મનુષ્યમાત્ર પ્રતિક્રિયાનો ગુલામ શિલ્પા શાહ, ડિરેકટર ઇન્ચાર્જ HKBBA કોલેજ.

કલા સાહિત્ય ગુજરાત ધાર્મિક ભારત મનોરંજન સમાચાર

ગુના નિરોધક અનેક સંસ્થાઓ દ્વારા માનવીના સ્વભાવ, તેની મનોવૃત્તિ, તેની પ્રતિક્રિયા આપવાની આદત વગેરે પર અનેક સંશોધનો કરવામાં આવ્યા છે. જે અન્વયે રોમની અપરાધ-પ્રયોગશાળામાં અપરાધમનોવૃત્તિ જાણવા માટે અનેક યંત્રો મુકાયા છે. જેના દ્વારા મનની ગતિના સંવેદનો અને ગુનેગારની મનોવૃત્તિના અભ્યાસ દ્વારા સંશોધનકારો એવા નિષ્કર્ષ પર આવ્યા છે કે માનવમન અને સ્વભાવ એક મશીનથી વિશેષ કાંઈ જ નથી. રોમની પ્રયોગશાળામાં રહેલા અનેક મશીનમાંથી એક મશીન એવું છે કે જેમાં વ્યક્તિનું માથું મશીનની અંદર નાખતા મગજની સૂક્ષ્મમાંતિસૂક્ષ્મ ગતિવિધિ જાણી શકાય. આવા અનેક સંશોધનો અંતર્ગત એક અપરાધીનો કિસ્સો એવો હતો કે તેની ૫૬ વર્ષની ઉંમરમાં તે 44 વખત જેલમાં જઈ આવ્યો હતો. તેના મગજનો સૂક્ષ્મ અભ્યાસ કરતા જણાયુ કે તે ત્રણ વર્ષનો હતો ત્યારે તેના ઘર પાસે એક બોમ્બ ફૂટેલો, જેનાથી ઘરની બારીના કાચ તૂટી ગયેલા અને તે બાળકને માથામાં ચોટ લાગેલી, દવાદારૂ પછી તે સ્વસ્થ થઈ ગયેલો પરંતુ અપરાધ નિરોધક સંસ્થાના સંશોધન અનુસાર બાળપણમાં જ્યારે તેને ચોટ લાગી ત્યારે કાચનો એક ખૂબ નાનો સોયની અણી જેટલો ટુકડો મગજની રક્તવાહિનીમાં રહી ગયેલો. જ્યારે ક્યારેક કાચનો કણ મગજની રક્તવાહિનીમાં ઉત્તેજિત (કોઈ નિમિત્ત મળતા) થતો ત્યારે લોહીના પ્રવાહથી તેમાં ઘર્ષણ થતું, જે તેને ઉત્તેજીત કરતું, તે પોતાના પર કાબૂ ગુમાવી દેતો અને અજાણપણે ઉગ્ર બની લડી પડતો. ૪૪મી વાર જ્યારે તે જેલમાંથી બહાર આવ્યો ત્યારે તેના પર સર્જરી કરવામાં આવી અને કાચનો કણ તેના મગજની રક્તવાહિનીમાંથી દૂર કરવામાં આવ્યો. તે પછી તેણે એક અતિ સજ્જન નાગરિક તરીકે જીવન વિતાવ્યું. આ ઉદાહરણ અને આવા અનેક સંશોધનો પરથી સમજાય છે કે માનવ મગજ બાહ્ય પરિબળ (ઉપરના ઉદાહરણમાં કાચનો કણ) થી પ્રભાવિત થઈ પ્રતિક્રિયા કરી જીવનમાં ઝંઝાવાત ઊભા કરતું હોય છે. આ બાબતની વૈજ્ઞાનિક જાણકારી યુગો પહેલાના ઋષિમુનિઓને હતી જેથી તેઓ પ્રતિક્રિયાના ગુલામ ન બનવાનું અને સંયમ જાળવવાનું શિક્ષણ લોકોને ધર્મના માધ્યમથી અવિરત આપતા હતા. વળી શાસ્ત્રોની સાક્ષીભાવ કેળવવાની