રાધા-કૃષ્ણની પૂજા કરનારને પ્રેમી-પંખીડાથી વાંધો કેમ?
શિલ્પા શાહ, ડીરેકટર ઇન્ચાર્જ, HKBBA કોલેજ

ગુજરાત ટેક્નોલોજી બિઝનેસ ભારત સમાચાર


દિવ્યશક્તિ દ્વારા સર્જિત આ પ્રકૃતિ, દુનિયા કે સંસારમાં જો કોઈ જીવને ઓળખવો કે સમજવો અઘરો હોય તો તે મનુષ્ય છે. મનુષ્યને તેની કોઈ ક્રિયા દ્વારા ઓળખવો કે સમજવો કઠિન છે કેમ કે એક જેવી લાગતી સમાન બાબત માટે પણ તેની પ્રતિક્રિયા કે નિર્ણય તદ્દન ભિન્ન અને એકબીજાથી વિપરીત હોય છે. આજીવન રાધા-કૃષ્ણની પૂજા કરનાર કહેવાતા ધાર્મિક માણસો સંતાનોના પ્રેમને સમજી કે સ્વીકારી શકતા નથી. મને તો લાગે છે કે રાધા-કૃષ્ણની પૂજા કરનારને કદાચ એ ખબર જ નથી કે તેવો રાધા-કૃષ્ણની પૂજા શા માટે કરે છે? રાધાકૃષ્ણ શેના પ્રતિક છે અને શું જીવનબોધ આપે છે? માત્ર ધાર્મિક ક્રિયાકાંડની દ્રષ્ટિએ સંપૂર્ણ યાંત્રિક રીતે કોઈ યથાર્થ કે ઊંડી સમજણ વગર આજીવન રાધાક્રષ્ણને ભગવાન તરીકે પૂજ્યા કરે છે. પરંતુ આજીવન કોઈ જીવનબોધ પ્રાપ્ત કરી શકતા નથી.
મારી જેમ તમારા બધાનો પણ એ અનુભવ અવશ્ય હશે જ કે રાધા-કૃષ્ણની કથાનું શ્રવણ, ભક્તિ-પૂજા જે સમાજમાં થાય છે તે જ સમાજના સંતાનો જ્યારે કોઈના પ્રેમમાં પડે છે ત્યારે રાધાકૃષ્ણના પૂજકો એવા માતા-પિતા બાળકોના પ્રેમને સ્વીકારી શકતા નથી. ક્યારેક તો ખૂબ હિંસક બની જાય છે, ગુસ્સામાં થપ્પડ પણ મારી દે છે, વાંધો ઉઠાવે છે, અતિશય દ્વેષ અને અણગમો દર્શાવે છે, તેમના પ્રેમને તોડવાનો સફળ કે અસફળ પ્રયત્ન કરે છે. જો આવા પ્રયત્નોમાં સફળ થાય તો પોતાના અહંકારને પોષી કંઈક ઉત્તમ કર્યું હોવાનો આનંદ લે છે અને જો અસફળ રહે તો પોતાના જ સંતાનો સાથે માત્ર પ્રેમ કરવાની સજારૂપે સંબંધો તોડી નાખે છે. બંને કિસ્સામાં જીત પ્રેમની નથી થતી. કેમ કે પ્રેમ તો એક ઊંડી સમજણનું નામ છે, જે મોટાભાગે આપણામાં હોતી જ નથી.
