ગુજરાતના એકમાત્ર બોર્ડર ટુરિઝમ કેન્દ્ર ભારત-પાકિસ્તાન બોર્ડ પર ઝીરો પોઈન્ટ ખાતે સીમાદર્શન અંતર્ગત વિવિધ આકર્ષણોનો સમાવેશ કરાયો

સમાચાર

 

 

• રાષ્ટ્રની રક્ષા કાજે પોતાના પ્રાણોની આહૂતિ આપનાર વીર સૈનિકોની સ્મૃતિમાં ‘અજય પ્રહરી’ સ્મારકનું નિર્માણ કરાયું

• નડાબેટ ખાતે ઓડિટોરિયમ, સોલર ટ્રી, સેલ્ફી પોઈન્ટ્સ, કિડ્ઝ એન્ડ ગેમિંગ ઝોન, વ્યુઈંગ ડેસ્ક, ટી-જંક્શન પિલરનું નિર્માણ કરવામાં આવ્યું

• સીમા દર્શન માટે આવનારા સૌ પ્રવાસીઓ સુરક્ષાદળો-સેનાની સજ્જતાથી પરિચિત થાય તે માટે સૈન્યના હથિયારો પ્રદર્શન માટે મુકાયા

રાજ્યના મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીના માર્ગદર્શન હેઠળ ભારત-પાકિસ્તાનની આંતરરાષ્ટ્રીય સીમા- નડાબેટ ખાતે ઝીરો પોઈન્ટ પર ‘સીમાદર્શન’ અંતર્ગત ગુજરાત પ્રવાસન વિભાગ દ્વારા બોર્ડર ટુરિઝમનો વિકાસ કરવામાં આવી રહ્યો છે. બોર્ડર ટુરિઝમના આ નવતર અભિગમથી રાષ્ટ્રના લોકોને બોર્ડરને જાણવાનો અને માણવાનો અવસર પ્રાપ્ત થઈ રહ્યો છે.

નાગરિકોને મા ભોમની રક્ષા માટે સતત ખડેપગે રહેનારા બી.એસ.એફ જવાનોની જીવનચર્યાને પ્રત્યક્ષ અનુભવવાનો આ અભિનવ પ્રયોગથી ગુજરાત પ્રવાસનની નવી દિશા ખુલી છે. જવાનોની રહેણી-કરણી, ફરજો અને દેશપ્રેમને રૂબરૂ નિહાળવા માટે મોટી સંખ્યામાં પ્રવાસીઓ આવી રહ્યા છે. આ ઉપરાંત દેશના સિમાડા સાચવવાની અને રક્ષા કરવાની રોમાંચક કામગીરી પ્રત્યક્ષ નિહાળવાની તક મળે છે.

પ્રવાસીઓની સંખ્યાને ધ્યાનમાં રાખીને પ્રવાસન વિભાગ દ્વારા નડાબેટ ખાતે વિવિધ આકર્ષણોનો સમાવેશ કરવામાં આવ્યો છે. નડાબેટ ખાતે પરેડ ગ્રાઉન્ડ, એક્ઝિબિશન સેન્ટર, ઓડિટોરિયમ, લાઈટીંગ, સોલર ટ્રી, સેલ્ફી પોઈન્ટ્સ, બાળકો હરી-ફરી શકે તે માટે કિડ્ઝ એન્ડ ગેમિંગ ઝોન પણ બનાવવામાં આવ્યો છે.

રાષ્ટ્રની રક્ષા કાજે પોતાના પ્રાણોની આહૂતિ આપનાર વીર સૈનિકોની સ્મૃતિમાં ‘અજય પ્રહરી’ સ્મારકનું નિર્માણ કરાયું છે. આ સ્મારકની મુલાકાતે આવનાર પ્રવાસીઓ શહીદો પ્રત્યે શ્રધ્ધાંજલી પ્રગટ પણ કરી શકે છે. સુંદર ભીંતચિત્રોથી શણગારેલું 30 ફૂટ ઊંચું ટી-જંક્શન સીમા દર્શન સંકુલનું કેન્દ્રબિંદુ બની રહેશે.

