*સિવિલના ગાયનેક અને સર્જરી વિભાગના તબીબોએ અઢી કલાક ઓપરેશન કરીને એક સાથે કુલ ૧૧ કિલોની બે ગાંઠો બહાર કાઢી*

કલા સાહિત્ય ગુજરાત ધાર્મિક બિઝનેસ ભારત સમાચાર

*’અહો આશ્ચર્યમ..’*
—–
*સિવિલના ગાયનેક અને સર્જરી વિભાગના તબીબોએ અઢી કલાક ઓપરેશન કરીને એક સાથે કુલ ૧૧ કિલોની બે ગાંઠો બહાર કાઢી*
———-
*ઉમરપાડાની આદિવાસી મહિલાના ગર્ભાશયની ૮ કિલો અને અંડાશયની ૩ કિલોની જમ્બો ગાંઠની સફળ સર્જરી કરતી નવી સિવિલની ટીમ*
———–
*સિવિલની ટીમે જટિલ શસ્ત્રક્રિયા કરીને લલિતાબેન વસાવાને અસહ્ય પીડામાંથી મુક્તિ આપી*
———–
*ખાનગી હોસ્પિટલમાં જે સર્જરી ૩.૫૦ લાખ થાય એમ હતી, એ નવી સિવિલમાં નિ:શુલ્ક થતાં વસાવા પરિવાર ખુશખુશાલ*
———
સુરત:મંગળવાર: નવી સિવિલ હોસ્પિટલના ગાયનેક અને સર્જરી વિભાગના તબીબોએ અઢી કલાક ઓપરેશન કરીને સુરત જિલ્લાના ઉમરપાડાની આદિવાસી મહિલાના ગર્ભાશયની ૮ કિલો અને અંડાશયની ૩ કિલોની જમ્બો ગાંઠને બહાર કાઢી તેમને અસહ્ય પીડામાંથી મુક્તિ આપી છે. જવલ્લે જ જોવા મળે એવી ભારે વજનની એક સાથે બે ગાંઠોને જટિલ શસ્ત્રક્રિયા દ્વારા બહાર કાઢીને તબીબોએ મહિલાને નવજીવન આપ્યું છે. ઓપરેશન સફળતાપૂર્વક પાર પડ્યા બાદ લલિતાબેનના પરિવારની સાથોસાથ ગાયનેક અને સર્જરી વિભાગના તબીબો-ઍનેસ્થેટિસ્ટ્સની સમગ્ર ટીમની ખુશી મ્હાતી ન હતી. ખાનગી હોસ્પિટલમાં જે સર્જરી રૂ.૩.૫૦ લાખમાં થાય એમ હતી, એ નવી સિવિલમાં નિ:શુલ્ક થતાં વસાવા પરિવાર ખુશખુશાલ બન્યો હતો.
ઉમરપાડામાં રહેતાં ૪૦ વર્ષીય લલિતાબેન શંકરભાઈ વસાવાને છેલ્લા ૮ મહિનાથી પેટમાં અસહ્ય દુઃખાવો રહ્યાં કરતો હતો. પેટ ફૂલી ગયું હતું, અને જમવા, બેસવા, ઉંઘવા સહિતની દૈનિક ક્રિયાઓમાં પારાવાર મુશ્કેલી પડતી હતી. લલિતાબેનની બહેન ગોધરામાં સાસરે હોવાથી ગોધરા જઈને ખાનગી હોસ્પિટલમાં નિદાન કરાવ્યું, જ્યાં હોસ્પિટલ દ્વારા સારવાર અને ઓપરેશન માટે રૂ.૩ થી ૩.૫૦ લાખનો ખર્ચ થશે એમ કહેવાયું હતું.
