સૌના G1માં સુખ દુ:ખની આવન જાવન સજાવે પાવન સાવન. – નિલેશ ધોળકિયા

ગુજરાત ધાર્મિક સમાચાર

? *ઘડપણમાં પણ બચપણ !*

બાબા ને દાદા બેઉ સરખા ! મતલબ, ઢીંગલી જેવી બેબલી હોય કે દાદીમાં – આ અવસ્થામાં તેઓ મોટાભાગે મસ્તી ભરી હસ્તી જ હોય !

સનાતન સમયથી મારા, તમારા, સહુના બાળકોને વડીલો સાથે ઘણી ફાવટ હોય છે. કોઈ પણ ચડભડ વિના બેઉ ઉંમરના લોકો એકબીજા સાથે કલાકો આરામથી કાઢી શકે. કોઈની પણ સાથે વાંકુ પડ્યું હોય તો ‘ચક્રવૃદ્ધિ વ્યાજ’ બા-દાદા પાસે હૈયા વરાળ ઠાલવી શકે. કોઈ પણ દંભ કે મર્યાદા વિનાના પારદર્શિતા વાળા સંબંધો એટલે વાન્પ્રસ્થતા અને બાલ્યાવસ્થા ! ગજબનો સંયોગ.

હા, આ પ્રકારના જોડીદારનો સંબંધ એવો છે જેમાં આટલી મોટી ઉંમરનો કે જેનેરેશન ગેપ હોવા છતાં કોઈ ઘર્ષણ થતું નથી. લાગણી અખૂટ છે. એનું કારણ ગમે તે હોય પણ આ એક એવો સંબંધ છે જેમાં ખુબજ સાદાઈ ને આત્મીયતા હોય છે.

એક જિંદગીના છેલ્લા સોપાન પર ઉભેલ વ્યક્તિ, બીજું જિંદગીના પહેલા સોપાન પર હોવા છતાં કોઈ આડંબર વિના મહેકતો, વિસ્તરતો, વધુ મહેનત કર્યા વિના આપમેળે ઉછેરાતો ને વિકસતો એક માત્ર સંબંધ એટલે પૌત્રી/પૌત્ર સાથે બા/બાપુજીનો અણમોલ સંબંધ !

ક્યારેક બાળક અને બા-દાદાને સાથે જોઈએ તો ખ્યાલ આવે કે, બેઉમાં કેટલી સામ્યતા છે. બંનેની વર્તણુંક નિર્દોષ !! દિલથી વિચારો તો જ સમજાય – પણ જો દિમાગથી વિચારવા જાઓ તો થાપ ખાય જવાય. બંને : પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે ઘરમાં ઓછું મહત્વ અપાતી વ્યક્તિઓ, બંનેમાં “પોતાને કોઈ સમજતું નથી” વાળી ભાવના – વળી પાછું, બંનેને પોતાની મરજી ચલાવવાની થોડી તલપ પણ ખરી અને જિદ્દ કે મમત પણ ખરી જ. ક્યારેક વડીલોને આજના બાળકો ઉત્પાતિયા લાગતા હોય છે, સિદ્ધાંતોને વળગીને જિંદગી પુરી કરવા ટેવાયેલા વડીલો બીજા કોઈ સામે નમતું ન જોખે પરંતુ પોતાના ‘વ્યાજના વ્યાજ’ માટે કાંઈ પણ જતુ કરીને ય એડજેસ્ટ કરી લેતા હોય છે

સમાજવ્યવસ્થામાં ત્રણ પેઢી એક છત નીચે શ્વાસ લેતી રાખવાનો તાત્પર્ય આ પણ હોઈ શકે કે, કારકિર્દી બનાવવા જવાબદારીનું ભારણ લઇને ફરતા યુવાનો “પોતાના વડીલો પાસે બાળકો હૂંફથી ઉછરી રહ્યા છે” જેવી બાબતનો સંતોષ લઇ કારકિર્દી પર પૂરતું ધ્યાન આપી શકે છે. જુવાનીનું ગરમ લોહી ઠંડુ થઇ જતા બાળકને રોક, ટોક, ઠોકની નીતિથી અલગ, સમજાવટથી વાળવાની આવડત દાદા+દાદીમાં આવી ગઈ હોય છે.

સામાજિક, પારિવારિક, આર્થિક સંસ્કાર + મૂલ્યોનું મોંઘુ ભાથું, અનુભવ, વાર્તાઓ, દ્રષ્ટાંતો, ઉદાહરણોનું એનસાયકલોપીડિયા બનીને ઘરના માહોલને સાચા અર્થમાં “ઘર” બનાવતા વડીલો ખરેખર વંદનીય અને પૂજનીય તો છે જ સાથે આપણા બાળકો માટે લાગણીનો ધોધ વરસાવનારા એક ઉમદા મિત્ર તેમજ રાહબર પણ છે.

નટખટ બાળકો મિલાવટ, બનાવટ વગરની સજાવટ હોવાથી, ઓછી ખટપટ રાખવાથી ઝટપટ અને ચટપટ સાથે સંતુષ્ટ ઈન્સાનની ઈમારતનું ફટાફટ ઘડતર ને ચણતર થાય તે જ સાચું ભણતર !!!

સૌના G1માં સુખ દુ:ખની આવન જાવન સજાવે પાવન સાવન.- નિલેશ ધોળકિયા

TejGujarati
  •  
  •  
  •  
  •  
  •  
  •