જો પુત્રનો સંબંધ નિભાવવો હોય તો, ભીષ્મની જેમ બાણશૈય્યા પર સુવું પડે. જો પિતાનો સંબંધ નિભાવવો હોય તો, દ્રોણની જેમ નરોવા કુંજરોવા માની લેવું પડે.- વૈભવી જોશી “ઝીલ”

કલા સાહિત્ય ગુજરાત ટેક્નોલોજી ધાર્મિક બિઝનેસ ભારત મનોરંજન રાજનીતિ લાઇફ સ્ટાઇલ સમાચાર

આજનાં કળયુગમાં જ્યાં ઉગમણે જન્મેલાં સંબંધો ઘણીવાર સૂર્યાસ્ત પહેલાં જ દમ તોડી દેતાં હોય છે એવામાં સંબંધોની મહત્તા જાણવા અને સમજવા મહાભારતનાં કેટલાંક ઉમદા પાત્રોનાં આધારે એક અલગ સંદર્ભ રજુ કર્યો છે. મારી સમજણનાં આધારે અને અંગત મતે જે સંબંધ માટે ઉમદા અને શ્રેષ્ઠ પાત્ર મેં અનુભવ્યું એ ટાંક્યું છે અને એની પાછળ પણ ચોક્કસ તર્ક રહેલો છે.

દરેક સંબંધ સાથે જે પાત્ર સાંકળ્યું છે એ પાત્રએ જે તે સંબંધ શ્રેષ્ઠ રીતે નિભાવી જાણ્યો. મારાં મતે અમુક ચૂંટેલા સંબંધોમાં સાંકળેલા પાત્રથી વિશેષ અન્ય કોઈ શ્રેષ્ઠ પાત્ર ન હોઈ શકે. આપના મતે અન્ય કોઈ પાત્ર જે તે સંબંધ માટે શ્રેષ્ઠ લાગ્યું હોય તો આપના મતને તાર્કિક રીતે રજુ કરશો એમ માની આવકારુ છું.

જો પુત્રનો સંબંધ નિભાવવો હોય તો,

ભીષ્મની જેમ બાણશૈય્યા પર સુવું પડે.

જો પિતાનો સંબંધ નિભાવવો હોય તો,

દ્રોણની જેમ નરોવા કુંજરોવા માની લેવું પડે.

જો પૌત્રનો સંબંધ નિભાવવો હોય તો,

બર્બરિકની જેમ ચરણોમાં શીશ ધરવું પડે.

જો પતિનો સંબંધ નિભાવવો હોય તો,

ભીમની જેમ દેવપુત્ર મટી રાક્ષસ બનવું પડે.

જો પત્નીનો સંબંધ નિભાવવો હોય તો,

કુંતીની જેમ આખી જિંદગી ચિંતામાં બળવું પડે.

જો બહેનનો સંબંધ નિભાવવો હોય તો,

સુભદ્રાની જેમ માત્ર ગોવાલણ બની મળવું પડે.

જો માતાનો સંબંધ નિભાવવો હોય તો,

ગાંધારીની જેમ ઈશ્વરને પણ શ્રાપ આપવા પડે.

જો કુળવધુનો સંબંધ નિભાવવો હોય તો,

દ્રૌપદીની જેમ સ્વયંનાં ભાગ વહેંચી આપવા પડે.

જો ભાણેજનો સંબંધ નિભાવવો હોય તો,

અભિમન્યુની જેમ કુટનીતિનાં ચક્રવ્યૂહમાં ફસાવું પડે.

જો ભાઈનો સંબંધ નિભાવવો હોય તો,

પાંડવોની જેમ લાક્ષાગૃહની અગ્નિમાં તપવું પડે.

જો અતિથિનો સંબંધ નિભાવવો હોય તો,

શલ્યની જેમ ખોટા પક્ષે સારથી બની લડવું પડે.

જો શત્રુનો સંબંધ નિભાવવો હોય તો,

શકુનીની જેમ કુળનો વિનાશ નોતરવો પડે.

જો શિષ્યનો સંબંધ નિભાવવો હોય તો,

એકલવ્યની જેમ અંગુઠો કાપી આપવો પડે.

જો ગુરૂનો સંબંધ નિભાવવો હોય તો,

પરશુરામની જેમ દેવવ્રત તૈયાર કરવો પડે.

જો ઋણનો સંબંધ નિભાવવો હોય તો,

કર્ણની જેમ દિવ્ય કવચ ને કુંડળ ત્યાગવા પડે.

જો મિત્રનો સંબંધ નિભાવવો હોય તો,

સુદામાની જેમ પ્રભુને ઉઘાડા પગે દોડાવા પડે.

જો સખાનો સંબંધ નિભાવવો હોય તો,

કૃષ્ણની જેમ નવસોનવ્વાણું ચીર પુરવા આવવું પડે.

જો ધર્મને ન્યાય સાથે સંબંધ નિભાવવો હોય તો,

અધર્મનાં ચોસરની અગ્નિમાં તેર વરસ સળગવું પડે.

– વૈભવી જોશી “ઝીલ”

(મારાં મતે ઉપર જણાવેલા સંબંધોમાંથી જો ખરે ટાણે અમુક લોકોએ સંબંધ નિભાવ્યો ન હોત તો કદાચ ધર્મની સ્થાપનાને તેર વરસ ને અઢાર દિવસ ખેંચાવું ન પડ્યું હોત.)

TejGujarati