સર્વ ધ્યેયપ્રાપ્તિ માટેનું અતિ હાઇટેક મશીન એટલે માનવશરીર શિલ્પા શાહ, ડિરેકટર ઇન્ચાર્જ HKBBA કોલેજ.

કલા સાહિત્ય ગુજરાત ધાર્મિક બિઝનેસ ભારત સમાચાર

યાંત્રિક સાધનો કે યંત્રોનો ઈતિહાસ તપાસતા જણાશે કે મશીન કે અન્ય યાંત્રિક સાધનોની શોધ જીવનની અનેક મુશ્કેલીઓને દૂર કરવા, સમયની બચત કરવા તેમજ ઓછા કષ્ટ કે તકલીફે મુશ્કેલ કાર્યને સરળ અને ઝડપી બનાવવા થયેલ છે. અતિ મુશ્કેલ કે અશક્ય લાગતાં ઘણા કાર્યો યંત્રની મદદથી સરળ અને શક્ય બની જતા હોય છે એ આપણા સૌનો વર્ષોનો અનુભવ છે. વળી કોઇ પદાર્થ કે તત્વ પાસે તેના સ્વભાવ વિરુદ્ધ કાર્ય કરાવવામાં પણ યાંત્રિક સાધનો કે મશીન અતિ ઉપયોગી છે જેમ કે પાણીનો સ્વભાવ નીચે તરફ વહેવાનો છે પરંતુ મશીનની મદદથી તેના સ્વભાવ વિરુદ્ધ ઉર્ધ્વગતિ ખૂબ સરળતાથી અને ઝડપી કરાવી શકાય છે. જરૂર છે માત્ર મશીન ઉપયોગના યથાર્થ જ્ઞાનની અને તેના વિવેકપૂર્ણ ઉપયોગની. જો મશીનનો ઉપયોગ કેવી રીતે કરાય તેનું જ્ઞાન ન હોય અથવા તેનો કેટલો અને કેવો ઉપયોગ થવો જોઇએ તેની સમજણ કે વિવેક ન હોય તો તે અનેક અનિષ્ટોનું સર્જન કરી શકે. એ જ રીતે માનવશરીર કુદરતે બનાવેલું અતિઉપયોગી ઉત્તમ ખૂબ વિકસિત અને હાઈટેક મશીન છે. જે માનવજીવનની દરેક પીડા અને દુઃખ એટલે આધિ-વ્યાધિ-ઉપાધિ દૂર કરવા સક્ષમ છે. પરંતુ તેની યથાર્થ ઓળખ (એટલે તેના શક્તિ અને સામર્થ્યની પરખ) અને તેનો વિવેકપૂર્ણ ઉપયોગ (એટલે માનવશરીરનો ઉપયોગ ક્યારે ક્યાં અને કેવી રીતે થવો જોઈએ તેની સાચી સમજણ) અનિવાર્ય છે. આપણી કમનસીબી એ છે કે શરીરરૂપી અતિ હાઇટેક મશીન વિશે આપણે ખાસ કંઇ જાણતા જ નથી. વળી તેનો યથાર્થ ઉપયોગ એટલે કે કયા ઉદ્દેશ્ય માટે તેનો ઉપયોગ થવો જોઇએ તેની પણ આપણને ખબર નથી.
