ઢોર બગલો? ફરી કુદરતના ખોળે?
(Non-Fiction) લેખક: જગત કીનખાબવાલા (સ્પેરો મેન)

આંતરરાષ્ટ્રીય કલા સાહિત્ય ગુજરાત બિઝનેસ ભારત રમત જગત લાઇફ સ્ટાઇલ સમાચાર

17/09/2021

? ફરી કુદરતના ખોળે?
(Non-Fiction)

લેખક: જગત કીનખાબવાલા (સ્પેરો મેન)
https://www.facebook.com/jagat.kinkhabwala

ઢોર બગલો/ Cattle Egret / Bubulcus ibis
કદ: ૫૧ સે. મી./ ૨૦ ઇંચ, વજન: આશરે ૨૦૦ ગ્રામ.

ઢોર સાથે સહજીવન સંબંધ જીવનાર ઢોર બગલો 'ઢોર બગલો' કેવું કૃતુહલ પમાડે તેવું નામ! મુખ્યત્વે જ્યાં ઢોર હોય ત્યાંજ તેઓ જોવા મળે અને ઢોરની સાથે સહભોજિતા /commensalism ગણાય. જ્યાં જયાં ઢોર ચરતા હોય ત્યાં તેમની આસપાસ ફરતા હોય અને ઢોર ચરે તે દરમ્યાન ઘાસમાંથી જે જીવડાં નીકળે તે તેમનો તૈયાર ખોરાક. નિર્ભયતાથી હરતા ફરતા અને ખાતા ખાતા ઢોરની ઉપર પણ બેસી જાય અને નીચે ધ્યાન પણ આપે કે જેવા જીવડાં કે ઈયળો દેખાય તેટલે તેમને ખાઈ લેવાના. ઢોર ખાવા માટે ઘાસ ખેંચે તેટલે જીવડા આઘાપાછા થાય એટલે આજુબાજુ ફરતા ઢોર બગલા જીવડાને ચપળતાથી આરોગી લે. આવી આદતના લીધે તેમનું નામ ઢોર બગલો પડ્યું છે. આજના સમયમાં, બગીચામાં મશીનથી ઘાસ / લોન કપાતી હોય ત્યાં પણ જીવાત ખાવા ફરતા થઇ ગયા છે અને અને પોતાના ખોરાક માટે જગ્યા શોધી કાઢી છે. આવીજ રીતે આજના સમયમાં બળદ ઓછા થઇ ગયા માટે હવે ટ્રેક્ટર ખેડાણ માટે ફરતું હોય તો તેની ઉપર પણ બેસતા થઇ ગયા અને આજ કારણસર હવે તેને લોકો હસતા હસતા નવા નામે ટ્રેક્ટર બગલા તરીકે પણ ઓળખતા થઇ ગયા છે. સામાન્ય રીતે તેઓ આવા વિવિધ પ્રાણી જે ઘાસ આરોગતા હોય તે બધાની આસપાસ કે તેમની ઉપર બેઠેલા જોવા મળે છે. ગાય, ભેંસ, ગેંડા, સાંભર, હરણ અને હાથી જેવા મોટા પ્રાણી વગેરે પ્રાણીની આસપાસ અને ઉપર બેઠેલા જોવા મળે છે. ખેતરમાં પાણી અપાતું હોય ત્યારે પિયતના સમયે પાણી શરુ થતા જીવડા નાસભાગ કરે તેટલે તેમને આરોગી જાય. તેમના આ ખોરાકના લીધે ખેતરમાં જીવડાં ઓછા થતા હોઈ તેઓ ખેડૂત મિત્ર છે. તેઓ પોતાના સમૂહમાં વૃક્ષની ઉપર જીવે છે. એકજ વૃક્ષ ઉપર અસંખ્ય સંખ્યામાં જોવાનો એક લ્હાવો હોય છે. તળાવના કાંઠે, તળાવની અંદરના વૃક્ષ ઉપર, પાણીના સ્તોત્ર ઉપર કે ગામતળના ઉકરડા પાસે જ્યાં જીવાત હોય તેવી જગ્યાએ પોતાની વસાહત બનાવતા જોવા મળે છે. તેમની ઉડવાની એક આગવી રીત છે. તે જ્યારે ઉડે ત્યારે પોતાના બે ખભાની વચ્ચે માથું ગોઠવીને ખેંચી લે છે. આમ તેઓ બીજી જાતના બગલાથી જુદા પડે છે, જ્યારે બીજી જાતના બગલા ઊડતી વખતે ડોકને ખુલ્લી અને લાંબી રાખીને ઉડતા હોય છે. આ ઉડતા ઢોર બગલાને ઓળખવાની સહેલી રીત. નર અને માદા ઢોર બગલા દેખાવમાં સરખા હોય છે. તેઓના પગ ટૂંકા અને કાળા હોય છે અને ટૂંકી ચાંચ પીળી હોય છે. તેઓનું આખું શરીર ખુબજ સુંદર સફેદ હોય છે. ચોમાસાના સમયમાં તેમના માથા, પીઠ અને ઉપર નારંગી રંગના નાના નાના અને નરમ પીંછા ઉગે છે જે ડોકની આજુ બાજુ અને બંને પડખા ઉપર વિખરાયેલા હોય છે. તેઓની પીઠના પીંછા લાંબા હોય છે અને તે કારણે તે લાંબા