25 ડિસેમ્બર જન્મેલા યે જિન્ના કોન હૈ? – દેવલ શાસ્ત્રી.

કલા સાહિત્ય ગુજરાત ધાર્મિક બિઝનેસ ભારત સમાચાર

ભારતના ઇતિહાસમાં ઘણા પાનાં કાળા અક્ષરે લખાયેલા છે. આપણે દુઃખદ ઘટના સમજીને ભૂલી જવામાં ભલાઈ સમજતા હોઈએ છીએ. જિન્ના પણ આ જ પ્રકરણ છે, જેને કારણે બંને તરફ લાખો લોકો મોતને ભેટયા હતા…

જિન્નાના જીવનમાં પણ અનેક રંગોના શેડ છે, મહાત્મા ગાંધી દક્ષિણ આફ્રિકાથી ભારતમાં ૧૯૧૫મા કાયમી પરત આવ્યા. ગાંધીજી જ્યારે પરત આવ્યા ત્યારે જહાજ પર સ્વાગત કરવા માટે જિન્ના ગયા હતા. ૨૩ જાન્યુઆરી, ૧૯૧૫ના રોજ ગાંધીના સ્વાગત સમારોહમાં જિન્નાને જ અધ્યક્ષ બનાવવામાં આવ્યા હતા. જેણે ગરમજોષીથી સ્વાગત કર્યું, એ જ બીજા ત્રીસ વર્ષમાં સાવ વિરુદ્ધ છેડો બની ગયો. જો કે આજે તો આપણે એ જિન્નાની વાત કરવી છે, જે ગાંધી પહેલા હતાં. જિન્ના પર તેમજ ૧૮૫૦થી ૧૯૧૫ના ભારતીય ઇતિહાસ પર હજારો પુસ્તકો લખાયાં છે. સો કિલોમીટર વિસ્તારના મૂળ વતની એવા ૧૮૬૯મા પોરબંદર ખાતે ગાંધી અને ૧૮૭૬મા કરાચીમાં મીઠીબાઈ અને ઝિણાભાઇને ત્યાં જન્મ્યા. એ જમાનામાં સ્કૂલ તો હતી જ નહીં, એટલે જિન્નાને ભણાવવા શિક્ષક ઘરે આવતાં. જિન્ના એમના પિતાના વ્યવસાયમાં મદદ કરી શકે તે માટે શિપિંગનો અભ્યાસ લંડનમાં કર્યો હતો. જિન્ના જ્યારે લંડન જવા નીકળ્યા ત્યારે તેમના પિતાએ ભારે નુક્શાન કરતાં અનેક કેસો થયાં હતાં. આ કાયદાકીય પ્રક્રિયામાં ઘરની પણ લીલામી થઈ ગઈ હતી.

જિન્નાને કોઈ પણ સંજોગોમાં પરિવારને સંપન્ન કરવા લંડન મોકલ્યા, ઝિણાભાઇ મુંબઈ આવ્યા. જિન્ના અને ગાંધી વચ્ચે પાયાનો ફરક અહીંથી શરૂ થયો. ગાંધી લંડન અભ્યાસ કરવા માટે ગયા હતા, જ્યારે જિન્ના આર્થિક રીતે પગભર થવા માટે ગયા હતા. જ્યારે સાદાઇથી વાત આવી તો ગાંધી આખી જિંદગી ખાદીની પોતડી પર ટકી ગયા, જ્યારે જિન્નાએ મરણ પથારીએ પણ લેંઘો પહેરવાની ના પાડી, અને સ્ટાઇલિશ ડ્રેસ જ પહેરતાં રહ્યા.

લંડનમાં શિપિંગના અભ્યાસ સાથે જોબ કરતી વેળાએ જહાજી કાયદાની જાણકારી જરૂરી હતી. વધુ સારી રીતે નોકરી કરી શકાય તે માટે કાયદાનો અભ્યાસ કરવાનું વિચાર્યું, જે અલગ ભાવિ સર્જવાનું હતું.

લંડનમાં જિન્નાના જીવનમાં દાદાભાઈ નવરોજીએ ઘણી અસર કરી હતી, કદાચ પહેલાં રાજકીય ગુરુ કહી શકાય. જિન્ના ૧૮૯૬મા મુંબઈ આવ્યા, ત્યારે લોકલ મુસાફરી કરવા માટે પણ પૈસા ન હતા. કરાચીમાં પિતા પર ચાલતા કેસો લડીને તેમને મુક્તિ અપાવી, જો કે આ થતાં પહેલાં જ માતા અને પત્ની ગુજરી ગયા હતા. મુંબઈ વકીલાત પણ સારી ચાલવા લાગી હતી. જિન્ના જ્યારે ૨૪ વર્ષ ની વયે હાઇકોર્ટમાં વકીલ બન્યા, ત્યારે એ જ કરાચીમાં સન્માન પણ કરવામાં આવ્યું હતું.

