પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઇ મોદીના ૭૧માં જન્મદિનને સેવાદિન તરીકેની ઉજવણી આરોગ્યમંત્રી ઋષિકેશભાઇ પટેલના અધ્યક્ષસ્થાને જામનગર ખાતે કરાઈ.

આંતરરાષ્ટ્રીય ગુજરાત ભારત રાજનીતિ લાઇફ સ્ટાઇલ વિશેષ સમાચાર

જામનગર

પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઇ મોદીના ૭૧માં જન્મદિનને સેવાદિન તરીકેની ઉજવણી આરોગ્યમંત્રી ઋષિકેશભાઇ પટેલના અધ્યક્ષસ્થાને જામનગર ખાતે કરાઈ.

રાજય સરકાર દ્વારા પ્રધાનમંત્રીશ્રીના જન્મદિને “ગરીબોની બેલી સરકાર” થીમ હેઠળ રાજયભરમાં કાર્યક્રમ યોજાયા હતા. જે અન્વયે જામનગર શહેરના ટાઉનહોલ ખાતે આરોગ્યમંત્રીશ્રી ઋષિકેશભાઇ પટેલના અધ્યક્ષસ્થાને પ્રધાનમંત્રી ઉજજવલા યોજના-૨.૦, મુખ્યમંત્રી બાળ સેવા યોજનાના લાભાર્થીઓને કીટ તેમજ પ્રમાણપત્ર વિતરણ અને સ્વચ્છતા અનુલક્ષી શ્રેષ્ઠ કામગીરી કરનાર સરપંચોને સન્માનિત કરવાનો કાર્યક્રમ યોજાયો હતો.

આ તકે આરોગ્ય મંત્રી શ્રી ઋષિકેશ ભાઈ પટેલે કહ્યું હતું કે, પ્રધાન સેવક શ્રી નરેન્દ્રભાઈ મોદીના જન્મદિન નિમિત્તે વિવિધ યોજનાના લાભાર્થીઓને લાભ અર્પણ કરી આ દિનને સેવા દિન તરીકે ઉજવવામાં આવી રહ્યો છે.

ઉજજવલા યોજના ૨.૦ અંતર્ગત કાર્યક્રમના સ્થળે પ્રવાસી શ્રમિકો, ગરીબી રેખા હેઠળના ૧૫૦ લાભાર્થીઓને ગેસકીટનું વિનામૂલ્યે વિતરણ કરવામાં આવ્યું હતું. અત્રે ઉલ્લેખનીય છે કે આ યોજના હેઠળ લાભાર્થીઓને આપવામાં આવતી પ્રથમ ગેસ બોટલ વિનામૂલ્યે પૂરી પાડવામાં આવે છે.

વધુમાં કાર્યક્રમ અંતર્ગત મુખ્યમંત્રી બાળ સેવા યોજના અંતર્ગત કોરોનામાં વાલી ગુમાવનાર બાળકોને પણ સહાય ચૂકવવામાં આવી હતી. જેમાં કાર્યક્રમમાં વર્ચ્યુલી ઉપસ્થિત રહેલ મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્રભાઈ પટેલના હસ્તે લાભાર્થી બાળકોના ખાતામાં ઑનલાઇન સહાય ચૂકવવામાં આવી હતી. જેમાં જામનગર જિલ્લાના ૨૦ બાળકોને પણ આ યોજના અંતર્ગત લાભ આપવામાં આવ્યો હતો તેમજ સ્વચ્છતા સર્વેક્ષણમાં ગ્રામીણ કક્ષાએ ઉત્કૃષ્ટ કામગીરી કરનાર નાની ખાવડી, વરણા, બાદનપર અને લીંબુડા ગામના સરપંચોને સન્માનિત કરવામાં આવ્યા હતા.

આ તકે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના રાજ્યકક્ષાના કાર્યક્રમનું જીવંત પ્રસારણ કરાયું હતું. સ્વાગત પ્રવચન ડી.આર.ડી.એ.ના નિયામકશ્રી રાજેન્દ્રસિંહ રાયજાદાએ કર્યું હતું.
આ પ્રસંગે સાંસદ શ્રી પૂનમબેન માડમ, મેયરશ્રી બીનાબેન કોઠારી, જિલ્લા પંચાયત પ્રમુખશ્રી ધરમશીભાઈ ચનીયારા, પૂર્વ મંત્રી શ્રી આર.સી.ફળદુ, પૂર્વ મંત્રી શ્રી ધર્મેન્દ્રસિંહ જાડેજા, જિલ્લા ભાજપ પ્રમુખ શ્રી રમેશભાઈ મુંગરા, શહેર ભાજપ પ્રમુખ શ્રી વિમલભાઈ કગથરા, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન શ્રી મનીષભાઈ કટારીયા, પ્રભારી સચિવ શ્રી નલીનભાઈ ઉપાધ્યાય, કલેકટરશ્રી ડો.સૌરભ પારઘી, જિલ્લા વિકાસ અધિકારીશ્રી મિહિર પટેલ, કમિશનર શ્રી વિજય ખરાડી વગેરે પદાધિકારીઓ- અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

બાઈટ: ઋષિકેશ પટેલ આરોગ્યમંત્રી

TejGujarati