મનુષ્યયોનિને શાસ્ત્રોએ અમૂલ્ય ગણી છે એનો અર્થ એ થયો કે માનવશરીરમાં એવી કોઈ વિશેષતા ચોક્કસ હોવી જોઈએ જે તેને સ્પેશિયલ બનાવે છે અને એ વિશેષતા એટલે માનવમન કે જે અગાધ શક્તિની ખાણ છે. જેને ઓળખી અને સમજી લેવામાં આવે તો લૌકિક ઉદ્દેશ્ય અને અલૌકિક ઉદ્દેશ્ય એટલે કે જીવનના ભૌતિક હેતુઓ અને આધ્યાત્મિક હેતુઓની પ્રાપ્તિ સરળ સહજ અને ઝડપી બની શકે. કેમ કે મશીનનું તો કામ જ કાર્યને સરળ ઝડપી અને કષ્ટરહિત બનાવવાનું છે. મનુષ્યશરીર સાથે જોડાયેલ પાંચ ઇન્દ્રિયો અને તેનો અધિકારી એવું મન જો આપણા વશમાં રહે તો જીવનની દરેકે-દરેક પળને આનંદમય બનાવી શકાય પરંતુ એવુ થઈ શકતું નથી કેમકે આપણે ઈન્દ્રિયો અને મનના યથાર્થ ઉપયોગ કે શક્તિને જાણતા જ નથી. દરેક ઈન્દ્રિયોનો કેવો ઉપયોગ થવો જોઈએ, મનની શક્તિ પાસે કેવું કામ લેવું જોઇએ વગેરે આપણે શીખવાની જરૂર છે. ઇન્દ્રિયો પાસે કેવું કામ લેવું તે સામાન્ય રીતે મન નક્કી કરે છે અને મન શું કરશે, તેને શું ગમશે, શેમા વ્યસ્ત રહેવામાં તે મજા અનુભવશે તેનો આધાર વ્યક્તિની વૃત્તિઓ, માન્યતાઓ, કર્મો અને અભિગમ પર આધાર રાખે છે. આપણે જ્યારે એમ માનતા થઈ જઈએ અથવા સ્વીકારી લઇએ કે સાચું સુખ અને આનંદ ધન અને સંબંધોમાં જ છે ત્યારે આપણી વાસના, કામના, માન્યતા આપણા મનને તેમાં જ વ્યસ્ત રહેવાનો આદેશ આપે છે અને મન આપણું સાચું સેવક છે જેથી આપણા આદેશને અનુસરે છે. એની પાસે કેવું કામ લેવું તેને કેવો આદેશ આપવો તે આપણે નક્કી કરવાનું છે. પાંચ ઇન્દ્રિઓનો માલિક મન જેવો આદેશ આપશે તે પ્રમાણે ઇન્દ્રિયો કાર્ય કરશે. આમ આપણી વૃત્તિઓ, મન અને ઇન્દ્રિયો વચ્ચે જબરજસ્ત મજબૂત સંબંધ છે. જેથી આપણી વૃત્તિઓ, મન અને ઇન્દ્રિયોની તાકાતને ઓળખીએ. કઈ ઇન્દ્રિય પાસે કેવું કામ લેવું મનને (જે આપણું સેવક એવું એક મશીન છે) કેવો આદેશ આપવો તે આપણા હાથમાં છે.
પ્રાચીન કથાઓમાં અલાદીનના એક જાદુઈ ચિરાગની વાર્તા આપણે સૌએ સાંભળી હશે, જાદુઈ ચિરાગની શક્તિ અમર્યાદિત હતી પરંતુ તેની શક્તિનો શું ઉપયોગ કરવો તે આપણી ઇચ્છા પર આધારિત છે. તાત્વિક રીતે વિચારીએ તો આ અલાદીનનો જાદુઈ ચિરાગ સંજ્ઞાત્મક રીતે માનવમનને દર્શાવે છે. આ જાદુઈ ચિરાગમાં સર્જન અને વિનાશ બંનેની શક્તિ છે. કેમ કે શક્તિ તો શક્તિ છે તેનો ઉપયોગ સર્જન કે વિનાશ નક્કી કરે છે કે તેના દ્વારા જીવન સ્વર્ગ બનશે કે નર્ક. ઈશ્વરે આપણને ખૂબ વિકસિત, શક્તિશાળી ઈન્દ્રિયો અને મનની ભેટ આપી છે જે એક જાદુઈ ચિરાગની જેમ સતત આપણી સાથે રહેલું છે માત્ર તેની પાસે શું કાર્ય કરાવવું છે તે આપણે નક્કી કરવાનું છે. પાંચ ઇન્દ્રિઓ જેવી કે (આંખ,નાક,કાન,જીભ, ત્વચા) આંખ દ્વારા શું જોવું એટલે કે સમગ્ર અસ્તિત્વમાં રહેલી દૈવીશક્તિ કે આસુરીશક્તિને જોવી તે આપણે નક્કી કરવાનું છે. નાક દ્વારા શું સુંઘવું, કાન દ્વારા શું સાંભળવું એટલે દિવ્યશક્તિના ગુણગાન કે ભજન સાંભળવા કે સેકસી સોંગ સાંભળવા તે આપણે નક્કી કરવાનું છે. જીભ દ્વારા શું બોલવું, કેવું બોલવું, કેટલું બોલવું, શબ્દો દ્વારા સ્વર્ગ કે નર્ક શું તૈયાર કરવું તે આપણે નક્કી કરવાનું છે અને સ્પર્શેન્દ્રિય દ્વારા શું અનુભવવું એટલે કે મોહમાયાયુક્ત સંસારની ભ્રામિક માયાજાળને અનુભવવી કે ઈશ્વરના અસ્તિત્વને અનુભવવું એ આપણે નક્કી કરવાનું છે. હાથ દ્વારા કયા કાર્યો કરવા કે જે જીવનને અમૃતમય બનાવે તે પણ આપણે જ નક્કી કરવાનું છે.
