*ફરી કુદરતના ખોળે* (Non fiction)*લેખક: જગત કીનખાબવાલા* *કંઠીલો ચુગ્ગડ/ દેશી ચુગ્ગડ/

ગુજરાત ટેક્નોલોજી બિઝનેસ ભારત સમાચાર

*ફરી કુદરતના ખોળે*

(Non fiction)

*લેખક: જગત કીનખાબવાલા*

htpp://www.facebook.com/jagat.kinkhabwala

*કંઠીલો ચુગ્ગડ/ દેશી ચુગ્ગડ/ Indian Collared Scops Owl /Scientific Name : Otus bakkamoena*

કદ: ૯ ઇંચ થી ૧૦ ઇંચ – ૨૩ સે.મી થી ૨૫ સે.મી. વજન: ૧૨૫ ગ્રામ થી ૧૬૦ ગ્રામ. આયુષ્ય: ૧૧ વર્ષથી ૧૨ વર્ષ.

*લાક્ષણિક રંગરૂપ ધરાવતું કંઠીલો ચુગ્ગડ*

લગભગ ચીબરી જેવડા કે તેનાથી થોડા નાના મોટા જુદી જુદી જાતના ઘુવડને ગુજરાતીમાં ચુગ્ગડ કહે છે. ત્રણ જાતના ચુગ્ગડમાં દેશી કંઠીલો ચુગ્ગડ/ દેશી ચુગ્ગડમાં માપમાં સહુથી મોટો ચુગ્ગડ છે.

દક્ષિણ એશિયામાં વ્યાપક પ્રમાણમાં ઉછરતું આ ઘુવડ પોતાની આગવી અને લાક્ષણિકતાઓના લીધે તે પોતાની ભારતીય દેશી ચુગ્ગડની/ Otus bakkamoena ઓળખ પામ્યું છે.

છેક હિમાલયના ઠંડા પ્રદેશથી શરુ કરી ભારતવર્ષમાં વ્યાપક પ્રમાણમાં જંગલ, ગીચ જંગલના છેવાડાના ભાગે, ગીચ ઝાડીવાળ તેમજ ગીચ બગીચાના વિસ્તારમાં ઉછરે છે. ઝાડની બખોલમાં માળો ભરવાનું પસંદ કરે છે. નેપાળ, ચીન, મલેશિયા, તાઇવાન, શ્રીલંકા વગેરે દેશમાં તેમજ કેટલાક પ્રમાણમાં શિયાળાની ઠંડી ઋતુમાં સ્થળાંતર કરીને આવતા હોય છે.

૨૩ થી ૨૫ સે. મી. નું નાનું કદ ધરાવે છે. મુખ્યત્વે કપાળમાં આગરના બંને ભાગે ઉભા પીંછા હોય છે. આછો શ્યામળો બદામી ચહેરો હોય છે. ઉપરનું શરીર આછું બદામી/બફ હોય છે જેમાં આછા કથ્થાઈ રંગની રેખાઓ અને ટપકા હોય છે. તેમનું પેટાળ બફ/ આછા બદામી રંગનું હોય છે જેમાં ઘેરી રેખાઓ ઉપસી આવે છે. આગવી ડોક પીળા રંગની અને રેખાઓવાળી હોય છે, જાણે કે ખમીસ/ શર્ટનો કોલર જોઈ લો જે કારણે તેનું એક નામ કંઠિલો ચુગ્ગડ પડેલું છે. ચાંચમાં ક્યાંતો લીલો અથવા પીળો રંગ હોય છે અને પગ લીલાશ પડતા પીળા હોય છે. સુંદર અને ઘેરી આંખ બદામી રંગની હોય છે. દેખાવમાં નર અને માદા સરખા રંગના હોય છે. ચપટા ગોળ મુખારવિંદ ને ફરતે એક કાળી રેખા હોય છે જે તેનો આગવો દેખાવ ઉભો કરે છે. ગુક…ગુક જેવો અવાજ કાઢે છે જે સાંભળતા લાગે કે જાણે પાણીમાં કશુંક ટીપે ટીપે પડે અને ડબ ડબ અવાજ આવે એવો અવાજ સંભળાય. મોજાની જેમ ઉપર નીચે ઉડાણ ભરે છે.

યાયાવર ઓરિએન્ટલ ચુગ્ગડ અને ઇન્ડિયન સ્કોપ્સ આઉલ એ બે પોતાના આગવા અવાજ અને આંખોના રંગથી એકબીજાથી જુદા પડે છે. તેઓ રંગ રૂપના લીધે ઝાડીમાં જલ્દી દેખાતા નથી. નિશાચર પક્ષી હોઈ સાંજ પછી બહાર નીકળે છે અને ક્યારે પોતે ઝાડીમાં આરામ કરતા હોય ત્યારે બીજા નાના પક્ષી તેમને જોઈ જાય એટલે ભેગા મળી ચી..ચી..ચી કલબલાટ કરી મૂકે અને આઘું પાછું થાય એટલે બીજા લોકોની નજરે ચઢે છે.

નવેમ્બર મહિનાથી એપ્રિલ મહિના સુધી તેમની પ્રજનનની ઋતુ હોય છે. ઝાડની બખોલમાં માળો બનાવે છે અને ક્યારેક બીજા પક્ષીના છોડી દીધેલા માળાને લઇ લે છે. અવાવરું મકાનોમાંમાં પણ માળો બનાવી લે છે. પ્રજનનની ઋતુમાં ૩ થી ૫ ઈંડા મુકવાની ક્ષમતા ધરાવે છે. ૨૮ થી ૩૦ દિવસમાં ઈંડા સેવે છે અને ત્યારબાદ ૨૧ થી ૨૫ દિવસમાં બચ્ચા ઉડતા થઇ જાય છે. મુખ્યતેવે તેમના વસવાટનો નાશ કરવામાં આવે છે તે તેમના અસ્તિત્વ માટે ખતરો બની રહે છે.

ખોરાકમાં મુખ્યત્વે તીતીઘોડા, ઈયળ, જીવડા, ઉંદર, દેડકા, માછલી, કાચિંડા, નાના પક્ષી વગેરે ખાઈ લે છે.

(ફોટોગ્રાફ: શ્રી જીતેન શાહ, શ્રી મયુર જાપાન)

*આવો કુદરતના ખોળે, નિરાંત અનુભવીએ.*

*સ્નેહ રાખો – શીખતાં રહો – સંભાળ રાખો*

*Love – Learn – Conserve*

TejGujarati