સમય પર જ યોજાશે વિધાનસભા ચૂંટણી! આયોગે રાજ્યોને આપ્યો નિર્દેશ

ભારત સમાચાર

ભારતના ચૂંટણી પંચે ચૂંટણીવાળા 5 રાજ્યોના મુખ્ય સચિવોને પત્ર લખીને કોવિડ-19 વેક્સિનેશનની ગતીને તેજ કરવા માટે કહ્યું છે. ચૂંટણી પંચે મણિપુરમાં પહેલા ડોઝની ઓછી ટકાવારીને લઈ ચિંતા પણ વ્યક્ત કરી હતી. ભારતીય ચૂંટણી પંચે સોમવારે ચૂંટણીવાળા 5 રાજ્યોને પત્ર લખ્યો હતો. ચૂંટણીવાળા રાજ્યોની તૈયારીની આકારણી કરવા માટે ચૂંટણી પંચે તાજેતરમાં જ પંજાબ, ઉત્તર પ્રદેશ, ઉત્તરાખંડ, મણિપુર અને ગોવાની મુલાકાત પણ લીધી હતી.
જાણવા મળ્યા મુજબ ચૂંટણી પેનલ જાન્યુઆરી 2022માં જ ઉત્તર પ્રદેશ, ઉત્તરાખંડ, મણિપુર, ગોવા અને પંજાબમાં ચૂંટણીઓની તારીખોની જાહેરાત કરી શકે છે. ઉત્તર પ્રદેશ વિધાનસભાનો કાર્યકાળ મે 2022માં સમાપ્ત થઈ રહ્યો છે. જ્યારે અન્ય 4 રાજ્યોની વિધાનસભાઓની અવધિ માર્ચ 2022માં અલગ અલગ તારીખે સમાપ્ત થઈ રહી છે. કોવિડ-19ના કેસમાં વૃદ્ધિ છતાં 5 રાજ્યોની ચૂંટણીઓ નિર્ધારિત કાર્યક્રમ પ્રમાણે જ થાય તેવી આશા છે. રાજકીય દળો સંબંધીત રાજ્યમાં આક્રમક રીતે પ્રચાર કરી રહ્યા છે. રેલીઓ અને જનસભાઓમાં કોરોના વાયરસ સંક્રમણ વધવાની આશંકા છતાં ભારે ભીડ જોવા મળી રહી છે.
અનેક સ્વાસ્થ્ય નિષ્ણાંતોએ સરકાર અને ચૂંટણી પંચને વિધાનસભા ચૂંટણી ટાળવા માટે સલાહ આપી છે. ડિસેમ્બર 2021માં મુખ્ય ચૂંટણી અધિકારી (સીઈસી) સુશીલ ચંદ્રાએ કહ્યું હતું કે, તમામ રાજકીય દળો ઈચ્છે છે કે, રાજ્ય વિધાનસભા ચૂંટણી સમયસર યોજાય. ચંદ્રાએ આશ્વાસન આપ્યું હતું કે, પોલ પેનલ એ સુનિશ્ચિત કરશે કે, ચૂંટણી પ્રચાર દરમિયાન કોવિડ ઉપયુક્ત વ્યવહાર જાળવી રાખવામાં આવે તથા મતદાનની જાહેરાત બાદ મતદાન કરવામાં આવે.

TejGujarati