શરીરને કુદરતી રીતે શુદ્ધ (DETOX) અને નિરોગી કેવી રીતે બનાવાય?
શિલ્પા શાહ, ડીરેક્ટર ઇન્ચાર્જ, HKBBA કોલેજ

કલા સાહિત્ય ગુજરાત બિઝનેસ ભારત સમાચાર


શરીર પંચમહાભૂતનું બનેલું છે તે આપણે સૌ જાણીએ છીએ. દરેકનું પ્રમાણ પણ શરીરમાં નક્કી છે અને તેને અસર કરતા ચોક્કસ પરિબળો છે. જો તેને યોગ્ય રીતે સમજી લેવામાં આવે તો શરીર શુદ્ધિકરણની પ્રક્રિયા આપોઆપ થતી રહે, તેના માટે વિશેષ પ્રયત્નો કરવા પડે જ નહીં. પંચમહાભૂતમાં જળ, પૃથ્વી,વાયુ, અગ્નિ અને આકાશનો સમાવેશ થાય છે. શરીરમાં જળ તત્વ 72% રહેલું છે જ્યારે પૃથ્વી તત્વ 12% વાયુતત્ત્વ ૬% અને બાકીના દસ ટકામાં અગ્નિ અને આકાશ તત્વનો સમાવેશ થાય છે. બીમારી કે ખરાબ આરોગ્ય માટે જવાબદાર મુખ્ય ત્રણ કારણો છે.
૧) વિષદ્રવ્યો (toxin)નું પ્રમાણ – ટોક્સિન પેદા થવા પાછળ આહાર અને ઓક્સીજન સૌથી મહત્વના પરિબળ છે. શરીરમાં ન પચેલો ખોરાક સામાન્ય રીતે toxinનું સ્વરૂપ ધારણ કરે છે. ઓક્સિજન અને આહારનો મનુષ્ય શરીરમા બે પ્રકારનો ફાળો છે હકારાત્મક અને નકારાત્મક. જો આપણે ઓક્સિજન અને ખોરાક ગ્રહણ ન કરીએ તો આપણું અસ્તિત્વ ટકી શકતું નથી અને જો આપણે તે ગ્રહણ કરીએ તો ટોક્સિન વધવાની પ્રક્રિયા આપોઆપ શરૂ થઈ જાય છે. આપણે સંપૂર્ણપણે તેને રોકી શકતા નથી કેમ કે તેના માટે ઓક્સિજન અને ખોરાકનો ત્યાગ કરવો પડે. જે શક્ય નથી. પરંતુ ખોરાક અને ઓક્સિજનના પ્રમાણને અંકુશમાં રાખી કે સંતુલિત કરી આ પ્રક્રિયાને આપણે ધીમી અવશ્ય પાડી શકીએ. શરીર જ્યારે ઑક્સીજન અને ખોરાક ગ્રહણ કરે છે ત્યારે એક ચોક્કસ પ્રકારની રસાયણિક પ્રક્રિયા શરીરની અંદર શરૂ થાય છે અને પ્રક્રિયાને અંતે શરીરમાં અમુક પ્રકારના ઝેરીતત્વો (Toxic) છૂટા પડે છે જે બીમારી અને રોગો માટે જવાબદાર છે. આપણને કદાચ થાય કે ટોક્સીન શરીરમાં વધે તેની ખબર કેવી રીતે પડે? તેના ચોક્કસ લક્ષણો છે, જેના દ્વારા જાણી શકાય કે શરીરમાં વિષદ્રવ્યની માત્રા વધી રહી છે. જેમ કે ૧) જીભ પર વધુ છારી બાજવી ૨) drowsiness એટલે સુસ્તી લાગવી ૩) કામમાં આળસ ૪) જઠરાગ્નિ ખૂબ ડિસ્ટર્બ રહેવી ૫) વારંવાર શરદી કફ થવો ૬) શરીરમાં સેકન્ડે સેકન્ડે કોઈ કારણ વગર જુદી-જુદી તકલીફ અનુભવાવવી જેમ કે ઘડીકમાં માથું દુખે, તો ક્યારેક આંખો બળે, પેટમાં દુઃખે, સાંધા દુઃખે અને હાથ-પગ, કમર પકડાઈ જાય વગેરે.
