*ફરી કુદરતના ખોળે*? (Non-Fiction) *લેખક: જગત કીનખાબવાલા (સ્પેરો મેન) *પીળીચાંચ ઢોંક / કચ્છી: ચિત્રોડા/

કલા સાહિત્ય ગુજરાત ધાર્મિક બિઝનેસ ભારત સમાચાર

8/10/2021

? *ફરી કુદરતના ખોળે*?
(Non-Fiction)

*લેખક: જગત કીનખાબવાલા (સ્પેરો મેન)*
https://www.facebook.com/jagat.kinkhabwala

*પીળીચાંચ ઢોંક / કચ્છી: ચિત્રોડા/ Painted Stork / હિંદી: સારસ ચિત્રિત/ Mycteria leucocephala*
*કદ: ૪૦ ઇંચ/ ૧૦૦ સે.મી. પાંખોની પહોળાઈ: ૧૫૦ – ૧૬૦ સે. મી. વજન: ૨ – ૩. ૫ કિલો.*

*રૂપરૂપનો અંબાર પીળીચાંચ ઢોંક, જાણે ફેશન આઇકોન*

રૂપરૂપનો અંબાર અને જોઈને ચિત્ર કરવાનું મન થઇ ઉઠે તેવું સુંદર અને મોટું પક્ષી એટલે રંગીન પીળીચાંચ ઢોંક. સ્થાનિક પીળી ચાંચ ઢોંક બારમાસી સ્થાનિક પક્ષી છે. ઢોંક ને જોઈને ઓળખી શકો પરંતુ તેઓની બારીકાઇ અને રંગરૂપ ન સમજો તો તેઓની પેટા જાતિ ઓળખી નહિ શકો. આપણે ત્યાં વિવિધ ૭ પ્રકારના ઢોંક હોય છે અને સામાન્ય રીતે ઢોંક પક્ષી રંગરૂપ પ્રમાણે ઓળખાય. ઢોંકના મુખ્ય રંગ સફેદ અને કાળા હોય છે. આ સફેદ અને કાળા ઢોંક ભારતમાં શિયાળામાં યુરોપથી આવી ચઢે છે. એક જમાદાર ઢોંક પૂર્વ ભારતમાંથી ચોમાસામાં ક્યારેક આવી ચઢે જ્યારે બાકીના બધા ઢોંક બારમાસી સ્થાનિક ઢોંક હોય.

પીળીચાંચ ઢોંક પક્ષી રંગે રૂપે ખુબજ દેખાવડું છે. બીજા ઢોંક કરતા દેખાવે વધારે રંગીન. નર અને માદા બંને દેખાવે સરખા હોય છે. પાંખમાં ઘેર લીલાશવાળા કાળા પટા હોય છે અને છાતીએ કાળો પટો હોય અને પૂંછડી પણ કાળી હોય છે. લાંબી અને ખુબજ મજબૂત સુંદર ચાંચ નારંગી અને પીળા રંગની હોય છે જે છેડેથી થોડી વળેલી હોય છે. ચાંચનો આકાર તેઓના ખોરાક ને કારણે તેમજ સ્વબચાવમાં ઉપયોગી થાય માટે કુદરતે આવો બનાવેલો છે. પાંખના પીંછા ગુલાબી રંગના અદભુત હોય છે જે પ્રસરાવે ત્યારે પૂંછડી ગુલાબી હોય તેવો ભાસ ઉભો થાય જ્યારે તેઓના નાના પીંછા કાળા રંગના હોય છે. પગ આછા ગુલાબી કે લાલાશ ઉપર રતુંમ્બડા હોય છે. તેઓના બચ્ચા પુખ્ત કરતા જુદા તરી આવે છે. છાતીમાં પટો ન હોય અને આછા બદામી રંગના દેખાય. તેઓનું શરીર ઘણું ભરાવદાર હોય છે અને તેઓ બોલી શકતા નથી પરંતુ તેઓની ચાંચના ઉપર અને નીચેના બે ફાડિયા એકબીજા સાથે અથડાવે ત્યારે જે અવાજ થાય તે તેમની બોલી સમજવી.

