જીવનમાં હોશિયારી વધુ અગત્યની કે સારાઈ? શિલ્પા શાહ, ડિરેકટર ઇન્ચાર્જ HKBBA કોલેજ

આંતરરાષ્ટ્રીય કલા સાહિત્ય ગુજરાત ટેક્નોલોજી ધાર્મિક બિઝનેસ ભારત સમાચાર

આજના મોર્ડન જમાનામાં સફળતા અને ભૌતિક સમૃદ્ધિ પાછળ પાગલ બનેલા લોકો સદગુણો, સારાઈ, નૈતિકતા વગેરેને કદાચ ભૂલી ગયા હોય એમ લાગે છે. સમાજે, સંબંધોએ અને શિક્ષણે જાણે-અજાણે જગતને એ જ શીખવાડ્યું છે કે જીવનમાં જો કંઈ વિશેષ મહત્વનું હોય તો તે હોશિયારી, આવડત, કુશળતા અને બુદ્ધિમત્તા છે. કેમ કે તેના દ્વારા જ જીવનમાં ધારી સફળતા, પદ-પ્રતિષ્ઠા અને ભૌતિક સુખ-સમૃદ્ધિ મેળવી શકાય છે અને કદાચ એટલે જ સમગ્ર જનસમુદાય સતત અવિરત સુખના સાધનો એકત્રિત કરવા તનતોડ મહેનત કરી રહ્યો છે અને તે માટે જરૂરી જ્ઞાન, શિક્ષણ, આવડત, બુદ્ધિમત્તા, કુશળતાપ્રાપ્તિનો પુરુષાર્થ કરી રહ્યો છે. તમામ પ્રકારની આવડત અને હોશિયારીના પાઠ શીખવામાં અને કુશળ બનાવામાં સમગ્ર જીવન ખર્ચી રહ્યો છે પરંતુ મૂલ્યો, સિદ્ધાંતો, નીતિમત્તા અને સારાઈના અભાવમાં જીવનના મૂળભૂત તત્વો એવા શાંતિ, શક્તિ અને આનંદથી વંચિત રહી જાય છે. સ્વવિકાસ માટે તેમ જ સમાજકલ્યાણ માટે હોશિયારી કરતાં વધુ જરૂર વાસ્તવમાં સારાઈની છે એવું મારું દ્રઢપણે માનવું છે.
આજનો યુગ ટેકનોલોજીની બાબતમાં ખૂબ હાઈટેક, એડવાન્સ અને વિકસિત માનવામાં આવે છે લગભગ દરેક કામ આંખના પલકારામાં ટેકનોલોજી દ્વારા શરીરને બિલકુલ કષ્ટ આપ્યા વગર થઈ જાય છે. જે તમામ ચોક્કસ સંશોધન, કુશળતા, હોશિયારી અને બુદ્ધિમત્તાનું જ પરિણામ છે પરંતુ જો તે ટેકનોલોજીનો વિવેકપૂર્ણ અને યથાર્થ ઉપયોગ કરવાની સમજણ અને સારાઈ જીવનમાં ન હોય તો સમાજકલ્યાણ સાથેના વિકાસનું સ્વપ્ન સાકાર થઇ શકે ખરું? વળી ટેક્નોલોજી, હોશિયારી કે સંશોધનની યથાર્થ ઊંડી સમજણ વગર કે વિવેકહીન ઉપયોગ દ્વારા જનસમુદાય સુખ-શાંતિ પામી શકે ખરો? આજના વર્તમાન યુગમાં અતિશય સગવડો, સુખસાહીબીના સાધનો અને ખૂબ હોશિયારી-બુદ્ધિમત્તા અને કુશળતાની હયાતી વચ્ચે માનવજીવન તેમજ પર્યાવરણ ખૂબ અસલામત, અશાંત અને અસ્વસ્થ જોવા મળે છે, એનું માત્ર એક જ કારણ છે કે આપણે સારાઈ કરતા વધુ મહત્વ હોશિયારીને આપી દીધું છે. વાસ્તવમાં હોશિયારી એટલી મહત્વની નથી જેટલો તેનો (હોશિયારીનો) ઉપયોગ અને ઉદેશ્ય. દા.