નબળી આર્થિક સ્થિતિના કારણે આટલો માતબર ખર્ચ પોસાય એમ ન હોવાથી નજીકના સંબંધી મારફત તા.૬ સપ્ટેમ્બરના રોજ નવી સિવિલ હોસ્પિટલના સ્ત્રીરોગ વિભાગમાં સારવાર માટે દાખલ થયાં. જ્યાં સોનોગ્રાફી, એમ.આર.આઈ. કરવામાં આવતાં ગર્ભાશયમાં ૮ કિલો અને અંડાશયમાં ૩ કિલોની જમ્બો ગાંઠ હોવાનું નિદાન થયું હતું. જેથી તા.૨૭મી સપ્ટે.ના રોજ ગાયનેક વિભાગના સહયોગથી સર્જરી વિભાગના ડો.ધ્વનિ દેસાઈ, ડો.જય ચોકસી, ગાયનેક વિભાગના ડો.કુંતલ પ્રજાપતિ અને ડો.એકતા પટેલે સફળ શસ્ત્રક્રિયા કરીને બંને ગાંઠો બહાર કાઢી હતી. સર્જરીમાં તેમને કુલ ૭ બોટલ લોહી પણ ચડાવવામાં આવ્યું હતું.
સ્ત્રીરોગ વિભાગના એસો.પ્રો.ડો.ધ્વનિ દેસાઈએ જણાવ્યું હતું કે, આ પડકારજનક સર્જરી પાર પડતાં અમારી ટીમ ખુબ ખુશ છે. લલિતાબેનના શરીરમાં એક સાથે બે મોટી ગાંઠો હોવાના કારણે ગર્ભાશય, અંડાશય, સ્વાદુપિંડ(પેન્ક્રીયાસ), રક્તવાહિનીઓ સહિત પેટના આંતરડાઓ પર દબાણ પડી રહ્યું હતું. કુલ ૧૧ કિલોની ગાંઠ કાઢવામાં ન આવી હોત તો દર્દીને કેન્સર થવાનું તેમજ જીવનું પણ જોખમ હતું. અસહ્ય પીડાને કારણે પૂરતી ઊંઘ, ખોરાક ન લેવાને કારણે તેમનું ૧૨ થી ૧૩ કિલો વજન ઘટી ગયું હતું. સિવિલમાં દાખલ થયાં ત્યારે તેમના શરીરમાં લોહીનું પ્રમાણ ખુબ ઓછું હતું. હિમોગ્લોબીનનું પ્રમાણ ઘટીને ૬.૭ થયું હતું. સિવિલમાં વસાવા પરિવાર પર કોઈ આર્થિક ભારણ નથી પડ્યું, અને તેઓ લાંબી પીડામાંથી મુક્ત થયા છે એનો અમને ખુબ આંનંદ છે. હવે લલિતાબેન સંપૂર્ણ સ્વસ્થ છે, ઓપરેશન બાદ હવે તેમનું હિમોગ્લોબીનનું પ્રમાણ વધીને ૯.૦૦ થયું છે. હવે કોઈ પણ ભય વિના તેઓ નોર્મલ જિંદગી જીવી શકશે.
સર્જરી દરમિયાન તબીબી ટીમ સાથે ઓ.ટી.ઇન્ચાર્જ સિમંતીનીબેન ગાવડે અને સાજિદાબેન ચાંદ, વોર્ડ ઇન્ચાર્જ દક્ષાબેન પટેલ, સ્ટાફ નર્સ ઉન્નતિબેન પટેલ સહિતના નર્સિંગ સ્ટાફે જહેમત ઉઠાવી હતી.
લલિતાબેનના જીજાજી અશોકભાઈએ જણાવ્યું હતું કે, અપરિણીત લલિતાબેનના પિતા હયાત નથી, તેઓ ત્રણ બહેનો છે. વિનામૂલ્યે ઓપરેશન કરીને મારા સાળીનો જીવ બચાવવા બદલ અમે નવી સિવિલના ઋણી છીએ. સારવાર દરમ્યાન કોઈ તકલીફ પડી નથી. તબીબો, આરોગ્ય સ્ટાફનો સંપૂર્ણ સહકાર મળ્યો છે, અને એકપણ રૂપિયાના ખર્ચ વગર તેમને સ્વસ્થ કર્યા છે એમ તેમણે આનંદિત ચહેરે ઉમેર્યું હતું.
આમ, દક્ષિણ ગુજરાતના ગરીબ અને જરૂરિયાતમંદ દર્દીઓની ગુણવત્તાયુક્ત સારવાર-શુશ્રુષામાં નવી સિવિલ હરહંમેશ અગ્રેસર રહી છે. લલિતાબેનને મળેલી સમયસર અને યોગ્ય સારવાર તેનું ઉત્તમ ઉદાહરણ છે.

*(ખાસ અહેવાલ: પરેશ ટાપણીયા)*
-૦૦-

TejGujarati