પાણીમાં ધીમે ધીમે કાદવને ખૂંદતું, મુશ્કેલીથી ચાલતું અને ખોરાક શોધતું જોવા મળે છે. પાણીના જળાશય, પાણી ભરેલા ખેતરો, મીઠાના અગરો પાસે કે જયાં પાણી ભરાયેલું હોય છે તેવી જગ્યાએ, દરિયાકાંઠાના છીછરા વિસ્તારમાં, નદી, નહેરો અને તળાવ જેવી જગ્યાઓએ કે જયાં આસાનીથી ખોરાક મળી રહે તેવી જગ્યાએ રહેતા હોય છે. પાણીના વિવિધ જીવ જેવાકે દેડકા, નાની માછલી, ગોકળગાય અને વિવિધ પ્રકારના જીવડાં ખાય છે અને ઊંડા પાણીમાં જઈને ખોરાક શોધી લાવે છે. માછલીને જ્યારે ખાવા માટે ચાંચમાં પકડે છે ત્યારે માછલી પોતાનો જીવ બચાવવા માટે ખુબજ ઝાટકા મારે છે પરંતુ તેની મજબૂત ચાંચની રચના તેને ચાંચની પકડમાંથી માછલીને છટકવા નથી દેતી. લગભગ ૨૪ સે.મી લાંબી ચાંચ ૧૮ સે.મી બાદ આશરે ૧૧ ઔંશ ગોળાકારે વળેલી હોય છે અને તે કારણે જ્યારે પીળીચાંચ ઢોંક બગલાની જેમ સ્થિર ઉભેલો હોય ત્યારે ચાંચનો વળાંક ઓછો દેખાય છે. તેઓની ચાંચ એક ઊંડા અભ્યાસનો વિષય બની ગયો છે. ખોરાક માટે સ્થિર ઉભા રહી અથવા ધીરે ધીરે ચાલીને ચાંચને થોડી ખુલ્લી રાખી, ચાંચને પાણીમાં પોતાની બેઉ બાજુ ધીરે ધીરે ફેરવે છે અને સ્પર્શથી નાની માછલી પક્ડાયાની ખબર પડે તેટલે તેને ઝડપી લે છે. તેઓ દિવસમાં બે વખત ૬૦૦ ગ્રામ કરતા વધારે એટલેકે ૮ થી ૯ કરતા વધારે માછલી ખાતા હોય છે. ખોરાક આરોગ્યા પછી બપોરના સમયે ખુબ ઊંચે ગગનવિહાર કરતા મજા લે છે. ઊંચે આકાશમાં ગોળ ગોળ ઉડયા કરતા હોય છે. ઊંચે આકાશના ગરમ હવાના પડની/ થર્મલ ઉપર પોતાની શક્તિ ઓછી વાપરીને લહેરાય છે. ઉડતા હોય ત્યારે પોતાની લાંબી ગરદન અને ચાંચ ખેંચેલી અને લાંબી રાખે છે અને તે કારણે તેમને ઉડતા હોય ત્યારે ઓળખવામાં સહેલા પડે છે.

ચોમાસુ તેમની પ્રજનનની ઋતુ હોય છે. તેવા સમયે પાણીમાં તેમને અનુકૂળ વર્ણવેલ ખોરાક આસાનીથી મળી રહે છે. તેઓ પાણીની નજીક વૃક્ષ ઉપર સાંઠીકડા સળીઓથી મોટા અને અનુકૂળ માળા બનાવે છે. તેઓ બીજી જાતના ઢોંક/ બગલાઓના માળાના સમૂહ પાસે પણ માળા બનાવે છે. મેં મહિનાની મધ્યમાં માળા બનાવ્યા હોય તેવા માળા ચોમાસામાં બનાવેલા માળા કરતા વધારે મજબૂત હોય છે. તેઓ મૉટે ભાગે એકજ જગ્યાએ પાંચથી દસના સમૂહમાં સમૂહમાં માળા બનાવે છે. એક ઋતુમાં ૨ થી ૫ ઈંડા મૂકી શકવાની ક્ષમતા ધરાવે છે. ખાસ કરીને ચોમાસુ પૂરું થાય અને ઠંડક શરુ થાય તેટલે ઈંડા મુકાતા હોય છે. તેઓનું આયુષ્ય ૨૦ થી ૩૦ વર્ષનું હોય છે. જે માદા ઋતુમાં શરૂઆતમાં ઈંડા મૂકે છે તેઓના ઈંડાની સંખ્યા વધારે જોવા મળે છે. લગભગ એક મહિના શુધી ઈંડા સેવે છે અને ત્યાર બાદ બે મહિના પછી બચ્ચા ઉડતા થાય છે.

ભારત, શ્રીલંકા, ચીન, દક્ષિણ પૂર્વ એશિયામાં વસતા જોવા મળે છે. દુઃખદ વાત એ છે કે આ સુંદર પક્ષીની સંખ્યા વિકાસની સાથે ઘટી જઈ રહી છે. ખાસ કરીને જયાં ઢાળવાળા વિસ્તારમાં વરસાદી પાણી જમા થાય છે/ વેટલેન્ડ જેવી જગ્યાઓ ઓછી થતી જાય છે, જળાશયોમાંથી મળતો ખોરાક ઓછો થતો જાય છે અને તેઓનો શિકાર પણ કરવામાં આવે છે. પાણીનું પ્રદુષણ વધવું અને વસવાટ તેમજ માળા બાંધવા માટે વૃક્ષ ઓછા થઇ રહયા છે. તેઓનું જીવન અને વૃદ્ધિ વરસાદ ઉપર નભે છે અને જળવાયું પ્રદુષણના કારણે તેઓના અસ્તિત્વ ઉપર અસર થઇ રહી છે. આવા વિવિધ કારણોસર તેઓની સંખ્યા ભયજનક રીતે ઘટી રહી છે. (ફોટોગ્રાફ:શ્રી સેજલ શાહ ડેનિયલ, શ્રી યતીન દેસાઈ, શ્રી દિપક ઠાકોર અને વિડિઓ: શ્રી સેજલ શાહ ડેનિયલ.)

*આવો કુદરતના ખોળે, નિરાંત અનુભવીએ.*
*સ્નેહ રાખો – શીખતાં રહો – સંભાળ રાખો*
*Love – Learn – Conserve*

TejGujarati