રાધાકૃષ્ણને પૂજનાર સમાજે એટલું તો સમજવું જ રહ્યું કે રાધાક્રષ્ણની પૂજાનું કોઈ વિશેષ કારણ નથી સિવાય કે બંનેનો એકબીજા પ્રત્યેનો અખૂટ, અસીમ, નિસ્વાર્થ અને ઊંડી સમજણ સાથેનો પ્રેમ. વળી કોઈ પ્રેમને આસક્તિ કે મોહ ન સમજી બેસે કેમ કે પ્રેમમાં નિતાંત આનંદ હોય છે જ્યારે આસક્તિમાં અવિરત પીડા. આસક્તિમા સતત કંઇક મેળવવાની ઇચ્છા અને અપેક્ષા હોય છે જ્યારે પ્રેમમાં સતત આપીને ખુશ રહેવાની ભાવના. પ્રેમ જ્યારે આવો ઊંડો, નિસ્વાર્થ અને અલૌકિક બને ત્યારે તે પૂજા કે ભક્તિનું પ્રતીક બની જાય છે. પરંતુ પ્રેમને સમજવો દરેક માટે સરળ નથી. દિવ્યપ્રેમને સમજવા કે તેના યથાર્થ દર્શન માટે દિવ્યચક્ષુની આવશ્યકતા રહે છે. જે સ્વાર્થી અને કપટી જમાનામાં આપણે જીવીએ છીએ ત્યાં તો પ્રેમ શબ્દ એક ગાળ સમાન લાગે છે. કેમ કે પ્રેમના નામે આપણે એકબીજાનું માત્ર શોષણ જ કર્યા કરીએ છીએ. જ્યાં સુધી આપણી ઈચ્છા-અપેક્ષા પ્રેમીપાત્ર દ્વારા સંતોષાય છે ત્યાં સુધી આપણને તેનામાં રસ કે કહેવાતો પ્રેમ રહે છે. પરંતુ પ્રેમી કે પ્રેમિકા પોતાના સ્વગગનમાં સ્વૈરવિહાર કરવા ઈચ્છે તો તેના પર જબરજસ્તીની બંદીશોનો બોજો લાદી દેવામાં આવે છે. જ્યાં પ્રેમ તો દમ તોડી જ દે છે પરંતુ વ્યક્તિનું પોતાનું અસ્તિત્વ પણ જોખમમાં મુકાય છે.
રાધા-કૃષ્ણની પૂજા કરનાર સમાજમાં માતા-પિતા કે વડીલો બાળકોના પ્રેમને સહજતાથી સ્વીકારી નથી શકતા કેમ કે તેમના પોતાના પ્રેમ અંગેના પૂર્વનિર્ધારિત ધોરણો છે જેના દ્વારા તેઓ પોતાના સંતાનનું સુખ નક્કી કરે છે. જો સંતાનો તે ધોરણો અનુસાર પ્રેમ કરે તો તે માન્ય કે સ્વીકાર્ય બને છે નહીં તો તેનો અસ્વીકાર એક ઝનૂન સાથે કરવામાં આવે છે. જેમ કે દીકરો કે દીકરી ખૂબ સુખી-સંપન્ન, સૌંદર્યવાન, સમાજમાં ઊંચી પ્રતિષ્ઠા ધરાવનાર કુટુંબ, ઊંચા કુળ કે સંસ્કારી અને ખાનદાની વ્યક્તિના પ્રેમમાં પડે અને તેને જીવનસાથી તરીકે મરજીથી પસંદ કરે તો કુટુંબ તેને હોંશે-હોંશે સ્વીકારે છે, પોતાની માન્યતાની મ્હોર મારી લગ્ન કરાવી આપે છે નહીં તો સંતાનોના પ્રેમને ઠુકરાવી જોરજબરદસ્તીથી તેમના લગ્ન પોતાના પૂર્વનિર્ધારિત ધોરણો અનુસાર કરાવી દે છે. સંતાનોના અયોગ્ય પાત્ર સાથેના પ્રેમનો માતા-પિતા