૨) જીવનબળની કમી એટલે vital force ની ઉણપ, જે ઓછા વિટામિન્સ વગેરેને કારણે સર્જાય. વિટામિન, કેલ્શિયમ, મિનરલ્સ, ચરબી વગેરેનું કામ મુખ્યત્વે રોગપ્રતિકારકશક્તિ વધારવાનું અને પાચન અને ચયાપચયની (Metabolism) પ્રક્રિયામાં ઉપયોગી થવાનું છે. વળી, એન્ટીઓક્સીડન્ટ તરીકે પણ તે ભૂમિકા ભજવે છે. વિટામીન અનેક પ્રકારના હોય છે જેમકે વિટામીન A, D, E, C જ્યારે વિટામીન B ના અનેક પ્રકાર છે જેમકે B2, B6, B12 વગેરે
૩) તનાવ – વ્યક્તિના પોતાના કષાયો જેવા કે કામ,ક્રોધ,મોહ,લોભ,અહંકાર અને ઈર્ષા તેને તણાવયુક્ત બનાવે છે.અગણિત ઈચ્છાઓ મનુષ્યને દોડાવે છે, જે દરેકનું પૂર્ણ થવું લગભગ અશક્ય છે. આવી અતૃપ્ત ઈચ્છાઓ વ્યક્તિના તણાવમાં વધારો કરે છે. તણાવ મનુષ્યને ક્રોધી, ચીડિયો, હતાશ, ચિંતિત, ભયભીત બનાવે છે. જેને કારણે પાચનશક્તિ, લોહીનું પરિભ્રમણ અને શ્વાસોશ્વાસ અવ્યવસ્થિત અને અનિયમિત બને છે જેથી ચયાપચયનો દર(metabolism rate) ઝડપી બને છે જે વ્યક્તિને રોગી અને વૃદ્ધ બનાવે છે.

વિષદ્રવ્યો (toxin) દૂર કરવા, જીવનબળ(vital force)ને વધારવા અને તનાવમુક્તિ માટે છ બાબતો પર વિશેષ ધ્યાન આપવાની જરૂર છે.
૧) પૌષ્ટિક અને સાત્વિક ખોરાક – ખોરાક જીવનની મૂળભૂત જરૂરિયાત છે. ધર્મશાસ્ત્રો પ્રમાણે કળિયુગમાં પ્રાણ અન્નમાં રહેલ છે. એનો અર્થ એ થયો કે મનુષ્યે તેના અસ્તિત્વને ટકાવવા માટે યોગ્ય અને જરૂરી આહાર લેવો ખૂબ જરૂરી છે. મનુષ્ય શરીરના પોષણ અને રક્ષણ માટે પાંચ મૂળભૂત તત્વો જરૂરી છે. a) કાર્બોહાઈડ્રેટ b) પ્રોટીન c) વિટામીન d) ચરબી e) ખનીજતત્વો (minerals), મનુષ્યના સ્વાસ્થ્યને એના ખોરાક સાથે ઘનિષ્ઠ સંબંધ છે. અનેક રોગોના ઇતિહાસ પાછળ ખોરાકની મહત્વપૂર્ણ ભૂમિકા રહેલી છે. શરીરની તમામ ક્રિયાઓ, વિકાસ-વૃદ્ધિ તેમજ રોગપ્રતિકારકશક્તિ મેળવવા પોષક આહાર પાયાની શરત છે. પોષણ એટલે જ શારીરિક ક્રિયાઓના સંચાલન માટે તેમ જ વિકાસ માટે જરૂરી નિર્માણ સામગ્રી મેળવવી. જેના માટે પોષ્ટિકઆહારને દૈનિક જીવનનો એક ભાગ બનાવવો ખૂબ આવશ્યક છે.
