વિપશ્યના શું શીખવાડે છે?- શિલ્પા શાહ, ડિરેકટર ઇન્ચાર્જ HKBBA કોલેજ.

કલા સાહિત્ય ગુજરાત ધાર્મિક ભારત સમાચાર

આજકાલ વિપશ્યના શિબિર તરફ લોકો આકર્ષાતા જાય છે. અનેક વિપશ્યના શિબિરો ગોઠવાય છે, લોકો મોટી સંખ્યામાં તેમાં હાજરી આપે છે, વિપશ્યના શિબિરને પસંદ કરે છે અને કદાચ ક્ષણિક શાંતિ પણ અનુભવે છે. વિપશ્યના બૌદ્ધધર્મનું અગત્યનું અંગ છે. વિપશ્યના સાધના મનુષ્ય માત્રની ઉન્નતિ માટેનું ઉત્તમ સાધન છે. પરંતુ તેના યથાર્થ સ્વરૂપને સમજ્યા વગર તે કદાચ ક્ષણિક લાભદાયક અવશ્ય લાગે પરંતુ ખરેખર જે અદભુત લાભ તેના દ્વારા મળવા જોઈએ જેના માટે તે સમર્થ છે તે કદાચ ન મેળવી શકાય. જેથી વિપશ્યના કોને કહેવાય, વિપશ્યના કેવી રીતે થાય અને તે વાસ્તવમાં શું શીખવાડે છે તે સમજવું અનિવાર્ય છે.
વિપશ્યના શબ્દથી જ જો શરૂ કરીએ તો તેમાં બે શબ્દની સંધિ છે “વિ” અને “પશ્ય” અહીં “વિ” એટલે વિશિષ્ટ અને “પશ્ય” જે સંસ્કૃત શબ્દ છે જેનો અર્થ થાય છે જોવું. આમ વિશિષ્ટ રીતે જોવું એટલે વિપશ્યના. હવે પ્રશ્ન થાય કે વિશિષ્ટ રીતે જોવું એટલે શું અને આપણા દર્શનમાં કે જોવામાં શું ખામી છે, અને જો હોય તો તેને દૂર કરી દર્શનની સાચી રીત કઈ? વાસ્તવમાં આપણું દરેક સામાન્ય દર્શન ખામીયુક્ત છે કેમકે જે છે તે આપણે જોઈ શકતા નથી અને જે નથી તે આપણને હંમેશા દેખાય છે જેમકે સૂર્ય સ્થિર છે પરંતુ આપણને ઉગતો અને આથમતો દેખાય છે. તેવી જ રીતે સંસારની અનેક ચીજવસ્તુઓ કે બાબતો જેવી કે શરીર, સંબંધો, ધન, ભૌતિક સુખ-સાહિબી વગેરેને આપણે તેના વાસ્તવિક સ્વરૂપમાં જોઈ શકતા જ નથી. આ સર્વે નાશવંત અને પારકી વસ્તુને આપણે પોતાની અને સનાતન સમજી બેઠા છીએ. જે પોતાનું નથી તેમ જ નાશવંત છે તે તો છૂટવાનું જ છે પરંતુ આપણે તે આજીવન સમજી શકતા નથી કે વાસ્તવિક દર્શન કરી શકતા નથી. જેથી આવી દરેક બાબતો (શરીર, સંબંધો, ધન, ભૌતિક સુખસાહીબી) નો સંગ થતા આપણે હર્ષ અનુભવીએ છીએ અને વિયોગ થતાં શોકની લાગણી અનુભવીએ છીએ. એને જ દ્રષ્ટિદોષ કે અયોગ્ય દર્શન કહે છે કેમકે જે જેવું છે તેવું આપણને ક્યારેય દેખાતું જ નથી. જ્ઞાની પુરુષો આને દ્રષ્ટિરાગ કહે છે કેમકે દરેક વસ્તુ આપણને એવી જ દેખાય છે જેવી આપણે તેને જોવા ઈચ્છીએ છીએ એટલે કે જેવો આપણો તેના પરનો રાગ કે લાગણી તેવી તે દેખાય છે. જેની પાછળ મુખ્ય જવાબદાર કારણો બે છે ૧) પસંદગી અને ૨) પૂર્વગ્રહ. ટૂંકમાં જે દેખાય છે તે છે નહીં અને જે છે તે દેખાતું નથી. આકાશમાં