દીવાળીના પર્વ નિમિત્તે. – લેખન અને સંકલન : દેવલ શાસ્ત્રી.

ગુજરાત ટેક્નોલોજી બિઝનેસ ભારત સમાચાર

શબ્દોને ઓળખવા એ વાંચન છે જ નહીં… એ કેવળ અક્ષરજ્ઞાન છે… મૂળ કિન્ડરગાર્ટેનની પરિકલ્પનામાં અક્ષરજ્ઞાન ક્યારેય હતું જ નહીં.
ઘણીવાર યુવાવર્ગને લાગણી વ્યક્ત કરવી છે પણ શબ્દભંડોળ હોતા નથી ….
એનું કારણ એટલું જ છે કે માતાપિતા, કિન્ડરગાર્ટેન કે શિક્ષણ સંસ્થાઓએ એ ફોર એપલ ગોખાવી નાખ્યું… એટલે બીજા શબ્દો શોધવા મુશ્કેલ પડે છે…
વાંચન વિશાળ પરિકલ્પના છે, બાળક આસપાસ દુનિયા જુએ, ચિત્રો બનાવે, જોડકણાં ગાય કે રચે, પ્રકૃતિ જુએ, બનેલા અથવા જાતે બનાવેલા શબ્દોથી દુનિયા સમજે…. કિન્ડરગાર્ટેનમાં બાળકો ખૂબ વાતો કરે
ફિનલેન્ડમાં સાત વર્ષ સુધી બાળકને અક્ષરજ્ઞાન આપવામાં આવતું નથી, એના બદલે શબ્દભંડોળ વધે એ પ્રયત્ન થાય છે….
નેધરલેન્ડમાં બાળક છેક છ વર્ષે પહેલા ધોરણમાં મૂળાક્ષર શીખે છે. સાઇકોલોજી એવું માને છે કે બાળકો પહેલાં શબ્દભંડોળ વધારે, આ બાળકો મોટી ઉંમરે પુસ્તકપ્રેમીઓ બનતા હોય છે. પૂછો જય વસાવડાને…
આપણા કિન્ડરગાર્ટેન સંચાલકો એક વાત સમજે, જો ક્લાસરૂમમાંથી બાળકો વાતો કરતાં બંધ થાય કે અવાજ આવતો બંધ થાય તો એ વર્ગ કાયમી ધોરણે બંધ કરી દેવો જોઈએ…. કિન્ડરગાર્ટેનના ક્લાસમાં અવાજ નહીં આવે તો ક્યાંથી અવાજ આવશે? એમને ખૂબ બોલવા દો…
બાળકો નાની ઉંમરે શીખી શકે છે, ગ્રાસ્પિંગ પાવર સારો હોય છે એ માન્યતા સાચી, પણ ગ્રાસ્પિંગ એટલે અક્ષરજ્ઞાન નહીં…. એટલે જ નાના બાળકોની પરીક્ષા લેવી એ નરી ક્રૂરતા છે.
એની વે, કિન્ડરગાર્ટેનની વાત કરીએ છીએ, તો જર્મનીના ફ્રોબેલને જાણો છો? જાણવા જેવું વ્યક્તિત્વ…. હોં કે…
દક્ષિણ જર્મનીના નાનકડા ગામ ઓબેરવસખાબમાં 20 એપ્રિલ,1782એ જન્મ થયો. નવ મહીનાની ઉંમરે માતા મૃત્યુ પામતા પાદરી પિતાએ બીજા લગ્ન કર્યાં.
અપરમાતા તરફથી ખાસ સ્નેહ મળ્યો નહીં, પિતા અતિ વ્યસ્ત હોવાથી ફ્રોબેલ અભ્યાસ પર ધ્યાન આપી ન શક્યા…. ઘરમાં આધ્યાત્મિક ધાર્મિક વાતાવરણ હતું, તેની સારી અસર ફ્રોબેલ પર ખરી…
ઘરમાં પ્રેમ ન મળતાં ફ્રોબેલ પ્રકૃતિ તરફ વળ્યા… ગામની શાળામાં મજા ન આવતા મોસાળની સ્કૂલમાં એડમિશન લીધું. મામાએ અભ્યાસ સાથે આધ્યાત્મિક જ્ઞાન આપતાં ફ્રોબેલ લાગણીશીલ કવિ હૃદયના પ્રકૃતિ પ્રેમી બન્યા…
પંદર વર્ષની વયે આવકની જરૂર લાગતા આપણી ભાષામાં કહીએ તો જંગલખાતાના બીટ કર્મચારી બન્યા…. ખાતાકીય બાબતો સમજવા નિષ્ફળ ગયા, પણ પ્રકૃતિ સમજવામાં સફળ. સરવાળે નોકરી છોડવી પડી…
