આજની પોઝટિવ સ્ટોરી કેતન મિસ્ત્રીઃ પ્રૂફ રીડરથી વરિષ્ઠ પત્રકાર બનવા સુધીની, નોંધપાત્ર પત્રકારત્વની શબ્દ-સફર આલેખનઃ રમેશ તન્ના.

ગુજરાત ટેક્નોલોજી બિઝનેસ ભારત સમાચાર

વડીલ મિત્ર પ્રૂફ-રીડર મહેશ જોશી પાસેથી ચિત્રલેખાના વરિષ્ઠ પત્રકાર કેતન મિસ્ત્રી વિશે અવારનવાર સાંભળવા મળતું. ચિત્રલેખામાં એમના તલસ્પર્શી અભ્યાસ સાથેના રસપ્રદ અહેવાલો-લેખો વાંચીને તેમના વિશે જાણવાની જિજ્ઞાસા થતી હતી.
કેતનભાઈ મિસ્ત્રી ગુજરાતી ભાષાના સદા અગ્રસર સાપ્તાહિક ચિત્રલેખામાં 1998થી ફરજનિષ્ઠ છે. વિવિધ વિષયો માટે તેમણે રિપોર્ટિંગ કર્યું છે. ચિત્રલેખા વતી તેઓ અનેક દેશો ફર્યા છે અને ખૂબ લખ્યું છે.
તેમની કારકિર્દીનો પ્રારંભ પ્રૂફ રીડર તરીકે થયો હતો. આપમેળે, અથાગ પરિશ્રમથી, નવું નવું શીખીને, ધગશથી તેઓ સબ એડિટર, રિપોર્ટર, ફીચર્સ એડિટર, સ્પેશિયલ કોરસ્પોન્ડન્ટ બન્યા અને જેની નોંધ લેવી પડે તેવું, સમયના લાંબા પટ્ટે, વિવિધલક્ષી પત્રકારત્વ કર્યું.
કેવી રીતે આવ્યા પત્રકારત્વમાં?
કેતનભાઈનું મૂળ વતન વલસાડ, પણ જન્મ-ઉછેર-ભણતર મુંબઈમાં. પિતા ઠાકોરભાઈ બ્રિટિશ કંપની મેટલ બૉક્સમાં લિમિટેડમાં આર્ટ ડિરેકટર હતા. (આમેય મિસ્ત્રી લોકોને આર્ટ સાથે સારું જ બને)… કેતનભાઈમાં પણ નાનપણથી કળાસજ્જતા હતી. કેતનભાઈએ એસએસસી, એચએસસીમાં મશીન ડ્રૉઈંગ, લેથ મશીન ડિઝાઈન જેવા વિષયો ભણ્યા.
પિતાની પ્રેરણાથી કેતનભાઈને નાનપણથી જ વાંચનનો જબરજસ્ત શોખ. આગળ જતાં આ વાચનપ્રીતિ તેમને શબ્દના પ્રદેશમાં લાંબો સમય સફર કરાવવાની હતી. પિતાએ કેતનભાઈને મુંબઈનાં વિવિધ પુસ્તકાલયના સભ્ય બનાવી દીધેલા. વૅકેશનમાં કેતનભાઈ ઘર કરતાં લાઈબ્રેરીમાં વધુ સમય ગાળતા.
ટેકનિકલ વિષયો સાથે પાસ થયા પછી તેમણે ટેક્નિકલ વિષય માટેની ખાસ રોજગાર કચેરીમાં નામ નોંધાવ્યું. ઘણી કંપનીઓમાંથી નોકરીની ઑફર આવી. તેઓ અંધેરીની એક કંપનીમાં પ્રોડકશન સુપરવાઈઝર તરીકે જોડાયા. કંપની પૅકિંગ મટીરિયલ બનાવતી. કેતનભાઈ ઘાટકોપરથી વહેલી સવારે સાઈકલ પર અંધેરી જતા. નોકરી સરસ હતી, પણ કેતનભાઈ રુટિનથી કંટાળી ગયા.