મનને સતત યોગ્ય પોઝિટિવ નિસ્વાર્થ અને ઉત્તમ વિચારોમાં વ્યસ્ત રાખવું કે અનર્થકારી અને પીડાદાયક વિષયોમાં વ્યસ્ત રાખવું તેનો આધાર વ્યક્તિના પોતાના જ્ઞાન, સમજણ, ઈચ્છા, વૃત્તિ અને માન્યતા પર રહેલો છે. કેમ કે માણસને જ્યાં સુખ-શાંતિ દેખાય તે તરફ આકર્ષિત રહેવાનું એનું સ્વાભાવિક વલણ રહેતું હોય છે. પરંતુ આપણે એ વાસ્તવિકતા સમજવી જોઈએ કે આપણી કોઈપણ ઇન્દ્રિઓ સ્વતંત્ર રીતે સાચું કે યથાર્થ જોઈ શકતી નથી. તે એ જ જોવે છે જે મન તેને દેખાડે છે અને મન માન્યતાઓ તેમ જ પૂર્વગ્રહોનું ગુલામ છે. તે તેની માન્યતા સરળતાથી છોડી શકતું નથી. જેથી વિશ્વનું વાસ્તવિક સ્વરૂપ કે જે બ્રહ્મરૂપ છે તે આપણે જોઇ ન શકવાને કારણે અયોગ્ય દિશામાં કાર્યરત રહીએ છીએ. આવા મનને વૈરાગ્ય, સંયમ અને અભ્યાસથી ઘડી શકાય છે. ખોટી માન્યતાઓ અને વૃત્તિઓને વશ કરી મનની અગાધશક્તિનો યથાર્થ દિશાના ઉપયોગ દ્વારા ઈશ્વર તરફથી મળેલ આ હાઈટેક મશીનરૂપી ભેટ માનવશરીરનો સદુપયોગ યોગ્ય સમયે કરી લેવો જોઈએ. કેમ કે દરેક પાસે સમય ખૂબ મર્યાદિત છે છતાં આપણે તેને અયોગ્ય ઇચ્છાઓ, રાગ દ્વેષ અને અજ્ઞાનમાં વેડફી રહ્યા છીએ. મશીન ગમે તેટલું ઉત્તમ હોય પરંતુ તેને વાપરવાની આવડત અને વિવેકરૂપી કુશળતાના અભાવમાં તે ઉપયોગી સાબિત થઈ શકતું નથી. અંધારાને દૂર કરવા ટોર્ચ અવશ્ય મદદરૂપ થઈ શકે પરંતુ ટોર્ચ વાપરવી કઈ રીતે, કઈ સ્વીચ શરૂ કરવાથી ટોર્ચ શરૂ થાય જો તે જ ખબર ન હોય તો સતત અંધારામાં રહેવાનું કિસ્મત ટોર્ચની હયાતી છતાં સહન કરવું પડે. એ જ રીતે માનવશરીરરૂપી અતિ વિકસિત, ઉત્તમ, ઉચ્ચકક્ષાનું હાઇટેક મશીન ઈશ્વરકૃપા દ્વારા આપણને મળ્યું હોવા છતાં તે મશીનને જો ઓપરેટ કરતા ન આવડે, તેનો શું ઉપયોગ થવો જોઈએ એ જો ન સમજાય તો મનુષ્ય જીવનને વ્યર્થ અને બરબાદ થતા કોઈ ના અટકાવી શકે.