ત. કોમ્પ્યુટર ટેકનોલોજીના નિષ્ણાંત ગમે તેટલા હોશિયાર અને કુશળ હોય પરંતુ તેનો ઘાતક ઉપયોગ કરે તો દેશ અને દુનિયાનું શું થાય? હેકર્સ ટેકનોલોજીના અતિ જાણકાર, કુશળ અને નિષ્ણાંત હોવા છતાં તેમને સમાજ પસંદ કરતો નથી કેમ કે તેમના દ્વારા સમાજની ઉપાધિ અને અસલામતી વધે છે. વળી તે પોતે પણ પોતાના અયોગ્ય કર્મને કારણે કદાચ તણાવમાં ચોક્કસ રહેતા હશે. તો આવી કુશળતા કે હોશિયારી શું કામની જેનો દુરુપયોગ થાય અને સદુપયોગના અભાવે કોઈ નિરાંતનો શ્વાસ ન લઇ શકે. તમામ પ્રકારની કુશળતા, હોશિયારી, બુદ્ધિમત્તા અને આવડતનો ઉપયોગ જો ઉમદા હેતુ માટે સમાજહિતમાં થાય તો જ સમગ્ર જનસમુદાયનું જીવન સ્વર્ગ સમાન બની શકે. વાસ્તવમાં તમામ પ્રકારની કુશળતા, હોશિયારી, બુદ્ધિમત્તા અને આવડતનો ઉદેશ્ય જ જીવનને સ્વર્ગ સમાન ખુશહાલ બનાવવું તે છે. જો આ સ્વપ્ન સાકાર ન થઇ શકે તો તમામ પ્રકારની કુશળતા, હોશિયારી, બુદ્ધિમત્તા અને આવડત વ્યર્થ છે.
આપણે સૌ જાણીએ છીએ કે અનેક જૈવિક સંશોધનો જેવા કે ક્લોનિંગ વગેરે સમગ્ર જીવસૃષ્ટિને અસર કરે છે જેની પાછળ અવશ્ય ઉચ્ચકોટિની બુદ્ધિમત્તા, હોશિયારી, વૈજ્ઞાનિક કુશળતા અને અથાક પરિશ્રમ (સંશોધન) જવાબદાર છે પરંતુ તેનો જો સદુપયોગ ન થાય તો ઘણા હાનિકારક પરિણામો ભોગવવા પડી શકે. આમ મારી દ્રષ્ટિએ આજના સમાજને હોશિયારી કરતાં સારાઈની જરૂર વિશેષ છે. ટેલેન્ટનું પ્રમાણ આધુનિક યુગમાં ખૂબ વધ્યું છે. ડાન્સિંગ, એક્ટિંગ, સિંગિંગ વગેરેના રિયાલિટી શો જોતા લાગે કે બધા જ ખૂબ ટેલેન્ટેડ અને હોશિયાર છે, કોને માથે જીતનો તાજ પહેરાવવો કેમ કે બધા જ જીતને લાયક હોય છે. એ જ રીતે અતિ હોશિયાર, ભણેલાગણેલા, કુશળ સ્માર્ટ નેતાઓની સમાજમાં એક મોટી ફોજ છે. હોશિયારીના સંદર્ભમાં બધા એકબીજાને ભારે પડે તેવા શેરને માથે સવાશેર નેતાઓ છે. પરંતુ તમને શું લાગે છે યથાર્થ સારાઈ અને ઉમદા હેતુ વગરના માત્ર હોશિયાર (ઉસ્તાદ) નેતાઓ દેશ માટે ઉપયોગી ખરા? તેમના દ્વારા સમાજ અને દેશ સુખ-શાંતિનો શ્વાસ લઈ શકે ખરો? એના બદલે થોડા ઓછા હોશિયાર ભલે હોય પરંતુ દરેકનું ભલુ ઈચ્છનાર હોય તો એક નાની એવી સારાઈ અનેકગણું મોટું પરિણામ આપી શકે. જે માત્ર અનેકગણી હોશિયારી દ્વારા કદી પ્રાપ્ત થઇ શકે નહીં. આમ પણ હોશિયારી વધતાં સામાન્ય રીતે ઘમંડ વધતું હોય છે જેના દ્વારા આપોઆપ દરેક સારાઈ ખતમ થઈ જતી હોય છે એ આપણા સૌનો અનુભવ છે.
