જીવન સેવા છે જે આપણને ગમતી ન હોવાથી સાચા અર્થમાં જીવન જીવી શકાતું નથી. – શિલ્પા શાહ, ડિરેક્ટર ઇન્ચાર્જ HKBBA કોલેજ.

કલા સાહિત્ય ગુજરાત ધાર્મિક ભારત સમાચાર

રવીન્દ્રનાથ ટાગોર લિખિત તત્વજ્ઞાન અને અનેક હૃદયસ્પર્શી સૂત્રો કે ધ્યેયવાક્ય અંતર્ગત આજે મારે એક ખાસની રજૂવાત કરવી છે. જે સૂત્ર છે “જીવન સેવા છે” જેના અભાવમાં આપણે જીવનને સાચા અર્થમાં જાણી કે માણી શકતા નથી. જીવન કેમ યથાર્થ ન જીવાયું કે પૂર્ણતાના સ્તરે ન પહોંચી શક્યું તે પણ સમજી શકતા નથી કેમકે તકલીફોનું કારણ જ જો ન ખબર પડે તો તેનું નિવારણ થાય કેવી રીતે? ગુરુદેવ રવીન્દ્રનાથ અનુસાર “જીવન સેવા છે”. વાત સાચી છે કેમ કે મનુષ્ય એક માત્ર એવો જીવ છે કે જે સેવા કરી શકે છે અથવા સેવાના મહત્વને સમજી શકે છે. બાકી દુનિયાના અન્ય જીવો માટે સેવા કરવી કે સેવાને સમજવી અસંભવ છે. એ તમામ તો માત્ર પોતાની જરૂરિયાત પૂર્ણ કરવામાં જ જીવન વ્યતીત કરતા રહે છે.

સમગ્ર જીવસૃષ્ટિના તમામ સજીવોમાં મુખ્ય ચાર વૃત્તિઓ સમાન જોવા મળે છે ૧) આહાર ૨) નિંદ્રા ૩) મૈથુન ૪) ભય. આ ચાર વૃત્તિઓની પૂર્તિ અર્થે જ દરેક જીવન પસાર કરે છે. ભૂખ સંતોષવા તેઓ આહાર મેળવવાનો પ્રયાસ કરે છે, આહાર ગ્રહણ કરે છે, જરૂર જણાયે આહારનો સંગ્રહ કરે છે, શરીરની બાયોલોજીકલ ઘડિયાળ અનુસાર નિંદ્રા ગ્રહણ કરે છે, સીઝન અનુસાર મૈથુનનું સુખ ભોગવી કુટુંબ વિસ્તરણ કરે છે, તેના લાલન-પાલનમાં દૈનિક જીવનને સક્રિય રાખે છે અને અનેક ભય સામે પોતાની જાતને બચાવવા વિશેષ પ્રયત્નો રૂપે સુરક્ષાના સાધનો ઊભા કરે છે અને પોતાની ક્ષમતા અનુસાર જીવનનું રક્ષણ કરે છે. સમગ્ર જીવસૃષ્ટિ (પશુ-પક્ષી, જીવજંતુ, મનુષ્ય) એક સરખી ક્રિયા કરતો જોવા મળે છે. હવે જો મનુષ્ય પણ એ જ રીતે જીવન જીવે કે જે રીતે પશુ-પક્ષી કે કીડા-મકોડા જીવે છે તો મનુષ્યયોનીની વિશિષ્ટતા શું? તેને વિશેષ કે અમૂલ્ય કેવી રીતે કહી શકાય. કદાચ એટલા માટે જ રવીન્દ્રનાથ ટાગોર સમજાવે છે કે “જીવન સેવા છે” જેના દ્વારા માનવ અન્ય સજીવોથી જુદો પડે છે અને વિશિષ્ટ બને છે.

