? *ફરી કુદરતના ખોળે*? (Non-Fiction) *લેખક: જગત કીનખાબવાલા (સ્પેરો મેન)*મત્સ્ય ઘુવડ.

કલા સાહિત્ય ગુજરાત ધાર્મિક ભારત સમાચાર

17/12/2021

? *ફરી કુદરતના ખોળે*?

(Non-Fiction)

*લેખક: જગત કીનખાબવાલા (સ્પેરો મેન)*

https://www.facebook.com/jagat.kinkhabwala

*મત્સ્ય ઘુવડ/ Brown Fish Owl / Bubo Zeylonensis*

*કદ: ૨૨ ઇંચ – ૫૬ સે. મી. વજન: ૧.૨ કી.ગ્રામ થી ૨.૫ કી. ગ્રામ. ખુલ્લી પાંખની ઊંચાઈ: ૬ ફૂટ સુધી.*

*કપાળની બંને બાજુ નાના સીંગડા જેવા ત્રાંસા પીંછાવાળું મત્સ્ય ઘુવડ*

ભૂમધ્ય સમુદ્રના પૂર્વ અને મધ્ય વિસ્તારના ટાપુઓ ઉપરથી છેક પ્રાગઐતિહાસિક સમયથી મત્સ્ય ઘુવડનું અસ્તિત્વ હોવાનું અવશેષોના અભ્યાસ ઉપરથી અનુમાન કરવામાં આવે છે. મળેલા હાડકા ઉપરથી દસકાઓ સુધી કરેલા અભ્યાસમાંથી આ તારણ નીકળેલ છે. ૫૦ લાખ વર્ષ / ૫ મિલિયન વર્ષ પહેલાના સમયથી તેમનું અસ્તિત્વ હશે. ગીર સૌરાષ્ટ્ર અને ગુજરાતના જંગલનું સ્થાનિક પક્ષી છે. બારેમાસ ભરાયેલા રહેતા જળાશય પાસેના જંગલ વિસ્તારમાં રહેતા હોય છે. ભારતવર્ષમાં અને દક્ષિણ પૂર્વ એશિયામાં વ્યાપક પ્રમાણમાં જોવા મળે છે. હિમાલયની તળેટીથી શરૂ કરી દરિયાની સપાટીથી ૪૯૦૦ ફૂટની ઊંચાઈ સુધી વસતા હોય છે. સરેરાશ ૨.૫ કી.મી વિસ્તારમાં ફરતા હોય છે અને ઘણી વખત ૭૦૦૦ કી.મી. વિસ્તારનો ઘણો વ્યાપક વ્યાપ ધરાવે છે. માનવવસ્તીથી ભરેલી જગ્યાએ ખાસ જોવા મળતા નથી પરંતુ શ્રીલંકા તેમાં અપવાદ છે. બીજા પક્ષીઓની જેમ ભૌતિક વિકાસની તેમના અસ્તિત્વ અને સંખ્યા ઉપર કોઈ અસર થઇ નથી અને સમય સાથે થયેલા બદલાવને અનુકૂળ થઇ જીવી રહ્યા છે.

બે આંખોની થોડે નીચે અને વચ્ચે તેની ચાંચ હોય છે અને તે કારણે દેખાવે ઘણું વિચિત્ર દેખાય છે. ઉપરનું શરીર પીળાચટ કાળાશ રંગનું હોય છે જેમાં મોટી સંખ્યામાં પુષ્કળ કાળી રેખાઓ હોય છે. તેઓનું ગળું અને ઉપલી છાતી સફેદ હોય છે જ્યારે બાકીનું પેટાળ આછું બદામી હોય છે અને તેમાં કાળી રેખાઓ પણ ખરી. આંખો સુંદર સોનેરી રંગની હોય છે. નાનપણમાં બે વર્ષ સુધી તેમના રંગ આછા હોય છે અને જેમ જેમ ઉંમર વધે તેમ રંગ ઘેરા થતા જાય છે. નર કરતા માદા સરખામણીમાં કદમાં નાની હોય છે. તેઓનો પાંખો કદના પ્રમાણમાં ઘણી મોટી હોય છે, વજન વધારે હોય છે અને પૂંછડી મોટા ઘુવડ કરતા ટૂંકી હોય છે, પગ લાંબા હોય છે અને પગના અંગુઠા બરછટ હોય છે જેની મદદથી તે શિકાર કરે છે અને તે કારણે શિકાર કરેલી લપસણી માછલી પકડાઈ રહે છે અને છટકી જતી નથી. શિકાર માટે મુખ્યત્વે અંગુઠા અને તેના તળીયાંથી શિકાર કરે છે અને જરૂર પડે તો પાણીમાં પગ નાખે છે પણ શરીર પાણીમાં નાખવાનું પસંદ નથી કરતુ. દેખાવે મુખ્યત્વે મોટા ઘુવડ જેવું હોય છે.

