Watch “? *ફરી કુદરતના ખોળે*?(Non-Fiction)* જગત કીનખાબવાલા (સ્પેરો મેન)*પક્ષી જગતનું કુદરતનું નજરાણું પીળક.” on YouTube

ઓટોમોબાઇલ ગુજરાત ધાર્મિક બિઝનેસ ભારત સમાચાર

30/07/2021

? ફરી કુદરતના ખોળે?
(Non-Fiction)

લેખક: જગત કીનખાબવાલા (સ્પેરો મેન)
https://www.facebook.com/jagat.kinkhabwala

પીળક/ Indian Golden Oriole
કદ: ૨૫ સે. મી/ ૧૦ ઇંચ.

પક્ષી જગતનું કુદરતનું નજરાણું એટલે પીળક પીળક પક્ષી એટલે કુદરતની એક મહામૂલી સુંદર રચના છે. પીળક રંગરૂપમાં કુદરતના તેની રચનામાં ચાર હાથ રહેલા છે. સોનેરી અને ઝળહળતા પીળા રંગનું શરીર, જ્યારે પાંખ અને બાકીનું શરીર કાળા રંગના. પાંખમાં વચ્ચેના ભાગમાં પીળા રંગનો પટ્ટો હોય છે. પૂંછડીમાં કાળા રંગમાં પીળી રેખાઓ હોય છે. પૂંછડી વચ્ચેના પીંછા કાળા હોય છે. નયનરમ્ય રૂપસુંદર આંખો જેનો આગળનો પારદર્શક ભાગ લાલ રંગમો અને તેની બહાર કાજલ આંજ્યું હોય તેવી કાળી રેખા જાય, જાણે નર્તકીનો શણગાર કર્યો હોય! પૂંછડી અને શરીર સપ્રમાણ પાતળા હોય છે. પીળકને જોવું એ આંખો માટે સુંદર નજરાણું ગણાય છે. માદા પીળકને પાંખો અને પૂંછડી કાળાશ ઉપર અને સાથે બદામી રંગની અને પાંખોમાં આછા લીલા રંગના છાંટા હોય છે. માદાને નર પીળક કરતા આછો પીળો રંગ હોય છે જે ઓછો ચમકતો હોય છે.તેઓની ચાન્સ આછી ગુલાબી હોય છે. તેઓના બચ્ચા માદા જેવા દેખાય છે. નર અને માદા બંને આ રીતે રંગે જુદા પડે છે અને તરત ઓળખાઈ જાય છે. કુદરતે તેને કંઠ પણ સુંદર આપ્યો છે. તે વાંસળીના મધુરા અવાજ જેવું પી.... લો....લો, પી....લો....પી....જેવું બોલે છે અને તેવો અવાજ સાંભળીને અચૂક તેની અવાજ તરફ નજર જાય. તે ગાતું હોય ત્યારે કોઈક સુંદર વાજિંત્ર વાગતું હોય તેવું સુમધુર લાગે. જ્યારે ક્યારેક તેના સુમધુર સુર ઉપરાંત કર્ર્ર્રર્રર્રર , કર્ર્ર્રર્રર્રર એવો કર્કશ અવાજ પણ કાઢે છે. ખરેખર અઢળક સૌંદર્ય નો ભરમાર એટલે પીળક! પક્ષીવિદ પીળક/ Indian Golden Oriole ને Euresian Oriole/ પીળક જ ગણતા હતા. પક્ષીશાસ્ત્રના વિવિધ પાસા જેવાકે આકારશાસ્ત્ર, પીંછા, અવાજ વગેરેને સંકલિત કરી પીળકને/ ઇન્ડિયન Golden Oriole ની પ્રજાતિ તરીકે ૨૦૦૫થી પેટા જાતિ તરીકે આગવી ઓળખ આપવામાં આવી છે. ફ્રેન્ચ ભાષામાં Oriole શબ્દ અર્થ પડઘો થાય છે માટે પીળકના અવાજ ઉપરથી એમ માનવામાં આવે છે કે તેનું નામ French Oriole શબ્દ ઉપરથી પડેલું છે. એક વર્ગનું એવું કહેવું છે કે લેટિન શબ્દ aureolus ઉપરથી તેનું નામ પડેલું છે કારણકે ઔરોલુસ નો અર્થ થાય છે ગોલ્ડ્ર્ન. ૧૮૩૨ ની સાલમાં વિલિયમ હેન્રી સાયકેસ દ્વારા તેની નોંધ લઇ તેને Oriolus Kundoo નામ આપવામાં આવ્યું છે. સ્વભાવે ખુબજ શરમાળ પક્ષી. તેનું ધ્યાન જાય કે કોઈ તેને જોઈ રહ્યું છે તો તરત ઉડી જાય. જ્યારે પણ ઉડતા જુવો તો ખુબ સુંદર મન પ્રફુલ્લિત કરી દેતો સોનેરી ઝબકારો દેખાય. ખોરાકમાં તેને શીમળો ના ફૂલનો રસ ખુબ ભાવે. તેમને ફળ ખુબ ભાવે માટે ફળફળાદીની વાડીઓ પાસે તેઓ વધારે જોવા મળે. બાકી તેઓ જીવડા