સમય : લેખક- જયેશ શ્રીમાળી પલિયડ “શુકુન”

કલા સાહિત્ય ગુજરાત ધાર્મિક ભારત સમાચાર

સમય સમય કેવો ગજબનો સમય ,દિવસને રાત કરી દે રાતને દિવસ કરી દે,અંધકાર હોય ત્યાં પ્રકાશ કરી દે ને પ્રકાશ હોય અંધકાર,ક્યાંક ગતિ થંભી જાય તો ક્યાંક ગતિ પકડાઈ જાય, તડકાને છાંયા ની રમત જોઈ છે આપણે, સુખને દુઃખ અનુભવ્યા છે બધાએ,હસતાં ને રડતાં ને રડતાં ને હસતાં, ગરીબને ધનવાન ને ધનવાન ને ગરીબ,સંતાન વિનાને સંતાન ને ,છતાં સંતાને નિઃસહાય,પ્રેમ ને વિયોગ ,વિયોગની વેદનાઓ ને પ્રેમમાં ફેરવતી સમયની ગજબ બલિહારી છે,
સમયની સામે કોઈ ક્યારેય જીત્યું નથી અને જે જીતી ગયા એ સમયના ચક્રમાં હંમેશા આપણી નજર સામે આવી જાય છે મારે વાત કરવી છે સમય ની કે સમય સારો ખરાબ આવ્યો એવું આપણે કહીએ છીએ.સમય ક્યારેય ખરાબ નથી બસ બદલાયા છે આપણા વ્યવહાર,આપણા વર્તન,આપણાં વિચારસરણી,આપણાં કર્યો,બદલાઈ ગયી છે આપણી લાગણીઓ ને બદલાઈ ગયો છે આપણો પ્રેમ એટલે સમયની સપાટી પરથી સરકાઈ જઈને દૂર ફેંકાઈ જઈએ છીએ અને પછી નામ આવે સમયનું કે મારો સમય ખરાબ છે પણ સમય નહીં આપણું સમય અને પ્રકૃતિ સાથે નું જે વલણ છે એ આપણે આપણાં સ્વાર્થ માટે બદલી નાખવાનો પ્રયત્ન કરીએ છીએ ત્યારે સમયના તકાજા માંથી બહાર નીકળી જઈએ છીએ.
પ્રેમ લાગણી,સ્વભાવ,વ્યવહાર,વાણી, વર્તન અને કાર્યમાં જ્યારે જ્યારે સ્વાર્થ આવી જાય છે ત્યારે સમય ચોક્કસ બદલાઈ જાય છે.જો આપણી સાથે સારું થાય ધર્યા પ્રમાણે કે આકસ્મિક તો સમયની વાહ વાહ !બાકી જો આપણા મનનું ના થયું તો બસ સમય ખરાબ !
દુનિયામાં એવાં કેટલાંય ઉદાહરણો છે જે પ્રેમ, લાગણી,વાણી વ્યવહાર,વર્તનથી સમયની ગતિમાં આવી ગયા છે ને આજેય એ લોકોને આપને યાદ કરીએ છીએ.આ વાત સાંભળવામાં લાગે છે નાની પણ જ્યારે ઇતિહાસ ના પાના ઢંઢોળીએ,આપણી સંસ્કૃતિ ને ઓળખાવાનો ક્યાંક થોડો પણ પ્રયાસ કરીએ તો આ વાત જે હું આજ લખી રહ્યો છું એ બહુ મોટા ગજાના અમર મહા મનુષ્યોની અમર કહાનીઓ છે.આપણે સૌ જાણીએ છીએ કે ભુલ સ્વીકારવા વાળા કરતા ભૂલને માફ કરનાર મહાન હોય છે એવી જ રીતે જો કોઈ વ્યક્તિ પ્રેમથી નમીને કોઈકની પાસે કૈક માંગે છે ત્યારે પોતાનું સર્વસ્વ આપનારાઓની આ ધન્ય ધરા પર કમી નથી. આવા જ વ્યક્તિઓની મારે આજ વાત કરવી છે કે તેમને ખબર છે સામેવાળી વ્યકિત જે પોતાની પાસે માંગી રહ્યું છે એનાથી એમનું જીવન જોખમમાં મુકાઈ જશે તો પણ પોતાના જીવનની પરવા કર્યા વગર પ્રેમથી કૈક માંગનારને આપી દેનાર સુરાઓ થઈ ગયા છે જેમાં સૌ પ્રથમ વાત દાતાઓના દાતા કર્ણ ની જેમની પાસે શ્રી કૃષ્ણ ભગવાન ખુદ યાચક બની ને કવચ અને કુંડળ લેવા જાય છે.ત્યારે પોતાને ખબર હોવા છતાં કે જો હું મારા કવચ અને કુંડળ આપી દઈશ તો મારું અસ્તિવ પૂરું થઈ જશે તોય આંગણે આવેલા યાચકરૂપી શ્રી કૃષ્ણને હરખ થી પોતાના કવચ અને કુંડળ આપી દે છે.યાચક ને જેને આપવું જ છે એ તો જીવ પણ આપી દેશે. એક કબૂતરના જીવ હાટુ પોતાના શરીરમાંથી કબૂતરના વજનનો માંસ નો ટુકડો બાજને આપી દેનાર ન્યાયપ્રિય અને શરણે આવેલાનું રક્ષણ કરનાર શિબિરાજા એમ કાઈ ભુલાય ! શરણે આવેલા એક તીતર ના રક્ષણ માટે પોતાના દીકરાઓને શૂરાતન ચઢાવી એક અબોલ જીવ હારું પોતાની આંખના રતન ખપાવી દેનાર આયરાણી માતાઓઆની ધરતીમાં કાઈ કમી નથી.શેઠ સગાળશા અને ચંગાવતીના ચેલૈયાના હાલરડાં હજી વિસરાયા નથી કે ક્યારેય વિસારશે જ્યાં કોઈને દિલથી આપવાનની હામ હોય ત્યાં ભગવાન પણ હારી જાય છે.મહારાણા પ્રતાપને પોતાના જીવનની બધી જ પૂંજી દેશ પ્રેમ ખાતર ન્યોચ્છાવર કરી દેનાર વીર ભામાશાની વાત મેવાડના કણે કણ માં ધરબાયેલી છે.પાટણના દરબારમાં ગુજરાત ધણીના પાટણની પ્રજાને દુષ્કાળમાંથી ઉગારવાની એક યાચના સાથે જ પોતાના અનાજ ના કોઠારો પાટણની પ્રજાને નામ કરનાર જગડુશા વણિયાને પાટણ કેમ ભૂલી શકે,આવી જ બીજી વાત પાટણ ની છે,પાટણની પ્રજાને દુષ્કાળના સમયે પાણીના વલખા ના પાડે અને સહસ્ત્ર લિંગ તળાવના પાણી કાયમ રહે તે માટે બત્રીસ લક્ષણા લબર મુંછીયા યુવાન વીર મેધમાયાના બલિદાનને ક્યારેય ના વિસરી શકાય.એવી આ ખમીરવંતી ગુર્જર ઘરા જ્યાં સમય આવે પોતાના જીવ આપતાં પણ ક્યારેય પાછી પાની ના કરતાં ને ચોરીના મંડપમાંથી પણ અબોલા જીવ માટે તલવાર ખેંચી ખપી જનાર ભાથીજી મહારાજની વાતો આપણાથી છાની નથી.જેમના માથા ભલે પડી જાય પણ ધડ લડતાં રહે , એટલે તો ગુજરાતી સાહિત્યમાં સરસ લખાયું છે,