ઇન્દ્રધનુષ્ય છે પણ સામાન્ય સંજોગોમાં દેખાતું નથી. આપણો સંસારિક અનુભવ પણ કંઇક આવો જ છે જે વસ્તુ કે વ્યક્તિ સારી છે તે આપણને સારી લાગતી નથી અને મીઠુંમીઠું બોલનાર ઉત્તમ દેખાડો કરનાર પોતાના અને સારા લાગે છે. શાસ્ત્રો આને જ માયા કહે છે અને એ દૃષ્ટિએ આ સંસાર માયા છે. આપણે પૂર્વગ્રહ અને પસંદગીના ચશ્મા દ્વારા વસ્તુનું યથાર્થ દર્શન કરવાને બદલે અવાસ્તવિક દર્શન કરીએ છીએ એટલે ભગવાન બુદ્ધે વિપશ્યના સાધના દ્વારા સંસારનું વિશિષ્ટ રીતે દર્શન કરવાની સલાહ આપી છે જે ખૂબ વૈજ્ઞાનિક છે. સાચા અર્થમાં વિપશ્યના સાધનાને સમજવામાં, તેના યથાર્થ હેતુને ઊંડી વૈજ્ઞાનિક સમજણ સાથે જાણવામાં અને આચરવામાં આવે તો વિપશ્યના જેવી ઉત્તમ સાધના મનુષ્યની ઉન્નતિ માટે બીજી કોઈ હોઈ જ ન શકે.
ટૂંકમાં વિપશ્યના એટલે વિશિષ્ટ રીતે જોવું. આપણે અત્યારે જે સામાન્ય રીતે જોઈએ છીએ તેના કરતા ભિન્ન રીતે જોવું જેમ કે આ સ્થૂળ શરીરને આપણે અવિનાશી આત્મા સમજી વળગી રહ્યા છે તેનાથી ભિન્ન અને વિશિષ્ટ રીતે આત્માના વાસ્તવિક સ્વરૂપને જોવું અને ઓળખવું એટલે વિપશ્યના. બીજી રીતે જોઈએ તો ક્ષણે-ક્ષણે ઉદભવતી સંવેદના (સારી કે ખરાબ એટલે સુખ કે દુઃખ) ને માત્ર જોયા કરીએ મૌન સાથે કોઈ વાચિક કે કાર્મિક પ્રતિક્રિયા વગર સાક્ષીભાવે સંપૂર્ણ જાગૃતતા પૂર્વક તેને વિપશ્યના કહેવાય. જેના દ્વારા જીવનની તમામ કડવાશ નષ્ટ થાય છે. રાગ-દ્વેષ, અહંકાર, અજ્ઞાન ખતમ થાય છે. સમદર્શી બનાય છે અને જીવવાની વાસ્તવિક કળા હસ્તગત થાય છે. આપણે સૌ જાણીએ છીએ કે જીવનમાં સાચી શાંતિ માત્ર સમ્યકદર્શન અને મનશુદ્ધિ (ચિત્તશુદ્ધિ) દ્વારા શક્ય બને છે કેમ કે અશુદ્ધ મન જ અનેક પીડા અને રોગોનું ઘર છે. માનવમન બંધનનું કારક છે તો મુક્તિનું કારણ પણ છે. જેથી મનને વિશિષ્ટ રીતે ટ્રેઈન કરવું આવશ્યક છે. કેમ કે આપણી તમામ ઇન્દ્રિયો મનના આદેશ પ્રમાણે ચાલે છે. મન જો આંખોને (ઇન્દ્રિય) યથાર્થ અને સાચા દર્શનનો આદેશ કરે તો ઇન્દ્રિય ચોક્કસ વિશિષ્ટ રીતે જોતી થઈ જાય અને વિપશ્યના સાધના સફળ થાય. પરંતુ મન પોતાની અંગત પસંદગી અને પૂર્વગ્રહ અનુસાર ઇન્દ્રિયોને આદેશ કરે છે જેથી વાસ્તવિક દર્શન શક્ય બનતું નથી. ટૂંકમાં સંસારભ્રમણા, દુઃખમુક્તિ કે મોક્ષ તમામ માટે જવાબદાર પરિબળ માનવમન છે. જેની નિર્મળતા વિપશ્યના માટે એટલે કે વિશિષ્ટ રીતે સંસારને જોવા માટે અનિવાર્ય છે. વિપશ્યના સાધના મનને શુદ્ધ અને નિર્મળ કરવાની જ વ્યવસ્થા છે.
