*મેરા ભારત મહાન !?!* ?? – નિલેશ ધોળકીયા

આંતરરાષ્ટ્રીય ગુજરાત ભારત સમાચાર

મારા, તમારામાંથી આદર્શ નાગરીક એ જ કે, પોતાના રાષ્ટ્રને સમર્પિત રીતે જીવન જીવે. સ્વતંત્રતા દિન નિમિત્તે આપણને સૌને એકાદ દિ’ પૂરતી દેશભક્તિ પંડમાં આવશે ! તિરંગાને લ્હેરાવીશું, સલામી આપીશું, દેશપ્રેમના ગીતો લાઉડ સ્પિકરમાં વગાડીશું, ભાઈચારાની સૂફિયાણી વાતો મમળવીશું, સર્વ સમાનતાની વાતો કરીશું, દુશ્મન દેશને લલકાર આપીશું વિગેરે વિગેરે.

સાથોસાથ આપણે ભારતીયો તરીકે દેશની શાંતિ, પ્રગતિ તેમજ અખંડિતતા માટે પણ વિવિધ રીતે પ્રદાન કરી શકીએ :

સ્વદેશને અન્ય દેશો કરતા ઉતરતો કે ઓછો ન આંકીએ,

દેશની આર્થિક પરિસ્થિતિને સુધારવા વેરાઓ સમયસર ભરવાનું રાખીએ,

દેશ રક્ષકોનું મનોબળ વધારવા પ્રોત્સાહક કાર્યો કરીએ,

સુદ્રઢ રાષ્ટ્ર નિર્માણ કાજે સ્વચ્છતા, ટ્રાફિક કે બાંધકામના નિયમોનું પાલન કરીએ,

ભ્રષટાચાર વિરોધી મુહિમ – જેવી કે લાંચિયા, લંપટ અને ગદ્દાર નેતા, સ્વાર્થી અધિકારીઓ, દેશદ્રોહી પ્રવૃત્તિ આદરનારા નમકહરામોને તેમની બદબોઈમાં ખુલ્લા પાડીએ અથવા તેમની મેલી રમતમાં સાથ તો ન જ આપીએ,

મુલ્કમાં અમન શાન્તિ જાળવવા પોતાના તન+મન+ધનથી પ્રદાન કરીએ,

હિંસા, અફવા, કાયદા કાનૂન વિરુદ્ધ બિનજરૂરી અસહકારના દેખાવો, જ્ઞાતિ – જાતિ, વર્ણ – કોમ કે ધરમ – ભરમની ભ્રામક વાતોથી તેમજ ભાગલાવાદી મનોવૃત્તિથી અળગા રહી પોતાને માત્ર ‘હિન્દુસ્તાની” માની ખુદની ફરજો નિષ્ઠાપૂર્વક અદા કરીએ,

દેશનું સારું ના બોલીએ તો ચાલશે પરંતુ “આ દેશે મને શું આપ્યું !?” એવું કડવું ન બોલીએ ( અલબત્ત, મેં મારા દેશને શું આપ્યું તે પણ અવશ્ય વિચારીએ ).

એક વખત વિદેશ ફરવા ગયેલા પરિવારજનો ન્યૂયોર્કના ટાઇમ સ્કેવર પાસે પહોંચ્યા. દુનિયાભરના દેશોના ધ્વજમાંથી ઉધોગપતિના સંતાને ભારતનો ધ્વજ શોધી નાખ્યો. પિતાશ્રી એ ગર્વથી નાનકડા દીકરાને કહ્યું, “જો, આ ?? આપણા દેશનો ધ્વજ છે. એને રાષ્ટ્રગીત ગાઈને સલામી આપવાની !” એ વાતચીત દરમિયાન મોબાઇલ રણકયો અને સામે છેડેથી એજ દીકરાના પિતાના પિતા બોલ્યા, “દીકરા, ટેન્ડર આપણને મળી ગયુ છે. હવે તું રુપિયા ૪ કરોડ નેતાજીના સ્વિસબેન્કના ખાતામાં ટ્રાન્સફર કરી દેજે, કાલ સુધીમાં…!”

દેશ માટે કશું ના કરીએ તો કોઈ કશું સંભળાવશે નહીં – પરંતુ દેશના હિતમાં કોઈને કોઈ કામમાં નડીએ નહીં તો એ ય મહા દેશ-સેવા કરી જ લેખાશે !

જય હીંદ, જય જવાન, જય કિસાન !

– નિલેશ ધોળકિયા

TejGujarati
  •  
  •  
  •  
  •  
  •  
  •