*”ધડ ધીંગાણે જેના માથા મસાણે એવાં પાળિયા થઇ ને પૂજાવું રે ધડવૈયા મારે ઠાકોરજી નથી થાઉં.”*

કોઈ પ્રેમને વશ થઇ જાય તો કોઈ સ્નેહને,આપવું બધાના નસીબની વાત નથી હોતી જેના દિલ દરિયા જેવા હોય ને મન સરિતા જેવું પવિત્ર હોય એ પોતાનું સર્વસ્વ યાચકને આપી શકે છે.જેસલ જેવા જેસલ ને પણ સાંસતીયાજી પોતાની પત્ની તોરલ દે જો સંસારના કલ્યાણ માટે આપી દેવા તૈયાર થતા હોય,જ્યાં શેઠ સાગળશા ને ચંગાવતી જેવા ધર્મ પરાયણ પોતાના એકના એક દીકરા ચેલૈયાને જો ખાંડણીયામાં ખાંડી,બાકી રહી જાતું હોય તો પોતાના ગર્ભમાં રહેલાં બાળકને પણ ભગવાન સ્વરૂપે આવેલા સાધુના ભોજન માટે કટાર પોતાના પેટમાં ભોંકવા જતાં હોય એ ધરતીની તુલના વિશ્વની કોઈ ધરતી સાથે ના થઇ શકે.

*માગનારાં નાના થઇ જાય ને આપનારા અમર થઇ જાય. આ ભારત ભૂમિ છે વ્હાલાં, જ્યાં ભગવાન પણ વામન થઇ જાય.*

આ દુનિયામાં આવ્યા છીએ કૈક કર્મ સાથે લઈને તો બસ દિલ દરિયા જેવું વિશાળ રાખી પોતાનાથી થાય એ બધું પોતાના આંગણે આવેલ યાચક માટે ક્યારેય ઝાકરારૂપી કડવા વેણ ના. કાઢવા ને બીજા નું રૂડિયું રાજી રાખવા તત્પર રહે એ જ લોકો આ જગતમાં અમર થઈ ગયા.

લેખક- જયેશ શ્રીમાળી પલિયડ “શુકુન”

TejGujarati