સાંજે 5 વાગ્યાથી સવારે 5 સુધી આ મેગા સિટીમાં લાગૂ થઈ અનેક પાબંધી

ભારત સમાચાર

હાલના દિવસોમાં મહારાષ્ટ્રમાં કોરોના વાયરસના સંક્રમણનો ગ્રાફ ફરી ઊંચો જઈ રહ્યો છે. મુંબઈની સ્થિતિ પણ ચિંતાજનક છે. આવી સ્થિતિમાં, વધતા કોરોના સંક્રમણને ધ્યાનમાં રાખીને, મુંબઈ પોલીસે શુક્રવારે લોકો માટે વિશેષ માર્ગદર્શિકા જાહેર કરી છે. આ અંતર્ગત નવા વર્ષ પહેલા મુંબઈમાં કલમ 144 15 જાન્યુઆરી સુધી લંબાવવામાં આવી છે. તેમજ સાંજના 5 વાગ્યાથી સવારના 5 વાગ્યા સુધી દરિયાકિનારા, ખુલ્લા મેદાનો, દરિયા કિનારાના વિસ્તારો, બગીચાઓ, ઉદ્યાનો અને અન્ય જાહેર સ્થળોએ લોકોની અવરજવર પર પ્રતિબંધ રહેશે.આ નિયમ દરરોજ લાગુ થશે.
મુંબઈ પોલીસ દ્વારા જાહેર કરવામાં આવેલા નિયમોમાં કહેવામાં આવ્યું છે કે પોલીસ ખાતરી કરશે કે તેનું ઉલ્લંઘન ન થાય. નોટિફિકેશનમાં કહેવામાં આવ્યું છે કે લગ્ન સમારોહમાં 50 થી વધુ લોકોને એકઠા થવા દેવામાં આવશે નહીં. આ ઉપરાંત કોઈપણ પ્રકારના સામાજિક, સાંસ્કૃતિક, રાજકીય, ધાર્મિક કાર્યક્રમોમાં માત્ર 50 લોકો જ એકઠા થઈ શકશે. આનાથી વધુ લોકોના આવવા પર પ્રતિબંધ રહેશે. બીજી બાજુ અંતિમ સંસ્કારમાં ફક્ત 20 લોકો જ હાજર રહી શકશે. નોટિફિકેશનમાં કહેવામાં આવ્યું છે કે આ સિવાય અન્ય તમામ પ્રતિબંધો યથાવત રહેશે. તેમજ આ નવા નિયમો 31 ડિસેમ્બરે બપોરે 1 વાગ્યાથી લાગુ કરવામાં આવ્યા છે. તે 15 જાન્યુઆરીની મધરાત 12 સુધી અમલમાં રહેશે.
કોરોના વાયરસના સંક્રમણના  કેસોની સંખ્યા વિશે વાત કરીએ તો, મહારાષ્ટ્રમાં દરરોજ આવતા નવા કેસોમાં મુંબઈનો મોટો હિસ્સો છે. 30 ડિસેમ્બરના રોજ જાહેર થયેલા આંકડા મુજબ મહારાષ્ટ્રમાં કોરોનાના 5368 નવા કેસ નોંધાયા છે. આમાં મુંબઈનો હિસ્સો લગભગ 66 ટકા હતો. તેમજ ગુરુવારે મહારાષ્ટ્રમાં ઓમિક્રોન વેરિયન્ટના 198  નવા કેસ નોંધાયા હતા.

TejGujarati