ગુજરાતી શ્રોતાઓને આપણા શાસ્ત્રોનું અર્થસભર રસપાન કરાવનારા, પુનિત પરંપરાના વારસદારોમાં એકમાત્ર સમર્થ કથાકાર, પૂજ્ય શ્રી વ્રજ વલ્લભ શાસ્ત્રીજી, ૭૯ વર્ષની વયે પરમાત્માના શરણમાં પરમધામ ચાલ્યા ગયા.

કલા સાહિત્ય ગુજરાત ટેક્નોલોજી ધાર્મિક ભારત મનોરંજન રમત જગત સમાચાર

પ.પૂ. વ્રજવલ્લભ શાસ્ત્રીજી
સાવ સહજ સરળતા અને સાદગીપૂર્ણ જીવન માં પરમ વિદ્વાન, જ્ઞાની અને ઈશ્વરીય શ્રધ્ધાના સ્ત્રોત સમા અને બાળપણથી જ ભાગવતના સમર્થ જ્ઞાતા એવા પિતાજી શિવશંકર શાસ્ત્રી અને અર્વાચીન યુગના પરમ સંત પુનિતનું પ્રત્યક્ષ વાત્સલ્ય પામીને એમની છત્રછાયામાં ભકિતનું ગદ્ય અને પદ્ય સ્વરુપે અધ્યયન કરી જીવનભર ગુજરાતી શ્રોતાઓને આપણા શાસ્ત્રોનું અર્થસભર રસપાન કરાવનારા, પુનિત પરંપરાના વારસદારો માં એકમાત્ર સમર્થ કથાકાર, એવા પૂજ્ય શ્રી વ્રજ વલ્લભ શાસ્ત્રીજી, ૭૯ વર્ષની વયે પરમાત્મા ના શરણમાં પરમધામ ચાલ્યા ગયા છે.
ત્યારે સંત પુનિતનું પ્રત્યક્ષ વાત્સલ્ય પામનારા એ સમર્થ વ્યક્તિત્વની અવિસ્મરણિય ખોટ પડી છે.

પરમ પૂજ્ય વ્રજ વલ્લભ શાસ્ત્રીજી છેલ્લા લગભગ ત્રણ મહિનાથી બીમાર હતા અને એમના નાના દીકરા શ્રી કમલેશ પંડ્યા અને પુત્રવધુ છાયા પંડ્યા ના અથાક પ્રયત્નો પછી પણ શાસ્ત્રીજી બેઠા નહીં થઈ શક્યા અને પહેલી સપ્ટેમ્બરના દિવસે એમની એકમાત્ર પુત્રી નયનાબેન વિનય ભાઈ ભટ્ટ ના ઘરે તેમણે છેલ્લા શ્વાસ લીધા.

આપની જન્મજાત કેટલીક શારીરિક વક્રતા છતાં જ્ઞાન, શ્રધ્ધા, ગુરુભક્તિ અને શાસ્ત્રોની કેળવાયેલી અભિવ્યક્તિને લીધે આપ સમગ્ર કથાકારોના સાંપ્રત સમૂહમાં એક જુદીજ લય અને વાણી ની પુનિત વિશિષ્ટતા સાથે, અષ્ટાવક્ર મુનિ જેવું ઉપનામ અને આદર પામ્યા છો.

પરમપૂજ્ય શાસ્ત્રીજી એમના જીવન ની ઘણી યાદગાર પળો શ્રી કિરણભાઈ વ્યાસ (રામભક્ત પુનિત શરણાગત) સાથે શેર કરી હતી જે શ્રી કિરણભાઈ વ્યાસ ઘણા ભાવવિભોર થઈ અને બતાવે છે.

બાળપણમાં સંત પુનિત ની છત્રછાયામાં, સંતકૃપાએ ભક્તિપૂર્ણ સંસ્કારો જાગી ઉઠ્યા અને પિતાજી અને સંત પુનિતની છાયામાં આપણા શાસ્ત્રોની અભિવ્યક્તિ આપના માં ખીલી ઉઠી, ત્યાર બાદ સંત પુનિતમહારાજે પોતાના કથા માટેના આમંત્રણોમાં પૂત્ર સમાન વ્રજવલ્લભજીને આગળ કરીને ” કથા તો મારો વ્રજ વલ્લભ કરશે” એમ અનેક સ્થળોએ આપને પ્રસ્તુત કર્યા, અને મોટાભાગની કથાઓમાં પ્રત્યક્ષ હાજર રહીને વાત્સલ્યના પરમ આશીર્વાદથી ખૂબ આગળ ધપાવ્યા છે.

૧૯૫૭-૫૮-૫૯ માં પુનિત મહારાજના મોટી કોરલ ખાતે ના ત્રણ વર્ષના વસવાટ સમયે તમે પણ તરુણવયે તેમની સાથે તેમની અને પિતાજીની છત્રછાયામાં શ્રદ્ધા અને ભક્તિના માર્ગે આગળ વધી રહ્યા હતા ત્યારે આપની ક્ષમતા અને આભા પારખીને પુનિત મહારાજે અંતરના આશીર્વાદ આપ્યા. પુનિત મહારાજે તે સમયે ચોવીસ લાખ ગાયત્રીમંત્ર નું પુરશ્ચરણ પૂર્ણ કર્યું હતું અને એની પૂર્ણાહુતિ પ્રસંગે, શુભ સંકલ્પ કરીને, હાથમાં જળ લઈને, પોતાના એ તપનું ફળ, પોતાના પ્રિય પૂત્ર સમા વ્રજવલ્લભને મસ્તકે એ જળનો અભિષેક કરીને એને અર્પણ કર્યું એ પ્રસંગને યાદ કરતાં કરતાં, એનું વર્ણન કરતાં કરતાં આપની આંખમાં આ ઉંમરે પણ હર્ષના આસું ઉમટી આવતાં જોઈને અમે પણ આપના એ સદ્ ભાગ્ય સામે ગદગદ થયા છીએ.