અસ્વીકાર કરે તે કોઈ રીતે યોગ્ય નથી એવું કહેવાનો મારો કોઈ ઈરાદો નથી. જેથી કોઈ મહેરબાની કરી ગેરસમજણ ન કરે, એ વાત સાચી છે કે આજની યુવાપેઢીને સાચા-ખોટાની પરખ જ નથી. પ્રેમ કોને કહેવાય તેની જાણકારી કે ઓળખ ન હોવાને કારણે સમસ્યાનું સર્જન સ્વાભાવિક છે. માત્ર ભૌતિક આકર્ષણને તેવો પ્રેમ સમજી બેસે છે અને જીવનભર પસ્તાય છે. વળી અંતે તો પ્રેમને જ દોષ આપે છે. ક્યાંક એની પાછળ વડીલો અને સમાજ પણ જવાબદાર છે કેમ કે પ્રેમની સાચી ઓળખ કરતા તેમણે સંતાનોને શીખવાડ્યું જ નથી. મારું અંગત મંતવ્ય આ અંગે એવું છે કે આપણે લગ્ન માટે લાગણી કે પ્રેમને આવશ્યક માન્યો જ નથી. પ્રેમ કે લગ્નની શરત જો ધનદોલત, શાન-ઓ-શોકત,સુખસાહીબી, સૌંદર્ય, નાત-જાત વગેરે હોય તો એનો સીધો અર્થ એ છે કે સમાજમાં લગ્ન કે સંબંધોના જોડાણ માટે આવશ્યક શરત પ્રેમ છે જ નહીં. માત્ર સુખના સાધનો અને સમાજમાં પ્રતિષ્ઠા પ્રાપ્તિની ચાહત છે અને કદાચ એટલે જ આજના સમાજમાં તમામ સુખસાહીબી, ધનદોલત, માનમરતબા વચ્ચે વ્યક્તિ ખૂબ બેચેન, દુઃખી અને અસ્વસ્થ જણાય છે. વાસ્તવમાં સ્નેહસભર જીવન જ સાચા સુખની ચાવી છે, જે આપણે સૌ જાણીએ તો છીએ છતાં દેખાદેખી, પરંપરા અને પ્રતિષ્ઠાના ચક્કરમાં જીવનમાંથી સૌપ્રથમ બાદબાકી પ્રેમની જ કરી નાખીયે છીએ અને પછી સંપૂર્ણ સુખસાહ્યબી વચ્ચે સતત અવિરત જીવનભર માત્ર પ્રેમ જ શોધ્યા કરીએ છીએ. પ્રેમની ઝંખના રાખીએ છીએ અને પ્રેમ ન હોવાનો જ અફસોસ કર્યા કરીએ છીએ. પરંતુ જે પ્રેમને આપણે પોતે જ ખૂબ સમજણપૂર્વક તરછોડ્યો છે કહેવાતા સુખ ખાતર તો પછી તેનો અફસોસ શા માટે?
આ આર્ટીકલ દ્વારા કોઈ એમ ન સમજે કે હું પ્રેમલગ્નની ખુલ્લી તરફેણ કરું છું. કેમ કે હું તો લગ્નની જ તરફેણ નથી કરતી જો તેમાં વાસ્તવિક અને યથાર્થ સમજણની ગેરહાજરી હોય. સંતાનોના અયોગ્ય પાત્ર સાથે પ્રેમલગ્ન કરાવી આપવા કોઈ રીતે યોગ્ય ન જ હોઈ શકે પરંતુ પાત્રને યોગ્ય કે અયોગ્ય નકકી કરવાના ધોરણો ધનદોલત, નાત-જાત, સૌંદર્ય કે ખાનદાન તો ના જ હોઈ શકે. કેમ કે જે રાધાકૃષ્ણની સમાજ પૂજા કરે છે તેમનામાં ઉમર,નાત-જાત, ધનદોલત, સૌંદર્ય એકેય બાબતની સામ્યતા જોવા મળતી નથી. સમાજ કે સંસાર દ્વારા નિર્ધારિત કોઈ પરિબળો કે ધારાધોરણો