અમેરિકામાં રહેતા અફઘાની લેખક ખાલિદ હુસૈનીની નવલકથા ‘અ થાઉઝંડ સ્પ્લેંડિડ સન્સ’ ઈ.સ.૨૦૦૭માં પ્રકટ થઈ હતી અને સાત જ દિવસમાં તેની ૧૦ લાખ નકલ વેચાઈ ગઈ હતી. આ કથા અફઘાનિસ્તાનની આજની ઊથલપાથલ સંદર્ભે પ્રાસંગિક છે. લેખકે પુસ્તક અર્પણ કર્યું છે અફઘાનિસ્તાનની સ્ત્રીઓને.
કથામાં બે મુખ્ય સ્ત્રી પાત્રો છે, મરિયમ અને લૈલા. મરિયમ પોતાની મા સાથે હેરત શહેરથી થોડા અંતરે આવેલા કૂબામાં રહેતી હતી. પાંચ વર્ષની મરિયમ સમજી શકતી નહોતી કે મા તેને ‘હરામી’ શું કામ કહે છે. તેનાં મા-બાપે લગ્ન કર્યા નહોતા. મા જ્યારે ગર્ભવતી થઈ ત્યારે ‘તેં જ મને લપેટમાં લીધો’ કહીને મરિયમનો બાપ અળગો થઈ ગયો હતો. મરિયમને મા ચેતવતી, ‘હોકાયંત્રની સોઈ હંમેશા ઉત્તર ભણી વળે છે, તેમ પુરુષની આક્ષેપ કરતી આંગળી હંમેશા સ્ત્રી ભણી વળે છે.’ મરિયમને શાળામાં જવાની ઇચ્છા થતી પણ અભણ મા કહેતી, ‘થૂંકદાનીને પાલિસ કરીને ફાયદો શો? સ્ત્રી અવતારમાં શીખવા જેવું એટલું જ કે સહન કેમ કરવું.’ ધનવાન બાપ અઠવાડિયે એક વાર મળવા આવતો, મરિયમને ભેટ આપતો અને અલકમલકની વાતો કરતો. મરિયમને માટે પિતા પરમેશ્વર હતો પણ તેના મહેલ જેવા ઘરમાં તે વણનોતરી પહોંચી ગઈ ત્યારે પિતાએ પ્રવેશ સુદ્ધાં ન આપ્યો. મરિયમને જતી રહેલી જાણીને એકલીઅટૂલી માએ ગળાફાંસો ખાધો. હવે મરિયમનું કરવું શું? બાપે ૧૫ વર્ષની મરિયમને ૪૫ વર્ષના વિધુર રશીદ સાથે પરણાવીને સાડા છસો કિ.મી. દૂર કાબુલ મોકલી દીધી. અહીં લેખક પ્રશ્ન કરે છે: ‘હરામી’ બાળકનો વાંક શો? મા-બાપના કૃત્યને કારણે તેને ન મળે પરિવાર, ન પ્રેમ, કે ન સામાજિક સ્વીકૃતિ.
રશીદ કદાવર અને કઠોર આદમી હતો. કાબુલ પહોંચતાંવેંત તેણે પોત પ્રકાશ્યું અને મરિયમને બુરખો પહેરવાની ફરજ પાડી. ટેવ ન હોવાથી મરિયમ શરૂઆતમાં ચાલતાં ચાલતાં ઠેબાં ખાતી. એક દિવસ મરિયમને રશીદની મેજમાંથી નગ્ન યુવતીઓની તસવીરોવાળું મેગેઝીન મળ્યું. તે મુંઝાઈ ગઈ: યુવતીઓએ આવા ફોટા પડાવ્યા જ શું કામ? નિર્વસ્ત્ર થઈને સજદો કરે છે? રશીદ આવું બધું જુએ,અને મારે બુરખામાં રહેવાનું? રશીદ વાતે વાતે ‘અબુધ ગામડિયણ’ કહી તેનું અપમાન કરતો. (આપણને પ્રશ્ન થાય: કટ્ટરવાદીઓ સ્ત્રીઓને ભણવા ન દે,મુક્તપણે ફરવા ન દે,નોકરી-વ્યવસાય કરવા ન દે, અને પછી ‘અબુધ’ કહી હાંસી ઉડાવે?)