પણ ખાઈ લે છે . તેઓ જ્યાં વધારે વનરાજી હોય તેવી જગ્યાઓએ ઉપરાંત,પાર્ક, બગીચા, મેન્ગ્રોવના ઝુંડમાં, અર્ધ જંગલ જેવા વિસ્તાર, જંગલના છેવાડાના ભાગમાં વ્યાપક પ્રમાણમાં જોવા મળે છે અને તેમ છતાં શહેરી લોકો આજકાલ કુદરતથી અલિપ્ત હોઈ તેઓ તેને ઓળખતા નથી હોતા. હિમાલય, ઉત્તર ભારત, પશ્ચિમ ભારત અને દક્ષિણ ભારતમાં, મધ્ય ભારતમાં, આંદામાન, પૂર્વ ભારત સિવાયના ભારતના બધા પ્રદેશોમાં લગભગ બધેજ તેમજ નેપાળ, અફઘાનિસ્તાન, બલુચિસ્તાન, માલદીવ, તાઝિકિસ્તાન, ઉઝબેકિસ્તાન, તુર્કમેનિઆ વગેરે દેશોમાં જોવા મળે છે. ૪૦ કી. મી. ની ઝડપે ઉડી શકતું આ પક્ષી નાના પાણીના કુંડમાં પણ પાણીના ઉપરના ભાગમાં પાંખો પ્રસરાવી ઉડતું ઉડતું મઝા કરી શરીરને ઠંડુ કરી લે છે. અભ્યાસ માટે ગુજરાતમાં એક પીળકને પગે રિંગ પહેરાવેલી હતી તે દૂર તાજિકિસ્તાનમાં ૯ વર્ષ પછી જોવા મળ્યાની નોંધ છે. તેઓને સમશીતોષ્ણ વાતાવરણ વધારે અનુકૂળ આવે છે અને તે પ્રમાણે તેવા પ્રદેશોમાં વૃક્ષોવાળા સ્થળ વસવાટ માટે પસંદ કરે છે. ઘણા અંશે પીળક યાયાવર પક્ષી ગણાય છે. ભારત તેમજ મધ્ય એશિયામાં તેઓ ઉનાળો પૂરો થવા આવે ત્યારે પોતાનો વંશવેલો વધારવા/ સંવર્ધન માટે પહોંચી જાય છે. સંવર્ધનની ઋતુમાં નર પીળક પહેલા પહોંચી જાય છે અને ત્યારબાદ થોડાળ અંતરાલ બાદ માદા પીળક પોતાના જોડીદાર પાસે પહોંચી જાય છે. તેઓ પોતાના પસંદ કરેલા સાથીદાર સાથે જીવનભર એકપાત્રીય / monogomus જીવન વિતાવે છે. એપ્રિલ માસથી ઓગસ્ટ માસ સુધી તેમની સંવર્ધનની ઋતુ હોય છે. વૃક્ષની છેક ઉપરના ભાગમાં ઊંડા કપ આકારનો માળો ગૂંથે છે. પાતળી ડાળીના છેવાડે માદા પીળક વૃક્ષના રેસાઓથી માળો ગૂંથે છે જે લગભગ ૧૬ ઇંચ સુધી લાંબો હોય છે અને તેને માદા પીળક પાતળી ડાળીઓ, કાપડના ટુકડા, કાગળ વગેરેથી બનાવી, પાંદડા, ઉન અને ઘાસફૂસથી તેને મુલાયમ બનાવે છે. માળા માટે રેસા વગેરે લાવવામાં નર પીળક માદાને મદદ કરતો હોય છે. માદા પીળક ૭ ગ્રામ સુધી વજનના ૩ થી ૫ ઈંડા મૂકી શકવાની ક્ષમતા ધરાવે છે. તે રોજ એકના હિસાબે વહેલી પરોઢે ઈંડા મૂકે છે. તેના ઈંડા સફેદ, આછા પીળા અથવા આછા ગુલાબી રંગના હોય છે અને તેના છેવાડાના ભાગમાં ક્યારેક કાળા ટપકાનું ફેલાતું ઝુંડ ભેગું થાય છે. માદા પીળક ઈંડાને સેવે છે અને વચ્ચે વચ્ચે નર પીળક માદા પીળકને ખોરાક લેવા જવા દે છે અને તે સમયે નર પીળક ઈંડા સેવવામાં મદદ કરે છે. ૧૪ થી ૧૬ દિવસમાં બચ્ચા ઇંડામાંથી બહાર આવે છે અને ત્યારબાદ ૧૬ થી ૨૦ દિવસમાં બચ્ચા ઉડી જાય છે. પીળક ૨ થી ૩ વર્ષની ઉમર સુધી ઈંડા મૂકી શકવાની ક્ષમતા ધરાવે છે. ૮ થી ૧૨ વર્ષનું આયુષ્ય ધરાવતા આ સુંદર પીળક માટે મોટા પાયે વૃક્ષોનું કપાવું, ધીરે ધીરે થતો જંગલોનો નાશ, ખેતરમાં વપરાતા કેમિકલ પેસ્ટીસાઇડ જેવા કારણો તેમના અસ્તિત્વ માટે મોટો ખતરો છે.

(સહયોગ: ફોટોગ્રાફ્સ: શ્રી સેજલ શાહ ડેનિયલ. વિડિઓ: શ્રી કિરણ શાહ).

આવો કુદરતના ખોળે, નિરાંત અનુભવીએ.
સ્નેહ રાખો – શીખતાં રહો – સંભાળ રાખો
Love – Learn – Conserve
✍?

TejGujarati