સારાઈ તરફનું આકર્ષણ દ્રષ્ટિભ્રમથી વિશેષ કશું જ નથી. – શિલ્પા શાહ, ડિરેકટર ઇન્ચાર્જ HKBBA કોલેજ.

ગુજરાત ટેક્નોલોજી બિઝનેસ ભારત સમાચાર

મનુષ્ય માત્ર સારાઈનો દિવાનો છે. તે જીવનપર્યંત સારાઈને પસંદ કરે છે. સારાઈને પ્રેમ કરે છે. સારાઈની અપેક્ષા સેવે છે. ક્ષણે-ક્ષણ સારાઈને ઇચ્છે છે અને સારાઈની પ્રાપ્તિ ન થતા દુઃખી થઈ જાય છે. એટલે જ પ્રશ્ન થાય કે મનુષ્યજીવનમાં આટલી હદે છવાયેલ અપેક્ષિત સારાઈ છે શું? સામાન્ય રીતે સારાઈની અપેક્ષા માનવીય સંબંધોમાં રખાય છે, પછી ભલે તે સંબંધ કૌટુંબિક હોય કે વ્યવસાયિક. સંબંધોમાં સારાઈની અપેક્ષા એટલે એક મનુષ્યની બીજા મનુષ્ય પાસેની નૈતિક અપેક્ષા. સારાઈને મનુષ્ય નામના પ્રાણી સાથે વધુ નિસ્બત છે. આપણે ક્યારેય અન્ય જીવ પાસે સારાઈની અપેક્ષા રાખતા નથી. કદી સાંભળ્યું છે કે કોઈ માણસે મચ્છર પાસે તે કરડે નહીં તેવી અપેક્ષા રાખી હોય અથવા જંગલમાંથી પસાર થતી વખતે કોઇ હિંસક પ્રાણી હુમલો ન કરે એવી અપેક્ષા રાખી હોય. આમ સારાઈની અપેક્ષા મનુષ્ય પાસે અને ખાસ કરીને સામાજિક સંબંધોમાં જોડાયેલા વ્યક્તિ પાસે રાખવામાં આવે છે.
હવે પ્રશ્ન છે કે સારાઈ એટલે શું અને તેની જરૂરિયાત કેમ છે? સૌથી પહેલાં તો એ સમજી લેવું આવશ્યક છે કે સારાઈ એક બહુ મોટા દ્રષ્ટિભ્રમથી વિશેષ કંઈ જ નથી. કેમ કે સારાઈનો અર્થ છે તમારી સાથે કોઇપણ સંબંધે જોડાયેલ વ્યક્તિ તમારા કહ્યામાં હોય, તમારી ઈચ્છા પ્રમાણે વર્તે, તમને કદી કોઈપણ સંજોગોમાં હેરાન ન કરે, જાણે કે અજાણે તમારા દુખનું કારણ ન બને, સતત અવિરત તમને ઉપયોગી થાય, તમને મદદ કરે, સમયે સમયે જરૂરી સહાય કરે, પ્રેમ કરે, ક્ષણેક્ષણ બદલાતી તમારી ઈચ્છાપૂર્તિમાં હસતા મોઢે કોઈ ફરિયાદ કે અપેક્ષા વગર સહાયક બને અને તમારા જીવનને સ્વર્ગ બનાવી દે તેવી વ્યક્તિ આપણને બધાને સારી લાગે. હવે કહો સારાઈનો સીધો સંબંધ વ્યક્તિના સ્વાર્થ સાથે હોય એવું નથી લાગતું. આપણા સૌનો અનુભવ હશે જ કે આપણે જ્યારે કોઈ વ્યક્તિને સારી કહીએ છીએ એનો અર્થ છે કે તે વ્યક્તિ કોઈને કોઈ રીતે આપણને ક્યાંકને ક્યાંક ઉપયોગી થઇ છે અથવા તો તેણે આપણી આર્થિક મુશ્કેલીમાં સહાય કરી છે અથવા આપણી બીમારીમાં સેવા કરી છે અથવા આપણને ખુશી મળે એવા બે ચાર શબ્દો ઉચ્ચાર્યા હશે કે જેના દ્વારા આપણને જીવનમાં થોડીવાર માટે શાતા કે શાંતિ અનુભવાઈ હોય અથવા આપણને ક્ષણભર માટે એવું લાગ્યું હોય કે આપણું પણ આ દુનિયામાં કોઈ છે. આનાથી વિપરીત જ્યારે કંઈ પણ થાય ત્યારે આપણને દુઃખ થતું હોય છે. આપણા જીવનને થોડું મુશ્કેલ કે સંઘર્ષમય કોઈ બનાવે, આપણી ધનદોલત છીનવી લે, જરૂરતના સમયે ઉપયોગી ન થાય, તમારી અપેક્ષા પ્રમાણે પ્રેમ ન કરે, કહેવાતા પોતાના લોકો અને સંબંધિત લોકો સાથે તેનો વ્યવહાર અયોગ્ય હોય (જેમ કે સાસરી પક્ષના લોકોને ન સાચવ્યા વગેરે) ત્યારે એ વ્યક્તિ આપણને સારી લાગતી નથી.