પીંછા તેમની પૂંછડીની બહાર લટકતા રહે છે. તેઓનો ઘોઘરો અવાજ ગળામાંથી રિક રેક, રિક રેક એવો કાઢે છે. તેઓ ખોરાકમાં તીતીઘોડા, કરોળિયા, દેડકા, માખી, જીવજંતુ, વાણિયા , ઈયળો અને અળસિયા વગેરે ખાઈ લે છે. તેઓ ઘણા તકવાદી પક્ષી છે અને ગરોળી, ઉંદર, સાપ, બીજા પક્ષીના માળામાંથી ઈંડા વગેરે ખાઈ લે છે. સામાન્ય રીતે તેઓ પક્ષીનો શિકાર નથી કરતા પરંતુ ક્યારેક બહુ ભૂખ્યા હોય ત્યારે નાના પક્ષીનો શિકાર કરી લે છે. ઉત્તર અમેરિકા, દક્ષિણ અમેરિકા, સ્પેન,યુરેસિયા, ઓસ્ટ્રેલિયા અને આફ્રિકામાં જોવા મળે છે. મૂળભૂત રીતે એશિયા, યુરોપ અને આફ્રિકાના વતની ગણાય છે. તેઓ ખુબ ઝડપથી લગભગ આખાયે વિશ્વમાં ફેલાઈ ગયા છે. ઘણા સ્થળે તેમને વસાવવામાં આવ્યા છે. પ્રજનનની ઋતુમાં નર ઢોર બગલાનો માથાનો રંગ , ગરદન અને પછવાડાનો ભાગ આછો પીળો/ બફ રંગનો થાય છે. મુખ્યત્વે તેઓ એક ઋતુમાં એક પત્નીત્વ સંબંધ ધરાવે છે. ઘણી વખત એક નર અને સાથે બે માદા પણ હોય છે. નર ભેગા મળી પોતાનો એક વિસ્તાર કરે છે અને માદાને આકર્ષવા માટે જુદા જુદા સંવનન / પ્રણયાનનની મુદ્રાઓથી માદાને આકર્ષે છે. જે માદા નર તરફ આકર્શાય તે માદા નરને શરણે આવતી હોય તેવી નીચી નમીને મુદ્દાઓ કરે છે જે જોઈને નર તેને થોડાક કલાક માટે પોતાની નજીક રહેવા દે છે અને બે જણની જોડી બને છે. ત્યાર બાદ બંને પોતાની આગવી બીજી જગ્યા શોધી લે છે અને ત્યાં તેઓ સંવનન/ મૈથુન કરે અને ત્યારબાદ માદા ગર્ભ ધારણ કરે છે. નર અને માદા બંને ભેગા મળી માળો બનાવે છે. ક્યારેક જૂનો માળો પણ ઉપયોગમાં લઇ લે છે. મુખ્યત્વે નર સૂકી કે લીલી ડાળીઓ લઇ આવે છે અને માદા માળો બનાવે છે. ક્યારેક પાડોશના માળાની સળીઓ ચોરી પણ લે છે. તેઓને એક આદત હોય છે કે ઈંડા મુક્યા પછી પણ અને બચ્ચાનાં જન્મ પછી પણ માળામાં સળીઓ ઉમેરતા જાય છે. તેઓ એક ઋતુમાં ઈંડા આકારના સફેદ ઈંડા ૩ થી ૪ ઈંડા મૂકી શકે છે. દર બે દિવસે એક ઈંડુ મૂકે છે. બધા ઈંડા મુકાઈ ન જાય ત્યાં શુદ્ધિ માદાનું સંપૂર્ણ ધ્યાન ઈંડા મુકવામાં રહે છે અને નર ને અવગણે છે. અપવાદરૂપ રીતે ૯ ઈંડા મુકાયાની નોંધ છે. ત્રીજા અને ચોથા દિવસે ઈંડાનો રંગ થોડો આછો વાદળી થઇ જાય છે. નર અને માદા બંને વારા ફરતી ઈંડા સેવે છે અને લગભગ ૨૪ દિવસે બચ્ચા જન્મ લે છે. ઈંડા મુક્યાના પહેલે અઠવાડિયે ઈંડા સેવતી વખતે તેઓ પોતાની પાંખ ઈંડા ઉપર પ્રસરાવીને ઈંડાને સીધા સૂર્યપ્રકાશ અને ગરમીથી બચાવે છે. ૧૦ દિવસ સુધી સતત તેઓ બંને વારાફરતી ઈંડાને સેવવાનું કામ કરે છે. ૧૪ થી ૨૧ દિવસમાં બચ્ચા સક્ષમ બની ડાળીઓ ઉપર હરતા ફરતા થઇ જાય છે. શરૂઆતમાં ખોરાક માટે બચ્ચા ખુબજ આક્રમકઃ રહેતા હોય છે અને ખોરાક માટે નજીકમાં રહે છે. ૪૫ દિવસે તેઓ સ્વતંત્ર થઇ જાય છે અને લગભગ ૫૦ દિવસે તેઓ ઉડવાનું શરુ કરી ૬૦ દિવસ બાદ લાંબી ઉંડાણ ભરતાં થઇ જાય છે.

(ફોટોગ્રાફ્સ સહયોગ: શ્રી સેજલ શાહ ડેનિયલ).

આવો કુદરતના ખોળે, નિરાંત અનુભવીએ.
સ્નેહ રાખો – શીખતાં રહો – સંભાળ રાખો Love – Learn – Conserve

TejGujarati