The ultimate path for salvation is effortless and choice-less awareness મતલબ મુક્તિ કે મોક્ષનો અંતિમ માર્ગ એટલે પ્રયત્નરહિત અને પસંદગીરહિત જાગૃતિ. જેના માટે પસંદગી અને પૂર્વગ્રહથી મુક્ત થવું ફરજીયાત છે. પરંતુ આપણે આજીવન પસંદગી, ગમા-અણગમાની માયાજાળમાં ફસાયેલા રહીએ છીએ. તીવ્ર પસંદગી હંમેશા પૂર્વગ્રહ ઉત્પન્ન કરે છે. આપણી પસંદગીપ્રાપ્તિની યાત્રામાં જે બાધક બને છે તેના પર દ્વેષ જન્મે છે જે તીવ્ર બનતા પૂર્વગ્રહનું સર્જન થાય છે કે ફલાણી-ફલાણી વ્યક્તિ કે વસ્તુ યોગ્ય નથી. જ્યાંથી સ્વીકાર અને અસ્વીકારની યાત્રા શરૂ થાય છે જે જીવનને સંઘર્ષમય બનાવી દે છે. મોટાભાગના કિસ્સામાં આવી પસંદગી અને પૂર્વગ્રહ પાછળ ઘણા ભૂતકાળના કર્મો, પૂર્વજન્મની વાસના એટલે કે સ્મૃતિ અને સંસ્કાર જવાબદાર હોય છે. પૂર્વસ્મૃતિ અનુસાર માણસ યાંત્રિક પ્રતિક્રિયા કર્યા જ કરતો હોય છે, એને તો ખબર પણ નથી પડતી કે તે કોઈ વ્યક્તિને આટલી પસંદ કોઇ કારણ વગર કેમ કરે છે અને એ જ રીતે કોઈ કારણ વગર કોઈને નફરત કેમ કરે છે. પ્રેમમાં પડવામાં કદી કોઈ કારણ હોતું નથી અને કદાચ એટલે જ આપણે કહીએ છીએ “પ્યાર કિયા નહિ જાતા હો જાતા હૈ” એનો સીધો અર્થ એ છે કે આપણી પસંદગી પાછળ કોઈ વર્તમાન કારણ જવાબદાર હોતું જ નથી. તેવી જ રીતે ઘણી વ્યક્તિઓ માટે આપણને અણગમો, ધૃણા, ઇર્ષા કેમ થાય છે ખબર જ પડતી નથી. આ બધા પાછળ પૂર્વજન્મના કર્મો, સંસ્કાર, સ્મૃતિ, કોઈ અતુપ્ત કામના જવાબદાર છે. જે વ્યક્તિને યાંત્રિક પ્રતિક્રિયા કરવા મજબૂર કરે છે. જેથી સજાગ રહેવું કે જાગૃત બનવું જરૂરી છે. જાગૃતતા કેળવ્યા વગર આવી યાંત્રિક પ્રતિક્રિયામાંથી કદાપિ બચી શકાય નહીં. આવી અનેક આંતરિક પ્રતિક્રિયા જીવનમાં અનેક બંધનો અને કાર્મિક દુઃખો ઉત્પન્ન કરે છે જેનાથી બચવા માટે પ્રતિક્રિયાશૂન્ય બનવું આવશ્યક છે. કેમકે તે વગર સંસારને તેના સાચા સ્વરૂપમાં અને વિશિષ્ટ રીતે જોવું શક્ય નથી. સંસારને તેના સાચા સ્વરૂપમાં વિશિષ્ટ રીતે જોવો એ જ હેતુ વિપશ્યના સાધનાનો છે. જે સાક્ષીભાવ કેળવતા, સતત વર્તમાનમાં જીવતા, વર્તમાન ક્ષણને નિહાળતા શીખવાડે છે. જીવનમાં કઈ ન થઈ શકે તો કમ-સે-કમ કોઈપણ ક્રિયા સામે ત્વરિત પ્રતિક્રિયા આપવાનું ટાળવું કેમ પ્રતિક્રિયાની સાથે જ આપણે ગમા-અણગમાના ચક્કરમાં પડી જઇએ છીએ અને પસંદગી કે પુર્વગ્રહની જાળમાં ફસાઈ જઈએ છીએ.
