*ફરી કુદરતના ખોળે* (Non fiction) *લેખક: જગત કીનખાબવાલા* *પહેલવાન ચકલી/ રાજ ચકલી/રાજી ચકલી

ગુજરાત ટેક્નોલોજી ધાર્મિક ભારત સમાચાર

*ફરી કુદરતના ખોળે*
(Non fiction)
*લેખક: જગત કીનખાબવાલા*
htpp://www.facebook.com/jagat.kinkhabwala
*પહેલવાન ચકલી/ રાજ ચકલી/રાજી ચકલી/હિન્દી:जंगली चिड़िया / Yellow Throated Sparrow /Chestnut-shouldered petronia/ Gymnoris xanthocollis*
કદ: ૧૫ સે.મી – ૬ ઇંચ. વજન: ૧૯ ગ્રામ. ખુલ્લી પાંખો: ૩ થી ૩.૩ ઇંચ – ૭૭ થી ૮૦ સે.મી. આયુષ્ય: ૩ વર્ષ.

*પહેલવાન ચકલી ચિરપ..ચિલ્પ…ચાલ્પ…ચોલ્પ*….
*પક્ષીવિદ સલીમ અલીની પ્રેરણા – પહેલવાન ચકલી*

ભારતના બર્ડમેન / Birdman of India – વિખ્યાત પક્ષીવિદ અને પ્રકૃતિવાદી/ નેચરાલિસ્ટ પદ્મવિભૂષણ શ્રી સલીમ અલી (૧૮૯૬ – ૧૯૮૭) પક્ષીજગતમાં સહુથી પહેલી ઓળખ પહેલવાન ચકલીની થઇ હતી. આ પહેલવાન ચકલીના કારણે તેઓની પક્ષીજગત સાથે ઓળખાણ થઇ. જ્યા સુધી તેમણે આ પહેલવાન ચકલીને જોઈ ન હતી ત્યાં સુધી તેઓ પોતાની રમકડાની ગનથી/ બંદૂકથી પક્ષીનો શિકાર પણ કરી લેતા.
એક સમયે તેમની શિકાર બનેલી એક ચકલીને લઈને કુતુહલવશ પક્ષીવિદ મીલાર્ડ ને મળી તેની ઓળખ પૂછી અને મીલાર્ડ એ તે “Yellow Throated Sparrow” ને ઓળખ આપી “પીળા ગળાવાળી ચકલી” નામ. ત્યારથી તેનું સ્થાનિક /લોકલ નામ પડ્યું પીળા ગળાવાળી ચકલી અને ત્યારબાદ શ્રી સલીમ અલીને પક્ષીજગતમાં રસ પડ્યો અને શ્રી મિલાર્ડ અને શ્રી કિનએર એમ બે પક્ષીવિદોએ તેમને પક્ષીજગતમાં રસ લેવા પ્રોત્સાહિત કર્યા. શ્રી સલીમ અલીએ ત્યારબાદ ભારતને ભારતના પક્ષીઓની ઓળખ આપી. તેઓના પક્ષીઓ વિશેના લખેલા પુસ્તક આજે પણ વિશ્વમાં શ્રેષ્ઠપુસ્તકોમાં ઓળખ છે.
“૧૨ નવેમ્બરની” તારીખ તેમનો જન્મ દિવસ તેમને સમર્પિત થયો જે દિવસ “નેશનલ બર્ડ ડે” તરીકે ઉજવાઈ તેમને અને તેમના યોગદાનને યાદ કરાય છે.સલીમ અલી બોલો એટલે ફક્ત પક્ષીજગત યાદ આવે!
સામાન્ય રીતે ઘર ચકલી જોઈ હોય પણ પહેલવાન ચકલી ઓછાએ જોઈ હોય. એને સુંદર અને બારીક ચાંચ હોય જે ઘર ચકલીથી જુદી પડે. ઓળખતા ન હોય તેને ચકલી લાગે. કપાળે આછો પીળો રંગ હોય છે અને ગળે પીળો પટ્ટો હોય છે. મુખ્યત્વે નીરસ ગ્રે/ રાખોડી રંગની હોય અને બે બાજુ ખભાના ભાગ ઉપર સફેદ પટ્ટો હોય જેના કારણે તેની તરફ ખાસ ધ્યાન ખેંચાય. માદાના ગળામાં પીળો પટ્ટો નહિવત અથવા નથી હોતો અને ખભાની બે બાજુ સફેદ પટ્ટો નથી હોતો જે કારણે માદા વધારે ફિક્કી દેખાય છે. પીઠનો ભાગ ગ્રે/ રાખોડી હોય. પેટાળ ધોળા હોય છે. સામાન્ય રીતે ચીઈઈઈરૂપ….. બોલ્યા કરે છે અને ઘણી વખત ચિરપ..