ચારેય દેશોના વિદેશ મંત્રીઓની વચ્ચે વ્યૂહાત્મક ભાગીદારીને મજબૂત બનાવવા અને રણનીતિ બનાવવા માટે પરસ્પર થયા કરાર
નવી દિલ્લી, 20 ઓક્ટોબર, વિદેશીમંત્રી એસ. જયશંકરની હમણાં જ પૂર્ણ થયેલી ઈઝરાયલ યાત્રા વ્યૂહાત્મક દ્રષ્ટિએ ખૂબ જ મહત્વપૂર્ણ સિધ્ધ થઈ છે. વિદેશમંત્રીની આ યાત્રા દરમિયાન પહેલીવાર અમેરિકા, ભારત, ઈઝરાયલ અને સંયુક્ત અરબ અમીરાતના વિદેશમંત્રીઓ વચ્ચે બેઠક થઈ. ભારતીય વિદેશ નીતિના દ્રષ્ટિકોણથી તેને નવી વ્યૂહાત્મક સફળતા તરીકે જોવામાં આવી રહી છે.
મધ્ય પૂર્વનો એક નવો QUAD સમૂહ કરાર કરાવામાં આવી રહ્યો છે, ચારેય દેશોના વિદેશ મંત્રીઓની આ બેઠકમાં આ વિસ્તારના દેશોની સાથે ભારતના પારંપારિક દ્વીપક્ષીય જોડાણની દિશામાં નવી શરૂઆત માનવામાં આવી રહી છે. આ બેઠક વિશે જાણકારી ધરાવતા ભારતીય વિદેશ મંત્રાલયના સૂત્રો અનુસાર, “ઐતિહાસિક રૂપથી કહીએ તો, ભારત પોતાની વિદેશ નીતિની જેમ ઈઝરાયલ અને અરબ દેશોની સાથે અલગ-અલગ ઘનિષ્ઠ આર્થિક અને સુરક્ષા સંબંધોને વિકસિત કર્યા છે. કારણકે અમેરિકાએ અબ્રાહમ કરારના માધ્યમથી ઈઝરાયલ અને અરબ રાજ્યોની વચ્ચે સંબંધોને સામાન્ય બનાવવામાં મદદ કરી છે, પરિણામે ભારતની પાસે ઈઝરાયલ અને અરબ દેશોની વચ્ચે કાયમી સમજદારીથી આગળ વધવા ભરપૂર અવસર છે.”
ભારતીય વિદેશમંત્રી એસ. જયશંકરે ત્રિ-દિવસીય ઈઝરાયલ પ્રવાસ દરમિયાન ચાર દેશોના વિદેશમંત્રીઓની બેઠક ડૉ. જયશંકરના વ્યસ્ત કાર્યક્રમોનો ભાગ હતી. પરંતુ આ બેઠક બહુપક્ષીયવાદ અને બહુમતીવાદના વિકાસ તરફ એક સ્પષ્ટ પગલું સાબિત થયું છે, જેની ભારતીય વિદેશ નીતિ હંમેશા મજબૂત હિમાયતી રહી છે.
વિદેશનીતિના એક્સપર્ટ ડૉ. દીપાંકર દાસના કહેવા પ્રમાણે, ‘મધ્યપૂર્વ પહેલેથી જ ભારતીય નિકાસકારો માટે એક મહત્વપૂર્ણ બજાર છે. અમેરિકા, ઇઝરાયલ અને યુએઇની સાથે એક નવું ગઠબંન રચીને, ભારત આ ક્ષેત્રમાં પોતાના આર્થિક અને રાજકીય સહયોગને વિસ્તારી શકે છે.’ તેમણે વધુમાં કહ્યું કે આ નવા ગઠબંધનમાં ચારેય દેશોની અલગ-અલગ શક્તિઓ છે. ઇઝરાયલ ઇનોવેશન અને હાઇ ટેક્નોલોજીથી ભરપૂર દેશ છે, પરંતુ ત્યાં મોટાપાયે ઉત્પાદનક્ષમતા થઈ શકે એમ નથી. જ્યારે બીજી બાજુ ભારતમાં મોટાપાયે ઉત્પાદનક્ષમતા છે અને યુએઈ મૂડી ઉપલબ્ધ કરાવી શકે તેમ છે. આ જ રીતે અમેરિકા તેની વૈશ્વિક પહોંચ અને પ્રભાવના દમ પર આ ગઠબંધનને મજબૂતી આપી શકે છે. તેમણે કહ્યું કે, ‘ક્ષેત્રીય સુરક્ષા માટે સહયોગ કરવા ઉપરાંત, આ ચારેય દેશોમાં નવી અને ઉભરતી ટેક્નોલોજીઓ જેવી કે બિગ ડેટા, એઆઈ, ક્વોન્ટમ કમ્પ્યુટિંગ અને ભવિષ્યની અન્ય ટેક્નીકોનો લાભ ઉઠાવવાની ઘણી સંભાવનાઓ છે.’
વિદેશ મંત્રાલયના સૂત્રોએ આ નવા ઘટનાક્રમને લઇને બહુજ સતર્કતાથી પોતાનો અભિપ્રાય આપ્યો છે. તેમણે કહ્યું કે ક્વૉડ ગઠબંધનનો હિસ્સો હોવાના ફાયદાઓ ચોક્કસપણે છે અને તેનાથી ભારતને ઘણી રીતે પ્રગતિ કરવામાં મદદ મળશે, પરંતુ, જો ઇઝરાયલ અને અરબની પરસ્પરની સમજ નબળી પડે તો ભારત આ ક્ષેત્રે વ્યાપક સાંપ્રદાયિક સંઘર્ષમાં બિલ્કુલ ઉતરવા માંગશે નહીં. એક ફ્લેક્સિબલ પોલિસીને અપનાવીને જ ભારત મધ્યપૂર્વમાં આગળ વધી શકે છે અને એક નવા ગઠબંધનના લાભ ઉઠાવી શકે છે.