જીવનમાં નૈતિકતા અને મૂલ્યનો અર્થ છે હરહંમેશ સાચું અને સારું આચરણ. સાચું એટલે અંગ્રેજીમાં જેને “right” કહે છે જે લેટીન શબ્દ “Rectus” પરથી આવ્યો છે જેનો અર્થ થાય છે “સીધું અને નિયમો અનુસારનું” (as per the rules). નિયમ અનુસારના વર્તનથી જે પરિણામ આવે તેના આધારે એ કેટલું શુભ કે અશુભ છે તે નક્કી થઇ શકે. શુભ કે સારું એટલે “good” જે જર્મન ભાષા “Gut” સાથે સંકળાયેલું છે. જેનું મૂળ પણ ગ્રીક ભાષામાં જ છે. ઘણીવાર સાચું અને સારું બંને એક સાથે નક્કી કરવું અઘરું હોય છે. સામાન્ય અર્થમાં સારું એટલે ધ્યેયપ્રાપ્તિમાં ઉપયોગી. ધ્યેયપ્રાપ્તિમાં મોટેભાગે સ્વાર્થનું અસ્તિત્વ હોય છે. જે વ્યક્તિને અનૈતિક બનવા મજબૂર કરે છે. ધ્યેય બે પ્રકારના હોય છે ૧) સામાન્ય ધ્યેય ૨) પરમધ્યેય. સામાન્ય ધ્યેય “સ્વ” કે સ્વાર્થ સાથે સંકળાયેલ હોય છે જયારે પરમધ્યેય સમષ્ટિ સાથે સંકળાયેલ હોય છે. નીતિવિષયક નિર્ણય લેવામાં સમસ્યા ઉદભવે અને ખબર ન પડે કે સારું શું? અને ખરાબ શું? ત્યારે સ્વના ધ્યેય કરતા પરમના ધ્યેયને વિશેષ મહત્વ આપવું જોઈએ. આમ સારાઈ અને મૂલ્યો સારાપણા તેમજ સાચાપણા બંને સાથે સંબંધ ધરાવે છે. સ્વલક્ષી ધ્યેય અનેક હોઈ શકે જેમ કે દ્રવ્યપ્રાપ્તિ, સ્વતંત્રતાપ્રાપ્તિ, પ્રેમપ્રાપ્તિ, જ્ઞાનપ્રાપ્તિ, કલાપ્રાપ્તિ, સત્તાપ્રાપ્તિ, કીર્તિપ્રાપ્તિ વગેરે પરંતુ આ તમામ ધ્યેય પાછળનો હેતુ તેના દ્વારા મળતા વ્યકતિગત લાભો જ હોય છે જેથી આવા ધ્યેયો પરમધ્યેય કે અંતિમ ધ્યેય ન જ હોય શકે. જીવનમાં જયારે “win-win” strategy નો અમલ થાય છે (એટલે કે આપણી પણ જીત અને અન્યની પણ જીત) ત્યારે સ્વ અને સર્વ બંનેને ફાયદો થાય છે અને જીવનના દરેક તબક્કે આ જ નીતિ દરેકની હોવી જોઈએ એવું મારું ખૂબ દ્રઢપણે માનવું છે. હોશીયારીનો ઉપયોગ જયારે સારાઈ માટે એટલે કે સર્વના કલ્યાણ માટે થશે ત્યારે સંસારને સુખી થતા કોઈ નહિ રોકી શકે. આમ તો હોશીયારીનો સાચો ઉપયોગ જ એ (સારાઈ) જ છે કેમ કે એકનું કલ્યાણ અન્ય પર હંમેશા આધારિત હોય છે જે આપણે સૌ જાણીએ છીએ પરતું ક્યારેક અંગત સ્વાર્થમાં આપણે એ ભૂલી જઈએ છીએ અને જીવનમાં નાહકની પીડા વહોરી લઈએ છીએ.