આ બધાં કષ્ટો હોવા છતાં ઈદની રાતે ધણી સાથે આતશબાજી જોતી મરિયમે વિચાર્યું, ‘અમે ગરીબો ય સૌંદર્ય માણી શકીએ છીએ,સંતોષ પામી શકીએ છીએ.’ (યાદ આવે છે,’ફિડલર ઓન ધ રૂફ’ ચલચિત્ર: પુત્રીનો હાથ માગનારને પિતા ધુત્કારી નાખે છે,’જા રે જા, તું તો ફક્ત દરજી છે!’ પેલો જવાબમાં કહે છે, ‘દરજીને ય થોડા સુખનો અધિકાર ખરો કે નહિ?’) મરિયમ-રશીદને જાણ થઈ કે પોતે માતા-પિતા બનવાનાં છે. રશીદ ગીત ગણગણવા લાગ્યો, હાલતાં ને ચાલતાં હાથ આડો દઈ મરિયમના ઉદરનું રખોપું કરવા લાગ્યો, દીકરા માટે ભરતકામવાળો કોટ લઈ આવ્યો, ઘોડિયું બનાવવા માંડ્યો. મરિયમને આંખે મેઘધનુષ્ય ખીલ્યાં. ગર્ભ ઝાઝા દિવસ ટક્યો નહિ. રશીદનો સ્વભાવ વધુ ચીડિયો થઈ ગયો. અને મરિયમ?
“અધૂરા ઘોડિયા કે ભરતકામવાળા કોટના વિચારમાત્રથી તેના પર વેદના વિંઝાતી, શિશુ જીવતું થતું, મરિયમને સંભળાતાં ભૂખ્યા ઉંહકારા, લવારી, શૂન્યના શ્વાસો. જે કદી મેળવ્યું નહોતું તેને ખોયાની પીડાથી તે સ્તબ્ધ થઈ જતી.”
લેખકે કથા સાથે ઐતિહાસિક પ્રસંગોને ય ગૂંથી લીધા છે. વાચકને જાણ થાય છે કે ૧૯૭૩માં રાજા ઝાહીર શાહ પાસેથી સત્તા આંચકીને દાઉદ ખાન વડાપ્રધાન બન્યો હતો. ૧૯૭૮માં દાઉદ ખાનની હત્યા કરીને સામ્યવાદી સરકાર સ્થપાઈ હતી અને સોવિયેટ યુનિયને આક્રમણ કર્યું હતું. મરિયમને સંતાન નહિ થાય એની પ્રતીતિ થતાં રશીદ ધોલધપાટ કરવા લાગ્યો. ભાત સારા રંધાયા નથી એવું બહાનું કાઢીને તેણે મરિયમના મોઢામાં કાંકરા ભર્યા અને ચાવવાની ફરજ પાડી. મરિયમની બે દાઢ તૂટી ગઈ.
હવે લૈલાની કહાણી શરૂ થાય છે. તેના સુધારાવાદી પિતા હકીમે કહ્યું હતું, ‘અફઘાનિસ્તાનના ઇતિહાસમાં સામ્યવાદી શાસન સ્ત્રીઓ માટેનો સુવર્ણયુગ છે. યુનિવર્સિટીના વિદ્યાર્થીઓમાં બે તૃતીયાંશ તો સ્ત્રીઓ છે. સ્ત્રીઓ વકીલાત કરે છે, દાક્તરી કરે છે, અધ્યાપન કરે છે… જોકે આ બધું ટ્રાઇબલને-આદિજાતિઓને પસંદ નથી.’ હકીમ એક વાર લૈલાને બામિયાન બુદ્ધ જોવા લઈ ગયો હતો. ટેક્સી ડ્રાઇવર બોલ્યો, ‘આક્રમણખોરો આ જ રસ્તે ચડી આવતા હતા: મેસેડોનિયન, સાસાનિયન, આરબ, મોંગોલ, સોવિયેટ… આપણે અફઘાનીઓ ભાંગતી ભીંતો જેવાં છીએ: કુટાયેલાં, પિટાયેલાં, છતાં ઊભેલાં.’