આજ્ઞા પણ આ જ બાબત તરફ ઇશારો કરે છે એટલે કે જીવનમાં કંઈ પણ ઘટના ઘટે તો ત્વરિત ઉશ્કેરાઇ જઇ પ્રતિક્રિયા ન આપવી, જે આપણા મન, સ્વભાવ અને મનોવૃત્તિના માલિક બનવાની ઘટના છે. કેમ કે મનુષ્ય વાસ્તવમાં તેની મનોવૃત્તિ અને સ્વભાવનો ગુલામ છે. જીવનમાં જરાક કાંઈક ઘટે કદાચ કોઈ નિમિત્તોને કારણે અને વ્યક્તિ ક્રોધ, લોભ, ઈર્ષા જેવી પ્રતિક્રિયા કરી બેસે છે અને અનેક મુશ્કેલીમાં ફસાઈ જાય છે. કદાચ એટલે જ પહેલાના ઋષિમુનિઓ સંસાર ત્યાગ અને વૈરાગ્યની સલાહ આપતા હશે કેમકે વૈરાગ્ય અને સંસાર ત્યાગને કારણે વારંવાર સર્જાતા નિમિત્તોના ઝંઝાવાતથી બચી શકાય છે. આગળ જણાવેલ ઉદાહરણમાં પણ સંશોધને નોંધ્યું છે કે તે વ્યક્તિ જેલના એકાંતમાં રહેતો ત્યારે ખૂબ શાંત અને ભલી વ્યક્તિ તરીકે રહેતો કેમ કે ત્યાં તેને ઉશ્કેરી શકે તેવા કોઈ નિમિત્તો પ્રાપ્ત થતા નહીં. આપણે પણ જીવન દરમિયાન અનેકવાર એ અનુભવ્યું છે કે બાહ્ય ઘટનાઓ કાચનો કણ બની આપણો કબજો લઈ લે છે અને આપણે ક્રોધના શિકાર બની જઈએ છીએ. એ જ રીતે અન્યનું સુખ જોઈ આપણને તે પ્રાપ્ત કરવાની આકાંક્ષા જાગે છે. આ જ રીતે ઈચ્છા અને કામનાઓનો જન્મ થાય છે. પૈસો, સફળતા, માન-પ્રતિષ્ઠા વગેરે પ્રાપ્તિની ઈચ્છા એ વાસ્તવમાં આવા જ કોઇ નિમિત્તો છે જે આપણને અનેક ગુનાઓ કરવા પ્રેરે છે અને આપણો આપણા પર કોઈ કાબૂ રહેતો નથી. આ રીતે આપણે આપણા સ્વભાવ અને મનોવૃત્તિના ગુલામ બની જઈએ છીએ અને આપણા પોતાના માટે અનેક દુઃખો અને સમસ્યાઓનું નર્ક સર્જી બેસીએ છીએ. જેથી શાસ્ત્રો માણસને પોતાના મન, સ્વભાવ કે વૃત્તિઓના માલિક બનવાની સલાહ આપે છે. પરંતુ સંયમના અભાવે અને આવેગાત્મક પ્રતિક્રિયા દ્વારા આપણે ઇન્દ્રિયો કે મનના ગુલામ બની જઈએ છીએ. આનાથી બચવા આત્મનિરીક્ષણ અતિ આવશ્યક છે. એ દૃષ્ટિએ શાસ્ત્રો દ્વારા અપાયેલ સંયમ, પ્રતિક્રિયા પર કાબૂ, વૈરાગ્યની ભાવના અને સાક્ષીભાવની કેળવણી મને ખૂબ વૈજ્ઞાનિક લાગે છે. સાચું પૂછો તો આપણું દરેકે-દરેક કાર્ય કે કર્તવ્ય વાસ્તવમાં કોઇ-ને-કોઇ પ્રતિક્રિયાનું જ પરિણામ છે. જીવન દરમ્યાન આપણી આસપાસ બનતા બનાવો, આપણો અન્ય સાથે સંયોગ (સંબંધો) આપણા મિત્રો, આપણી સ્મૃતિ, આપણા સંસ્કારો, આપણો અહમ્, ઈર્ષા, અશક્તિ દૈન્યગ્રંથિ વગેરે સૂક્ષ્મ કાચના કણ જેવા