૨) ઉપવાસ – આપણે આગળ જોયું કે વધુ પડતો ખોરાક શરીરમાં અનેક(toxic) ઝેરીતત્વોનું સર્જન કરે છે જે વ્યક્તિને રોગી બનાવે છે તેમ જ વૃધ્ધાત્વની પ્રક્રિયાને ઝડપી બનાવે છે. જેથી ધર્મોમાં અપાતી ઉપવાસની સલાહ અતિ વૈજ્ઞાનિક છે. તપ અને ઉપવાસ મનુષ્યની Aging Process ને ધીમી કરે છે તેમ જ ટોક્સીનને દૂર કરે છે. સામાન્ય માન્યતા એવી છે કે ખાધેલા ખોરાકનું પાચન થઈને કાં તો લોહી બને અથવા ન પચેલો ખોરાક મળરૂપે શરીરની બહાર નીકળે. પરંતુ એક ત્રીજી ક્રિયા પણ ખોરાક સાથે જોડાયેલ છે. ખાધેલા ખોરાકનો અમુક ભાગ એવો છે કે જેનું ન તો લોહી બને છે કે ન તે મળસ્વરૂપે બહાર નીકળે છે. પરંતુ તે શરીરમાં પડી રહી ઝેરીદ્રવ્ય(toxin) ઉત્પન્ન કરે છે જેનાથી શરીરની સ્ફૂર્તિ અને કાર્યક્ષમતા પર વિપરીત અસર પડે છે. જેથી ઉપવાસ કરવો જરૂરી છે. ઉપવાસ કરવાથી શરીરમાં જેટલા વિષદ્રવ્યો(toxic) જમા થયા હોય તેનો સફાયો થાય છે કેમ કે ભોજન સમયે શરીરમાં જે પાચકરસો ઉત્પન્ન થાય છે તે ખોરાક ન મળતા શરીરમાં જમા થયેલા વિષદ્રવ્યોનો ખાત્મો કરે છે જે અનેક રોગોનું મૂળ છે. અમેરિકાની ‘’ઇન્સ્ટીટ્યુટ ઓફ એજિંગ’ એ સાબિત કર્યું છે કે ઉપવાસ એક જાતની કસરત છે જે શરીરના મેટાબોલીઝમને ધીમું પાડે છે, શક્તિની બચત કરે છે, રોગોને દૂર કરવામાં ઉપયોગી છે વળી, ઉપવાસ વ્યક્તિની રોગપ્રતિકારક શક્તિમાં વધારો કરે છે. પરંતુ ઉપવાસમાં અનેકગણું ફરાળ કરવાની રીત યોગ્ય નથી. તે રોગમુક્તિને બદલે રોગવૃધ્ધિ કરે છે
૩) પૂરતી ઊંઘ – ઊંઘ એ ઈશ્વરનો આશીર્વાદ છે. પરમાત્માએ જીવન જીવવા માટે અમુક નિયમો નક્કી કર્યા છે જેનું પાલન કરીને આપણે આજીવન સ્વસ્થ અને સુખી રહી શકીએ છીએ. તંદુરસ્તી માટે આહારનું જેટલું મહત્વ છે તેટલું જ મહત્વ ઊંઘનું છે. ઈશ્વરે દિવસ પુરુષાર્થ કે કર્મ કરવા માટે અને રાત્રિ આરામ કરવા માટે બનાવી છે. આધુનિક જીવનશૈલીમાં આપણે એ ભૂલી ગયા છીએ કે સમગ્ર દિવસની કાર્યક્ષમતાનો આધાર રાત્રિની યોગ્ય ઊંઘ ઉપર છે. વિજ્ઞાનના સંશોધનો અનુસાર, સામાન્ય રીતે વ્યક્તિએ ઓછામાં ઓછી 6 થી 8 કલાકની ઊંઘ લેવી અનિવાર્ય છે. ઊંઘની જરૂરિયાત ઉમરને આધીન છે. ઓછી ઉમરની વ્યક્તિને વધુ ઊંઘની જરૂરિયાત રહે છે જ્યારે વધુ ઉમરની વ્યક્તિને ઓછી ઊંઘની જરૂર પડે છે. વળી, માનસિક શ્રમ કરનારાઓને થોડી વધારે માત્રામાં ઊંઘની આવશ્યકતા રહે છે.