ઑગસ્ટ, 1984માં તેઓ (ઐતિહાસિક અખબાર) સમકાલીનમાં જોડાયા. હસમુખ ગાંધીની બાદશાહી આગેવાનીમાં એક જબરજસ્ત ટીમ બની હતી અને ગુજરાતી પત્રકારત્વ ઉપર-નીચે થઈ જાય તેવો માહોલ સર્જાયો હતો. કેતનભાઈને પત્રકારત્વ વિશ્વમાં પહેલા કોળિયે કંસાર ખાવા મળ્યો જાણે. હસમુખ ગાંધીના હાથ નીચે કામ કરવું એ, તે વખતના દરેક પત્રકારનું સ્વપ્ન રહેતું.
અહીં જ તેમને પ્રૂફ-રીડર શિરોમણિ જિતુભાઈ ઠાકર પાસે તૈયાર થવાનો મોકો મળ્યો. હસમુખ ગાંધી અને જિતુભાઈ ઠાકરઃ બે બે મહારાથીઓની નિશ્રામાં કેતનભાઈના પત્રકારત્વનો પાયો નખાયો. કહેવાની જરૂર ના હોય કે પાયો ઊંડો અને મજબૂત જ હોય. ભવિષ્યમાં તેના પર આલીશાન ઈમારત તૈયાર કરવી હોય તો થઈ જ શકે.
એવું જ થવાનું હતું.
પ્રૂફ-રીડર તરીકે કેતનભાઈનું કામ એટલું વખણાયું કે એક તબક્કે એમને આ ડિપાર્ટમેન્ટ હેડ તરીકેની જવાબદારી મળી.
હસમુખ ગાંધીના હાથ નીચે કામ કરવું એટલે ધગધગતા જ્વાળામુખી પર રસોઈ કરવી. હસમુખ ગાંધી પોતે જ એક મોટી સ્કૂલ જેવા હતા. તેમની કસોટીમાં પાસ થવાનું કામ કપરું હતું પણ જે પાસ થઈ જાય તે, જિંદગીમાં કે ભવિષ્યમાં પછી ક્યાંય નપાસ ના થાય.
કેતન મિસ્ત્રીને સૌ પ્રથમ લખવાની તક ‘ગાંધીભાઈ’એ જ આપી હતી. તેમણે કેતનભાઈને કહ્યું કે તમે ફિલ્મનાં અવલોકન લખો. કોલમનું નામ પણ તેમણે જ પાડ્યુઃ ફિલ્મોમીટર. કેતનભાઈ ગુરુ-શુક્રવારે ફિલ્મ જોઈ આવે અને પછી વીક-એન્ડમાં તેનું અવલોકન લખે. તેમની આ કોલમ ખૂબ જ લોકપ્રિય થઈ.
આમ કેતન મિસ્ત્રીના પ્રૂફ રીડરમાંથી પત્રકાર બનવાના રૂપાંતરણનો પ્રારંભ થયો.
દર વર્ષે યોજાતા ફિલ્મ ફેસ્ટિવલમાં મોટા ભાગે ઈન્ડિયન એક્સપ્રેસમાંથી આ વિષયના વરિષ્ઠ કોલમિસ્ટ કે પત્રકાર જાય અને તેમના લેખો અનુવાદિત થઈને એક્સપ્રેસનાં મરાઠી-ગુજરાતી અખબારોમાં છપાય, પણ ‘ગાંધીભાઈ’એ કેતનભાઈને ઈન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલમાં જતા કર્યા. દસ-દસ દિવસ, ફિલ્મ વિષયના નિષ્ણાતો-ખેરખાંઓ સાથે રહેવાનું, દેશ-વિદેશની શ્રેષ્ઠ ફિલ્મો જોવાની અને પછી તેના વિશે લખવાનું. કેતનભાઈ પહેલા ફિલ્મ ફેસ્ટિવલમાં બેંગલોર ગયા ત્યારે નીલેશ રૂપાપરા, રાજુભાઈ પટેલ, સંજય છેલ જેવા મિત્રોની કંપની હતી. બોલો, પછી શું બાકી રહે?
કેતનભાઈની કલમ રંગીન અને સંગીન થતી ગઈ.