ધર્મશાસ્ત્રો જણાવે છે કે ૮૪ લાખ પ્રકારના શરીરમાંથી આપણને કેવું અને કયું શરીર મળશે તેનો આધાર વ્યક્તિની પોતાની ઈચ્છા અને એ અનુસારના કર્મોને આધીન છે. જેમ કે એવું કહેવાય છે કે જેને સર્વથી છુપાઈને છાનામાના એકલા ગુપ્ત રીતે ખાવાનું પસંદ છે તેને આવતા જન્મે બિલાડીનો અવતાર પ્રાપ્ત થાય છે. ધનની વધુ પડતી આસક્તિ ધરાવતો વ્યક્તિ અવશ્ય બીજા જન્મે નાગ બને છે (એટલે તો રજવાડી ખજાનાની આજુબાજુ હંમેશા નાગ અનેક વાર્તાઓમાં દર્શાવવામાં આવે છે), તેવી જ રીતે અતિશય શારીરિક ભૂખ ધરાવતો સેક્સી માણસ નવા જન્મે વેશ્યા બને છે. ધર્મશાસ્ત્ર અનુસાર પરમાત્માની કૃપાળુ શક્તિ હંમેશા જીવને તેની ઈચ્છાપૂર્તિમાં સહાયક બને છે એટલા માટે કોઈપણ ઈચ્છાનું સર્જન ખૂબ ઊંડી સમજણ સાથે થવું જોઈએ. સંસારમાં મુખ્ય ચાર પ્રકારની યોની છે દેવયોની, તિર્યંચયોની, નર્કયોની અને મનુષ્યોની જે વ્યક્તિને તેના કર્મોને આધારે મળે છે. જેમ કે અતિ સાત્વિક અને સદગુણોયુક્ત જીવન જીવનાર અને સત્ય, અહિંસા, અપરિગ્રહ, જેવા ઉત્તમ સિદ્ધાંતોનું જીવનમાં પાલન કરનાર જીવ દેવયોનીને લાયક બને છે જયારે ભયંકર પાપો જેવાકે હત્યા, વ્યભિચાર, ચોરી છળકપટ, મદ્યપાન, નિંદા, જુઠું બોલવું, પશુઓનો વધ, સ્ત્રીને વેશ્યા બનાવવી, વશીકરણ-મારણનો પ્રયોગ કરવો, ઔષધવૃક્ષ કે લીલું વૃક્ષ કાપી નાખવું, દેવું ભરપાઈ ન કરવું, અયોગ્ય વસ્તુઓનું વેચાણ કરવું, અયોગ્ય વ્યાજ લેવું વગેરે નર્કયોનીની વ્યવસ્થા છે.
મનુષ્યયોનીનો એક અતિ મહત્વનો હેતુ પરમાત્માપ્રાપ્તિનો છે. ભગવાન. ઈશ્વર કે પરમાત્મા કોઈ વ્યક્તિ નથી એ તો અનંત અસ્તિત્વ અને અસીમ શક્તિ છે (God is nothing but energy & existence) જેની પ્રાપ્તિ મનુષ્યશરીર દ્વારા જ સરળ અને શક્ય છે. કેમ કે માનવશરીર ખૂબ જ વિકસિત, એડવાન્સ હાઇટેક મશીન છે જેના દ્વારા ઉદ્દેશ્યપ્રાપ્તિ ખૂબ ઝડપી અને સહજ બની શકે છે. જેમ ખૂબ દૂર જવું હોય અને ઝડપથી પહોચવાનો હેતુ હોય તો સાઇકલને બદલે વિમાન વધુ ઉપયોગી થઇ શકે એ રીતે આ શરીરનું મહત્વ છે. તેને વ્યર્થ ન બગાડાય. કદાચ ફરી આ હાઈટેક મશીનની સહાય ન પણ મળે અને જન્મોજન્મ નાહકની અનેક પીડાઓ અને નર્કમય જીવન પસાર કરવું પડે એવું બની શકે. તો આજથી જ આ માનવશરીરરૂપી ઉત્તમ મશીનને જાણી સમજી લઈએ કેમ કે તેનો વિવેકપૂર્ણ ઉપયોગ કરી લેવામાં જ શાણપણ છે. બસ એટલું જ મારે કહેવું છે.

TejGujarati