‘અભિનય સમ્રાટ’ એટલે કે શ્રી ઉપેન્દ્ર ત્રિવેદી.- વૈભવી જોશી.

ગુજરાત ટેક્નોલોજી બિઝનેસ ભારત સમાચાર

તમે કોઈ દિવસ બેઠાં-બેઠાં ગૂગલમાં સર્ચ કરતા હો ત્યારે ક્યારેય પણ એવું બન્યું છે કે તમે કોઈનાં નામને બદલે એમના માટે વપરાતું વિશેષણ લખો અને છતાંય ગૂગલ પણ જાતે સમજીને એ જ વ્યક્તિવ વિશેનાં પાનાં ખોલે જેના માટે એ વિશેષણ વપરાતું હોય? ના કર્યું હોય તો કોઈ દિવસ ગુગલમાં ફક્ત અભિનય સમ્રાટ લખી જોજો અને પછી રિજલ્ટ જોજો કે કોનું આવે છે.

ફક્ત અભિનય સમ્રાટ લખશો તો ગૂગલ પણ તમને શ્રી ઉપેન્દ્ર ત્રિવેદી વિશે માહિતી આપશે. બહુ ઓછાં વ્યક્તિત્વ એવા હોય છે કે જેમના નામ પછી પણ એમના માટે વપરાતું વિશેષણ એમની આગળ કાયમી રહી જાય અને એવું જ એક અદકેરું વ્યક્તિત્વ એટલે આપણા ‘અભિનય સમ્રાટ’ એટલે કે શ્રી ઉપેન્દ્ર ત્રિવેદી. આજે એમની પુણ્યતિથિ પર એમને સાદર વંદન કર્યા વગર કેમ રહેવાય.

આ કોઈ નામ કે વ્યક્તિ નથી આ તો એક યુગ પ્રતિભા છે અને આ વ્યક્તિત્વનો પ્રભાવ કદાચ એક આખા યુગ પર પડ્યો હશે એમ કહું તો પણ જરાય અતિશયોક્તિ નથી. ગુજરાતી ફિલ્મ ‘વીર માંગડાવાળા’નો માંગડાવાળો બનીને જેણે તલવારોનાં ઘા ઝીલ્યા છે, રાજા ભરથરી બનીને માળવાને ત્યાગી કરી દીધો છે તો વળી, રા’ નવઘણ બનીને ગીરનારનાં રખોપાં કર્યાં અને વળી માલવપતિ મુંજ બનીને લોકોનાં હૃદયમાં ‘રાજા’ તરીકે માન-પાન પામ્યાં તેવા ગુજરાતી ફિલ્મનાં પાયાનાં પથ્થર અને શિખરની ધજા જેવા શોભતા અને ગુજરાતની પ્રજાનાં લાડલા પ્રતિભાવાન વ્યક્તિ તે બીજું કોણ હોઈ શકે?

એ મોભાદાર વ્યક્તિત્વ એટલે જ પદ્મશ્રી ‘અભિનય સમ્રાટ’ ડૉ. ઉપેન્દ્ર ત્રિવેદી. અભિનયની દુનિયાનાં ચક્રવર્તી સમ્રાટ એવા શ્રી ઉપેન્દ્ર ત્રિવેદી લગભગ ૪૦ વર્ષ સુધી ગુજરાતી રંગભૂમિ અને ગુજરાતી ફિલ્મોમાં પોતાના અભિનયનાં અજવાળાં પાથરી છવાયેલાં રહ્યા હતાં. જાણકાર લોકો તો તેમના ગાળાને “ઉપેન્‍દ્ર ત્રિવેદી યુગ” તરીકે ઓળખે છે.