પ્રમાણે રાધાકૃષ્ણનો સંબંધ યોગ્ય નથી. કેમ કે રાધા અને કૃષ્ણ ન તો ઉંમરની દ્રષ્ટીએ યોગ્ય જોડું છે કે ન તેમના સૌન્દર્યમાં કોઈ મેચિંગ છે. ધનદોલતની દૃષ્ટિએ પણ કોઈ સામ્યતા જોવા મળતી નથી, એક રાજા છે તો બીજો રંક. ઉંમરમાં પણ સ્ત્રી મોટી અને પુરુષ નાનો જેવી અસમાનતા જોવા મળે છે. સૌદર્યની દ્રષ્ટિએ પણ એક શ્યામળો અને એક રૂપાળી. જે સમાજના પૂર્વનિર્ધારિત પરિબળો કે ધોરણો અનુસાર સ્વીકાર્ય વાત નથી છતાં રાધા-કૃષ્ણની પૂજા યુગોથી થાય છે. આવી જ ઊંડી સમજણ અને ઉદાત્ત ભાવના આપણા સંતાનો પ્રત્યે રાખવામાં આવશે તો જીવનમાંથી કદાચ દુઃખોની બાદબાકી થઇ શકે. પરંતુ આવી ઉદાત્ત કૂણી ભાવના સંતાનો પ્રત્યે આપણે ક્યારેય રાખી શકતા નથી એ જ સમાજની સૌથી મોટી કરુણતા છે.

મને લાગે છે એટલિસ્ટ રાધા-કૃષ્ણની પૂજા કરતા સમાજ અને કુટુંબોએ તો સંતાનોનું પાલનપોષણ ધનદોલત, નાત-જાત, ધર્મ, કુળ, સૌંદર્ય જેવા અનેક સાંસારિક પરિબળો અને ધોરણોથી ઉપર ઊઠી પ્રેમના યથાર્થ આદર-સત્કાર અને સ્વીકાર સાથે કરવું જોઈએ. કેમ કે કોઈપણ બાબતની પૂજા સમજણ વગરની ન જ હોઇ શકે. નહીં તો એ માત્ર ક્રિયા જ બની રહે. એ લોકો ચોક્કસ ધન્ય છે જે રાધા-કૃષ્ણરૂપી પ્રેમને પૂજે છે. પરંતુ એ પૂજા જો ભાવ વગરની માત્ર યાંત્રિક ક્રિયા જ બની રહે તો કદી પરિણામલક્ષી બની શકે નહીં. વાસ્તવમાં આપણે પ્રેમને નથી સ્વીકારતા એવું બિલકુલ નથી, પરંતુ જો એ પ્રેમ આપણે નિર્ધારિત કરેલ પરિબળો કે ધોરણો (નાત-જાત,ધર્મ, માન-મરતબો, ધનદોલત, સૌંદર્ય, ખાનદાન વગેરે)ને આધીન હોય તો તેના સ્વીકાર અંગે આપણને વિશેષ આપત્તિ ક્યારેય હોતી નથી. પરંતુ જો તે પ્રેમ આવા સાંસારિક ધોરણોને આધીન કે અનુકૂળ ન હોય તો તે પ્રેમ આપણને માન્ય હોતો નથી. એનો અર્થ એ થયો કે આપણા જીવનમાં પ્રેમથી વધુ મહત્વ આવા અનેક પૂર્વનિર્ધારિત ધોરણો અને પરિબળોનું છે. જીવનની શરૂઆતથી જ જ્યારે આપણે જાણે કે અજાણે સંતાનોને આ જ શીખવાડ્યું છે તો સ્વાભાવિક છે કે સંતાનો આવા પરિબળોથી જ આકર્ષાશે અને એને જ તે પ્રેમ સમજી બેસસે. વળી આવા પરિબળોથી આકર્ષાયા બાદ તે સુખી નહીં થાય તે તો નક્કી જ છે ત્યારે તે પ્રેમને જ દોષ દેશે કેમ કે મનુષ્ય સામાજિક પ્રાણી છે અને તેની મૂળભૂત ઉર્જા