ગઈ કાલે સાંજે ૬ વાગ્યા સુધીમાં ગુજરાતના ૬૮ તાલુકાઓમાં થયો કમોસમી વરસાદઃ ૨૨ તાલુકાઓમાં એકથી સવાત્રણ ઇંચ વરસાદ પડ્યોસતત બીજા દિવસે ગુજરાત પર માવઠાનો માર થયો હતો. માવઠાના કારણે પાકને નુકસાન થતાં ખેડૂતોની હાલત કફોડી બની છે. બે દિવસથી ગુજરાતમાં પડી રહેલા કમોસમી વરસાદના કારણે જૅકેટ પહેરવું કે સ્વેટર પહેરવું એ બાબતે નાગરિકો અસમંજસભરી સ્થિતિમાં મુકાઈ ગયા છે કેમ કે એક તરફ ઠંડીનો ચમકારો વરતાઈ રહ્યો છે તો બીજી તરફ વરસાદી ઝાપટાં પડતાં નાગરિકો બેવડી ઋતુનો અનુભવ કરી રહ્યા છે.
ગઈ કાલે સાંજે ૬ વાગ્યા સુધીમાં ગુજરાતના ૬૮ તાલુકાઓમાં કમોસમી વરસાદ પડ્યો હતો, જેમાં ૨૨ તાલુકાઓમાં એકથી સવાત્રણ ઇંચ વરસાદ પડ્યો હતો. સૌથી વધુ વલસાડમાં ૮૩ મિ.મી. એટલે કે સવાત્રણ ઇંચ અને પાલનપુરમાં ૭૨ મિ.મી.એટલે કે ત્રણ ઇંચ જેટલો વરસાદ નોંધાયો હતો. આ ઉપરાંત સુરતના પલસાણા, વાપી, ભુજ, સમી, સરસ્વતી, વાસંદા, વડગામ, પાટણ અને દાંતામાં બે ઇંચથી વધુ કમોસમી વરસાદ પડ્યો હતો. બીજા દિવસે પણ ઉત્તર ગુજરાત પર મેઘરાજાએ ટાર્ગેટ કર્યો હોય તેમ ગઈ કાલે પણ ઉત્તર ગુજરાતના બનાસકાંઠા, સાબરકાંઠા, પાટણ, મહેસાણા, અરવલ્લી જિલ્લાઓમાં કમોસમી વરસાદ થયો હતો. આ ઉપરાંત ગુજરાતમાં સુરત, તાપી, ડાંગ, નવસારી, વલસાડ, ગીરસોમનાથ, જૂનાગઢ, દેવભૂમિ દ્વારકા, મોરબી અને કચ્છ જિલ્લામાં કમોસમી વરસાદ પડ્યો હતો.
