કોરોનાના વધતા કેસ વચ્ચે રાજકોટમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનો ભવ્ય રોડ શૉ યોજાયો

ગુજરાત સમાચાર


રંગીલા રાજકોટ અને રાજ્યના ભૂતપૂર્વ મુખ્યપ્રધાન એવા વિજય રૂપાણીના હોમટાઉનમાં વર્તમાન મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલનો રોડ શો યોજાયો હતો. આ રોડ શોમાં ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી. આર. પાટીલ સહિત રાજ્યના 5 પ્રધાનો જોડાયા હતા. એરપોર્ટથી યાજ્ઞિક રોડ પર આવેલ ડીએચ કોલેજના ગ્રાઉન્ડ સુધી આ રોડ શો યોજવામાં આવ્યો હતો. રોડ શો દરમિયાન પૂર્વ સીએમ રૂપાણીની ગેરહાજરી રહી હતી. જ્યારે સી.આર પાટીલ પણ રોડ શો અધવચ્ચે મૂકીને અન્ય કાર્યક્રમમાં હાજરી આપવા ગયા હતા.
મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલનો રોડ શો સવારે 10.30 વાગ્યાની આસપાસ શરૂ થયો હતો, જે 11.30 વાગ્યે પૂર્ણ થયો હતો. આ રોડ શો દરમિયાન એરપોર્ટથી ડી.એચ. કોલેજ સુધી વિવિધ વિસ્તારમાં ભૂપેન્દ્ર પટેલ અને સી.આર પાટીલનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. જ્યારે રાજકોટના વિવિધ વોર્ડના ભાજપના હોદેદારો પણ રોડ શોમાં ઉપસ્થિત રહ્યા હતા અને મુખ્યપ્રધાનનું સ્વાગત કર્યું હતું. ભૂપેન્દ્ર પટેલના રોડ શોમાં  રાજકોટના હજારો લોકો ઉપસ્થિત રહ્યા હતા અને કાર્યક્રમને સફળ બનાવ્યો હતો.
રાજકોટના ડી.એચ. કોલેજના ગ્રાઉન્ડમાં યોજવામાં આવેલા કાર્યક્રમમાં મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ સહિત રાજ્યના 5 જેટલા પ્રધાનો ઉપસ્થિત રહ્યા હતા, જેમાં રાજકોટના પ્રભારી પ્રધાન અને શિક્ષણપ્રધાન જિતુ વાઘાણી, ગૃહપ્રધાન હર્ષ સંઘવી, અરવિંદ રૈયાણી, બ્રિજેશ મેરજા સહિતના રાજ્યના નવી સરકારના 5 પ્રધાનો જોડાયા હતા. આ સાથે જ રાજ્યના ભૂતપૂર્વ મુખ્યપ્રધાન એવા વિજય રૂપાણી, પૂર્વ પ્રધાન જયેશ રાદડિયા, કુંવરજી બાવડીયા સહિતના ભાજપના દિગ્ગજ નેતાઓ ઉપસ્થિત રહ્યા હતા.
રાજ્યમાં અત્યારે દરરોજ 500 જેટલા કોરોનાના પોઝિટિવ કેસ આવી રહ્યા છે. જ્યારે કોરોનાના નવા વોરિયન્ટ એવા ઓમિક્રોનના કેસમાં  પણ ધીમેધીમે વધારો થયો છે, છતાં પણ રાજકોટમાં યોજવામાં આવશે. રોડ શોમાં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા. આ સાથે જ કોરોના ગાઈડલાઈનનો ખૂલ્લેઆમ ભંગ થયો હતો. જ્યારે રોડ શો દરમિયાન ઘણા લોકો માસ્ક વગરના લોકો પણ ફરતા જોવા મળ્યા હતા. આ તમામ બાબતોને લઈને સવાલો ઉભા થઇ રહ્યા છે કે ભવિષ્યમાં કોરોનાના કેસ વધશે તો જવાબદાર કોણ?

TejGujarati