સત્તર વર્ષની વયે યુનિવર્સિટીમાં અભ્યાસ કરતાં ભાઇને મળવા ગયા, ત્યાંના શાંત અને સાહિત્યિક વાતાવરણના પ્રેમમાં પડ્યા, એડમિશન લીધું.
યુનિવર્સિટીમાં ફિલોસોફી અને સાયન્સ વિષય લીધા, બંનેને એકસાથે સમજવાની કોશિશ કરી પણ નિષ્ફળતા મળી… યુનિવર્સિટી છોડી દીધી, હવે શું કરવું?
ફ્રોબેલ ફરી જંગલખાતામાં નોકરી કરી, મજા ન આવતા એકાઉન્ટન્ટ, સર્વેયર, પર્સનલ સેક્રેટરી જેવી નોકરીઓ પણ કરી… ક્યાંય સંતોષ ન થયો…
ફ્રોબેલને થયું કે કળા ક્ષેત્રમાં ઝંપલાવવા જેવું છે, એટલે ફ્રેંકફર્ટમાં તેનો અભ્યાસ શરૂ કર્યો.
કલાના અભ્યાસ દરમિયાન એક સ્કૂલના સંચાલક સાથે મૈત્રી થઈ, સંચાલકને લાગ્યું કે
અસંખ્ય ક્ષેત્રોના અનુભવો, ધર્મની સમજ, પ્રકૃતિ અને સાહિત્ય સાથે ઘરોબો ધરાવનાર આ વ્યક્તિ શિક્ષણ ક્ષેત્રમાં ક્રાંતિ સર્જી શકે…
ફ્રોબેલની શિક્ષક તરીકે નિમણૂંક કરી, ફ્રોબેલે બે વર્ષ ભણાવ્યા. ફ્રોબેલને લાગ્યું કે ભણાવવા માટે મારામાં કશું ખૂટે છે, મારે વધુ અભ્યાસ કરવો જોઈએ.
વર્ષ 1807 થી 1810 દરમિયાન નાના નાના જૂથમાં બાળકો સાથે કામ કરતાં ફ્રોબેલ શિક્ષણની સમજ પેસ્તાલોઝી પાસે મેળવવા લાગ્યો…
ફ્રોબેલ વિદ્યાર્થીઓને સાથે રાખીને પેસ્તાલોઝીના ક્લાસમાં હાજરી આપવા લાગ્યો….
ફ્રોબેલ કોણ છે એ પ્રશ્ન તો ઉભો છે, ત્યાં એ થાય કે આ પેસ્તાલોઝી કોણ છે?
પેસ્તાલોઝી મૂળ સ્વીત્ઝર્લેન્ડનો, બાળપણમાં પિતા ગુમાવેલા… ગ્રામ્ય શિક્ષણ, બાળ શિક્ષણ, ગરીબોના શિક્ષણ જેવા વિષયો પર ત્રણ દળદાર પુસ્તકો લખવા સાથે પહેલી વાર શિક્ષણને સાઇકોલોજી સાથે જોડ્યું.
પેસ્તાલોઝીએ પહેલી વાર દુનિયાને કહ્યું કે બાળક જે અનુભવે છે એ વર્ણન પોતાની ભાષામાં કરવા દો… શિક્ષક માત્ર માર્ગદર્શક બને, ગોખણપટ્ટી નહીં જેવી વાતો લખીને દુનિયાને આપી…
આ તરફ ફ્રોબેલે પાછી શિક્ષકની નોકરી છોડીને ખનીજશાસ્ત્ર ભણવાનું શરૂ કર્યું. બર્લિનમાં મ્યુઝિયમમાં ક્યુરેટરની નોકરી કરી, ફરી ખનીજ ભણાવવા શિક્ષક બન્યા…
ફ્રોબેલ જર્મનીથી સ્વિત્ઝરર્લેન્ડ પહોંચ્યા, ત્યાં પણ અનેક શિક્ષણ સંસ્થાઓ સાથે કામ કર્યું….
ફ્રોબેલને વિશાળ અનુભવો પરથી સમજાયું કે નાના બાળકો માટે કશું નવીનતમ કરવું જોઈએ…
ફ્રોબેલ જર્મની પરત આવ્યા, 1837માં કિન્ડરગાર્ટેનનો પ્રયોગ શરૂ કર્યો.
ફ્રોબેલનો આ પ્રયોગ સફળ થયો, કિન્ડરગાર્ટેન ઠેરઠેર ખૂલવા લાગી…
1851માં ત્યાંની સરકારને લાગ્યું કે કિન્ડરગાર્ટેન ક્રાંતિકારી પ્રવૃત્તિ સાથે જોડાયેલું છે, તેના પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો…