હવે પ્રશ્ન થાય કે સેવા એટલે શું? સામાન્ય સમજણ અનુસાર સેવા એટલે આપણી ક્ષમતા અનુસાર નિસ્વાર્થપણે શક્ય એટલું વધારે સર્વને ઉપયોગી થવાની ભાવના અને શક્તિ અનુસારની મદદ. કદાચ આપણને થાય કે સેવા શા માટે કરવાની? વળી પોતાનું ગુજરાન ચલાવવામાંથી જ સમય મળતો ન હોય ત્યાં પાછી બીજી વધારાની નાહકની ઉપાધી શા માટે વોહરી લેવાની? આમ પણ આપણને કોણે મદદ કરી છે કે આપણું કોણે બહુ સારું કર્યું છે તે આપણે પાછું વાળીએ? ઉપરાંત સેવા કરવા માટે યોગ્ય લાયક લોકો પણ તો હોવા જોઈએ ને? કેમકે સાચા જરૂરિયાતમંદ કે ગરીબ આ કપટી, જુઠી અને લુચ્ચી દુનિયામાં (કળિયુગમાં) શોધવા અઘરા છે. પરંતુ સાચું પૂછો તો સેવા એટલે ઋણ ચૂકવવાની વ્યવસ્થા. જે કરવી જરૂરી છે કેમ કે તે વગર જીવનમાં સુખ-શાંતિ શક્ય નથી જેમકે બેંક લોન લીધી હોય તો તે ચૂકવાય ના જાય ત્યાં સુધી ટેન્શન રહેતું હોય છે એ તો આપણા સૌનો અનુભવ છે. સેવા માટે વિશેષ સમય ફાળવવાની જરૂર નથી એ તો સહજ રીતે જીવન જીવતા-જીવતા પણ થઈ શકે, જરૂર છે માત્ર આંતરિક ઈચ્છા, નેકી, સારાઈ અને ધગશની. જાણે-અજાણે પ્રકૃતિના દરેક તત્વો એકબીજાનું ભલું કરતા જ રહે છે એટલે જ આ સૃષ્ટિ ટકી રહી છે. એકબીજાની સેવાથી જ સમગ્રનું કલ્યાણ છે જેમકે વૃક્ષો ઓક્સીજન આપી કાર્બન ડાયોકસાઈડ મેળવે છે અને મનુષ્ય કાર્બન ડાયોકસાઈડ આપી ઓક્સીજન મેળવે છે જેથી સમગ્ર અસ્તિત્વ ટકી રહ્યું છે.