આમ પણ આપણા સૌનો અનુભવ છે કે જ્યારે જીવનમાં કંઈક ખોવાનો ડર ન રહે અને કંઇ મેળવવાની અપેક્ષા ન જાગે ત્યારે જીવનમુક્ત, પીડામુક્ત તેમ જ જન્મમુક્ત બનાય છે. કંઈક બનવું છે, કંઈક જોઈએ છીએ, કંઇક મેળવવું છે વગેરે ઈચ્છા જ બંધન ઊભા કરે છે. જેના કારણે જન્મ, જીવન અને દુઃખોનું વિષચક્ર ચાલ્યા કરે છે. આવું જીવનચક્ર અનેક સ્વીકાર અને અસ્વીકાર દ્વારા અસંખ્ય ઘર્ષણ કે સંઘર્ષ પેદા કરે છે. જે વ્યક્તિને તમામ રીતે ખતમ કરી નાખે છે. એટલા માટે વિપશ્યના આપણને સ્વીકાર અને અસ્વીકારના દ્વંદમાંથી મુક્ત થતાં શીખવાડે છે. તેમ જ ન ક્રિયા ન પ્રતિક્રિયા, ન ઈચ્છા ન કામના, માત્ર સાક્ષીભાવે જોતા શીખવાડે છે. એટલે કે વિશિષ્ટ રીતે જોતાં શીખવે છે, જેનાથી રાગ-દ્વેષ નબળા પડે છે, નિર્ભયતા પ્રાપ્ત થાય છે, ઈચ્છાની ચુન્ગલમાંથી મુક્તિ મળે છે અને વર્તમાનમાં જીવવાની કળા હસ્તગત થાય છે. આમ વિપશ્યના મુક્તિનો અંતિમ માર્ગ છે. સાચું પૂછો તો સતત વ્યર્થ બોલવા, વિચારવા અને કરવામાંથી મુક્તિ એટલે જ મોક્ષ. જે. કૃષ્ણમૂર્તિ એને સજાગતા કે જાગૃતતા એવું નામ આપે છે. આવી જાગૃતતા સાક્ષીભાવ કેળવવાથી પ્રાપ્ત થાય છે અને સાક્ષીભાવ કેળવવા વિપશ્યના સાધનાની જીવનમાં જરૂરિયાત છે.
