25 સપ્ટેમ્બરે સંયુક્ત રાષ્ટ્ર મહાસભાના 76મા સત્રને વડાપ્રધાન નરેન્દ્ર મોદી સંબોધિત કરશે

સમાચાર

 

 

ઇન્ડો પેસિફિક અને સંયુક્ત રાષ્ટ્ર સુધાર જેવા વૈશ્વિક મુદ્દાઓ ભારત મજબૂતીથી ઉઠાવશે

 

નવી દિલ્હી: વડાપ્રધાન નરેન્દ્ર મોદી અમેરિકાના પ્રવાસ દરમિયાન 25 સપ્ટેમ્બરે સંયુક્ત રાષ્ટ્ર મહાસભાના 76મા સત્રમાં સંબોધન કરશે. સંયુક્ત રાષ્ટ્રમાં ભારતના સ્થાયી પ્રતિનિધિ રાજદૂત ટીએસ તિરૂમૂર્તિએ સમાચાર એજન્સી પીટીઆઇને એક ઇન્ટરવ્યૂમાં આ વિષય અંગે માહિતી આપી હતી. તેમણે જણાવ્યું કે આ દરમિયાન ભારત આતંકવાદ, આબોહવા પરિવર્તન, સસ્તામાં વેક્સિન અને સંયુક્ત રાષ્ટ્ર સુધાર જેવા વૈશ્વિક મુદ્દાઓ અંગે મજબૂતીથી વાત રજૂ કરશે.

 

રાજદૂત ટીએસ તિરૂમૂર્તિએ જણાવ્યું કે કોવિડ-19 મહામારી અને તેના માનવીય પ્રભાવ સિવાય આ સત્રમાં અન્ય મુદ્દા જેમ કે વૈશ્વિક આર્થિક મંદી, આતંકવાદ, આફ્રિકામાં ચાલી રહેલો સંઘર્ષ, અફઘાનિસ્તાનનો વર્તમાન ઘટનાક્રમ અને સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદમાં સુધારા જેવા મુદ્દાઓ પણ સામેલ છે.

 

સંયુક્ત રાષ્ટ્ર મહાસભાનું 76મું સત્ર 14 સપ્ટેમ્બરે શરૂ થયું હતું અને નિવૃત થઇ રહેલા અધ્યક્ષ વોલ્કન બોજકીરે અબ્દુલ્લા શાહીદને મહાસભાના અધ્યક્ષ તરીકેનો કાર્યભાર સોંપ્યો હતો. 59 વર્ષીય શાહીદને 7 જુલાઇએ મહાસભાના 76મા સત્રના અધ્યક્ષ તરીકે નિયૂક્ત કરવામા આવ્યા હતા.

 

21 સપ્ટેમ્બરથી ચર્ચા શરૂ થશે

 

સંયુક્ત રાષ્ટ્ર મહાસભાના 76મા સત્રના ઉચ્ચ સ્તરીય અઠવાડિયામાં સામાન્ય ચર્ચા 21 સપ્ટેમ્બરથી શરૂ થશે જેમાં અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઇડન મંગળવારે (21 સપ્ટેમ્બર) વિશ્વના નેતાઓનું સંબોધન કરશે. વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી 25 સપ્ટેમ્બરે સંબોધન કરશે.

 

રાજદૂત ટીએસ તિરૂમૂર્તિએ પીટીઆઇને જણાવ્યું કે તેમણે ખૂબજ ઉમળકાભેર નવા અધ્યક્ષ શાહિદનું સ્વાગત કર્યું છે. તેમના કાર્યકાળ દરમિયાન ભારત તેમને સહયોગ કરવા માટે ઉત્સુક છે. સંયુક્ત રાષ્ટ્ર મહાસચિવ એન્ટોનિયો ગુટેરેસે 76મા સત્રની શરૂઆત અંગે તેમની ટિપ્પણીમાં કહ્યું હતું કે વિશ્વ આજે જે પડકારો અને વિભાજનનો સામનો કરી રહ્યું છે તે પ્રકૃતિ નિર્મિત નથી પરંતુ માનવ નિર્મિત છે.

 

 

TejGujarati