગોટાળો ટાળવા (રામચંદ્ર ચિતલકર સી.રામચંદ્ર બન્યા એ પરંપરા મુજબ) દિલીપ ધોળકિયા ડી.દિલીપ બન્યા.

તેમણે ઘણા હિન્દી ચલચિત્રોમાં સંગીત આપ્યું; ભક્તમહિમા (૧૯૬૦), સૌગંધ (૧૯૬૧), બગદાદ કી રાતે (૧૯૬૨), તીન ઉસ્તાદ (૧૯૬૧) અને પ્રાઇવેટ સેક્રેટરી (૧૯૬૨), દગાબાઝ (૧૯૭૦), વીર ઘટોત્કચ (૧૯૭૦) અને મા વૈષ્ણવી દેવી. કેટલાક ચલચિત્રોમાં તેઓ દિલિપ રોય તરીકે ઓળખાયા. તેમણે ડાકુ રાણી ગંગા (૧૯૭૭) નામના ભોજપુરી ચલચિત્રમાં પણ સંગીત આપ્યું હતું.

તેમણે ૧૯૬૩માં સત્યવાન સાવિત્રી સહિત ૧૧ ગુજરાતી ચલચિત્રોમાં સંગીત આપ્યું હતું. બીજા ગુજરાતી ચલચિત્રોમાં દિવાદાંડી, મોટા ઘરની દિકરી, કંકુ (૧૯૬૯), સત ના પારખે, સ્નેહબંધન અને જાલમ સંગ જાડેજા નો સમાવેશ થાય છે. તેમણે ઘણાં લોકપ્રિય ગુજરાતી ચલચિત્રના ગીતોનું સંગીત આપ્યું હતું જેવાં કે સ્નેહબંધનમાં બરકત વિરાણી ‘બેફામ’ દ્વારા લખેલ અને મહંમદ રફી દ્વારા ગવાયેલ ગઝલ ‘મિલન ના દિપક સહુ બુઝાઇ ગયા છે…’, જાલમ સંગ જાડેજામાં ‘બેફામ’ દ્વારા લખાયેલ અને ભુપિન્દર દ્વારા ગવાયેલ ‘એકલાજ આવ્યા મનવા…’.

તેમણે વેણીભાઈ પુરોહિત દ્વારા લખેલ અને અજિત મર્ચન્ટ દ્વારા સંગીતબદ્ધ કરેલ ‘તારો આંખનો અફીણી’ દિવાદાંડી (૧૯૫૦) ગાયું હતું જે અત્યંત જાણીતું બન્યું હતું અને હજી પણ સમગ્ર ગુજરાતમાં લોકપ્રિય છે. તેમના અન્ય લોકપ્રિય ગુજરાતી ગીતો ‘મને અંધારા બોલાવે’, અને ‘પગલુ પગલામાં અટવાયું,’ ‘સાથિયા પુરાવો દ્વારે’, ‘ઘનન ધતુડી પટુડી’, ‘બોલે મિલનનો મોર’ પણ પ્રચલિત છે.

તેમણે લક્ષ્મીકાંત-પ્યારેલાલનાં સહાયક તરીકે ૧૯૭૨થી ૧૯૮૮ સુધી કામ કર્યું. તેમણે તેમનું છેલ્લું ગીત ૧૫ ફેબ્રુઆરી ૧૯૮૮નાં રોજ રેકોર્ડ કર્યું હતું. તેમણે હૃદયનાથ મંગેશકર સાથે મીરાં ભજન (ભાગ-૧), ભગવદ્ ગીતા, જ્ઞાનેશ્વરી ગીતા, ગાલીબનાં ઉર્દૂ ગઝલ સંગ્રહ વગેરે માટે સંગીત આપ્યું.

તેમણે લતા મંગેશકર, આશા ભોંસલે, કિશોરી અમોનકરનાં ગીત સંગ્રહો HMV માટે સંગીતબદ્ધ કર્યા હતા. તેમણે નિષ્કુળાનંદ સ્વામી દ્વારા લિખિત ચૌસંથપદીનું સંગીત આપ્યું હતું. હિન્દી ફિલ્મ સંગીત ક્ષેત્રે ચિત્રગુપ્ત અને એસ.એન.ત્રિપાઠીનાં સહાયક તરીકે એમણે ખૂબ કામ કર્યું છે. સુગમ સંગીત ક્ષેત્રે ફિલ્મ સંગીતનાં પ્રમાણમાં કદાચ થોડું ઓછું કામ કર્યું હશે, પણ જેટલું કર્યું છે તેની સાદર નોંધ લેવી જ પડે.

એમને ગુજરાત રાજ્યનો ગૌરવ પુરસ્કાર અને સુગમ સંગીત ફાઉન્ડેશન દ્વારા એવોર્ડ પણ એનાયત કરવામાં આવ્યા હતા. ૧૯૮૫માં લંડનમાં યોજાયેલ ભારત મહોત્સવમાં સંગીતકાર તરીકે ભાગ લીધો હતો અને ગુજરાતી ફિલ્મોની પરિક્ષણ સમિતીનાં સભ્ય પણ રહી ચૂક્યા છે.

ગુજરાતીઓની આંખમાં અફીણી બનીને વસતા અને બોલમાં બંધાણી બનીને બોલતાં અફીણીયા શ્રી દિલીપભાઈ ધોળકીયા જે એક રજકણ બની સૂરજ થવાને શમણે ઉગમણે જઈ ઊડેલા એ આજ રોજ ૨ જાન્યુઆરી, ૨૦૧૧નાં રોજ આથમણે જઈ ઢળી પડયા. પરમ આદરણીય એવા શ્રી દિલીપ ધોળકીયાનાં જવાથી ગુજરાતી સુગમ સંગીત રાંક બન્યું જાણે કે ગુજરાતી સુગમ સંગીતની દુનિયાનો “ઘેધુર વડલો” પડી ગયો હોય. એમના સ્વરાંકનો અને અને એમના સ્વરમઢ્યા ગીતો થકી તેઓ હંમેશા આપણી વચ્ચે રહેશે.

ગુજરાતી સંગીત જગત એમના અનન્ય પ્રદાન બદલ આજીવન ઋણી રહેશે. શ્રી દિલીપ ધોળકિયા એટલે એવો ઝળહળતો તારલો કે જે ગુજરાતી સંગીતાકાશમાં સદાય ચમકતો જ રહેશે. એમની પુણ્યતિથિ નિમિત્તે ગુજરાતી સુગમ સંગીતને અપ્રતિમ ચાહનાર એવા ઉમદા માનવી શ્રી દિલીપ ધોળકિયાને સાદર વંદન..!!

– વૈભવી જોશી

(સૌજન્ય : એમના સંગીત સર્જનની વર્ષ અનુસાર માહિતી સુરેશભાઈ જાનીનાં બ્લોગમાંથી આભાર સહ)

TejGujarati