ભારત એ જીત્યો બેસ્ટ ફિલ્મ નો એવોર્ડ – નિર્દેશક પાન નલિન ની ગુજરાતી ફિચર ફિલ્મ ‘છેલ્લો શૉ’ (ધ લાસ્ટ ફિલ્મ શૉ) બની બેસ્ટ ફિલ્મ.

આંતરરાષ્ટ્રીય ગુજરાત ભારત મનોરંજન લાઇફ સ્ટાઇલ વિશેષ સમાચાર

ભારત જીત્યો બેસ્ટ ફિલ્મ નો એવોર્ડનિર્દેશક પાન નલિન ની ગુજરાતી ફિચર ફિલ્મછેલ્લો શૉ‘ ( લાસ્ટ ફિલ્મ શૉ) બની બેસ્ટ ફિલ્મ.

નિર્દેશક પાન નલિનની ગુજરાતી ફીચર ફિલ્મ ‘છેલ્લો શૉ ‘ એ સ્પેનમાં SEMINCI 66મા વલાડોલિડ ઇન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલમાં બેસ્ટ ફિલ્મ માટે ગોલ્ડન સ્પાઇક એવોર્ડ જીત્યો છે. આ એવોર્ડ 75000 યુરો (INR 65 લાખ) રોકડ પુરસ્કાર સાથે આપવામાં આવે છે જે છેલ્લો શૉ ના સ્પેનિશ ડિસ્ટ્રીબ્યુટર કર્મા ફિલ્મ્સને આપવામાં આવશે.
1956 માં તેની રચના થઈ ત્યારથી, સેમિન્સી (Seminci) સ્પેનના મુખ્ય આંતરરાષ્ટ્રીય ફિલ્મ ફેસ્ટિવલમાંનું એક બની રહ્યું છે, જે આગવી અને સ્વતંત્ર ફિલ્મોની પસંદગીના ક્ષેત્રમાં આગળ છે. સેમિન્સીમાંની મોટાભાગની વિજેતા ફિલ્મો આંતરરાષ્ટ્રીય શ્રેણીમાં ઓસ્કાર જીતે છે. પરંતુ દુઃખની વાત એ છે કે અહીં એવું નહિ થઇ શકે કારણ કે ભારતે છેલ્લો શૉ ને ઓસ્કારમાં ભારત તરફથી પ્રવેશ આપ્યો નથી. ભારતના આ નિર્ણયે અમેરિકામાં ઘણા વોટિંગ એકેડમીના સભ્યોને આશ્ચર્યચકિત કર્યા કારણ કે આ ફિલ્મ તેના ત્રિબેકા વર્લ્ડ પ્રીમિયરથી જ દર્શકોની હકારાત્મક પ્રતિક્રિયા અને પુરસ્કારો પ્રાપ્ત કરી રહી છે. તાજેતરમાં આ ફિલ્મે કેલિફોર્નિયામાં મિલ વેલી (Mill Valley) ખાતે ઓડિયન્સ એવોર્ડ પણ જીત્યો છે. હવે સેમિન્સી ખાતેની આ પ્રતિષ્ઠિત જીતે ચોક્કસપણે ઓસ્કારમાં છેલ્લો શૉને ભારતમાંથી આવનાર ફિલ્મોમાની સૌથી મજબૂત દાવેદાર બનાવી હશે. ખાસ કરીને જ્યારે ભૂતકાળના ગોલ્ડન સ્પાઇક એવોર્ડ વિજેતાઓમાં અબ્બાસ કિઆરોસ્તામી, ડેરેન એરોનોફસ્કી, ડેમિયન ઓ’ડોનેલ, કિમ કી-ડુક, રિડલી સ્કોટ, ઝાંગ યિમૌ, આન્દ્રે તારકોવસ્કી, અકીરા કુરોસાવા, ઇંગમાર બર્ગમેન અને ટાઇમલાઇન વિજેતાઓની યાદીમાં એલેન રેસ્નાઇસ, એન્ડ્રેજ વાજદા, રોબર્ટ બ્રેસન, લુચિનો વિસ્કોન્ટી, હાલ એશબી, ફ્રાન્કોઇસ ટ્રુફોટ, બર્નાર્ડો બર્ટોલુચી, નાગીસા ઓશિમા, માસાકી કોબાયાશી, લિન્ડસે એન્ડરસન, એર્માન્નો ઓલ્મી અને ઘણા બધા નો સમાવેશ થાય છે.
