પાકુડ ખાતે ગેસ સિલિન્ડર ભરેલા ટ્રકનો બસ સાથે અકસ્માત

ભારત સમાચાર

ઝારખંડના પાકુડ જિલ્લામાં બુધવારે સવારના સમયે ખૂબ જ મોટો માર્ગ અકસ્માત થયો હતો. એક બસ અને ટ્રક વચ્ચે થયેલી જોરદાર અથડામણમાં ઓછામાં ઓછા 8 લોકોના મોત થયા છે. આ દુર્ઘટનામાં 16 કરતાં વધારે લોકો ઘાયલ થયા હોવાનું સામે આવ્યું છે.
આ દુર્ઘટના અમરાપાડા થાણા વિસ્તારના પડેર કોલા ગામ પાસે બની હતી જેમાં મુસાફરો ભરેલી એક બસ અને ટ્રક વચ્ચે સીધી ટક્કર થઈ હતી. ટ્રકમાં ગેસ સિલિન્ડર્સ ભરેલા હતા. પોલીસના કહેવા પ્રમાણે લિટ્ટીપાડા-અમરાપાડા મુખ્ય માર્ગ પર પડેરકોલા પાસે ખાનગી બસ અને સિલિન્ડર્સથી ભરેલી ટ્રક સામસામે અથડાયા હતા. અનિયંત્રિત ટ્રકે બસને ટક્કર મારી દીધી હતી અને તે એટલી જોરદાર હતી કે બંને વાહનો ખરાબ રીતે ક્ષતિગ્રસ્ત થયા છે.
મૃતકો પૈકીના મોટા ભાગના લોકો બસમાં સવાર હતા અને અથડામણનો અવાજ સાંભળીને આજુબાજુના લોકોએ ઘટના સ્થળે પહોંચીને બચાવ કામગીરી શરૂ કરી હતી અને પોલીસને સૂચના આપી હતી.
પ્રાથમિક વિગતો પ્રમાણે આ દુર્ઘટનામાં 8 લોકોના મોત થયા છે અને મૃતકઆંક હજુ પણ ઉંચો જઈ શકે છે. ઘાયલો પૈકીના કેટલાક લોકોની સ્થિતિ ખૂબ જ ગંભીર છે. સૂચના મળતા જ પોલીસ અને પ્રશાસનની ટીમ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી તથા સ્થાનિક લોકોની મદદથી રાહત અને બચાવ કાર્ય શરૂ કરવામાં આવ્યું હતું. આ સાથે જ દુર્ઘટનામાં પીડિતોની ઓળખ મેળવવા માટેના પ્રયત્નો શરૂ કરી દેવામાં આવ્યા છે.

TejGujarati