ટૂંકમાં કોઈને કોઈ કારણે જે વ્યક્તિ તમારા જીવનમાં દુઃખનું કારણ બનતી હોય, જેના કારણે જીવનમાં અશાંતિ સર્જાતી હોય, જેના દ્વારા મુશ્કેલીઓ અને સમસ્યાઓનો સામનો કરવો પડતો હોય તેને આપણે સારી વ્યક્તિ સમજતા નથી. તમને નથી લાગતું કોઈ વ્યક્તિ માટેની તમારી માન્યતા (સારી કે ખરાબ) એ તમારા અંગત સ્વાર્થ, રાગ-દ્વેષ કે માન્યતાને આધીન છે? જે તમને ઉપયોગી છે, તમારી પ્રગતિમાં સહાયક છે, જેના દ્વારા તમારું જીવન થોડું વધુ સારું બન્યું છે તે વ્યક્તિ સ્વાભાવિક રીતે સારી લાગે છે. વળી આજે જે વ્યક્તિ સારી લાગે છે તે કાલે પણ સારી લાગશે અથવા કાયમ માટે સારી લાગશે તેની કોઇ ગેરંટી નથી કેમકે આજે ઉપયોગી વ્યક્તિ કાલે કદાચ ઉપયોગી ન રહે અથવા આજે પ્રેમ કરતી વ્યક્તિ કાલે જો પ્રેમ ન કરે (તમારી અપેક્ષા પ્રમાણે) અથવા આજે આર્થિક સહાય કરતી વ્યક્તિ કાલે જો સહાય ન કરી શકે તો તુરંત તે આપણી નજરમાંથી ઉતરી જાય છે. આપણે તેની જૂની બધી સારી બાબતો ભૂલી જઈએ છીએ. ઉપરાંત આ વ્યક્તિ બદલાઈ ગઈ છે, મારી જ ભૂલ હતી કે મેં તેને સારી સમજી વગેરે વિધાનો દ્વારા વ્યક્તિ અને સંબંધોને આપણે જીવનભર દોષ દઈએ છીએ. બીજી એક વાત સમજવા જેવી એ પણ છે કે સારાઈ જો નિરપેક્ષ હોય તો એકની નજરમાં જે સારી વ્યક્તિ છે તે દરેકની નજરે સારી જ હોવી જોઈએ. પરંતુ આપણા સૌનો એ અનુભવ છે કે અનેકો માટે જે વ્યક્તિ ઉત્તમ હોય તે ઘણીવાર કોઈ એકાદ વ્યક્તિ માટે સારી નથી હોતી, એનો સીધો અર્થ એ થયો કે સારાઈનો ખ્યાલ સાપેક્ષ છે, નિરપેક્ષ નથી. આમ સારાઈ કે ખરાબી, યોગ્યતા કે અયોગ્યતા, ઉત્તમતા કે કનિષ્ઠતા વ્યક્તિગત ભ્રમથી વિશેષ કંઈ જ નથી.