આ ઉપરાંત સીમા દર્શન માટે આવનારા સૌ પ્રવાસીઓ સુરક્ષાદળો-સેનાની સજ્જતાથી પરિચિત થાય તે હેતુથીટી જંક્શનથી ઝીરો પોઈન્ટ સુધીના માર્ગો પર પ્લેટફોર્મ બનાવીને સરફેસ ટુ સરફેસ મિસાઈલ, સરફેસ ટુ એર મિસાઈલ, ટી-55 ટેન્ક, આર્ટીલરી ગન, ટોરપીડો અને મિગ-27 એરક્રાફ્ટ ડિસ્પ્લે કરવામાં આવી છે.

નડાબેટની મુલાકાતે આવનાર પ્રવાસીઓ બોર્ડરનો નજારો માણી શકે તે હેતુથી વ્યુઈંગ ડેસ્ક ટાવરનું નિર્માણ પણ કરાયું છે. ટાવર પરથી પ્રવાસીઓ દુર સુધી બોર્ડરને માણી શકે છે. બાળકો માટે ચિલ્ડ્રન પ્લે એરિયા બનાવવામાં આવ્યો છે, જેમાં તેઓ વિવિધ આઉટ ડોર ગેમ્સ રમી શકે છે.

રીટ્રીટ સેરેમની માટે પરેડ ગ્રાઉન્ડ પણ તૈયાર કરાયું છે. દરરોજ સાંજે બી.એસ.એફના જવાનો દ્વારા પરેડ ગ્રાઉન્ડમાં રીટ્રીટ સેરેમનની યોજવામાં આવશે. આ રીટ્રીટ સેરેમની નિહાળીને દેશભક્તિ-રાષ્ટ્રભાવનાની અનોખી ચેતના અહીં આવનારા દરેક પ્રવાસીમાં ઉજાગર થાય તેવા શોર્યતાથી ભરપુર દ્રશ્યો સર્જાય છે.

પ્રવાસીઓને તમામ સુવિધાઓ ઉપલબ્ધ કરાવવા માટે પાર્કિંગ સુવિધા, પીવાના પાણીની સુવિધા, ટોઈલેટ બ્લોક્સ, અરાઈવલ પ્લાઝા, બેઠક વ્યવસ્થા, દુકાનો, રેટેનીંગ વોલનું પણ નિર્માણ કરવામાં આવ્યું છે. નડાબેટને રાત્રે સૌર ઉર્જાથી પ્રકાશિત કરવા માટે સોલાર ટ્રી પણ લગાવ્યા છે.

સીમાદર્શન કાર્યક્રમનો પ્રારંભ થવાથી છેલ્લા પાંચ વર્ષોમાં સ્થાનિક રોજગારીમાં વધારો થયો છે.

ઝીરો-પોઈન્ટની પાસે નડેશ્વરી માતાનું મંદિર આવેલું છે જ્યાં દર વર્ષે મોટી સંખ્યામાં પ્રવાસીઓ દર્શનાર્થે આવે છે. નડેશ્વરી માતાના મંદિર પાસે વિસામાનું નિર્માણ પણ કરાવામાં આવ્યું છે.

‘સીમાદર્શન’-નડાબેટ સરહદી જિલ્લા બનાસકાંઠા ખાતે આવેલું છે. પ્રવાસીઓ આસપાસનાં સ્થળોએ પણ સરળતાથી જઈ શકે છે. બનાસકાંઠા જિલ્લામાં જગપ્રસિધ્ધ અંબેમાતાનું મંદિર – અંબાજી, જેસોર રીંછ અભ્યારણ્ય, બાલારામ પેલેસ અને બાલારામ મહાદેવ મંદિર અને પાડોશી જિલ્લા પાટણ ખાતે ‘રાણ કી વાવ’ અને ‘પટોળા હાઉસ’ પણ આવેલા છે.