ગુજરાતી ફિલ્મોએ જેમના અભિનયકાળ દરમિયાન સુવર્ણકાળ જોયો છે, તો તખ્તા પર તેમણે કરેલા અભિનયે જ તેમને અભિનય સમ્રાટનું બિરુદ અપાવ્યું છે. ૧૪ જુલાઈ ૧૯૩૬નાં રોજ મધ્યપ્રદેશનાં ઇન્દોર શહેરમાં ગુજરાતી પરિવારમાં જન્મેલ એક બાળક પાંચ વર્ષની ઉંમરે પોતાના વતન ઇડર તાલુકાનાં કુકડીયા ગામે ધૂળી શાળામાં પ્રવેશ કરે છે.

પરંતુ બે જ વર્ષ પછી ફરીથી ઉજ્જૈનની ગુજરાતી સમાજની પ્રાથમિક શાળામાં પરત ફરે છે અને માધ્યમિક શિક્ષણ પણ ત્યાંની આદર્શ વિધાલયમાં પૂર્ણ કરીને ઉચ્ચ શિક્ષણ લેવા છેક મુંબઈ જાય છે. શરૂઆતમાં તેઓ પોતાના મોટાભાઈ પાસે મુંબઈમાં રહેતા હતા. તેમણે ’બોમ્બે યુનિવર્સિટી’ માંથી, આર્ટ્સ વિદ્યાશાખામાં સ્નાતકની ઉપાધી મેળવી હતી. પિતા જેઠાલાલ ત્રિવેદી પણ રંગભૂમિનાં ખૂબ સારા કલાકાર એટલે અભિનય વારસામાં જ મળ્યો હતો.

માત્ર ૧૭ વર્ષની કિશોર વયે મુંબઈ ખાતે આયોજિત એક કાર્યક્રમમાં શ્રી નંદકુમાર પાઠક લિખિત એકાંકી ‘કહ્યાગરો કંથ’માં એક વૃદ્ધ વડીલની ભૂમિકા ઉત્તમ રીતે ભજવીને સૌની પ્રસંશા મેળવેલી. ઇન્ટરકોમર્સ માં ત્રણ વાર નાપાસ થયા પછી અભ્યાસ છોડી દેવાની ઈચ્છા થયેલી કેમકે નાટકનો રંગ ચડતો જતો હતો પણ ઘરનાં સભ્યોની નારાજગીનાં કારણે તેમ કરી ન શક્યા. આજીવિકા માટે જુદી જુદી ફેક્ટરીઓમાં રાતપાળીની નોકરી પણ કરી જેથી દિવસે નાટકનાં રિહર્સલ કરી શકાય.

એ સમયે મુંબઈમાં ભારતીય વિદ્યાભવન દ્વારા ‘આંતર કોલેજ નાટ્ય સ્પર્ધા’ યોજાતી જે આખા મુંબઈમાં ખુબ પ્રતિષ્ઠિત ગણાતી. એમનું એક જ સ્વપ્ન કે આ સ્પર્ધામાં વિજેતા થવું. અને ૧૯૫૭માં માત્ર ૨૦ વર્ષની વયે અજિત પટેલ લિખિત એકાંકી ‘ભીતરનાં વહેણ’ ભજવી શ્રેષ્ઠ અભિનેતાનું પારિતોષિક મેળવ્યું. અને પછી તો એમનું ‘પાવક ભષ્મ’ નાટક પણ વિજેતા થયું. અને ધીમે ધીમે ભવન્સમાં અંગ્રેજી, હિન્દી ગુજરાતી અને મરાઠી એમ ચારેય ભાષાની સ્પર્ધાઓમાં આ યુવા પ્રતિભા વિજેતા બની એક અદભુત નાટક ‘શાહજહાં’ દ્વારા ‘મુન્શી ટ્રોફી’ પણ મેળવે છે.

ધીમે ધીમે અભ્યાસ છોડવાનાં પોતાના નિર્ણયને દ્રઢ બનાવી મુંબઈમાં જ ‘રંગભૂમિ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ડ્રામેટિક આર્ટસ’માં પ્રવેશ મેળવી અભિનયનાં વિવિધ પાસાઓની તાલીમ મેળવી ડિપ્લોમા થયાં. મુંબઈ ખાતે કોલેજ જીવન દરમિયાન ઉપેન્દ્ર ત્રિવેદીએ ઘણાં નાટકોમાં કામ કર્યું હતું. ચલચિત્ર જગતમાં તેમણે કારકિર્દીની શરૂઆત ૧૯૭૦માં કરી અને સતત ૪૦ વર્ષ સુધી તેઓ આ કારકિર્દીમાં રહ્યા.