છેલ્લા ચાર દાયકામાં છેલ્લો શૉ આ એવોર્ડ જીતનારી બીજી ભારતીય ફિલ્મ બની છે. પહેલી ફિલ્મ 1983 માં મૃણાલ સેન ની ‘ખારીજ’ ને એનાયત કરવામાં આવ્યો હતો.
લેખક અને દિગ્દર્શક પાન નલિને જણાવ્યું હતું કે, “અમે સૌરાષ્ટ્રના દૂરના ગ્રામ્ય વિસ્તારમાં અમારા એકાંતમાં જે શરૂઆત કરી હતી તે હવે સમગ્ર વિશ્વમાં ગુંજવા લાગી છે. ભારતીય સિનેમા માટે આ એક ગૌરવપૂર્ણ ક્ષણ છે કે એક ગુજરાતી ફિલ્મ વિશ્વભરના લોકોનું દિલ જીતી રહી છે. સેમિન્સી ખાતે બેસ્ટ ફિલ્મ ગોલ્ડન સ્પાઈક જીતવું એ સિનેમા માટે બહુ જ ગર્વની વાત છે.”
છેલ્લો શૉ એ કેલિફોર્નિયામાં મિલ વેલી ફિલ્મ ફેસ્ટિવલની 44મી આવૃત્તિમાં ઑડિયન્સ એવોર્ડ (વર્લ્ડ સિનેમા) જીત્યો હતો જ્યાં તે ઘણા પ્રતિષ્ઠિત આંતરરાષ્ટ્રીય ટાઇટલમાં સ્પષ્ટ રૂપે પ્રેક્ષકોની ફેવરિટ ફિલ્મ તરીકે સામે આવી હતી.
નિર્માતા ધીર મોમાયાએ કહ્યું, “ફિલ્મ છેલ્લા શૉની વિશ્વવ્યાપી પ્રશંસાથી અમે ખૂબ જ રોમાંચિત છીએ. પરંતુ હું તેને ભારતમાં ટૂંક સમયમાં રિલીઝ કરવા માટે વધુ ઉત્સાહિત છું કારણ કે ભારતના દર્શકોની પ્રતિક્રિયાઓ જોયા પછી, અમે ખાતરી કરવા માંગીએ છીએ કે દરેક ભારતીય ભારતની જુગાડુ ભાવનાની આ વાર્તા જુએ જે કહે છે કે તમારા અને તમારા સપના વચ્ચે કંઈ ન આવવું જોઈએ. આ બધા ઉપરાંત છેલ્લો શોમાં તમને હસાવવા અને રડાવવા માટે તમામ તત્વો છે. અને અંતે, તે તમને આશાઓ અને સપનાઓની શક્તિ સાથે છોડી દે છે. આ એક ફીલ-ગુડ-મૂવી છે જે તમારી અંદર હંમેશા રહે છે.”
ફિલ્મ છેલ્લો શૉનું જૂન 2021માં ત્રિબેકા ફિલ્મ ફેસ્ટિવલમાં વર્લ્ડ પ્રીમિયર થયું હતું જ્યાં તેણે ઑડિયન્સ એવોર્ડમાં ફર્સ્ટ રનર અપ નો પુરસ્કાર જીત્યો હતો, અને આ ફિલ્મને ચીનનો તિયાનટન એવોર્ડ નોમિનેશન પણ જીત્યું હતું.

TejGujarati