અમરકંટકની વ્યાસપીઠથી મોરારીબાપુએ દરેક ભારતીય ઓલિમ્પિક ખેલાડીને 25 હજાર (કુલ 57 લાખ) આપવાની જાહેરાત કરી

ધાર્મિક

 

 

મધ્યપ્રદેશના અમરકંટક તીર્થ મૈકલ પર્વતશ્રેણીની સર્વોચ્ચ શ્રૃંખલા છે તથા જે નર્મદા નદીની ઉદ્ગમ સ્થાન છે. આવા ધાર્મિક અને કુદરતી સૌંદર્યના સંગમ સ્થળે, છેલ્લા આઠ દિવસથી મોરારીબાપુના શ્રીમુખથી રામકથાનું ગાન થઈ રહ્યું છે. આજે, આઠમા દિવસે, બાપુએ જાપાનની રાજધાની ટોક્યોમાં રમાઈ રહેલી ઓલિમ્પિક ગેમ્સના દરેક સ્પર્ધકને હૃદયથી આશીર્વાદ આપીને ખુશી વ્યક્ત કરી હતી. આજે સવારે બાપુએ ફૂલછાબના તંત્રી કૌશિકભાઈ મહેતા પાસેથી ઓલિમ્પિકમાં ભારત તરફથી કેટલાં ખેલાડીઓ ગયાં એની માહિતી મેળવી. 127 ખેલાડીઓ અને અન્ય સાથે કુલ 228 ખેલાડીઓની માહિતી મળી હતી. બાપુએ કહ્યું કે હાર અને જીત ગૌણ છે, દરેક ખેલાડી તંદુરસ્ત સ્પર્ધાની ભાવના સાથે પોતાના દેશનું પ્રતિનિધિત્વ કરતાં વિશ્વબંધુત્વની ભાવનાને દ્રઢ કરે છે. આજે સમગ્ર દેશ આનંદ માણી રહ્યો છે. આપણાં આદરણીય માનનીય વડાપ્રધાને ભારતીય ખેલાડીઓ સાથે સમયાંતરે વાત કરી તેમને પ્રોત્સાહિત કર્યાં, તે પ્રશંસનીય છે. આ પ્રક્રિયા મારા મનમાં પણ 2 દિવસ થી ચાલી રહી હતી. જીતવું છે કે હારવું એ ગૌણ છે. આપણે એવો ભેદ ન કરી શકીએ. ખેલાડીઓની સાથે ગયેલાં તમામ પ્રત્યે પણ એટલો જ આદરભાવ રાખવો ઘટે.

બાપુએ કહ્યું કે, ઠાકોરજીની પ્રેરણાથી મારા મનમાં ઈચ્છા હતી કે હું આ બધાંને વ્યાસપીઠના પ્રસાદ રૂપે, ચિત્રકૂટ ધામ તલગાજરડાના હનુમાનજીના પ્રસાદ રૂપે અને મારા બધાં શ્રોતાઓ વતી પ્રસાદી રૂપે થોડી રકમ મોકલવા માંગુ છું. રકમ કેટલી એ મહત્વનું નથી. લોકો તેમના સંબંધિત પ્રાંતના ખેલાડીઓને કરોડો રૂપિયા આપે છે. હું એમનું સ્વાગત કરું છું. હનુમાનજીના પ્રસાદ રૂપે અમરકંટકની વ્યાસપીઠથી ઓલિમ્પિક્સમાં ગયેલાં 228 ને હું મારી પોતાની ખુશી માટે 25000/- ની રકમ (કુલ 57 લાખ) આપવા માંગુ છું. એકાદ સપ્તાહમાં, દરેકના ખાતા નંબર પ્રાપ્ત કર્યા પછી, આ રકમ ત્યાં જમા કરવામાં આવશે. બાપુએ સૌને ખુશ રહેવાના આશીર્વાદ આપતાં કહ્યું કે, જેઓ જીત્યાં છે અને જેઓ નથી જીત્યાં તેઓ પણ ઓલિમ્પિક્સમાં પહોંચ્યાં છે, તે પણ ગૌરવની વાત છે. અને મારી વ્યાસપીઠ તેમની સાથે તેમને માર્ગદર્શન આપવા ગયેલાં તમામ લોકોને અભિનંદન આપે છે. અમે માત્ર તુલસી પત્રના રૂપમાં આ રીતે તમારા સુધી પહોંચવા માંગીએ છીએ.

TejGujarati