અંગત સ્વાર્થ અને રાગદ્વેષ જ એક વ્યક્તિને સારી અને બીજાને ખરાબ કે અયોગ્ય બનાવે છે. આપણને તો નિસ્વાર્થ, નિરાકાર કૃપાળુ પરમેશ્વર પણ હંમેશા સારા નથી લાગતા. જિંદગીમાં બધું આપણી ઈચ્છા પ્રમાણે થયા કરે અને જીવન સુખથી ભરેલું રહે ત્યાં સુધી આપણને પરમાત્મા કૃપાળુ લાગે છે, તેનો ન્યાય યોગ્ય લાગે છે, તેની લીલા ગમે છે. પરંતુ જો કંઈ વિપરીત ઘટે, જે કદાચ તમને માન્ય ન હોય તો તે જ કૃપાળુ પરમાત્મા અન્યાયી, બેરહેમ અને નિષ્ઠુર લાગવા માંડે છે. સારાઈ એ વાસ્તવમાં બહુ મોટો દ્રષ્ટિભ્રમ છે, જે આપણે પોતે અંગત સ્વાર્થ અને રાગદ્વેષ દ્વારા ઉભો કર્યો છે. એટલા માટે શાસ્ત્રો સ્વાર્થમુક્ત થવાની અને રાગદ્વેષને છોડી સાક્ષીભાવ કેળવવાની સલાહ આપે છે કે જેથી પરમેશ્વરનું અસ્તિત્વ જેવું છે તેવું જોઈ શકાય. કેમકે સાક્ષીભાવ વગર કે રાગ-દ્વેષ છોડયા વગર સારા-ખરાબના દ્વંદમાંથી મુક્ત થવું લગભગ અશક્ય છે. આ જગતમાં કશું જ સારું નથી કે કશું જ ખરાબ નથી, એ તો માત્ર છે (જે અસ્તિત્વ છે). જેને સારું કે ખરાબ જોવાની ભૂલ આપણે કરીએ છીએ.
જ્યારે તમારા પર અતિશય પ્રેમ અને સ્નેહ રાખનાર ખૂબ ઉપયોગી વ્યક્તિ પર મોહ કે આસક્તિ ન જન્મે અને તમારા જીવનમાં દુઃખની વણજાર સર્જનાર વ્યક્તિ પર અણગમો પેદા ન થાય ત્યારે સમજવું કે તમે સારા-ખરાબની ભ્રમિત માયાજાળમાંથી મુક્ત થઈ ગયા છો. ગમો અને અણગમો જેવું ઘાતકી જીવનમાં બીજું કશું જ નથી અને આપણું તો સંપૂર્ણ જીવન ગમા-અણગમાના પાયા પર ટકેલું છે. જેને હરાવ્યા વગર સત્યને પામવું અસંભવ છે. સત્યનું તો માત્ર અસ્તિત્વ છે તેમાં સારા અને ખરાબનું તત્વ તો આપણે ઉમેરીએ છીએ. વાસ્તવમાં અસ્તિત્વમાં કશું જ સારું કે ખરાબ નથી.
આપણે તો ક્યારેક પશુ-પક્ષી કે કીડા-મકોડા પાસે પણ જાણે-અજાણે સારાઈની અપેક્ષા રાખતા હોઈએ છીએ. જો કોઈ પ્રાણી તેની પ્રકૃતિ વિરુદ્ધ તમને કરડે નહિ, નુકશાન પહોંચાડે નહીં, તો તે હિંસક પ્રાણી પણ આપણને ગમવા માંડે છે. પાલતુ કૂતરો પ્રેમ કરે તો ગમે પરંતુ જો કરડે અને હડકાયું થઈ જાય તો જેના પર પ્રેમ હતો તેને જ ગમે ત્યાં ફેંકી આવતા જીવ ન બળે કેમકે હવે તે આપણા કામનો રહ્યો નથી, ઉપયોગી નથી. ક્યારેય વિચાર્યું છે કે જો મચ્છર આપણને કરડે નહીં તો તેનાથી આપણને ક્યારેય પ્રોબ્લેમ થાય નહીં પરંતુ તે કરડે છે એટલે દુશ્મન લાગે છે. પરંતુ કરડવું એ તેની પ્રકૃતિ છે, સ્વભાવ છે, એના પર જ એનું અસ્તિત્વ ટકેલું છે, એ જ એનો ખોરાક છે. કોઈની પાસે તેની પ્રકૃતિ કે સ્વભાવ વિરુદ્ધ વર્તે તેવી અપેક્ષા કેવી રીતે રાખી શકાય અને કદાચ રાખવામાં આવે તો પણ તે પૂર્ણ થઈ શકે ખરી? એ જ તર્ક માનવીય સંબંધોમાં પણ લાગુ પડે છે. દરેકની પ્રકૃતિ જુદી જુદી હોય છે. કોઈ સાત્વિક હોય તો કોઈ તામસિક પણ હોય. દરેકને તેની પ્રકૃતિ પ્રમાણે વર્તવાની ઈશ્વરે પણ છૂટ આપી છે તો આપણે કોણ પ્રભુની પ્રકૃતિમાં ખલેલ પાડવાવાળા?