મુંબઈની સિદ્ધાર્થ કોલેજમાં શિક્ષણ દરમિયાન જ એમને નાટકો દ્વારા રંગમંચ ગજવ્યો અને એ જ તખ્તા પર તેઓ ૭૫ જેટલા અનેકવિધ નાટકોમાં મુખ્ય પાત્રો ભજવીને ‘અભિનય સમ્રાટ’નું બિરુદ પામ્યા. તેમણે ગુજરાતી નાટક ‘અભિનય સમ્રાટ’માં સાત અલગ અલગ ભૂમિકાઓ કરેલી. આ ઉપરાંત પારિજાત, આતમને ઓઝલમાં રાખમાં, મેજર ચંદ્રકાન્ત, ધૂપસુગંધ, વેવિશાળ, એક સોનેરી સવાર, કથા તારી વ્યથા મારી, કંચન ભયો કથીર, સહકારનાં દિવા જેવા અનેક નાટકોમાં અભિનય કરી રંગભૂમિને ધબકતી કરી દીધી.

આજ અભિનયે તેમને ગુજરાતી ફિલ્મ ‘કાદુ મકરાણી’માં નાનકડી ભૂમિકા અપાવી. એ નાનકડી ભૂમિકાને તેમણે અભિનયની એવી બુલંદી પર પહોંચાડી કે, ગુજરાતી ફિલ્મોનાં ૧૯૭૦- ૧૯૮૦નાં સુવર્ણકાળમાં તેઓ મોખરાના સ્થાને પહોંચ્યા. શરૂઆતમાં તેઓએ કોલેજની ફી ભરવા માટેના પૈસા કમાવા માટે કેટલાંક ગુજરાતી ચલચિત્રોમાં સહાયક ભૂમિકાઓ ભજવેલી. તેમણે વનરાજ ચાવડો, મહેંદી રંગ લાગ્યો જેવા ચલચિત્રોમાં આવી ભૂમિકાઓ ભજવેલી.

તેમને ગુજરાતી ચલચિત્રોમાં પ્રથમ મોટી તક રવિન્દ્ર દવે દ્વારા દિગ્દર્શિત ચલચિત્ર “જેસલ તોરલ”માં મળી. ગુજરાતી નાટક અભિનય સમ્રાટમાં તેમનો અભિનય જોઈને રવિન્દ્ર દવેએ તેમને આ તક આપી હતી. જેસલ તોરલ સફળ વ્યવસાયિક ચલચિત્ર હતું જેમાં ઉપેન્દ્ર ત્રિવેદીએ જેસલ જાડેજાનું પાત્ર ભજવ્યું હતું. જેસલ તોરલથી શરૂ થયેલી તેમની ગુજરાતી ફિલ્મોની સફરમાં એક તરફ કોંકણી અભિનેત્રી સ્નેહલત્તા અને બીજી તરફ રીટા ભાદુરી સાથેની ફિલ્મોએ ગુજરાતી ફિલ્મ રસિકોમાં ધૂમ મચાવી હતી. બીજી તરફ તેમની મોટાભાગની ગુજરાતી ફિલ્મો સુગમ સંગીતનાં બાદશાહ શ્રી અવિનાશ વ્યાસનો સાથ મળ્યો.