સ્નેહ, પ્રેમ અને હૂંફ છે. પરંતુ કમનશીબે આપણે સંતાનોને તે ઊર્જા અંગે ક્યારેય માહિતગાર કર્યા જ નથી જેથી તેઓ આપણા શીખવાડેલા પરિબળોને આધારે જીવનભર પ્રેમઉર્જાની શોધમાં રહે છે પરંતુ પ્રેમને આવા પૂર્વનિર્ધારિત ધોરણો કે પરિબળો સાથે કોઈ લેવાદેવા જ નથી. જેથી આપણા સંતાનો ક્યારેય સાચી પ્રેમઊર્જાને પામી શકતા નથી અને જીવનભર પ્રેમ જેવી કોઈ વસ્તુને શોધ્યા કરે છે. જ્યારે નિષ્ફળ જાય છે ત્યારે એવી માન્યતા દ્રઢ કરે છે કે સમાજમાં પ્રેમ જેવી કોઇ વસ્તુ છે જ નહીં અને એ દ્વારા અવિરત નફરત અને નેગેટિવિટી ફેલાવતા રહે છે. જેના દ્વારા પોતે તો કદી સુખ-શાંતિનો શ્વાસ લઈ શકતા નથી પરંતુ તેની સાથે જોડાયેલા અને અન્ય આજુબાજુ રહેલા લોકોને પણ ખોટો મેસેજ સ્પ્રેડ કરે છે. જેના પ્રભાવમાં બીજા અનેક લોકો આવે છે અને જીવનઊર્જા સમાન પ્રેમને મેળવવાથી વંચિત રહી જાય છે. પ્રેમ જેવી નિર્મળ અને દિવ્યઉર્જાને તેના સાચા સ્વરૂપમાં ઓળખવી અને સમજવી આવશ્યક છે. એ જ સમજણ સંતાનોને આપવી પણ અનિવાર્ય છે. સંતાનોમાં બચપણથી આવા સાચા સ્નેહસભર સંસ્કારોનું સિંચન કરવામાં નહીં આવે તો તે વ્યર્થ આકર્ષણને પ્રેમ સમજી જીવનને બરબાદ કરશે અને સાચા પ્રેમની પ્રાપ્તિ દ્વારા દિવ્યઊર્જા મેળવી જીવનને સાર્થક કરવામાંથી વંચિત રહી જશે.
આધુનિક માનવ અહંકારયુક્ત મહત્વકાંક્ષાના ગગનમાં એટલો આગળ વધી રહ્યો છે કે પ્રેમની નિકટ પહોંચવાની સુવિધા ઘટતી જાય છે. વૃન્દાવનમાં એક પ્રેમમંદિર છે જ્યાં રાધાનો પગ કૃષ્ણના ખોળામાં છે શું આપણે આવું અનુકરણ કરી શકીશું? પ્રેમની એ ગહેરાઈને જાણી અને સ્વીકારી શકીશું? male ego કદી તે સ્વીકારી નહિ શકે. પ્રેમમાં અહંકારને તો કોઈ સ્થાન જ નથી. અહંકાર હંમેશા એ વિચારે કે તેની પાસે જવાથી શું મળશે? અહંકારમાં હંમેશા પ્રયોજન હોય જ્યારે પ્રેમ નિષ્પ્રયોજન હોય છે. જીવનની સાધના એ જ સાચી ધર્મસાધના કે પ્રેમસાધના છે, એ સંપૂર્ણ પ્રેમસભર જ હોઈ શકે. જીવનનો આધાર જ પ્રેમ છે જે કદાચ આપણે ભૂલી ગયા છીએ. મૂળભૂત આધારસ્તંભને હટાવી બનાવટી ધનદોલત, નાત-જાતના સ્તંભ ઉપર જીવનને ટકાવવાનો અને ખુશહાલ બનાવવાનો વ્યર્થ પ્રયત્ન વર્ષોથી આપણે કરી રહ્યા છીએ એ ક્યાં સુધી યોગ્ય છે?

TejGujarati