ચિલ્પ…ચાલ્પ…ચોલ્પ….જેવું બોલે છે. સ્વભાવે શરમાળ પક્ષી છે.
ભારતથી શરુ કરી ઉપર સુધી અફઘાનિસ્તાન થઈને બાજુ તરફ ઈરાન, ઇરાક, સીરિયા, ટર્કી તેમજ ઓમાન, મ્યાનમાર વગેરે દેશમાં જોવા મળે છે.
પક્ષીજગતના વિશ્વમાં ચકલી જેવું નાનું કદ ધરાવતા હોય તેવા પક્ષીને પેસેરાઈન બર્ડ એટલેકે ચકલીના કદનું પક્ષી કહેવાય છે અને પહેલવાન ચકલી આવું ચકલીના કદનું પક્ષી ગણાય છે.
ઝાડ ઉપર વધારે રહે છે અને હવે બદલાયેલા સમયમાં ઇલેક્ટ્રિકના વાયર ઉપર પણ બેસે. જમીન ઉપર પણ ક્યારેક દેખાય. આ એક સ્થાનિક નિવાસી પક્ષી છે.
ઘર ચકલીના કુળની એક પ્રજાતિ છે અને કદમાં તેને મળતું આવે છે. મુખ્યત્વે સ્થાનિક નિવાસી છે પરંતુ વધારે વરસાદના સમયમાં કેટલાક દૂરના વિસ્તારમાં સ્થળાંતર કરી જાય છે. બગીચા, ઝાડી અને જંગલમાં જોવા મળે છે. મુખ્યત્વે દાણા, બિયારણ, મધુરસ અને ઠળિયા વિનાના ફળ તેમનો ખોરાક છે. જો મળી જાય તો મહુડાના/ Mahua / Mahwa ફૂલના કોમળ પત્તા ખાય છે.
એપ્રિલથી જુલાઈ તેમનો પ્રજનનનો સમય છે. તે વખતે નરનો રંગ બદલાય છે જેમાં માથું અને છાતી ઘેરા હળદળ જેવા દેખાય છે. સામાન્ય રીતે તે વૃક્ષની બખોલમાં માળો બનાવે છે અને જો મળી જાય તો લક્કડખોદ જેવા પક્ષીએ વૃક્ષમાં કરેલા બખોલમાં માળો કરી લે છે. ગીચ ઝાડીમાં રહેવાનું વધારે પસંદ કરે છે. નાના જંગલ, ખેતીના વિસ્તાર, ગામડાની બહારના વગડાના વિસ્તાર માફક આવે છે. શહેરી વિસ્તારમાં જો આવી માળાની બખોલ ન મળે તો મકાનમાં બખોલ શોધીને માળો બનાવી લે છે. માળો માદા બનાવે છે અને ક્યારેક નર માળો બનાવવામાં મદદ કરે છે. માદા ઈંડા સેવવાનું કામ કરે છે જેમાં ૧૨ થી ૧૪ દિવસ લાગે છે. બહુ ગરમીના સમયમાં માદા દિવસના ગરમ ભાગમાં બહાર નીકળે છે.
માનવી, સાપ, ગીધ, સમડી બિલાડી વગેરે તેમના જીવ માટે જોખમરૂપ બની રહે છે.
(ફોટોગ્રાફ: શ્રી સેજલ શાહ ડેનિયલ).

*આવો કુદરતના ખોળે, નિરાંત અનુભવીએ.*
*સ્નેહ રાખો – શીખતાં રહો – સંભાળ રાખો*
*Love – Learn – Conserve*

TejGujarati