કુમકુમ મંદિર દ્વારા સ્વામિનારાયણ મહામંત્રની રર૦ મી જયંતી ઉજવાશે.
સહજાનંદ સ્વામીએ સંવત્ ૧૮૫૮ ની માગશર વદ – એકાદશીના રોજ ફણેણી ગામમાં પોતાના આશ્રિતોને મંત્ર જાપ માટે “સ્વામિનારાયણ” નામ પ્રસિદ્ધ કર્યું હતું. – સાધુ પ્રેમવત્સલદાસજી કુમકુમ

તા. ૩૦ – ૧૨ – ૨૦ર૧ ગુરુવાર માગશર વદ એકાદશી ના રોજ શ્રી સ્વામિનારાયણ મંદિર – કુમકુમ -મણિનગર ખાતે સદગુરુ શાસ્ત્રી શ્રી આનંદપ્રિયદાસજી સ્વામીની પ્રસન્નતા પ્રાપ્ત કરવા માટે “ સ્વામિનારાયણ મહામંત્ર”ની રર૦ મી જયંતીની ઉજવણી કરવામાં આવશે.
આ પ્રસંગે સવારે ૬ – ૦૦ થી ૭ – ૦૦ સુધી કુમકુમ મંદિર ખાતે સ્વામિનારાયણ મહામંત્રની ધૂન – કથા કરવામાં આવશે.ભગવાનને વિશિષ્ટ શણગાર ધરાવવામાં આવશે.
રાત્રે ૮ – ૧૫ થી ૯ – ૧૫ કીર્તન ભક્તિ કરવામાં આવશે. શ્રી જીવનપ્રાણ શ્રી અબજીબાપાશ્રીની વાતો ઉપર શ્રી પ્રેમવત્સલદાસજી સ્વામી અને વચનામૃત રહસ્યાર્થપ્રદીપિકાટીકા ઉપર શાસ્ત્રી શ્રી હરિકૃષ્ણસ્વરુપદાસજી સ્વામી કથામૃતનું પાન કરાવશે.
દેશ વિદેશના ભક્તો આ કાર્યક્રમનો લાભ લઈ શકે તે માટે સ્વામિનારાયણ મંદિર કુમકુમ યુટ્યુબ ચેનલ ઉપર લાઈવ પ્રસારણ કરવામાં આવશે.
કુમકુમ મંદિરના સાધુ પ્રેમવત્સલદાસજીએ સ્વામિનારાયણ મહામંત્ર અંગે જણાવ્યું
હતું કે, આજથી રર૦ વર્ષ પૂર્વે સહજાનંદ સ્વામીએ સંવત્ ૧૮૫૮ ના માગશર વદ એકાદશી (તા.૩૧ – ૧ર -૧૮૦૧) ના રોજ ફણેણી ગામમાં પોતાના આશ્રિતોને મંત્ર જાપ માટે “ સ્વામિનારાયણ ” નામ આપ્યું અને ત્યારથી આ સંપ્રદાય એ “સ્વામિનારાયણ સંપ્રદાય ”તરીકે પ્રસિધ્ધ થયો અને ત્યારપછી સૌ કોઈ સહજાનંદ સ્વામીને પણ શ્રી સ્વામિનારાયણ ભગવાન તરીકે જગમાં ઓળખતા થયા. તેથી આ માગશર વદ એકાદશી ની ઉજવણી પણ સ્વામિનારાયણ સંપ્રદાયના વિવિધ મંદિરોમાં કરવામાં આવે છે.
શ્રી સ્વામિનારાયણ ભગવાને સ્વયં ગઢડા મઘ્ય પ્રકરણના પ૬ મા વચનામૃતમાં કહ્યું છે કે, “ગમે તેવો પાપી જીવ હોય ને અંત સમે જો તેને સ્વામિનારાયણ એવા નામનું ઉચ્ચારણ થાય, તો તે સર્વ પાપ થકી છૂટીને બ્રહ્મમહોલને વિષે નિવાસ કરે છે માટે ભગવાનનું બળ રાખવું.”
જેમ અગ્નિને શાંત કરવા જળ શક્તિશાળી છે, અંધકારને ટાળવા સૂર્યોદય શક્તિશાળી છે, તેમ પાપાત્માઓના પાપને ટાળવાને માત્ર એક ભગવાનનું જ નામ સાર્થક છે. જે ભક્ત ભગવાનનું નામ-ઉચ્ચારણ કરે છે તેને કળિકાળમાં પણ કામ, ક્રોધ, લોભ, મોહ, મદ, મત્સર આદિ દોષો પરાભવ કરી શકતા નથી.
ઘરની અંદર તમે દિવો કરો તો પ્રકાશ – પ્રકાશ થઈ જાય છે. તેમ હૃદયમાં સ્વામિનારાયણ મહામંત્રનો જાપ કરવાથી પ્રકાશ થાય છે. જગતની સમગ્ર જંજાળો નાશ પામે છે.
આ સ્વામિનારાયણ મંત્રનો જાપ કરવાથી ભૂત,પ્રેત આદિ નાસી જાય છે, આધિ, વ્યાધિ, ઉપાધિ ટળી જાય છે.આલોક અને પરલોકમાં સ્વામિનારાયણ મંત્રનો જાપ કરનાર સુખ – શાંતિને પામે છે.આ મંત્રનો જાપ કરનારને શ્રી સ્વામિનારાયણ ભગવાન અંતકાળે દર્શન આપીને પોતાના અક્ષરધામમાં તેડી જાય છે.તેવો તેનો આગવો મહિમા છે.તેથી આપણે પણ સુખી થવા માટે સ્વામિનારાયણ મહામંત્રનો જાપ અવશ્ય નિત્ય કરવો જોઈએ.
- સાધુ પ્રેમવત્સલદાસજી કુમકુમ
- મો. ૯૮૯૮૭૬૫૬૪૮