મુશ્કેલીની વાત એટલી છે કે સમગ્ર અસ્તિત્વમાં માત્ર મનુષ્ય નકારાત્મક અને ઘાતકી છે બાકી પ્રકૃતિના તમામ તત્વો સંપૂર્ણ હકારાત્મકતાથી ભરેલા છે. માત્ર મનુષ્ય તેના નિજ સ્વાર્થમાં અન્ય જીવોનું અહિત કરતા અચકાતો નથી. એટલા માટે સેવાના ભાવને સમજવાની અને સેવા કરવાની જરૂરિયાત મનુષ્ય માટે અનિવાર્ય બને છે. એ વગર તેનું પોતાનું કલ્યાણ, વિકાસ કે અસ્તિત્વ શક્ય નથી એ તો એણે સમજવું જ રહ્યું. વળી આપણા માટે જેણે ભોગ આપ્યો હોય તેની યથાર્થ સેવા ન થાય તો આપણા જેવા નકામા કે નગુણા બીજા કોણ હોઈ શકે? કદાચ તમને થાય કે આપણા માટે કોણે શું વિશિષ્ટ કર્યું છે? તો મને અહીંયા કહેવું જરૂરી લાગે છે કે મનુષ્ય પ્રથમ શ્વાસ સાથે જ ત્રણ બાબતોનો ઉપભોગ કરે છે અને તેનો ઋણી બને છે કેમ કે તેના દ્વારા જ એ પોષાય છે અને સક્ષમ બને છે. ૧) શરીર ૨) સંબંધો અને ૩) સૃષ્ટિ. આ ત્રણેનો આપણે રોજ ઉપયોગ કરીએ છીએ અને તેમને ઘસારો પહોંચાડીએ છીએ. આ ત્રણે આપણો ઘસારો વેઠે છે. જેથી તેનો આ ઘસારો ભરી કાઢવાનો પ્રયત્ન આપણે કરવો જ પડે. આપણે શરીર, સૃષ્ટિ(પ્રકૃતિ) અને સંબંધો સર્વનું તમામ રીતે શોષણ કરીએ છીએ અને બદલામાં કશું જ આપતા નથી, માત્ર ખતમ જ કરીએ છીએ. જેનો ઈશ્વરના કાયદા અન્વયે આપણને અધિકાર નથી. આમ જ્યારે ઈશ્વરના આદેશનો અનાદર થાય ત્યારે તેના ફળ તો ભોગવવા જ પડતા હોય છે અને આ ભોગવટા કે સજારૂપે જ આપણે રોગો, અશક્ત શરીર, સંબંધીઓ સાથે કડવા સંબંધો, પ્રકૃતિનો પ્રકોપ વગેરે સહન કરીએ છીએ. શરીર, સૃષ્ટિ અને સંબંધોના ભોગવટાની સામે તેના તરફની ફરજ અદા કરવી એ આપણું પ્રથમ નૈતિક કર્તવ્ય અને અનિવાર્ય સેવા છે. એ કર્તવ્ય જયારે અદા નથી થતું ત્યારે ઋણ વધતું જાય છે. દેવું તો જેમ બને તેમ ઝડપથી અદા થઈ જવું જોઈએ. ધર્મોમાં યજ્ઞ, દાન અને તપ જેવી વ્યવસ્થા આ દેવું ચૂકવવા માટે જ સૂચવવામાં આવી છે.

યજ્ઞ એટલે- સૃષ્ટિને જે ઘસારો વેઠવો પડે છે તે ભરી આપવો તેનું નામ યજ્ઞ. દા.ત. જમીનનો કસ જળવાઈ રહે તેવો પ્રયત્ન કરવો, વૃક્ષો વાવવા, પાણી બચાવવું, નદી કૂવાનું શુદ્ધિકરણ, વાતાવરણ શુદ્ધ રાખવું, હવા-પાણી-અવાજનું પ્રદૂષણ ઘટાડવું. કપડું વાપરો તો સૂતર કાંતવું, કપાસ પકવવો વગેરે આપણી નૈતિક ફરજ છે આમ યજ્ઞ એટલે સેવા. યજ્ઞ એટલે સર્વનું કલ્યાણ. યજ્ઞ એટલે પરોપકાર. પરંતુ આ સેવા, કલ્યાણ કે પરોપકારનું ઘમંડ કરવાનું નથી કેમ કે આ બધું કરીને તમે કશું વિશિષ્ટ કરતા નથી. માત્ર તમારું દેવું ચૂકવો છો અને દેવાચૂકવણીનો અહંકાર ન થાય.

દાન – યજ્ઞ દ્વારા સૃષ્ટિ કે પ્રકૃતિનું દેવું ચૂકવાય છે. જ્યારે દાન દ્વારા સમાજ અને સંબંધોનું દેવું ચૂકવાય છે. આપણે આ જગતમાં અસહાય અને અશક્ત આવેલા પરંતુ સમાજ અને સંબંધો દ્વારા આપણે પોષાયા. જે સમાજે અને સંબંધે આપણને શક્તિશાળી બનાવ્યા તેનું ઋણ ચૂકવવાની વ્યવસ્થા એ દાન છે. મા-બાપ, ગુરુ જેવા અનેક સંબંધોનો આપણા જીવનમાં બહુમૂલ્ય ફાળો છે તે તમામનું ઋણ ચૂકતે કર્યા વગર સંસારમાંથી જવાય નહીં.