ટૂંકમાં વિપશ્યના એટલે વિશિષ્ટ રીતે જોવું. વિપશ્યનાનો હેતુ ચિત્તશુદ્ધિ, મનશુદ્ધિ, એકાગ્રતા, અંતરમુખતા અને સમત્વભાવનું જાગરણ છે. વિપશ્યના સાધના મનુષ્યને પસંદગી અને પૂર્વગ્રહથી મુક્ત થતા શીખવાડે છે. સ્વીકાર અને અસ્વીકારના દ્વંદમાંથી મુક્ત થતા શીખવે છે. રાગ-દ્વેષ, ઈચ્છા અજ્ઞાન અને ભયની ચુંગલમાંથી મુક્ત થતા શીખવાડે છે. પરંતુ આ બધું શક્ય ત્યારે બને જ્યારે તેને યથાર્થ સ્વરૂપમાં સમજવામાં અને આચરવામાં આવે. બાકી તો તે માત્ર એક પિકનિક જેવી શિબિર બની રહે જે ક્ષણિક શાંતિ કે આનંદ આપે. પરંતુ અવિરત મુક્તિનો આનંદ કે કાયમી શાંતિ આપી શકે નહીં. વિપશ્યના કોઈ ધર્મ, સંપ્રદાય કે પંથ સાથે સંકળાયેલી બાબત નથી. એ તો એક અનુપમ ઉપલબ્ધિ છે, જે માત્ર મનુષ્ય પામી શકે છે. કેમ કે એના માટે મનની આવશ્યકતા છે જે પ્રભુએ માત્ર મનુષ્યને આપ્યું છે. એટલા માટે જ મનુષ્યયોનિને શ્રેષ્ઠ માનવામાં આવે છે. કેમ કે તે દરેક જીવ માટે અશક્ય એવી વિશિષ્ટ બાબતોનો અનુભવ કરી શકે છે, વિભૂતિને પામી શકે છે અને દૈવીશક્તિનો સાક્ષાત્કાર કરી શકે છે, તેને મેળવી પણ શકે છે. આપણામાં ભગવાન બનવાની તાકાત છે પરંતુ તે તાકાતને ઓળખવી પડે. જે ઓળખાણ મન દ્વારા શક્ય બને છે અને તેનો અહેસાસ વિપશ્યના કરાવે છે. આમ વિપશ્યના વિશિષ્ટ રીતે અસ્તિત્વને જોતા શીખવાડે છે. વિપશ્યના સાધનાને સાચા અર્થમાં સમજી જીવનને ધન્ય અવશ્ય કરી શકાય.
વિપશ્યના સાધનાના ત્રણ અંગ છે. ૧) શીલ ૨) સમાધિ અને ૩) પ્રજ્ઞા.
૧) શીલ એટલે યમ અને નિયમ એટલે do’s and don’ts એટલે શું કરાય અને શું ન કરાય તે સમજવું. જેમ કે યમ એટલે શું ન કરાય(શું છોડવું જોઈએ) તો જૂઠ, હિંસા, પરિગ્રહ, ચોરી વગેરે ત્યજવા યોગ્ય છે. જ્યારે નિયમ એટલે શું કરવા યોગ્ય છે તે સમજવું જેમ કે શૌચ (શુદ્ધિ) બ્રહ્મચર્ય, સંધ્યા, પૂજા-ભક્તિ વગેરેનો નિયમ જીવનમાં લેવો જોઈએ.
૨) સમાધિ એટલે એકાગ્ર ચિત્તે માત્ર જોતા રહેવાની સાક્ષીભાવની સાધના.
૩) પ્રજ્ઞા એટલે અહંકારરહિત બુદ્ધિ. પ્રજ્ઞા એટલે ડાહપણ કે વિવેક. જેના દ્વારા અજ્ઞાન અને અવિદ્યાનો ઉચ્છેદ કરી શકાય. જેના દ્વારા જીવ ઈચ્છામુક્ત, કામનામુક્ત, વાસનામુક્ત અને નિર્ભય બને છે.
મને લાગે છે કે જો આ રીતે વિપશ્યનાને તેના મુળભૂત સ્વરૂપમાં ઓળખવામાં આવે તો દુઃખમુક્તિ અવશ્ય સરળ બને અને કાયમી આનંદ અને શાંતિની પરાકાષ્ઠાએ પહોંચી શકાય. જે મનુષ્ય જીવનનો અંતિમ ઉદેશ્ય (ultimate goal) છે. પરંતુ યમ અને નિયમ વગરના જીવનમાં વિપશ્યનાથી કોઈ લાભ શક્ય નથી એ તો સમજવું જ રહ્યું. તમામ તકલીફોનો રામબાણ ઈલાજ પ્રજ્ઞાબુદ્ધિ છે જે એકાગ્રતાની સાધના વગર શક્ય નથી અને આવી એકાગ્રતા(સમાધિ) માત્ર યમ અને નિયમપૂર્ણ સંયમિત જીવન દ્વારા શક્ય છે. વિપશ્યનાની સાધના કરતા પહેલા જો આટલું સમજી લેવામાં આવે તો ધાર્યો લાભ અવશ્ય મેળવી શકાય.

TejGujarati