સીમાદર્શનની મુલાકાતે જનાર દરેક પ્રવાસીએ સરકાર માન્ય ફોટો ઓળખપત્ર સાથે રાખવું ફરજીયાત છે.

સીમાદર્શન- નડાબેટ ખાતે રોડ માર્ગે સરળતાથી જઈ શકાય છે. અમદાવાદથી 262 કિ.મી, વડોદરાથી 372 કિ.મી, રાજકોટથી 315 કિ.મી, સૂરતથી 524 કિ.મી, ભાવનગરથી 371 કિ.મી અને ભૂજથી 265 કિલોમીટર અંતર થાય છે. નજીકનું હવાઈમથક અમદાવાદ આવેલું છે.

અત્રે ઉલ્લેખનીય છે કે, 24 ડિસેમ્બર 2016 ના રોજ મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી દ્વારા સીમાદર્શન- નડાબેટ બોર્ડર ખાતે ઝીરો પોઈન્ટ પર સીમાદર્શન કાર્યક્રમનો શુભારંભ કરાવ્યો હતો.

X-X-X

ગુજરાત પ્રવાસન વિભાગ દ્વારા સ્વદેશ દર્શન યોજના અંતર્ગત વિવિધ વિકાસકામો કરાયા

*****

રાજ્યમાં આવેલા પ્રવાસન સ્થળોનો વિકાસ કરવા માટે ગુજરાત પ્રવાસન વિભાગ સક્રિયતા દાખવી રહ્યો છે. હેરિટેજ સર્કિટમાં વડનગર, મોઢેરા અને પાટણનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે. ઐતિહાસિક સૂર્ય મંદિર- મોઢેરા ખાતે પ્રવાસન વિભાગ દ્વારા સ્વદેશ દર્શન યોજના અંતર્ગત વિવિધ વિકાસ કામો કરવામાં આવ્યા છે.

 

સૂર્ય મંદિર ખાતે પાથ-વે, બેઠક વ્યવસ્થા, એરિયા ડેવલપમેન્ટ, રિટેનિંગ વોલ, આર.સી.સી વોલ, પિચ વોલ, જનરલ લાઈટીંગ, પ્લાન્ટેશન, સ્ટ્રીટ પોલ, ઈલેક્ટ્રીકલ વર્ક, બેન્ચિસ સહિતનાં અનેક વિકાસનાં કામો કરવામાં આવ્યા છે.

 

11 મી સદીમાં ભીમરાજ પહેલા દ્વારા સૂર્ય મંદિરનું નિર્માણ કરાવવામાં આવ્યું હતું. સ્થાપત્યની દ્રષ્ટિએ આ સૂર્યમંદિર ગુજરાતમાં સોલંકી શૈલીમાં નિર્માણ થયેલા મંદિરોમાં એક સર્વોચ્ચ ઉદાહરણ છે. ઐતિહાસિક ધરોહરને નિહાળવા માટે પ્રતિવર્ષ લાખોની સંખ્યામાં દેશ-વિદેશના પ્રવાસીઓ આવી રહ્યા છે.

અત્રે ઉલ્લેખનીય છે કે, મોઢેરાએ દેશના પ્રથમ સોલર વિલેજ તરીકેની ખ્યાતિ પ્રાપ્ત કરી છે. ઐતિહાસિક મોઢેરા સૂર્ય મંદિર અને મોઢેરા ગામ સૌર ઉર્જાથી ઝળહળતું થશે. મોઢેરા ગામના ઘર અને સૂર્ય મંદિર સંપૂર્ણપણે સૌર ઉર્જા થકી પ્રકાશ મેળવશે.

 

 

 

 

TejGujarati