મનુષ્ય જીવનપર્યંત લક્ષ્મી પાછળ દોડે છે, ભૌતિકસુખ અને ધન કમાવવાના પ્રયત્નો કરે છે, આવડત હોશિયારી તેમજ કુશળતાને આધારે તે પ્રાપ્ત પણ કરી લે છે પરંતુ એ પૈસો વાપરવો ક્યાં તેના માટે તો મૂલ્યવાન સંસ્કાર અને સારાઈની જ આવશ્યકતા રહે છે. પૈસા કમાવાની ક્રિયા માત્ર એક વ્યક્તિ કે એક કુટુંબને સ્પર્શે છે જ્યારે ધન વાપરવાની ક્રિયા સમગ્ર સમાજને અસર કરે છે. ધન કમાવવા ચોક્કસ હોશિયારીની આવશ્યકતા હોઈ શકે પરંતુ ધન વાપરવા તો સારાઈની જ અનિવાર્યતા છે. કમાવવાની નૈતિકતા તેમ જ વાપરવાની સંસ્કારી સમજ અને સારાઈ સમગ્ર સમાજને સુખશાંતિ, સલામતી અને સમૃદ્ધિ પ્રદાન કરે છે. ધન જો કુટેવો કે વ્યસનો જેવા કે દારૂ, જુગાર,સિગારેટ, હાનિકારક મોજશોખ પાછળ ખર્ચાય તો પોતાનું તેમજ અન્યનું જીવન બરબાદ કરે છે એ તો સર્વવિદિત છે. પરંતુ એ જ ધન ઉમદાકાર્યો કે સમાજકલ્યાણમાં વપરાય તો તે ઊગી નીકળે છે. રાજા ભર્તુહરિના નીતિશતકમાં લખ્યું છે કે ધનની માત્ર ત્રણ જ ગતિ છે ૧) ભોગગતિ ૨) નાશગતિ અને ૩) દાનગતિ..આ સિવાય ધનની ચોથી કોઈ ગતિ છે જ નહિ, એનો અર્થ એ થયો જો તે પોતાની કે અન્યની જરૂરિયાતપૂર્તિ કે કલ્યાણમાં નહિ વપરાય તો તે તેનો રસ્તો કરી જ લેશે એટલે કે તેનો નાશ આપોઆપ થઇ જ જશે. પરંતુ ધનની ત્રીજી ગતિ વ્યક્તિની સારાઈ અને સંસ્કારના દર્શન કરાવે છે. વળી ધનની દાનગતિ એ તો લક્ષ્મીની વાવણી છે, જે અનેકગણી થઈ ઉગી નીકળે છે અને સમગ્ર સમાજજીવનને સ્વર્ગ બનાવી દે છે. આમ ધનના ઉપયોગની દિશા વ્યક્તિ કે સમાજની સારાઈ, સંસ્કાર, મૂલ્યો અને વિવેક દર્શાવે છે. પરંતુ કમનશીબે આધુનિકયુગને સારાઈ અને વિવેકપૂર્ણ સંસ્કાર શીખવાડવાનું આપણે કદાચ ભૂલી ગયા છીએ કે ચૂકી ગયા છીએ. જેથી આજની આધુનિક વ્યક્તિ હોશિયારી મેળવવા કઠિન મહેનત કરે છે પરંતુ સદગુણો પ્રાપ્તિ માટેની તપશ્ચર્યાથી હંમેશા દૂર ભાગે છે.
આજના કહેવાતા આધુનિક માતા-પિતા અને વડીલો સંતાનોને સફળતા મેળવવા તેમજ અન્યથી આગળ નીકળી જવાનું વિજ્ઞાન સંપૂર્ણ ખંતથી શીખવે છે એટલે કે ઉસ્તાદીપૂર્ણ હોશિયારી કોઈપણ ભોગે શીખવે છે. વળી હોશિયારીના દુરુપયોગ દ્વારા અન્યને પછાડીને પણ જો આગળ નીકળાતું હોય તો તેને સહજપણે સ્વીકારવામાં ખચકાતા નથી. આવી દુષ્ટ આવડતને વ્યવહારિક હોશિયારી સમજવામાં આવે છે એટલે કે પ્રેક્ટીકલ થવાના બહાને તેને યોગ્ય ઠેરવવામાં આવે છે. વર્તમાનયુગમાં આવડત, બુદ્ધિમત્તા, કુશળતા અને હોશિયારીનો ફુગાવો થઈ ગયો છે પરંતુ સદગુણો, મૂલ્યો અને નૈતિકતાનો દુકાળ જણાય છે. સમાજની દરેક વ્યક્તિ હોશિયારીથી પ્રભાવિત અવશ્ય થાય છે પરંતુ પ્રેમમાં તો તે સારાઈના જ પડે છે, એ દર્શાવે છે કે આજે પણ આંતરિક રીતે આપણે સારાઈને જ પસંદ કરીએ છીએ. સમાજમાં પ્રતિષ્ઠિત, જ્ઞાની, હોશિયાર અને બુદ્ધિશાળી વ્યક્તિ પણ જો ઘમંડી અને ઉદ્ધત હોય તો તેને આપણે પસંદ કરતા નથી અને તેનાથી દૂર રહેવાનું પ્રિફર કરીએ છીએ. ટૂંકમાં આજે પણ સમાજમાં સાચી પ્રતિષ્ઠા અને સન્માન માટે સારાઈ, સદગુણો, નૈતિકતા તેમજ સંસ્કારોની અનિવાર્યતા છે. અનેક કરોડપતિઓ વચ્ચે એક એવો શ્રીમંત કે જે વધુ દાન કરે છે તેના તરફ સૌનું ધ્યાન ખેચાય છે, તે સૌની પ્રશંસા અને આદરને પામે છે એ દર્શાવે છે કે મનુષ્ય માત્રની પહેલી પસંદ સારાઈ અને સદગુણો છે, હોશિયારી નહીં.
