મારામાં કળ નથી ..- બીના પટેલ.

કલા સાહિત્ય ગુજરાત ધાર્મિક ભારત સમાચાર

સ્મરણના શંખ-ધ્વનિ સાથે તારું ચિત્ર દોરું ,

ગુલમહોર મ્હોંરે ,એ તારા ચહેરામાં દેખું ,

પણ , દર્પણને પૂછવાની મારામાં કળ નથી ….!

મરજીવો થઇ ખારો દરિયો આજ હું

ખાળું ,

સાચું મોતી આ ગાજતા સાગરમાં શોધું ,

પણ ,સમયના ચહેરામાં આજે વળ નથી ….!

ખામોશ આંખોમાં યુગ યુગની ભીનાશ શોધું ,

કાંઠાના ઝાડની માફક તરસીને દિવસો ગાળું ,

પણ ,તડકાને પલાળું એવું કોઈ જળ નથી ….!

પાંચીકા રમતાં બાળપણની એ મુગ્ધતા ખોળું ,

આંગણાનાં મારા બે હાથનાં લાલ થાપા શોધું ,

પણ ,વિસર્જિત વેદના માટે કોઈ સ્થળ નથી …!

અનામ પંખીનાં આવાસ માટે એક ડાળ શોધું ,

નભનું ધરા તરફ ઝુકવાનું કારણ તો ગોતું ,

પણ ,ઉધારીની ઉદાસી સાચવેલી એક પળ નથી …!

-બીના પટેલ

TejGujarati