જ છે, જે મગજમાં ઉત્તેજના પેદા કરે છે અને આપણા જીવનમાં ઉલ્કાપાત મચાવી દે છે છતાં સમગ્ર જીવન આપણે સમજી શકતા નથી કે આપણી સાથે આવું કેમ થાય છે. વારંવાર આપણે આવેગોના ગુલામ કેમ બની જઈએ છીએ અથવા કહો કે આપણે ક્યારેય તે સમજવા તરફ લક્ષ્ય આપતા જ નથી. કેમ કે આ જ રીતે યંત્રવત જીવવું એ આપણો સ્વભાવ બની ગયો છે. મને ભગવાન બુદ્ધની એક ઉક્તિ યાદ આવે છે “તમે પ્રતિક્રિયાના ગુલામ બની ગયા છો, તમારી ચેતના સ્વતંત્ર નથી પછી સત્ય (શક્તિ અને અસ્તિત્વ) ક્યાંથી મળે? તમારું અપ્રતિક્રિયાશીલ મન એ જ સત્ય છે. કારણ કે તેમાં ચેતના સ્વતંત્ર ક્રિયાશીલ હોય છે.”
શારીરિક રોગ, અનેક પ્રકારની નબળાઈઓ કે અશક્તિ એ બીજું કાંઈ નથી વારંવાર થતી આવેગાત્મક પ્રતિક્રિયાનું પરિણામ છે. જે શરીર અને મનના તાલમેલ કે તાદાત્મ્યને તોડે છે. તાદાત્મ્ય જાળવવામાં સાત્વિક ખોરાક, વ્યાયમ અને યોગ-ધ્યાન ઉપયોગી સાબિત થાય છે. આપણી શારીરિક, માનસિક અને આત્મિક શક્તિનો ૮૫ ટકાથી વધારે ભાગ મનનો તણાવ, સંકલ્પ-વિકલ્પ (એટલે કે dilema – આ કરવું કે પહેલું કરવુંની મૂંઝવણ) અને ભય ખાઈ જાય છે. યથાર્થ સાધનાની શરૂઆત મૌનનો અભ્યાસ, પ્રતિક્રિયા પર નિયંત્રણ દ્વારા થઇ શકે છે. જીવનમાં કાંઈ પણ ઘટે સૌપ્રથમ તેને ખૂબ શાંતિથી, સાક્ષીભાવે નીરખ્યા કરો, ગમે તે થાય ત્વરિત પ્રતિક્રિયા પર બ્રેક મારો. કેમ કે પ્રતિક્રિયા આપતાની સાથે વ્યક્તિ બીજા દ્વારા શરૂ થયેલા કાર્યોનો કર્તા બની જાય છે અને એ કાર્ય તેને તમામ રીતે દુઃખી કરે છે કેમ કે કાર્યમાં જો સફળતા મળે તો તેના અહંકારમાં વૃદ્ધિ થાય છે, જે તેને પતનના માર્ગે દોરી જાય છે અને જો નિષ્ફળતા મળે તો તે નિરાશા કે હતાશાનો ભોગ બને છે. આમ કોઈ પણ પરિસ્થિતિ પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે તેને ખતમ કરવાની જ વ્યવસ્થા છે. જેના કારણે વ્યક્તિ અનેક રોગો, અશક્તિનો ભોગ બને છે. જેથી પ્રતિક્રિયાના ગુલામ ન બનવાની, સાક્ષીભાવ કેળવવાની અને યાંત્રિક રીતે ન વર્તવાની શાસ્ત્રો સલાહ આપે છે. આપણી દિવ્યચેતનાને આવી ઝંઝાવાતી પ્રતિક્રિયાઓના પંજામાંથી સ્વતંત્ર કરાવવી એ આપણું આપણા તરફનું (સ્વ કે આત્મા તરફનું) પ્રથમ કર્તવ્ય છે. સાચું પૂછો તો કોઇપણ કાર્યનો અહંકાર, નિષ્ફળતા માટેની હતાશા