ફ્રોબેલને આઘાત લાગ્યો, બીજા વર્ષે નિધન પામ્યા…. ધીમે ધીમે જર્મન સરકારને સમજાયું કે કિન્ડરગાર્ટેન તો આખા વિશ્વની જરૂરિયાત છે… ફરી 1860થી શરૂ થયું… વૈશ્વિક બન્યું.
યાદ કરો બાળકો માટે બાલમંદિર, સિનિયર કેજી, જુનિયર કેજી…. શરૂઆત ફ્રોબેલે કરી હતી…
સરસ્વતી વંદનાના દિવસે ફ્રોબેલની શિક્ષણ ક્રાંતિને વંદન….
હવે એ પણ સમજો કે ફ્રોબેલનું કિન્ડરગાર્ટેન શું હતું?
ફ્રોબેલ સ્પષ્ટ માનતો કે દરેક બાળક પૂર્ણ હોય છે, માત્ર શ્રેષ્ઠ બહાર લાવવાનું હોય છે… દરેક બાળકની ક્ષમતા એકસરખી હોતી નથી.
આફ્રિકામાં એક પ્રયોગ થયો હતો, ગામમાં બાળકો માટે એક કોમ્યુટર મૂકવામાં આવ્યું હતું. બાળકો જાતે જ અમુક સમય પછી તેને ચાલુ બંધ કરતાં શીખ્યા, આશ્ચર્ય એ હતું કે તેમાં ગેમ્સ નાખવામાં આવી હતી. બાળકો ગેમ્સ ઓપન કરતાં પણ જાતે જ શીખ્યા અને ગેમ્સ રમતાં પણ… વિશ્વમાં શિક્ષણ પરત્વે અનેક પ્રયોગો થયા છે, જેમાં સાબિત થયું છે કે નિશ્ચિત ઉંમરે બાળક આપોઆપ શીખતો જ હોય છે… તો જુનિયર કેજીની ઉંમરે શા માટે અભ્યાસ બાબતે આટલું પ્રેશર?
ફ્રોબેલના મત મુજબ, બાળકને જાતે શીખવા દો. બાળક રમત દ્વારા જ શીખી શકે, તેને રમવા, ગાવા કે શીખવાની સ્વતંત્રતા આપો.
ફ્રોબેલ કહેતો કે, બાળકને કોઈ પણ સંજોગોમાં સજા ન થવી જોઈએ. કિન્ડરગાર્ટેનમાં બાળકને ભણાવવા માટે રમતો, સંગીત, પ્રકૃતિ અને સ્વવિકાસ સિવાય કશાની જરૂર નથી… બેઝિકલી, કિન્ડરગાર્ટેન બાળકને શબ્દો વાંચવા માટે તૈયાર કરે છે.
ફ્રોબેલની અસર મહાત્મા ગાંધીના બુનિયાદી શિક્ષણ પર પણ હતી, ફ્રોબેલને નર્સરી માટે ખાસ રસ ન હતો, કિન્ડરગાર્ટેન એવું બનવું જોઈએ જેમાં જવા માટે બાળકને આકર્ષણ હોવું જોઈએ…. અનકન્ડિશન લવ❤️
જ્યારે પણ કિન્ડરગાર્ટેન કે બાલમંદિર જુઓ ત્યારે ફ્રોબેલને યાદ કરતાં રહેજો….. હા, મોન્ટેસરી શિક્ષણ પ્રથા ફ્રોબેલના કેજી કરતાં અલગ હતી… આપણા ગિજુભાઈ બધેકાસાહેબ પણ પ્રભાવિત હતાં, રવિન્દ્રનાથ ટાગોરના મુક્ત શિક્ષણ અભ્યાસની પરિકલ્પનાનો પાયો પણ ફ્રોબેલ અને મોન્ટેસરીમાંથી મળશે. આ સમજવા ટાઇમ ક્યાં છે?

જય વસાવડાએ તેમના પિતાને શ્રદ્ધાંજલિ આપી, તેમના પિતા પૂ.લલિતભાઇએ શિક્ષણ માટે પ્રયોગ કર્યો. જયભાઇનો આર્ટિકલ વાંચતા કિન્ડરગાર્ટેન પર લખ્યું છે… લલિતભાઇની વાત પરથી યાદ રાખો કે શિક્ષણ ક્યારેય સંપૂર્ણ નથી, એ દરેક બાળક મુજબ માત્ર નિર્દોષ પ્રયોગ હોય છે…

લેખન અને સંકલન
Deval Shastri?

તસ્વીર : લલિતભાઇ વસાવડા

TejGujarati