ઓમ કોમ્યુનિકેશન દ્વારા તા.05 થી 09 જાન્યુઆરી (બુધવારથી રવિવાર),રોજ સાંજે 5-30 કલાકે,ગોવર્ધનસ્મૃતિ મંદિર સભાગૃહ,ગુજરાતી સાહિત્ય પરિષદ,અમદાવાદ ખાતે ‘સાહિત્ય પંચામૃત’નું આયોજન કરવામાં આવ્યું.
સળંગ પાંચ દિવસ ચાલનારા ‘સાહિત્ય પંચામૃત’માં 09 જાન્યુઆરી,રવિવારના રોજ,પાંચમા અને અંતિમ દિવસે આધુનિકયુગ અને આધુનિક યુગપ્રતિનિધિસર્જક ‘ લાભશંકર ઠાકર ‘ વિશે સાહિત્યકાર સમીર ભટ્ટે વક્તવ્ય આપ્યું તથા અનુઆધુનિકયુગ અને અનુઆધુનિક યુગપ્રતિનિધિસર્જક ‘ જોસેફ મેકવાન ‘ વિશે સાહિત્યકાર ગુણવંત વ્યાસે અને ‘ ઈલા આરબ મહેતા ‘ વિશે સાહિત્યકાર સંધ્યા ભટ્ટે વક્તવ્ય આપ્યું.સમગ્ર કાર્યક્રમનું સંચાલન કવિ મનીષ પાઠક ‘શ્વેત’એ કર્યું હતું.આ કાર્યક્રમને માણવા કોઈપણ પ્રકારની પ્રવેશ ફી રાખવામાં આવી ન્હોતી.
————
સમીર ભટ્ટ :
-આજના સમાધાનકારી સમયમાં,સર્જકતાની ઓછપના યુગમાં પ્રખર આધુનિકતાવાદી વિદ્રોહી લાભશંકર ઠાકર આપણી સાથે ના હોવાનો અવસાદ દરેક સાચા સાહિત્યરસિકને હોવાનો.
-લાભશંકર ઠાકર વીસમી સદીના સાતમા દાયકાથી એકવીસમી સદીના બીજા દસક સુધી સતત સાતત્યથી લખતા આપણા સર્જક છે
-ગુજરાતી આધુનિક કવિતા એમ કહીએ એટલે પ્રથમ જ કવિ યાદ આવે તે લાભશંકર ઠાકર જ હોય.
-વિદ્રોહનો સાહિત્યિક ચહેરો એટલે લાભશંકર
-લાભશંકર ઠાકરનું સાહિત્યસર્જન ગુજરાતી સાહિત્યને માટે દીવાદાંડીરૂપ બની રહેશે.
————-
ગુણવંત વ્યાસ :
-જોસેફ મેકવાન ગુજરાતી દલિત સાહિત્યના અગ્રણી
-વીસમી સદીના નવમા દાયકાના સાહિત્યમાં જે ક્રાંતિકારી સર્જનો થયા એમાં દલિત સાહિત્યક્ષેત્રે અપૂર્વ અને અનન્ય કહી શકાય તે કોટિનું સર્જન નવલકથા,વાર્તા,રેખાચિત્રો ક્ષેત્રે પ્રથમવાર જોસેફ મેકવાન દ્વારા થયું.
-એમના માતબર સર્જનમાં ચિરંજીવી બની રહેવા સર્જાયા હોય તેવા સર્જનોમાં નવલકથાક્ષેત્રે ‘વ્યથાના વીતક’ને સૌ યાદ કરશે.આ કૃતિ દ્વારા સર્જક સદાય જીવિત રહેશે એ નક્કી.
————–
સંધ્યા ભટ્ટ :
-સર્જનમાં વિપુલતા અને ગુણવત્તા ધરાવનાર ઈલા આરબ મહેતાએ 1966 માં ‘ત્રિકોણની ત્રણ રેખાઓ’ નામે પહેલી નવલકથા આપી,ત્યારથી માંડીને હમણાં 2020 માં ‘નારીવાદી વિચારણા’ પુસ્તક આપ્યું ત્યાં સુધીની પ્રલંબ લેખનયાત્રા વિસ્ફારિત કરે છે.
-‘બત્રીસ પૂતળીની વેદના’ (1982) અનુઆધુનિક કાળની સીમાચિહ્નરુપ કૃતિ છે.
-મુંબઈની સેન્ટ ઝેવીયર્સ કૉલેજમાં તેમણે ગુજરાતીનું અધ્યાપન કર્યું છે.સતત વાચન અને સ્ત્રીઓ પ્રત્યે નિસ્બતને કારણે તેમની કૃતિઓમાં મહદઅંશે સ્ત્રીપાત્રો જોવા મળે છે.
– 2011 માં પ્રગટ થયેલી ‘વાડ’ નવલકથાનો અનુવાદ રીટા કોઠારીએ ‘The Fence’ નામે કર્યો છે.
-18 નવલકથા,125થી વધારે વાર્તાઓ,પરિચય પુસ્તિકા અને અન્ય સંપાદન દ્વારા તેઓ વાચકોમાં જાણીતાં બન્યાં છે.