કે નિરાશા તેમજ ત્વરિત પ્રતિક્રિયા એ બીજું કાંઇ નહીં બાલિશતા છે. આપણે માત્ર ઉંમરમાં વધીયે અને વાસ્તવિક પુખ્તતા કે મેચ્યોરિટી ન આવે તો આપણા અને પશુ જીવનમાં ઝાઝો ફરક રહેતો નથી. જેવોએ અપ્રતિક્રિયાશીલ વિચાર્યું છે તેવો જ ઋષિઓ, ચિંતકો, દાર્શનિકો, ઉપનિષદકારો અને ધર્મત્રાતા બન્યા છે. આપણે ત્વરિત પ્રતિક્રિયાની યાંત્રિકતામાંથી બચીશું તો ચેતનાના નવા શિખરો સર કરી શકીશું અને અતિ અશાંત સાંસારિક જીવનમાં શાંતિને પામી શકીશું. આમ પણ દુઃખને ઓળખી લેતાની સાથે જ આનંદની શરૂઆત થાય છે. શરીરની, મનની, બુદ્ધિની, કર્મોની યાંત્રિકતાને ઓળખી લઈએ તો તેની પાર જવું શક્ય બને. ગમે તેટલી તરસ લાગી હોય પણ પ્રાપ્ય પાણીના ગ્લાસમાં ઝેર છે એવું કોઈ કહે તો અતિશય તરસ હોવા છતાં ઝેરયુક્ત પાણી આપણે ક્યારેય પીવા તૈયાર થઈશું નહીં અને સંયમની મદદથી તરસને પાર જઈ શકીશું. ટૂંકમાં સમજણ માત્ર આપણને ઝેરથી પાર અમૃત તરફ લઈ જઈ શકે છે. પરંતુ તે માટે અતિ યાંત્રિક પ્રતિક્રિયાનો ત્યાગ કરવો પડે. સેકન્ડે-સેકન્ડ તમામ બિનજરૂરી પ્રતિક્રિયામાં આપણે જીવનનો શક્તિનો વ્યય કરીએ છીએ અને વાસ્તવિક જીવનની (ઈશ્વરની, આનંદની, મોક્ષની) પ્રાપ્તિ કરી શકતા નથી. પ્રતિક્રિયા વાસ્તવમાં આપણા કે અન્યના વિચારોને આભારી છે. આપણા દરેક વિચારોમાં એક પ્રકારની વિદ્યુતશક્તિ રહેલી છે. સમગ્ર જીવસૃષ્ટિ (મનુષ્ય, પશુ-પક્ષી, જીવજંતુ વગેરે) વિચારોના મોજા ફેંકતા ટ્રાન્સમીટર છે. આવા અનેક પરસ્પર વિચારોના અથડાવાથી ઉત્તેજના પેદા થાય છે. જે વ્યક્તિના વિચારતંત્રને ઉશ્કેરે છે. જેના વિચારોમાં જેટલી વધુ વિદ્યુતશક્તિ તેટલાં તેના વિચારો અન્યના મનમાં આંદોલનો વધુ પેદા કરે છે. પ્રભાવશાળી વ્યક્તિત્વ બીજું કાંઈ નથી વિચારોની વિદ્યુતશક્તિનો પરચો છે. આવા અનેક બિનજરૂરી અને વિનાશક વિચારોથી બચવા એકાંત અને પ્રતિક્રિયાની ગેરહાજરી આવશ્યક છે. કેમ કે આપણું વિચારતંત્ર દરેક ક્ષણે જડ-ચેતન એવા વીસ લાખ ઉત્તેજકો (જેને શાસ્ત્રો નિમિત્ત કહે છે) ની સામે ખુલ્લું રહે છે. જેથી વિચારોની પાર જવાની ખૂબ જરૂર છે. જેના માટે બ્રહ્મમુહૂર્તમાં ધ્યાન ખૂબ ઉપયોગી છે. કેમ કે તે સમયે લગભગ દરેક જીવનું વિચારતંત્ર નિદ્રામાં હોય છે જેથી વધુ અસર કરી શકતું નથી.

TejGujarati