સફેદ ગળાવાળા આ મત્સ્ય ઘુવડને મોટા ઘુવડ અને રાખોડી ઘુવડની માફક કપાળની બંને બાજુ નાના સીંગડા જેવા ત્રાંસા પીંછા હોય છે જ્યારે તેમના ઢીંચણથી નીચે પગ પાસે પીંછા નથી હોતા જે મોટા ઘુવડને અને રાખોડી ઘુવડને ઢીંચણથી નીચે પણ પીંછા હોય છે. તેઓની ચાંચ લીલાશ પડતી પીળી અને આકારે વાંકી હોય છે. બીજા પ્રકારના ઘુવડના પીંછા સુંવાળા હોય છે અને તેમના કરતા મત્સ્ય ઘુવડના પીંછા ધારેથી વિખરાયેલા દેખાય તેવા અસ્તવ્યસ્ત અને થોડા બરછટ હોય છે. આ કારણે બીજા ઘુવડની સરખામણીમાં મત્સ્ય ઘુવડ શિકાર કરવા ઉડે ત્યારે તેમની પાંખોનો અવાજ આવે છે. જ્યારે લાંબુ ઉંડાણ ભરે છે ત્યારે આ અવાજનું ખાસ મહત્વ રહેતું નથી અને અવાજ પણ ઓછો આવે છે.

જંગલમાં વસનાર આ પક્ષી મુખ્યત્વે જળાશય નજીકના ભાગમાં વસતા હોય છે. માછલાં, દેડકા, કરચલા, ઉંદર, સાપોલિયા, ગરોળી અને પાણીના બીજા જીવ એ તેમનો પ્રીય ખોરાક. જેમજેમ જળાશયમાં પાણી ઓછું થતું જાય અને અંદરના જીવ બહાર સપાટી ઉપર આંખે ચઢે ત્યારે તે વિસ્તારમાં સાંજ પડતા શિકારની શોધમાં આવી જાય છે. જો જળાશયમાં મોટા પથ્થર હોય તો તેની ઉપર બેસી જાય અને નહીંતો નજીકના વૃક્ષની નીચેની ડાળી ઉપર બેઠેલા જોવા મળે છે. શિકાર માટે પાણીની નજીક ઉડતા જોવા મળે છે. દિવસે ઊંઘનારું, સાંજે અને રાત્રે બહાર આવનાર નિશાચર પક્ષી છે.

જંગલ નજીકના વિસ્તારમાં ઘૂ…. ઘૂ ….ઘૂ…. જેવો ઘેરો અને પડઘાતો અવાજ જો સાંભળો તો ક્યારેક ડર લાગી જાય. નવેમ્બર મહિનાથી માર્ચ મહિના સુધી તેમની પ્રજનનની ઋતુ હોય છે. તેવા સૂકા/ dry વાતાવરણમાં તેમને પોતાના માટે અને બચ્ચાને ખવડાવવા માટે પૂરતો ખોરાક મળી રહે છે જે એક કુદરતના ઋતુચક્રની રચના છે. તેઓ મોટા પથ્થરની તિરાડ, ક્યારેક અવાવરું બંધિયાળ જગ્યામાં અને ગુફામાં માળા બનાવે છે. તેમજ માળો બનાવવામાં તેઓ તકવાદી હોય છે. આંબાના વૃક્ષ, વડ, પીપળા અને ઉંબરાનાં વૃક્ષની ગીચતામાં દર બે વર્ષે એક વખત ઈંડા મૂકે છે. ગીધ જેવા પક્ષીના માળામાં ઈંડા મૂકે છે. સામાન્ય રીતે માદા એક અથવા બે ઈંડા મુક્તિ હોય છે. લગભગ ૩૮ દિવસે સફેદ ભૂખરા રંગના ઈંડા સેવાય છે અને ત્યારબાદ બીજા ૪૯ દિવસે બચ્ચા કુદરતમાં આવી જાય છે. બચ્ચા ૧.૫ થી ૨ વર્ષની ઉંમરથી સ્વતંત્ર જીવન જીવી શકે છે અને ૨ થી ૩ વર્ષની ઉંમરે ગર્ભ ધારણ પુખ્ત બને છે. આશરે ૧૫ વર્ષનું આયુષ્ય ધરાવે છે.

બીજા ઘુવડની જેમ તેમના માટે સહુથી અઘરો સમય દિવાળીના દિવસો હોય છે જ્યારે કાલાજાદુની અંધશ્રદ્ધાના કારણે મોટા પાયે તેમનો શિકાર થાય છે અને આવી ભયજનક પરિસ્થિતિમાં તેઓ પોતાનું કાયમી સ્થળ છોડીને કાયમ માટે બીજે દૂર જતા રહે છે. વસાહતનો આખેઆખો વિસ્તાર વિકાસ માટે નાશ કરી નાખે ત્યારે તેમની વસાહત ઉજડી જાય છે અને તેમના અસ્તિત્વ ઉપર ભય પેદા થાય છે. ઇઝરાયેલ જેવા દેશમાં ખેતીમાં રાસાયણિક જંતુનાશક દવાઓના વ્યાપક વપરાશના કારણે તેઓ જે મરી ગયેલા જીવને આરોગે તે કારણે અને પાણીના સ્તોત્ર સુકાઈ જવાના કારણે તેઓની સંખ્યા નહિવત થઇ ગઈ છે.

(ફોટોગ્રાફ: શ્રી જીતેન શાહ. શ્રી કિરણ શાહ. )

*આવો કુદરતના ખોળે, નિરાંત અનુભવીએ*.

*સ્નેહ રાખો – શીખતાં રહો – સંભાળ રાખો*

*Love – Learn – Conserve*

TejGujarati