પ. પુ. પુનિત બાપજીએ તમને ભજનોનો (પદ્ય નો) અને પુ.પિતાજીએ તમને કથાકાર (ગદ્ય નો ) નો અભ્યાસ કરાવ્યો.

આવા પરમ આશીર્વાદ પામીને જીવનભર આપની ગદ્ય અને પદ્ય બન્નેની અભિવ્યકિત ભકિતના શિખર પર બિરાજી છે.

ગુજરાતના તમામ પુનિત ક્ષેત્રો, મુંબઈ તેમજ કેટલાય શહેરોમાં, યાત્રાધામો માં અને કેનયા – અફરીકા મા આપે શ્રોતાઓને આપણા શાસ્ત્રોનું પુનિત રસપાન કરાવ્યું.
એકવાર જેણે આપના મુખેથી કથામૃતનું પાન કર્યું એ સ્થળ અને ત્યાંના સ્નેહી સત્સંગીઓ પછી જાણે આપના અંગત બની ગયાં અને એ રીતે એવા અનેક સ્થળો જાણે આપના પોતાના પુનીત ક્ષેત્ર બની રહ્યા.
સમગ્ર ગુજરાતના તમામ પુનિત મંડળોએ સમર્થ કથાકાર તરીકે આપના વિશેષ ચાહકો બનીને તમને હૃદયથી બિરદાવ્યા છે.

સાંસારીક જીવનમાં આપ બે પુત્રો અને એક પુત્રીના પિતા હોવાને નાતે બાળકોના પરમ વાત્સલ્ય સભર પિતા બની રહ્યા છો, અને માતા પિતાની ભકિત અને આશીર્વાદથી આપના બાળકો પરમ સંસ્કાર અને સુખ સમૃદ્ધિથી સભર બની રહ્યા છે.

વ્હાલસોયી પત્નિની વિદાય બાદ આપે છેલ્લા કેટલાક વર્ષો વતન સિમલવાડા ખાતે વસવાટ કર્યો, છતાં વારંવાર બાળકો પાસે અમદાવાદ આવવાનો ક્રમ જાળવી રાખ્યો.

છેલ્લે છેલ્લે સંત પુનિત આશ્રમ ખાતે આપની રામાયણ પારાયણ અને પુનિત પારાયણ યોજાઈ અને સર્વ પુનિત બાળકો અને સત્સંગી સ્નેહીજનો એ આપની જીવનભરની સંત પુનિતના સંસર્ગના નિચોડ સાથેની અનુભવી અમૃતવાણી માણી એ સમગ્ર પરિવાર માટે એક યાદગાર સંભારણું બની ગયું છે.
અમદાવાદ અને મોટી કોરલ ખાતેના સત્સંગ કાર્યક્રમો દરમ્યાન તમારી હાજરી સર્વને માટે આશીર્વાદરૂપ બની રહી છે, આપની સાથે આપના જીવનભરના સાથી પૂજ્ય દલસુખ ભગતજીને એક સાથે માણવાનો અવસર પણ પ્રાપ્ત થયો એ બધા પ્રસંગો આપને માટે પણ પરમ સંતોષ, શાંતિ અને આનંદ આપનારા બન્યા એનો અમને સર્વને પણ આનંદ છે..??

બાળપણ થી આપ સંપૂર્ણ પણે ભકિતમય વાતાવરણમાં જ જીવ્યા પરિણામે આજે અમને એવી ચોક્કસ પ્રતીતિ થઈ છે કે : જેમ ગંગોત્રીમાંથી ઝરણા ના બાળ સ્વરૂપે નીકળેલી મા ગંગા ધીરે ધીરે હરિ અને હરના ક્ષેત્રોમાંથી પસાર થઈને રસ્તામાં જે કોઈ મળ્યા તેના પાપો ધોતી ધોતી જયારે વારાણસી પાસે પહોંચે ત્યારે વિશાળ પટમાં પરમશાંતિ પામે છે, એમ પિતા અને પુનિત કૃપાએ આપના દ્વારા શરૂ થયેલ સત્સંગની ગંગામાં અનેક લોકો સ્નાન કરીને પવિત્ર થયા છે અને જીવનભરની આપની એ મૂડી તમે હર્ષના આસું અને પરમ સંતોષ સાથે સંત પુનિતના ચરણમાં અર્પણ કરીને આપ ગંગાના એ વિશાળ પટ માં શાંત પ્રવાહ જેવી પરમ શાંતિ પામ્યા છો.

જીવનભર આપે સંત પુનિત સિદ્ધાંતોને સાંગોપાંગ જાળવીને ગુરુચરણમાં અને સમાજમાં પોતાનું અને સંત પુનિતનું પદ અને બિરૂદ ઉજાળ્યું છે.

આપ અહીંથી સ્થૂળ શરીર છોડીને ભક્તિની અમૂલ્ય મૂડી સહ એજ આકારે સૂક્ષ્મશરીર સાથે પ્રભુના પરમ ધામ માં આપના ગુરૂજી અને ભક્ત મિત્રોના સંગમાં પહોંચીને ધન્યતા અને પરમ આનંદ સાથે બિરાજ્યા છો એવા માનસ દર્શન કરીને અમે સૌ આપના બાળકો હોવાની ધન્યતા પામ્યા છીએ.
આપના વાત્સલ્ય સભર હાથ સદાય આશીર્વાદરૂપે અમારે માથે છે એવી ઊંડી શ્રદ્ધા સાથે આપને સાષ્ટાંગ વંદન સહ ??

TejGujarati