૪) હકારાત્મક અભિગમ – વર્તમાન સમયે ૭૦ ટકાથી વધુ તકલીફો, બીમારીઓ કે રોગોના કારણો માનસિક છે. એવું વૈજ્ઞાનિક સંશોધનો દ્વારા સાબિત થયેલ છે. શરીર અને મન એકબીજા સાથે ગાઢ રીતે સંકળાયેલા છે. શરીરની તંદુરસ્તી સારી રાખવામાં આપણા મનની લાગણીઓ મહત્વનો ભાગ ભજવે છે. આમ સારી તંદુરસ્તી અને સ્વસ્થ મન એકબીજાના પૂરક છે. સ્વસ્થ મન તણાવ સર્જતા અંતઃસ્ત્રાવો ઉત્પન્ન થવા દેતું નથી. જેથી રોગોને થતા અટકાવી શકાય છે. જો તમારું મન હકારાત્મક અભિગમ ધરાવતું હશે તો વિષમ પરિસ્થિતિમાં પણ આનંદમાં રહીને તમે સારી તંદુરસ્તી જાળવી શકશો. દરેક ઉંમરે નકારાત્મક વિચારોથી દૂર રહેવાની સલાહ છે. જેથી જેટલી બને એટલી ઝડપથી એ દિશામાં પ્રયત્નો થવા જોઈએ. અને હકારાત્મકતાની ટેવ પાડવી જોઈએ. આરોગ્ય માટે જેટલી જરૂર પૌષ્ટિક આહાર અને કસરતની છે એટલી જ જરૂર હકારાત્મક અભિગમની પણ છે.
૫) કસરત – જે લોકો ચુસ્ત અને તંદુરસ્ત રહેવાની ઈચ્છા ધરાવે છે તેમણે નિયમિત હળવી કસરત અને વ્યાયામ કરવો જ જોઈએ. મોટાભાગના લોકો કસરત કે વ્યાયામને એક કંટાળાજનક પ્રવૃત્તિ માને છે. કસરત અને વ્યાયામનું અપૂરતું પ્રમાણ વિશ્વની 65% વસ્તી ધરાવે છે. જેઓની જિંદગી બેઠાડુ હોય છે. બેઠાડું જીવનપદ્ધતિ જગતમાં સ્વાસ્થ્ય અંગે જોખમ પેદા કરતા મુખ્ય 10 પરિબળોમાંનું એક છે. ઈશ્વરે આ અમૂલ્ય શરીર અને તેના અંગો સુખ-શાંતિ ભોગવવા અને અન્યને સહાયક બનવા આપ્યા છે નહીં કે અન્ય પર બોજ બની જીવન પસાર કરવા. વસ્તુનો જ્યારે ઉપયોગ કરવામાં નથી આવતો ત્યારે તેને કાટ લાગે છે. તેની કાર્યક્ષમતા ઘટે છે અને ધીરે ધીરે તે બિનઉપયોગી બની જાય છે. શરીરના અંગોનું પણ એવું જ છે. નિયમિત રીતે તેનો જો યથાર્થ ઉપયોગ કરવામાં ન આવે તો તે જીવનમાં ઉપયોગી બનવાને બદલે અતિશય પીડા આપનાર બની જતા હોય છે. ડો. વિલિયમ કહે છે કે માણસની જિંદગી ટૂંકી અને દુઃખદાયક કરનાર બધા કારણોમાં સૌથી મોટું કારણ બેઠાડું અને બિનકસરતી જીવન છે. આજના યુગમાં અનેક રોગો જેવા કે બ્લડપ્રેશર, ડાયાબિટીસ, મોટાપો, હાડકા નબળા પડવા, કોલેસ્ટ્રોલ, હાર્ટ એટેક, કેન્સર વગેરે પાછળ મુખ્યત્વે કસરતનો સદંતર અભાવ જવાબદાર છે. આજે વિશ્વમાં 80% યુવાપેઢી કોઈપણ પ્રકારની શારીરિક કસરત કરતી નથી. સંપૂર્ણપણે બેઠાડું જીવન જીવે છે અને ટીવી, મોબાઈલ, કમ્પ્યુટર સાથે જ જીવન પસાર કરે છે. જેથી યુવા પેઢીમાં પણ રોગોનું પ્રમાણ ચિંતાજનક રીતે વધી રહ્યું છે. તેમની યાદશક્તિ, અર્થઘટનશક્તિ, સમજણશક્તિમાં સતત ઘટાડો નોંધાઈ રહ્યો છે. વળી અનેક અવગુણો જેવાકે નકારાત્મકતા, અધીરાઈ, ક્રોધ, સ્વાર્થીપણું અને હિંસકવર્તનમાં ચિંતાજનક વધારો થઈ રહ્યો છે. વિશ્વમાં ડાયાબિટીસનો રોગ ભારતની યુવાપેઢીમાં પ્રથમ નંબરે છે. અમેરિકાનો અભ્યાસ જણાવે છે કે બેઠાડુ લોકોમાં હાર્ટએટેક આવવાની સંભાવના 35% વધી જાય છે. એ જ રીતે હાઈબ્લડપ્રેશર થવાની સંભાવના પણ 35 થી 52% જેટલી વધી જાય છે. ડાયાબિટીસના સંશોધનો જણાવે છે કે કસરતની ગેરહાજરીમાં ડાયાબિટીસ તીવ્ર બનવાની અને મૃત્યુની સંભાવના પણ વધી જાય છે. કેમકે બેઠાડું જીવન શરીરમા કેલરીનો વ્યય ઘટાડી નાખે છે જેથી ચરબીનો ભરાવો થાય છે. જે બેઇઝ મેટાબોલિઝમ રેટ ઘટાડી નાખે છે જે ઇન્સ્યુલિનની અસરકારકતા ઓછી કરે છે. તાજેતરમાં થયેલ અનેક સંશોધનો જણાવે છે કે બેઠાડું જીવન જીવનાર માનસિક રોગ તેમજ હતાશાનો શિકાર બને છે. કસરત વ્યક્તિને સુખ શાંતિ આપી, આત્મવિશ્વાસ વધારે છે.
