તારો વૈભવ રંગમોલ સોનું ને ચાકર ધાડું, મારે ફળીયે ચકલી બેસે તે મારું રજવાડું.- વૈભવી જોશી.

ગુજરાત ટેક્નોલોજી બિઝનેસ ભારત સમાચાર

હું મોટા ભાગે દિનવિશેષ લખું એટલે ર.પા.નો આ શેર ટાંક્યો એ વાંચીને જો કોઈ ને એમ થાય કે આજે નક્કી વિશ્વ ચકલી દિવસ હોવો જોઈએ તો એવું કઈ નથી હો. પણ હા ! ચકલીઓની જાતિ જે રીતે લુપ્ત થઇ રહી છે એના સંરક્ષણ માટે ૨૦ માર્ચે વિશ્વ ચકલી દિવસ હકીકતમાં ઉજવાય છે એ વાત સાચી છે પણ એ વાત પછી ક્યારેક. આજે તો મારે ફોટોમાં મૂકેલા આ કુદરતી દ્રશ્યને બસ મન ભરીને માણવું છે. જોકે આ મારી ચકલીઓ, કાબરો અને કબુતરો પેલી વાર આવ્યા છે એવું તો છે નહિ આ તો રોજનો ક્રમ.

પણ આજે તો ભારે કરી હો..!! એટલે વળી મને થયું કે આ રસપ્રદ પ્રસંગ આપ સહુ સાથે શેર કરું. આજથી નાતાલની રાજાઓ શરૂ થઇ એટલે વળી આજે જરા આરામથી ઉઠવાનું બન્યું તો એક કાબર આજે મારા બેકયાર્ડમાંથી અંદર રસોડામાં આવી ગઈ અને રોજ કરતા ચોખા નાંખવામાં મોડું થયું એમાં તો એણે શોર બકોર કરી મુક્યો ને ઉડાઉડ કરી મૂકી રસોડામાં. હવે બન્યું એવું કે જાળી ભૂલમાં બંધ થઇ ગઈ હશે આમનાથી.

હવે કાબર મુંજાણી બરાબરની કેમકે એને થયું કે આ હું ક્યાં ફસાઈ ગઈ એને તો બહાર નીકળવાનો રસ્તો પણ સૂઝે નહિ. આમથી તેમ રસોડામાં થોડી વાર તો એણે બહુ ભારે કરી. મારે જાળી ખોલવા પણ કેમ જવું જેથી એ બહાર ઉડી શકે. અમે બધાય મૂંજાયા, એ અમને જાળી સુધી પહોંચવા જ ન દે પોતે પણ હાંફળી ફાંફળી થઇ અને અમારોય જીવ અધ્ધર કરી દીધો. માંડ-માંડ મેં હિમંત ભેગી કરી અને જાળી ખોલી તો આપી પણ એ કાબરને પણ થોડી વાર રહીને સમજાયું કે અહીંયાથી હું બહાર ઉડી શકું.

ભારે ગમ્મ્મત થઇ થોડી વાર તો પણ પછી એને રસ્તો દેખાયો અને બહાર ઉડી ગઈ. અમને બધાને પણ મનમાં હાશ થઇ. આ બધામાં મને એક વાત સમજાઈ કે કેવું નિર્દોષ પક્ષી..!! મારે ચોખા નાંખવા માં જરાક મોડું થયું તો હકથી રસોડામાં આવી ગઈ ને જાણે મને કહેતી ન હોય કે અમારો સવારનો નાસ્તો ક્યાં? ખરેખર જેમ સવાર-સવારમાં બાળક એની મમ્મી પાસે નાસ્તો માંગે એવા જ હકથી એ છેક અંદર રસોડામાં આવી ગઈ મને થયું કે આ નાની અમથી કાબરને કેટલો વિશ્વાસ મારા પર. અને એટલું જ નહિ મારા બેકયાર્ડની દિવાલ પર ચકલીઓ લાઈન લગાવી ને રાહ જોતી બેઠી હતી. ભરતભાઈ ગઢવી કહે છે ને કે,

આતો ભોળપણ છે આ નિર્દોષ પક્ષીઓનું,

બાકી બીજાનાં ઘરમાં કોણ રહેવા જાય છે?