હું એવું નથી કહેતી કે હોશિયારીની જીવન કે સમાજમાં કોઈ આવશ્યકતા નથી. વિકાસ માટે તે ખૂબ અનિવાર્ય શરત છે પરંતુ સુખશાંતિ, સલામતી અને સ્નેહસભર જીવન માટે તો સારાઈની જ આવશ્યકતા છે. સારાઈના ભોગે હોશિયારી કોઈ રીતે આવકાર્ય નથી. ભલે કદાચ ઓછી હોશિયાર કે ઓછી આવડતવાળી વ્યક્તિ હોય પણ જો તે સારી-સાચી, સદગુણી, મૂલ્યવાન અને નૈતિક હોય તો સમાજને અનેક રીતે વધુ ઉપયોગી છે. બિઝનેસમાં પણ win-win stretagyની જ મેનેજમેન્ટના આધુનિક નિષ્ણાંતો ભલામણ કરે છે અને કદાચ એટલે જ બિઝનેસ એથિક્સ જેવા વિષયો વિશ્વભરની બિઝનેસ સ્કુલોમાં ભણાવાય છે. દરેક વ્યવસાયની વ્યુરચના એવી હોવી જોઈએ કે માત્ર બિઝનેસમેન માટે જ નહીં પરંતુ સમગ્ર સમાજ માટે કલ્યાણકારી અને લાભદાયી હોય. જે કાર્ય કે વેપાર દ્વારા સમગ્રનું કલ્યાણ થાય તે જ માત્ર ઉત્તમ કહી શકાય જે આજના આધુનિક સમાજે સમજવું જ રહ્યું.
ટૂંકમાં હોશિયાર વ્યક્તિ માત્ર પોતાનું ભલું કરી શકે જ્યારે સારી વ્યક્તિ સમગ્ર સંસારનું ભલું કરી શકે એ દ્રષ્ટિએ સારો માણસ હોશિયાર માણસ કરતાં વધુ ઇચ્છનીય છે. કહેવાય છે ને કે વ્યક્તિ ખાવાથી નહીં પચાવવાથી બળવાન બને છે, માત્ર વાંચવાથી નહીં યાદ રાખવાથી વિદ્વાન બને છે, માત્ર કમાવવાથી નહીં પણ બચાવવાથી એટલે કે ધનના વિવેકપૂર્ણ ઉપયોગ દ્વારા ધનવાન કે સાચો શ્રીમંત બને છે, માત્ર ચરણપૂજાથી નહીં પરંતુ આચરણથી વ્યક્તિ ભગવાન બને છે. એ દૃષ્ટિએ જીવનમાં હોશિયારી કરતા સારાઈનું આચરણ અતિ આવશ્યક છે. સદગુણો વગરની હોશિયારી સમાજને કોઈ રીતે ઉપયોગી નથી અને એવી હોશિયારીની દુનિયાના કોઈ દેશને જરૂર પણ નથી. તો આવો એક સંપૂર્ણ નૈતિક, સંસ્કારી, સદગુણોસભર મૂલ્યવાન સમાજ તૈયાર કરવાની આજે જ પ્રતિજ્ઞા કરીએ.

TejGujarati