જેટલા પણ લોકો મને સારી રીતે જાણે છે એ બધા ને મારો રંગભૂમિ અને ગુજરાતી ફિલ્મો પ્રત્યેનો મારો વિશેષ લગાવ પણ ખબર જ હશે. હું જો આ અભિનય સમ્રાટની એક પછી એક હિટ ફિલ્‍મોનાં નામ યાદ કરું જે મેં પોતે જોયેલી તો આટલાં નામ તો મને કડકડાટ યાદ આવે જેમ કે જેસલ તોરલ, માબાપને ભુલશો નહીં, પાતળી પરમાર, ગરવો ગરાસિયો, વેરની વસુલાત, સુરજ ચંદ્રની સાખે, ભાદર તારાં વહેતા પાણી, શેતલને કાંઠે, ઢોલી તારો ઢોલ વાગે, રાણક દેવી, મચ્‍છુ તારાં વહેતા પાણી, ચુંદડીનો રંગ, ચુંદડી ઓઢી તારાં નામની, કાદુ મકરાણી, સોરઠની પદમણી, સોન કંસારી, નવરંગ ચૂંદડી, નાગમતી નાગવાળો, હોથલ પદમણી, ભવ ભવનાં ભેરુ, કંકુ પગલાં, માલવપતિ મુંજ, વીર માંગળાવાળો આવા તો કેટકેટલાં નામ હું લઉં.

હજી કદાચ ઘણા નામ હું ભૂલી ગઇ હોઈશ. અમે નાનાં હતા ત્યારે અઠવાડિયામાં એક વાર આ ફિલ્મો દૂરદર્શન પર આવતી અને અમે બધા ગોઠવાઈ જતા. અને એમાંય મારી ફેવરિટ ‘માલવપતિ મુંજ’ એમનો અભિનય જોઈ મને લાગતું કે બસ “માલવપતિ મુંજ” આવો જ હશે. એ પાત્ર એમણે એટલી હદે આત્મસાત કરેલું કે એ પાત્ર માટે એમના સિવાય કોઈની કલ્પના પણ ન કરી શકો.

તેમણે ફ્રેન્ચ ફિલ્મ ‘ફેની’ પરથી રેતીનાં રતન નામનું એક નાટક બનાવ્યું હતું જેને આંતરરાજ્ય નાટ્યસ્પર્ધામાં શ્રેષ્ઠ લેખન, દિગ્દર્શન, અભિનયનાં પારિતોષિકો મળ્યાં હતા. તેમણે કેટલાંક ગુજરાતી ચલચિત્રોનું દિગ્દર્શન પણ કરેલું. તેમનું ‘માનવીની ભવાઈ’, ગુજરાતી લેખક પન્નાલાલ પટેલની એ જ નામની નવલકથા પર આધારીત, રાષ્ટ્રીય પારિતોષિક વિજેતા ચલચિત્ર છે.

આ ચલચિત્રની વાર્તા વિક્રમ સંવત ૧૯૫૬નાં ભીષણ દુષ્કાળ અને ભૂખમરા સામે લડતાં માનવીઓની વ્યથા વર્ણવે છે. તેમણે મનુભાઈ પંચોળીની ‘ઝેર તો પીધાં જાણી જાણી’ નામક નવલકથા પર આધારીત એ જ નામના ચલચિત્રનું નિર્માણ-દિગ્દર્શન પણ કરેલું. તેમણે ૧૯૯૯માં ચલચિત્ર “માબાપને ભુલશો નહી”માં નરેશ કનોડિયા સાથે જોડીદાર તરીકે પ્રથમ વખત અભિનય પણ કરેલો.

તેમને ‘માનવીની ભવાઇ’ ફિલ્મનાં નિર્માણ બદલ ‘પદ્મશ્રી’ એવોર્ડથી નવાજવામાં આવ્યા હતા. ૧૯૯૨માં રંગમંચલક્ષી કલાક્ષેત્રે ઉત્તમ કાર્ય કરવા બદલ રાજ્ય સરકાર નો ‘પં. ઓમકારનાથ ઠાકુર’ એવોર્ડ પણ એનાયત થયો હતો. તો વળી ૨૦૦૩માં ગુજરાત સરકાર દ્વારા અપાતો બહુ પ્રતિષ્ઠિત એવોર્ડ ‘ગૌરવ પુરસ્કાર’ અને ટ્રાન્સ મીડિયા એવોર્ડ તથા ૨૦૦૪માં લાઈફ ટાઈમ એચીવમેન્ટ એવોર્ડ પણ એમના ખાતે જમા છે. એવા તો કેટકેટલાં એવોર્ડ્સનાં હું નામ લઉં.