જિન્ના પ્રારંભ ના વર્ષોમાં માનતા કે, મુસ્લિમ વિસ્તારમાં હિન્દુ આગેવાન લાયકાત ધરાવતો હોય તો તેને જ તક આપવી જોઈએ. ધર્મ અને વ્યક્તિગત લાયકાત તદ્દન અલગ છે. આ જ માણસે ભવિષ્યમાં આખેઆખો યુ ટર્ન માર્યો. આ જ ગાળામાં વિવાદ સર્જાયો, લોકમાન્ય ટિળક અલગ પડ્યાં. ટિળકને જેલમાં પૂરવામાં આવ્યા, રાજકીય વિરોધ છતાં જિન્ના કેસ લડવાનો તૈયાર હતા. જો કે ટિળક જાતે જ કેસ લડ્યા, અને પાંચ છ વર્ષની સજા થઈ, અંગ્રેજ સરકાર આ સંદર્ભમાં એક પાર્ટી રાખી, જેમાં જિન્ના ને આમંત્રણ હતું. જિન્ના ન ગયા અને જાહેરમાં કોર્ટના નિર્ણયની ટીકા કરી હતી. આ જ જિન્ના તે સમયની કોંગ્રેસમાં સુધારા તરફી વલણ દાખવે અને એ જ ગાળામાં મુસ્લિમ લીગને પ્રોત્સાહન આપે. જો કે પ્રારંભમાં તો મુસ્લિમ સમાજ માટે સુધારા કરવાની વાત કરનાર અંતિમવાદી પગલું લેવામાં તૈયાર થાય, આ માત્ર રાજકીય મહત્વાકાંક્ષા જ હોઈ શકે.

હિન્દુ અને રાષ્ટ્રને તોડી નાખે તો એનો અર્થ એવો થયો કે તેમના માટે તેમને વ્યક્તિગત લાભ અને નામનાની સૌથી વધુ લાલસા હતી. આ લાલસામાં લાખો લોકોએ વતન ખોવા પડ્યા. ગાંધી પહેલા જિન્નાને મોટાભાગના રાજકીય નેતાઓ, કોંગ્રેસ અને મુસ્લિમ લીગ નેતા માનવા લાગી. અચાનક અમર્યાદિત સત્તા અથવા મળતા મહત્વને કારણે મુસ્લિમ હિતના નામે ધીમે ધીમે તાનાશાહી થવા લાગી હતી. સામાન્ય સમજ એવી છે કે ગાંધી સાથે વિવાદને કારણે જિન્ના આડા પાટે ચડ્યા, પણ મુસ્લિમ સ્વતંત્ર મતાધિકાર જેવી માંગણી અને બ્લેકમેઇલ કરવાની દાનત તો ૧૯૧૫ માં ગાંધી પહેલા દેખાવા લાગી હતી. ૧૯૨૦ના કલકત્તામાં થયેલા અધિવેશન ગાંધી અને જિન્નાને સામસામે લાવી દીધા. ૧૯૨૦મા ગાંધીએ સીધેસીધી સ્વતંત્રતાની વાત કરવા સાથે અસહકાર આંદોલન પ્રારંભ કર્યું. જિન્નાએ કોંગ્રેસમાં થતી મીઠી મીઠી ભાષામાં થતી ચર્ચાને બદલે ગાંધીના એક્સનની વાત જોઇ. અમદાવાદમાં ૧૯૨૧મા યોજાયેલા કોંગ્રેસ અધિવેશનમાં ખાદી ફરજિયાત થઇ, ડાઇનિંગ ટેબલ કે ખુરશી નીકળી ગઇને ફરજિયાત કાંતવા સાથે જમીન પર અધિવેશન શરૂ થયું, જેમાં એકમાત્ર જિન્ના જ શૂટબૂટમા હતાં, જે તેમનું અંતિમ કોંગ્રેસ અધિવેશન હતું. જે માણસ ધર્મ પ્રત્યે પ્રેમ ન ધરાવતો હોય, બંધારણ શ્રેષ્ઠ રીતે સમજતો હોય અને છતાં આખેઆખો પરિવર્તન પામે….૧૯૪૭ની સાતમી ઓગસ્ટે દિલ્હી થી જિન્ના પોતાના જન્મસ્થળ કરાંચી જવા રવાના થયા. હા, મુંબઈ આવવાની ઈચ્છા અધૂરી રહી ગઈ……

લેખન અને સંકલન

Deval Shastri?

TejGujarati