૧૯૮૯માં અમેરિકાના ટેકાથી મુજાહિદ્દીને સોવિયેટ યુનિયનને અફઘાનિસ્તાનમાંથી હાંકી કાઢ્યું. લોકોએ ઉત્સવ મનાવ્યો. વિધિની વક્રતા એવી કે ઇસ્લામના કટ્ટર સમર્થક વિવિધ જૂથો વચ્ચે આંતર્વિગ્રહ ફાટી નીકળ્યો. પશ્તુન, હજારા અને તાજિક એકમેકને લૂંટવા અને સળગાવવા લાગ્યા. હકીમે નિસાસો નાખ્યો, ‘આટલું જ આવડે છે આ લોકોને. તેઓ જન્મ્યા ત્યારે એક હાથમાં દૂધની બાટલી હતી અને બીજામાં બંદૂક.’ શેરીનાં શ્વાનોને મનુષ્યમાંસ ભાવવા માંડ્યું હતું. પુરુષો આબરુ સાચવવા, જેના પર બળાત્કાર કરાયો હોય તેવી પોતાની બહેન કે પત્નીની હત્યા કરતા હતા. (ક્યારેક એવું લાગે કે લેખકે જેટલું દસ્તાવેજીકરણ કર્યું છે, તેટલું નવલકથાકરણ કર્યું નથી.)લૈલાના ઘર પર રોકેટ પડતાં માતાપિતા બળી મર્યા. ૬૦ વર્ષના રશીદે એવો કારસો રચ્યો કે ૧૪ વર્ષની સૌંદર્યવતી લૈલાએ તેની સાથે પરણવું પડ્યું. ‘મરિયમ ભારનું વહન કરનારી વોલ્ગા ગાડી, અને લૈલા બેન્ઝ ગાડી છે,’ કહી રશીદે બન્ને પત્નીઓનું વસ્તુ-કરણ કર્યું. રશીદ માટે પત્નીઓને ઢોર પેઠે મારવું સામાન્ય થઈ પડ્યું. પાકિસ્તાનના મદરસાઓમાં તાલીમ પામેલા તાલીબાને ૧૯૯૬માં મુજાહિદ્દીનને મહાત કર્યા. રશીદે પત્નીઓને જ્ઞાન આપ્યું કે મુજાહિદ્દીન ભ્રષ્ટ અને લોહીતરસ્યા હતા, જ્યારે તાલીબાન સન્નિષ્ઠ સેવકો છે.કાબુલમાં તાલીબાનની વિજયયાત્રા નીકળી. લોકોએ હર્ષનાદ કર્યા. તાલીબાને પતાકડાં વહેંચ્યાં જેના પર નવા કાયદા છપાયા હતા-
“તમારે દિવસમાં પાંચ વાર નમાઝ પઢવી પડશે. નમાઝને સમયે તમે બીજું કંઈ કરશો તો તમને પીટવામાં આવશે. પુરુષોએ દાઢી ઉગાડવી પડશે. દાઢીની લઘુતમ લંબાઈ હડપચી નીચે એક મુઠ્ઠીનું અંતર. દાઢી ન ઉગાડનારને પીટવામાં આવશે.ગાવાની મનાઈ છે. નાચવાની મનાઈ છે.શતરંજ રમવાની મનાઈ છે. પતંગ ઉડાવવાની મનાઈ છે. પુસ્તકો લખવાની, ચલચિત્રો જોવાની, ચિત્રો ચીતરવાની મનાઈ છે. ચોરી કરશો તો કાંડા નીચેનો હાથ કાપી કાઢીશું. બીજી વાર ચોરી કરશો તો પગ કાપી કાઢીશું. મુસલમાનોને દેખાય તેમ પૂજા કરતા બિનમુસલમાનને અમે કેદ કરીશું.
સ્ત્રીઓ માટે ફરમાન:
તમારે હંમેશા ઘરની અંદર રહેવું. પુરુષ કુટુંબીને સાથે રાખ્યા સિવાય બહાર નીકળશો તો પીટવામાં આવશે.બુરખા સિવાય બહાર નીકળશો તો સખત રીતે પીટવામાં આવશે. સૌંદર્ય પ્રસાધનોની મનાઈ છે. ઘરેણાંની મનાઈ છે. આકર્ષક વસ્ત્રો પહેરવાં નહિ. વણ બોલાવ્યે બોલવું નહિ. પુરુષો સાથે આંખ મેળવવી નહિ. જાહેરમાં હસવું નહિ. હસશો તો પીટવામાં આવશે. નખ રંગશો તો આંગળી કાપી કાઢીશું. છોકરીઓને શાળામાં જવાની મનાઈ છે. સ્ત્રીઓએ કામ કરવું નહિ.વ્યભિચાર કરશો તો પથ્થર ફેંકીને મારી નાખીશું.
યાદ રહે, આ છે તાલીબાનના કાયદા!”
સાડા ચારસો પાનાંની આ નવલકથા- આપણે તો અંજલિમાં અર્ણવ ઝીલ્યો. પુસ્તકનું શીર્ષક ‘સહસ્ર ઝળહળતા સૂર્યો,’ ફારસી કવિ તબ્રીઝીની કાબુલ વિશેની પંક્તિમાંથી લેવાયું છે. આપણે મુખેથી રમેશ પારેખની પંક્તિ નિસાસો થઈને સરી પડે, ‘સૂર્ય પણ નીકળે તો કાળા નીકળે!’
-ઉદયન ઠક્કર..