પત્રકારત્વના બદલાયેલા વાતાવરણમાં કૂદકો મારીને તેઓ “બિઝનેસ અભિયાન”માં જોડાયા. ના, પ્રૂફ રીડર તરીકે નહીં, ચીફ એડિટર તરીકે. તેમના લેખો બિઝનેસ અભિયાન ઉપરાંત અભિયાનમાં છપાતા. એ પછી કેતનભાઈ એ જ ગ્રુપના સમાંતર પ્રવાહ (સાંધ્ય દૈનિક)માં પણ જોડાયા. ત્યાં ફીચર્સ એડિટરની જવાબદારી સંભાળી. સાથે વિશ્વની શ્રેષ્ઠ વાર્તા, અને નવલકથાના રૂપાંતર પણ તેમણે કર્યા.
આમ ઘડાતા-ટીપાતા કેતનભાઈ “જૅક ફૉર ઑલ”, “સબ બંદર કા વેપારી” થતા ગયા.
1998માં તેઓ ચિત્રલેખામાં જોડાયા. 1998થી 2021. આજ સુધી તેઓ અહીં જ છે. ચિત્રલેખામાં ગુજરાતી પત્રકારત્વને તેમનું શ્રેષ્ઠ મળ્યું. તેઓ ઠલવાઈ ગયા. અનેક વિષય પર એમણે લખ્યું, અહેવાલો, લેખ, અઢળક પ્રવાસવર્ણન લખ્યાં. એક ધારાવાહિક નવલકથા, 13 ગુલમહોર અવેન્યૂ પણ છપાઈ. ચિત્રલેખા માટે એમણે લિધેલી વિવિધ ક્ષેત્રની વ્યક્તિના ઈન્ટરવ્યુઝમાંથી ચૂંટેલા 30 ઈન્ટરવ્યુઝનું પુસ્તક વ્યક્તિવિશેષનું શેષ-વિશેષ પણ પ્રકાશિત થયું.
23 વર્ષની ચિત્રલેખાની સફર સાથે તેમની પત્રકારત્વ કારકિર્દીમાં તેમની કુલ 35-36 વર્ષની શબ્દ-સફર થઈ છે.
આજે કેતન મિસ્ત્રી, ગુજરાતી પત્રકારત્વમાં માન-સમ્માન સાથે લેવાતું નામ છે. તેમનું નોંધપાત્ર પ્રદાન છે. જો એ પત્રકારત્વના અનુભવો-સ્મરણ લખે તો દળદાર પુસ્તક થાય. હાલ તેઓ આની પર કામ કરી રહ્યા છે એ આનંદની વાત છે. ગુજરાતી પત્રકારત્વને 200મું વર્ષ ચાલી રહ્યું છે ત્યારે મહત્તમ ગુજરાતી પત્રકારોએ પોતાના અનુભવો આધારિત પુસ્તકો પ્રકાશિત કરવાં જોઈએ.
એક ઈન્ટરેસ્ટિંગ વાત એ કે કેતનભાઈએ કાર્ટૂન્સ પણ કર્યાં છે. ગુજરાત સમાચારમાં સુધીર માંકડે તેમની પાસે કાર્ટૂન કરાવીને પ્રકાશિત કર્યાં હતાં. જામે જમશદ (પારસી અખબાર)માં અદી મર્ઝબાને તેમની પાસે કાર્ટૂન કરાવ્યાં હતાં તો કાંતિ ભટ્ટે અભિષેક માટે તેમના કાર્ટૂનકસબનો લાભ લીધો હતો.
કેતનભાઈને પત્રકારત્વ માટે મહારાષ્ટ્ર રાજ્ય ગુજરાતી સાહિત્ય અકાદમી સહિત અનેક એવૉર્ડ્સ મળ્યા છે.
આજે કેતનભાઈનો જન્મદિવસ છે. તેમને જન્મદિવસની 11 દરિયા ભરીને શુભકામનાઓ.
(પોઝિટિવ મીડિયા માટે આલેખનઃ રમેશ તન્ના, 9824034475)

TejGujarati