તપ- તપ શરીરનું દેવું ચૂકવવાની વ્યવસ્થા છે. જન્મથી આપણે સતત શરીરનો ઉપયોગ કરીએ છીએ. અને તેને કાળક્રમે અશકત, રોગી અને વૃદ્ધ બનાવીએ છીએ. ક્યારેય તેને આરામ આપતા નથી એટલે કે તેના અવયવો જેવા કે આંતરડાં વગેરેની કોઈ ચિંતા કરતા નથી. શરીરના અવયવો ખોટવાય, બગડે કે દુઃખે ત્યારે આપણને અહેસાસ થાય છે પણ ખૂબ મોડું થઈ ગયું હોય છે. તપ દ્વારા શરીરનું શુદ્ધિકરણ અનિવાર્ય છે કેમ કે તેના દ્વારા શરીરનો ઘસારો ભરાય છે અને એને નવજીવન મળે છે.

આમ યજ્ઞ દ્વારા સૃષ્ટિમાં સામ્યવસ્થા આવે છે. દાનથી સમાજમાં સામ્યાવસ્થા અને તપથી શરીરમાં સામ્યવસ્થા રહે છે. આ ત્રણેને સામ્યવસ્થામાં રાખવાનો કાર્યક્રમ એ જ સાચી સેવા છે. જેના માટે વિશેષ સમય ફાળવવાની જરૂર નથી માત્ર જીવનશૈલી પ્રાકૃતિક બનાવવાની આવશ્યકતા છે. શરીર,સંબંધ અને સૃષ્ટિની સેવા જો ન થાય તો જીવન એળે ગયું કહેવાય. ઋણ ચૂકતે કરવાનું જો રહી જાય તો તેની ખૂબ ઊંચી કિંમત રોગો, બીમારી, સંબંધોમાં કડવાહટ, કુદરતી આપત્તિઓના રૂપમાં ભવિષ્યમાં ચૂકવવી પડતી હોય છે. એટલા માટે એવી ભૂલ કરવા જેવી નથી. જેટલું બને એટલું સત્વરે શરીર, સંબંધ અને સૃષ્ટિનું ઋણ યથાર્થ સેવા દ્વારા ચૂકવી દેવું જોઈએ. શરીર,સંબંધ અને સૃષ્ટિની સેવા દ્વારા જ મનુષ્યજીવન સાર્થક બને છે. તો આવો આજે જ શરીર, સંબંધ અને સૃષ્ટિની યથાર્થ સેવાના પ્રણ લઈએ અને આજથી જ ઋણ ચુકવણીની શરૂઆત કરી જીવનને ધન્ય બનાવીએ. કેમ કે મનુષ્ય સિવાય આ કાર્ય બીજા કોઈ જીવ દ્વારા શક્ય નથી. જયારે શરીર, સંબંધ અને સૃષ્ટિ સ્વસ્થ અને તંદુરસ્ત બને ત્યારે તેના ફાયદા આપોઆપ આપણને મળતા હોય છે એ તો સર્વવિદિત છે અને જીવન સુખ-શાંતિ અને આનંદથી ભરાય જાય છે. જીવન સુરક્ષિત અને સ્વસ્થ બને તે મનુષ્યજીવનની ઉત્તમ ઉપલબ્ધી છે. કદાચ એટલે જ રવીન્દ્રનાથ ટાગોર જણાવે છે કે “જીવન સેવા છે” અને એ દ્વારા જ તેનો ખરો આનંદ ભોગવી શકાય છે. પરંતુ આપણને યજ્ઞ, તપ કે દાન જેવી કોઈ સેવા ગમતી ન હોવાથી આપણે જીવનને જાણી કે માણી શકતા નથી અને જીવન તેના સાચા અર્થમાં જીવી શકાતું નથી.

TejGujarati