ઓમ કોમ્યુનિકેશન અને ચિનુ મોદી ફાઉન્ડેશનના સંયુક્ત ઉપક્રમે કવિ,નાટ્યકાર,નવલકથાકાર,વાર્તાકાર,વિવેચક ચિનુ મોદી’ઈર્શાદ’ના 83-મા જન્મદિનપ્રસંગે ‘સાહિત્યિક વ્યાખ્યાન અને કવિસંમેલન’નું આયોજન કરવામાં આવ્યું.

ઓટોમોબાઇલ ગુજરાત ટેક્નોલોજી ધાર્મિક બિઝનેસ ભારત સમાચાર

ઓમ કોમ્યુનિકેશન અને ચિનુ મોદી ફાઉન્ડેશનના સંયુક્ત ઉપક્રમે તારીખ:30 સપ્ટેમ્બર 2021,ગુરુવારના રોજ,સાંજે 5-30 કલાકે,ગોવર્ધનસ્મૃતિ મંદિર. સભાગૃહ,ગુજરાતી સાહિત્ય પરિષદ,આશ્રમ રોડ,અમદાવાદ ખાતે કવિ,નાટ્યકાર,નવલકથાકાર,વાર્તાકાર,વિવેચક ચિનુ મોદી’ઈર્શાદ’ના 83-મા જન્મદિનપ્રસંગે ‘સાહિત્યિક વ્યાખ્યાન અને કવિસંમેલન’નું આયોજન કરવામાં આવ્યું.ચિનુ મોદીની ગઝલો-અણકહી વાતો વિશે કવિ રાજેશ વ્યાસ’મિસ્કીન’એ વક્તવ્ય આપ્યું.તેમજ કવિસંમેલનમાં શનિસભાના કવિઓ મધુસૂદન પટેલ’મધુ’,જયંત ડાંગોદરા,ચેતન શુક્લ,વિપુલ પરમાર,કૃણાલ શાહ,ઈંગિત મોદીએ સ્વરચિત કવિતાનો પાઠ કર્યો.કવિસંમેલનનું સંચાલન કવિ તેજસ દવેએ કર્યું.સમગ્ર કાર્યક્રમનું સંચાલન કવિ મનીષ પાઠક’શ્વેત’કર્યું.આ પ્રસંગે ચિનુ મોદીના પરિવારજનો,સાહિત્યકારો અને સાહિત્યપ્રેમીઓ ઉપસ્થિત રહ્યા હતાં.આ કાર્યક્રમને માણવા માટે કોઈપણ પ્રકારની પ્રવેશ ફી રાખવામાં આવી ન્હોતી.
————
રાજેશ વ્યાસ ‘મિસ્કીન’ :
-ચિનુ મોદીની ગઝલો વિશે વાત કહેવી સરળ છે.પરંતુ,તે ગઝલના ઉપાસકના ગઝલની યાત્રા ઘણી લાંબી છે.
-1960ની આસપાસ થયેલો ગઝલનો યુગ સભાનયુગ ગણાય.જેની આગેવાની ચિનુ મોદીએ સંભાળી હતી.તેમની સાથે મનહર મોદી,આદિલ મન્સૂરી જેવા તેમની સાથે હતા.તેમના ગુરુ મનહર’દિલદાર’હતા.
-બે ગઝલસંગ્રહ આપ્યા ત્યાં સુધી ચિનુ મોદી એવું કહેતા કે હજુ હું ગઝલ સાથે એકાકાર નથી થયો.
-‘આપણે ગઝલને શું સાચવીએ ગલઝ જ અમને સાચવે છે’તેવું ચિનુ મોદી કહેતા
-ઇર્શાદગઢનો મને ગમતો શેર :
લાગણીવશ હાથમાંથી જડભરત પાસે પડ્યો,
બંધ મુઠ્ઠી ખોલવાનો ભય હતો સાચો પડ્યો.
-ચિનુ મોદીની ગઝલો વર્ષો સુધી આધુનિક રહે તેવી મજબૂત છે.તેઓ પોતાની લખેલી ગઝલોને પણ ફરીથી ઝીણી નજરે જોતા હતા.
————
‘શનિસભા’ના કવિઓએ કવિસંમેલનમાં કરેલી રજુઆત :
————-
(1)
‘ઘરનું ઘર’ એ યોજનાના બેનરોને,
કંઈક લોકો છત તરીકે વાપરે છે.
– કુણાલ શાહ
(2)
દર્પણમાં દેખાતાં દૃશ્યો સાવ જુદાં છે પ્હેલાં કરતાં,
ક્યારે આવી ગયાં અચાનક તમે અમારી આંખ થઈને?
-જયંત ડાંગોદરા
(3)
તમારી ‘ના’ વિશેની વ્રતકથા સૌ ભાવથી વાંચે,
અમારી ‘હા’ને જાણે હાંસિયે સૌએ ધકેલી છે.
-ચેતન શુકલ ‘ચેનમ’
(4)
રાધાએ પાડેલી તરફડતી ચીસ એની વેદના તો કેમ કરી માપું,
શ્યામ તમે આવો તો ભીતરનો ખાલીપો થોડો હું તમને પણ આપું.
-તેજસ દવે
(5)
પથ્થરને થાય વંદન અંદર કશુંક તો છે.
દેખાય ના ભલે પણ ઈશ્વર કશુંક તો છે.
-રાજેશ વ્યાસ ‘મિસ્કિન’
(6)
હાથમાં છે એ કશામાં સાર ક્યાં છે !
તે છતાં તું છોડવા તૈયાર કયાં છે !
-વિપુલ પરમાર
(7)
ચહેરો પ્હેરી ફરતો માણસ,
બની નિખાલસ છળતો માણસ.
-ઈંગીત મોદી
(8)
ફાટી જશે તો એને ઊંધો કરી દઈશ,
કૉલરના નામ પર હું દેવું નહીં કરું.
– મધુસૂદન પટેલ ‘મધુ’

TejGujarati