દીવો કરવાનું કોઈ વૈજ્ઞાનિક મહત્વ ખરું? શિલ્પા શાહ, ડિરેક્ટર ઇન્ચાર્જ HKBBA કોલેજ.

કલા સાહિત્ય ગુજરાત ધાર્મિક ભારત સમાચાર

વિશ્વના લગભગ બધા જ ધર્મમાં પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે દીપ જ્યોતિનું અગ્નિના સ્વરૂપ તરીકે મહત્વ છે. પરંતુ હિન્દુ સનાતન ધર્મસંસ્કૃતિમાં પરમેશ્વરનું નામ લેતા પહેલા દીવો કરવાનું વિશેષ મહત્વ છે. આમ તો હિન્દુ સનાતન ધર્મ-સંસ્કૃતિમાં પૂજા અને ભક્તિનુ ખૂબ ઉચ્ચ સ્થાન છે અને ઈશ્વરના નામમાં થતી પૂજા- ભક્તિ દીપ પ્રાગટ્ય વગર અધુરી ગણાય છે. ખ્રિસ્તીધર્મમાં પણ પ્રભુ આરાધના પહેલા કેન્ડલ પ્રજ્વલિત કરવાની પરંપરા છે. પારસી ધર્મમાં તો અગ્નિ તત્વની પૂજાનું વિશેષ મહત્વ છે, એ દ્રષ્ટિએ સ્વાભાવિક પ્રશ્ન થાય કે ભગવાનની પૂજા-ભક્તિમાં દીવો કરવાનું કોઈ વૈજ્ઞાનિક તાત્પર્ય ખરું?
શ્રીમદ ભાગવત પુરાણ સ્કંધ તૃતીયમાં ભગવાન સમક્ષ દીવો કરવાની ક્રિયાની વૈજ્ઞાનિક દ્રષ્ટિએ છણાવટ કરવામાં આવી છે. ભગવાન પરનો પ્રેમ અને દર્શનની અપેક્ષા દીવો કરવાના મુખ્ય કારણો તો છે જ. પરંતુ આપણે સૌ જાણીએ છીએ કે ઈશ્વર તો સ્વયં પ્રકાશ છે જેથી દીવાની જરૂર તેમને નથી, આ તો મનુષ્યના મનનું અંધારું (એટલે કે અજ્ઞાન અને વાસના) દૂર કરવા માટે દીવો કરવાની આવશ્યકતા છે. દિવો કરતાં પ્રભુને વિનંતી કરવાની હોય છે કે મારી અંદર રહેલ અંધારું દૂર કરો અને જ્ઞાનમય પ્રકાશ કાયમ રહે એવા આશીર્વાદ આપો. વળી દીવો અગ્નિનું સ્વરૂપ છે અને અગ્નિ પંચભૂતોમાનું અગત્યનું તત્વ છે. વેદોનો પ્રારંભ જ અગ્નિમંત્ર કે અગ્નિની સ્તુતિથી થયો છે. ઋગ્વેદમાં સૌથી પહેલી પ્રાર્થના અગ્નિની કરવામાં આવી છે. અગ્નિને મનુષ્ય અને દેવો વચ્ચેની કડી માનવામાં આવી છે. આમ દીવાના માધ્યમ દ્વારા મનુષ્યનું ઈશ્વર સુધી પહોચવું શક્ય બને છે. યજ્ઞમાં જે કોઈ દેવને આહુતિ આપવામાં આવે છે તે આહુતિ એ દેવ સુધી પહોચાડવાનું કામ અગ્નિ જ કરે છે. ઉપરાંત જ્યારે સૂર્ય અસ્ત થાય ત્યારે બુદ્ધિમાં કામ પ્રવેશે છે માટે સૂર્યાસ્તના સમયે દીવો કરવો અનિવાર્ય છે. વળી સાયંકાળે સૂર્ય અને ચંદ્ર બંનેના તેજ નબળા પડે છે જેથી પૃથ્વી પર નકારાત્મકતા કે આસુરીશક્તિનું જોર વધે છે. આપણે જાણીએ છીએ કે સૂર્ય બુદ્ધિનો માલિક છે જ્યારે ચંદ્ર મનનો માલિક છે, આમ મન અને બુદ્ધિ સંધ્યાકાળે નબળા પડતા હોવાથી કામનો તેમ જ નકારાત્મકતા અને આસુરીશક્તિનો પ્રવેશ સરળ બને છે એટલા માટે સંધ્યાકાળે ઈશ્વરસ્મરણ કરવું ખૂબ જરૂરી છે. સંધ્યાકાળે ભક્તિ કદી છોડવી નહીં. ઘરને તાળા મારવા નહીં. ઘરની બહાર જવું નહીં અને ખૂબ સાવધાની સાથે સંધ્યાકાળે ભક્તિ કરવી કામનાશ માટે તેમ જ નકારાત્મકતાથી બચવા અનિવાર્ય છે એવું ભાગવતનું સૂચન છે જે ખૂબ વૈજ્ઞાનિક છે.