અભિનયને આત્મસાત કરનાર આ કલાકર મુંબઈ રેડિયો સ્ટેશન પર નાટ્ય વિભાગનાં વડા તરીકે પણ નિમણુંક પામેલા પણ કેન્દ્ર સરકારનો નિયમ હતો કે સરકારમાં નોકરી કરતાં કર્મચારી અન્ય કોઈ પ્રવૃત્તિમાં ભાગ ન લઇ શકે. અને એમની તો રગેરગમાં નાટ્યરસ વણાઈ ગયેલો એટલે ૧૯૬૯માં કેન્દ્ર સરકારની આ પ્રતિષ્ઠિત નોકરી છોડી રંગભૂમિ જ પસંદ કરી. રંગમંચની કલાને જીવંત રાખવા સજ્જ થયા. આજ વર્ષે તેમણે એમનું અવિસ્મરણીય નાટક ‘અભિનય સમ્રાટ’નું નિર્માણ, લેખન, દિગ્દર્શન અને ૭ જુદાં-જુદાં પાત્રોનો અભિનય કરી ગુજરાતી રંગભૂમિનાં ઇતિહાસમાં શ્રેષ્ઠતાં સિદ્ધ કરી.

ફિલ્મી સુવર્ણકાળ દરમિયાન તેઓ રાજકારણમાં પ્રવેશ્યા હતા. એમણે ૧૯૮૦માં, ગુજરાત ધારાસભાની ભિલોડા બેઠક પરથી ચૂંટાઈ અને રાજકારણમાં જોડાયા. તેમણે ૩૧ માર્ચ, ૨૦૦૦થી ૧૯ જુલાઇ, ૨૦૦૨ સુધી ગુજરાત ધારાસભાનાં નાયબ અધ્યક્ષ તરીકેનો પદભાર સંભાળેલો.

તેઓએ ’ગુજરાતી ફિલ્મ કોર્પોરેશન’નાં ચેરમેન તરીકે પણ સેવાઓ આપી હતી. તેઓ સાંસ્કૃતિક બાબતો અને પંચાયત વિભાગનાં રાજ્યકક્ષાનાં પ્રધાનપદ અને વિધાનસભાનાં ઉપાધ્યક્ષનાં પદે પણ રહ્યા હતાં. કલા, સાહિત્ય સંસ્કૃતિ કે રાજકારણ કોઈ પણ વિષય પર એ અસ્ખલિત વાણીમાં બોલી શકે એમને બોલતા સાંભળવા એ પણ એક લ્હાવો ગણાતો.

એમના કાર્યકાળ દરમ્યાન અભિનેતા, લેખક, નિર્માતા અને દિગ્દર્શક તરીકે જુદાં-જુદાં સમયે તેમને ૧૩થી પણ વધારે એવોર્ડ્સથી સન્માનવામાં આવ્યા હતાં. પણ સૌથી વિશેષ કોઈ એવોર્ડ જો એમણે મેળવ્યો હોય તો એ છે ગુજરાતી પ્રજાનો અવિસ્મરણીય પ્રેમ અને આદર.

દેહ, માન અને પ્રતિભા એમ ત્રણેય પ્રકારનું અપ્રતિમ સૌંદર્ય ધરાવતાં આ બેજોડ કલાકાર ગુજરાતી રંગભૂમિ અને ચિત્રપટનાં મહાનાયક અને અભિનયનાં ચક્રવર્તી સમ્રાટ તરીકે લોકોનાં હૃદયમાં સદાય જીવંત રહેશે..!!

– વૈભવી જોશી

TejGujarati