જેતપુરના મ્યુકોરમાઇકોસિસના મહિલા દર્દીને ખાનગી હોસ્પિટલે લાખોના ખર્ચે પાંચ દાંત અને પેઢા કાઢવાની સલાહ આપી, આયુર્વેદ હોસ્પિટલમાં સાવ નજીવા ખર્ચે સાજા થયા

આંતરરાષ્ટ્રીય ગુજરાત ભારત લાઇફ સ્ટાઇલ વિશેષ સમાચાર હેલ્થ

જેતપુરના મ્યુકોરમાઇકોસિસના મહિલા દર્દીને ખાનગી હોસ્પિટલે લાખોના ખર્ચે પાંચ દાંત અને પેઢા કાઢવાની સલાહ આપી, આયુર્વેદ હોસ્પિટલમાં સાવ નજીવા ખર્ચે સાજા થયા

અમદાવાદ: ક્યારેક એવું જોવા મળે છે કે સારવાર માટે બધી જગ્યાએથી આશા ગુમાવી ચૂકેલા માણસને અચાનક એવી જગ્યાએથી સાવ સહજ રીતે ખુબ સારી સારવાર મળી જાય છે. દર્દી અને તેના પરિવાર માટે આ ઘટના કોઇ ચમત્કારથી ઓછી હોતી નથી. આવો જ કિસ્સો અમદાવાદની અખંડાનંદ આયુર્વેદિક હોસ્પિટલમાં બન્યો છે, જેમાં ખાનગી હોસ્પિટલોએ લાખોના ખર્ચે જેમને ૫ દાંત અને પેઢા કાઢવાની સલાહ આપી હતી, તેવા એક દર્દી બહેન આયુર્વેદની સારવારથી સાવ નજીવા ખર્ચે એકદમ સાજા થઈ ગયા છે.

સૌરાષ્ટ્રના જેતપુરમાં રહેતા ઉર્વશીબહેન જાડેજા નામના મહિલાને મ્યુકોરમાયકોસિસ થયો હતો. ખાનગી હોસ્પિટલમાં બતાવ્યું જ્યાં રૂ. ૨ લાખના ખર્ચ અંદાજ આપવામાં આવ્યો હતો અને એમાંય વળી ડોક્ટર્સે આ બહેનને ૫ દાંત અને પેઢા કાઢવાની સલાહ આપી હતી. દેખીતી રીતે જ આના લીધે ઉર્વશીબહેનનો આખોય પરિવાર ચિંતાગ્રસ્ત થઈ ગયો હતો.

એવામાં થોડા પરિચિતોના માધ્યમથી ઉર્વશીબહેનના પરિવારને અમદાવાદની અખંડાનંદ આયુર્વેદિક હોસ્પિટલમાં મ્યુકોરમાઇકોસિસની સારી સારવાર થતી હોવાની જાણકારી મળી હતી, જેથી ઉર્વશીબહેનને તેનો પરિવાર અમદાવાદ લઇ આવ્યો હતો. અહીં ડો. રામ શુક્લની દેખરેખ હેઠળ ઉર્વશીબહેનની ઇનડોર પેશન્ટ તરીકે સારવાર લગભગ એક મહિના સુધી ચાલી હતી. અખંડાનંદ આયુર્વેદિક હોસ્પિટલથી ડિસ્ચાર્જ મળ્યાં બાદ વારંવાર ફોલો-અપ માટે અમદાવાદ ન આવવું પડે એ માટે ઉર્વશીબહેનને રાજકોટમાં બીજા એક મહિના માટે ફોલો-અપની વ્યવસ્થા પણ કરી અપાઈ હતી.

આયુર્વેદિક સારવારે ધીમી પણ મક્કમ અસર કરી. જે ઉર્વશીબહેનને ૫ દાંત અને પેઢા કાઢવા માટે રૂ. ૨ લાખનો ખર્ચ અંદાજ મળ્યો હતો, તે જ ઉર્વશી બહેન સાવ નજીવા દરે આયુર્વેદિક સારવારથી મ્યુકોરમાઇકોસિસને હરાવીને એકદમ સાજા થઇ ગયા અને એક પણ દાંત કઢાવવા પડ્યા નહીં.

પોતાને મળેલી સરસ આયુર્વેદિક સારવારથી ગદગદ થયેલા ઉર્વશીબહેને પોતે સાજા થયા બાદ કોઇ દર્દીને તકલીફ ન પડે તે માટે અખંડાનંદ આયુર્વેદિક હોસ્પિટલને ૫૦ બૅડ દાનમાં પણ આપ્યાં. ઉર્વશીબહેન અને તેમના સમગ્ર પરિવારે અખંડાનંદ આયુર્વેદિક હોસ્પિટલના તબીબો , સ્ટાફ અને સારવારનો હાર્દિક આભાર વ્યક્ત કર્યો હતો.*

TejGujarati