મેં ઝટપટ પગ ઉપાડ્યો ને પેલા એમના ચોખાને રોટલીનો ચૂરો કરી નાંખ્યા ને પાણી ભર્યું એટલે નિરાંતે બધાએ ખાવાનું ચાલુ કર્યું. મેં કેટલીય વાર સુધી આ દ્રશ્ય જોયા કર્યું. મારાં બેકયાર્ડમાં તો આ રોજનો ક્રમ છે પણ મને એમ થયું કે કેટલી યંત્રવત લાઈફ થઇ ગઈ છે આપણા બધાની. આવું અનુપમ દ્રશ્ય રોજ મારાં ઘરનાં બેકયાર્ડમાં સર્જાય છે પણ આપણી પાસે ખરેખર એને માણવાનો સમય છે ખરાં ?

એટલામાં મને બેઠેલી જોઈ મારી દીકરી શાન્વી મારી બાજુમાં ગોઠવાઈ ગઈ કેમ કે એને તો આ બધું જોવું ખુબ ગમે એટલાં બધા પ્રશ્નો પૂછે મને અને મને પણ મજા પડે એને આ બધું સમજાવવામાં. એણે તો ગિજુભાઈ બધેકાનું ગીત પણ ગાવા માંડ્યું અને પાછું ચકલી, કાબર અને કબૂતર જ હતાં એટલે વળી આખા ગીતમાંથી એમના પૂરતી જ લાઇન્સ હો..!!

આવો પારેવા, આવોને ચકલાં

ચોકમાં દાણા નાખ્યા છે.

આવો કાબરબાઈ, કલબલ ન કરશો

ચોકમાં દાણા નાખ્યા છે.

વળી પાછી કાબર ને કબૂતર ઉડી ગયાં ને ચકલીઓ રહી તો પાછું વળી એને આ ગીત યાદ આવ્યું.

ચકીબેન ચકીબેન મારી સાથે રમવા

આવશો કે નહિ? આવશો કે નહિ?

બેસવાને પાટલો, સૂવાને ખાટલો, ઓઢવાને પીંછા

આપીશ તને હું આપીશ તને…!!

દોસ્તો ! ખરેખર કહું છું તમારા બાળકોને કુદરતનાં ખોળે રમવા દેજો. એમને આ ભોળાભાળા નિર્દોષ પશુ પક્ષીઓ સાથે મૈત્રી કેળવવા દેજો. એમને સમજાવજો કે પક્ષીઓ કે પ્રાણીઓ ઝૂ માં જઈને જોવા લાયક નથી પણ આમ કુદરતનાં ખોળે કલબલાટ કરતાં હોય કે તમારાં ઘર આંગણે શોર બકોર કરતાં હોય એ જોવા ને માણવા લાયક છે.

સ્વતંત્રતા પર જેટલો હક આપણો છે એટલો જ એમનો પણ છે. માત્ર ગરમીનાં દિવસોમાં જ નહિ પણ બારેમાસ એમના માટે અનાજ પાણીની વ્યવસ્થા જરૂર કરજો. તમારાં મનને એક અદભુત શાંતિ ન મળે તો કહેજો. બધા જ સાથે મળીને સહિયારો પ્રયત્ન કરીશું તો કદાચ આપણા બાળકોને ફોટોમાં બતાવવાની જરૂર નહિ પડે કે પક્ષીઓ કે પ્રાણીઓ આવા દેખાતાં હતાં.

આપણા સ્વભાવની વિસંગતતાએ આપણને સ્વાર્થી બનાવી દીધા છે. એક વખત હતો કે સુરજનાં પ્રથમ કિરણો સાથે આપણને ચકલીઓનું ચીં ચીં કે કોયલનાં મધુર ટહુકાઓ કે એમના કેકારવ સંભળાતા અને હવે અલાર્મનાં કૃત્રિમ ઘોંઘાટથી જાગીયે છીએ.

મને એ વાત ની ખુશી છે કે હું ખરેખર ચકલીઓ આંખ સામે ચણતી હોય અને હું મારી દીકરીને ‘એક હતી ચકી ને એક હતો ચકો, ચકી લાવી ચોખાનો દાણો ને ચકો લાવ્યો મગનો દાણો’ આ વાર્તા કહેતી હોઉં અને એટલા જ રસથી એ સાંભળે પણ છે. એ જોવે છે કે કેવી રીતે ચકલી એની ચાંચમાં ચોખા ભરી એના બાળકોને ખવડાવે છે.

ક્યાંક એવું ન થાય કે તમે જયારે આ વાર્તા કહેવા બેસો ત્યારે તમારા છોકરાઓ એમ પૂછે કે મમ્મી આ ચકી ને ચકો કોણ??

– વૈભવી જોશી (એક કાળા માથાનો માનવી જે ખરેખર માનવજાત સહીત અન્ય તમામ જાતિઓ જે લુપ્ત થઇ ગઈ અને થઇ રહી છે એનો ખરો ગુનેહગાર)

TejGujarati