અમેરિકાએ બિજિંગ વિન્ટર ઓલિમ્પિકના રાજકીય બહિષ્કારનુ કર્યુ એલાન

આંતરરાષ્ટ્રીય સમાચાર


ચીને વળતી કાર્યવાહી કરવાની ધમકી આપી હોવા છતા અમેરિકાએ 2022માં બિજિંગમાં રમાનારી વિન્ટર ઓલિમ્પિકનો રાજકીય બહિષ્કાર કરવાની જાહેરાત કરી દીધી છે.

આ બહિષ્કાર જોકે રાજકીય હોવાથી અમેરિકાના ખેલાડીઓને તેમાં ભાગ લેવા પર રોક નહીં લાગે.જોકે અમેરિકાના અધિકારીઓ તેમાં ભાગ નહીં લે.ચીનના કંગાળ માનવાધિકાર રેકોર્ડના કારણે બાઈડન સરકારે બહિષ્કારનુ એલાન કર્યુ છે.

જોકે અમેરિકામાં 2028માં ઓલિમ્પિક યોજાવાની છે ત્યારે સવાલ ઉઠવા માંડ્યા છે કે, ચીન વળતા જવાબ તરીકે આ ઓલિમ્પિકના બહિષ્કારની કાર્યવાહી કરશે કે બીજી કોઈ રીતે અમેરિકાને જવાબ આપશે..

આ પહેલા ચીને બાઈડન સરકારની ટીકા કરતા કહ્યુ હતુ કે, અમેરિકા રમતોમાં રાજકારણ ઘૂસાડવાની કોશિશ કરી રહ્યુ છે.

ચીનના બિજિંગમાં વિન્ટર ઓલિમ્પિક માટે તડામાર તૈયારીઓ ચાલી રહી છે.આ સાથે જ બિજિંગ વિન્ટર ઓલિમ્પિક અને સમર ઓલિમ્પિક એમ બંને પ્રકારની ઓલિમ્પિકની યજમાની કરનાર પહેલુ શહેર બની જશે.2008માં ચીનમાં સમર ઓલિમ્પિક યોજાઈ હતી.

અમેરિકાની સાથે યુરોપના દેશો પણ વિન્ટર ઓલિમ્પિકનો રાજકીય બહિષ્કાર કરી શકે છે.અમેરિકાએ ચીનના ઉઈગર મુસ્લિમો પર થઈ રહેલા અત્યાચાર સામે રાજકીય બહિષ્કારનુ એલાન આપ્યુ છે.અમેરિકાનુ કહેવુ છે કે, તિબેટ અને હોંગકોંગમાં પણ માનવાધિકારની સ્થિતિ ચિંતાજનક છે.

જોકે ચીન કહે છે કે, શિનજિયાંગ પ્રાંતનો મામલો ચીનનો આંતરિક મામલો છે અને તેમાં કોઈ વિદેશી હસ્તક્ષેપ ચલાવી લેવામાં નહીં આવે.અમેરિકા ચીન પર ખોટા આરોપો મુકી રહ્યુ છે અને ચીનના લોકો સમક્ષ અમેરિકા હાંસીપાત્ર બની રહ્યુ છે.

TejGujarati