આપણી પ્રકૃતિને માફક ન આવે તેવી વ્યક્તિ કે વસ્તુથી દૂર રહેવું તે દરેક વ્યક્તિનો નૈતિક અધિકાર છે. પોતાનો અયોગ્યથી કે જોખમથી બચાવ કરવાની ઈશ્વરે દરેકને સ્વતંત્રતા અને આવડત મૂળભૂત રીતે પ્રદાન કરેલી જ છે. પરંતુ આપણે તો વિપરીત પ્રકૃતિવાળાથી દૂર પણ રહેવું નથી (કેમકે કદાચ તેમાં જ આપણો ફાયદો કે સ્વાર્થ હોય) અને એવી અપેક્ષા પણ રાખવી છે કે તે વ્યક્તિ મારા કહ્યામાં રહે અને મને માફક આવે તે રીતે જીવે. જે કદી શક્ય બનવાનું નથી. ટૂંકમાં જીવનમાં ગમા-અણગમા જેટલું ખતરનાક બીજું કંઈ છે જ નહીં. વળી સારાઈ કે ખરાબી, ભલાઈ કે બુરાઈ એ તો આપણો ભ્રમ માત્ર છે. ભ્રમ કદી સાચું સુખ આપી શકે નહીં કેમ કે જેનું કોઈ અસ્તિત્વ જ નથી તે સુખનું કારણ કેવી રીતે બને?
વળી એવું પણ નથી કે સારાઈના આપણા સાપેક્ષ ખ્યાલોની સમાજમાં જરૂર નથી, પછી ભલે તે રાગયુક્ત કે સ્વાર્થયુકત હોય પરંતુ પ્રેમ, દયા, દાન, સહાનુભૂતિ, કરુણા, વિનમ્રતા, વિનય-વિવેક જેવા અનેક સારા ગુણોની સમાજને બેહદ જરૂર છે. કેમ કે તેના દ્વારા જ માનવીય સંબંધોમાં મીઠાશ અને સમાજમાં નિરાંત જળવાઈ રહે છે. સારાઈથી જ સંસાર ટકેલો છે. પરંતુ વ્યક્તિના સ્વભાવ, સારાઈ, પ્રકૃતિ કે સંસ્કાર પાછળ અનેક જન્મોના કર્મો, માન્યતાઓ, વારસાગત પરિબળો પણ જવાબદાર હોય છે. એટલા માટે સારાઈનું પણ વ્યક્તિગત ગુમાન કરવા જેવું નથી. આપણો વ્યવહાર કોઈ સાથે સારો કે ખરાબ છે તેમાં પણ પરમેશ્વરની કોઈ ઇચ્છા છે. આપણે કોઈને સહાય કરીએ છીએ તેમાં પણ પરમેશ્વરનો કોઈ ઈશારો છે. આપણે તો માત્ર નિમિત્ત છીએ. આપણે કોઈને પ્રેમ કરીએ કે નફરત તેમાં પણ પૂર્વજન્મના કર્મો કારણભૂત છે. જેથી યોગ્ય-અયોગ્યનો પણ ભાર રાખવા જેવો નથી. વળી પોતાની જાતને કે પોતાના કોઈ કાર્યોને સારા સમજવા કે તેને વધુ પડતી ક્રેડિટ આપવી તે પણ ભ્રમથી વિશેષ કંઈ જ નથી. કેમ કે તેની પાછળ જન્મોજન્મના અનેક કારણો, કામના, વાસના જવાબદાર હોય છે. જેની આપણને જાણકારી નથી જેથી અજ્ઞાનયુક્ત આપણે આપણી પોતાની સારાઈની ભ્રમિત માયાજાળમાં ફસાતા રહીએ છીએ.
તો આજથી આવો કોઈ વ્યક્તિને સારો સમજી તેના તરફ ખેંચાવાનું કે પ્રભાવિત થવાનું બંધ કરીએ તેમ જ કોઈને ખરાબ સમજી તેની ટીકા કરવાનું કે દ્વેષ કરવાનું બંધ કરીએ. હા જેની સાથે અનુકૂળતા ન અનુભવાય તેનાથી દૂર રહીએ. પરંતુ કોઇ પ્રકારનો કુભાવ પેદા ન થવા દઈએ. એ જ જીવન જીવવાની સાચી જડીબુટ્ટી છે. યથાર્થ જીવન જીવવાની એ જ સાચી કળા છે. જે શીખવા જ કદાચ ભગવાને આપણને સંસારમાં સંબંધો વચ્ચે જીવવા મોકલ્યા છે, તો આવો આ જીવનને સાર્થક કરીએ.

TejGujarati