બૃહદારણ્યક ઉપનિષદની ઋચા “અસતો મા સતગમય તમસોમા જ્યોતિર્ગમય મૃત્યોમા અમૃતમ ગમય” પંક્તિમાં અસત્યમાંથી સત્ય તરફ, અંધકારમાંથી ઉજાસ તરફ અને મૃત્યુમાંથી અમૃત તરફની યાત્રામાં દીવાને ઉજાસનું પ્રતિક ગણવામાં આવ્યું છે. જે મનુષ્યને અહંકારરૂપી અંધકારમાંથી જ્ઞાનરૂપી પ્રકાશ તરફ લઈ જાય છે. વળી તેમાં પણ ઘીના દીવાનું વિશેષ વૈજ્ઞાનિક મહત્વ છે. ગાયનું ઘી અતિ પવિત્ર મનાય છે. અગ્નિપુરાણમાં દીવો શા માટે? કેવી રીતે? શેના દ્વારા? વગેરેની ઊંડી સમજણ આપેલી છે. ઘી તેલ કરતાં સ્વાભાવિક રીતે જ વધુ પવિત્ર અને સાત્વિક છે. જેનાથી વાતાવરણમાં સાત્વિક તરંગોની ઉત્પત્તિ થાય છે. વાતાવરણ પવિત્ર રાખવામાં ઘી અતિ સહાયક છે. ઘીના દીવાથી પર્યાવરણની શુદ્ધિ થતી હોવાનું આધુનિક વિજ્ઞાન પણ સ્વીકારે છે. ઘીનો દીવો ઓલવાઈ ગયા બાદ પણ લગભગ ચાર કલાક સુધી વાતાવરણમાં સાત્વિક ઉર્જા જાળવી રાખે છે.
યોગશાસ્ત્ર અનુસાર મનુષ્ય શરીરમાં આવેલા ઊર્જાના સાત ચક્રો પૈકી મણિપુરચક્ર અને અનાહતચક્રને ઘીનો દીવો શુદ્ધ કરે છે. ઉપરાંત ઘીનો દીવો શરીરમાં ચંદ્રનાડીથી ઉર્જા પ્રાપ્ત કરીને મનને શાંતિ અને આનંદનો અનુભવ કરાવે છે. ગાયના ઘીમાં અનેક રોગોને દૂર કરવાની ક્ષમતા છે. દિવાની મદદથી ઘી અગ્નિના સંપર્કમાં આવવાથી આસપાસના પ્રદૂષણ અને રોગોનો નાશ કરે છે. વાતાવરણ શુદ્ધ અને પવિત્ર બનતા તે વાતાવરણમાં આવનાર વ્યક્તિનું પણ શુદ્ધિકરણ શક્ય અને સરળ બને છે.
જ્યોતિષશાસ્ત્ર અનુસાર શનિદોષ અને રાહુદોષમાં દીવો કરવાથી રાહત મળે છે, અવરોધો દૂર થાય છે. દીપ પ્રગટાવવાથી સકારાત્મક ઉર્જા આવે છે. દીપજ્યોત સર્વનું શુભ અને કલ્યાણ કરે છે. આરોગ્ય અને ધનસંપત્તિ આપે છે. દીપજ્યોત વાસ્તવમાં પરબ્રહ્મ છે. દીપજ્યોત જગતના પાપ હરનાર છે.
મધ્યકાલીન સાહિત્યમાં એક રણછોડ નામના ભક્ત કવિ થઈ ગયા તેમણે કહેલું “દિલમાં દીવો કરો રે દિલમાં દીવો કરો, કુડા-કચરા સમાન કામ-ક્રોધને દૂર કરી દિલમાં દીવો કરો”. આમ દીવો વૈજ્ઞાનિક રીતે જોઈએ તો અંદર (અંતરાત્મામાં) પ્રગટાવવાનો છે. બાહ્ય દીપપ્રાગટ્ય પ્રતિકાત્મક છે, જે આવી ઊંડી વૈજ્ઞાનિક સમજણનું પ્રતિક છે. અંતરાત્માના દીપપ્રાગટ્યથી આત્માનો ઉદ્ધાર થાય છે. સાચું પૂછો તો આ બધા સંસ્કારો આત્માને પ્રબુદ્ધ કરવા માટે જ છે.
આપણા હૃદયના કોઈ અંધારિયા ખૂણામાં આસુરીશક્તિનું અસ્તિત્વ હંમેશા રહે છે, જે નિમિત્ત મળતા બહાર આવતું જ હોય છે એ આપણા સર્વનો અનુભવ છે અને તે આસુરીશક્તિ જ દરેક દુઃખ, પીડા અને સમસ્યાનું મૂળ છે જેને શોધીને નાશ કરવા માટે દીવો કરવાની આવશ્યકતા રહે છે. આજકાલ કળિયુગમાં તો અંદર અને બહાર સમગ્ર જગતમાં અજ્ઞાન અને અહંકારરૂપી કાળું ડીબાંગ અંધારું દેખાય છે, તે દૂર કરવા માટે પણ દીવો પ્રગટાવવો અનિવાર્ય છે. તો આવો બહારના સિમ્બોલિક દીવા સાથે અંતરના દીપપ્રાગટ્ય દ્વારા સમયસર આત્માને પ્રબુદ્ધ કરી આત્માનો ઉદ્ધાર કરીએ. વળી આવી ઉત્તમ શરુવાત આજના પાવન દિવાળીના દિને થાય તો એનાથી રૂડું બીજું શું હોઇ શકે? સર્વને દિવાળીની ખૂબખૂબ શુભકામના.

TejGujarati