૬) પવિત્ર આચરણ – પવિત્રતા બે પ્રકારની હોય 1) તનની પવિત્રતા ૨) મનની પવિત્રતા. સંપૂર્ણ આરોગ્ય માટે બંને પ્રકારની પવિત્રતા જરૂરી છે. તનની પવિત્રતાનો આધાર બે બાબતો પર છે ખોરાક અને સ્નાન, જે વ્યક્તિ સંપૂર્ણ સ્વાસ્થ્ય ઈચ્છતો હોય તેણે યોગ્ય, સાત્વિક આહાર લેવો જોઈએ. વળી સ્નાન પણ અતિ આવશ્યક આચાર છે, તેની ગેરહાજરીમાં પણ તનની તંદુરસ્તી શક્ય નથી. આપણું સ્નાન યોગ્ય, ઘર્ષણયુક્ત, સિઝન પ્રમાણેનું હોવું જોઈએ. પાણી પ્રકૃતિનું સૌથી બળવાન(શક્તિવાન) તત્વ છે. જેના યથાર્થ ઉપયોગ દ્વારા વ્યક્તિ આરોગ્ય પ્રાપ્ત કરી શકે છે. દિવસમાં બે વાર સ્નાન જરૂરી છે, સ્નાન માટે ઠંડા પાણીનો ઉપયોગ ઉત્તમ છે, તેમ જ ઘર્ષણયુક્ત સ્નાન ચામડીના છિદ્રોને ખોલે છે જેથી તે માલિશ જેવું કામ આપે છે અને સ્વસ્થતા તેમ જ તાજગી અનુભવાય છે. તનની શુદ્ધતા મનની પવિત્રતા માટે જરૂરી છે એ તો સમજવું જ રહ્યું જેથી સ્નાનમાં આળસ ન ચાલે. જેનું મન શુદ્ધ અને હકારાત્મક વિચારોવાળું તેમ જ શક્તિશાળી હોય છે તે વ્યક્તિથી રોગો ખૂબ દૂર રહે છે, વળી આવા લોકોની રોગ સામે લડવાની શક્તિ પણ અજોડ હોય છે. મનની શુદ્ધતા અને શક્તિનો આધાર પવિત્ર આચરણ ઉપર છે. પવિત્ર આચરણનો મતલબ છે ધર્મમય જીવન. અધર્મયુક્ત જીવન માણસની શારીરિક, માનસિક અને આધ્યાત્મિક શક્તિને ખતમ કરી નાખે છે. મનની અશુદ્ધિ જેવી કે આસક્તિ, વાસનાઓ, રાગ-દ્વેષ, સ્વાર્થ, અહમ વગેરેને દૂર કરી ધર્મમય અને નીતિમય જીવન જીવવું અનિવાર્ય છે. પવિત્ર આચરણ કે ધર્મમય જીવનનો અર્થ છે સદાચારી, સદગુણી અને નીતિમય જીવન જીવવું. સદાચાર વિનાનું જીવન મૃત્યુ સમાન છે.
(આ છ પરિબળોની વિગતે માહિતી માટે મારું પુસ્તક “આરોગ્ય અને આયુષ્ય” અવશ્ય વાંચવું)
આ ઉપરાંત શરીરના પંચમહાભૂતોને શુદ્ધ રાખીને પણ ડિટોક્સીફિકેશન કુદરતી રીતે શક્ય છે. શરીરના જળતત્વને શુદ્ધ કરવા લીમડો અને તુલસી ઉપયોગી છે. જેના દ્વારા માત્ર શુદ્ધિ જ નહીં પરંતુ ગતિ અને ઊર્જા પણ મળે છે. તુલસી અને લીમડો શરીરના જળતત્વને ગતિશીલ અને ઊર્જાવાન બનાવે છે. પૃથ્વીતત્વ પર સૌથી ગહન અસર ખોરાકની થાય છે. જેથી તમે શું ખાવ છો? કેવી રીતે ખાવ છો? ક્યારે ખાવ છો? વગેરે ખૂબ અગત્યતા ધરાવે છે. કેમ કે અન્ન એ જ જીવન છે. વાયુતત્વને અસર કરતું પરિબળ હવા છે, જે આપણે શ્વાસ દ્વારા અંદર ગ્રહણ કરીએ છીએ. હવા આપણે કેટલો સમય અને કેવી રીતે શરીરમાં સંઘરી રાખીએ છીએ તે સૌથી વધુ અસર કરે છે. એટલા માટે શ્વાસ પરનું નિયંત્રણ એટલે પ્રાણાયામ ખૂબ ઉપયોગી નીવડે છે.ચોથું તત્વ છે અગ્નિતત્વ. શરીરમાં રહેલ અગ્નિ વિભિન્ન પ્રકારનો હોય છે. જેમ કે લાલચનો અગ્નિ, નફરતનો અગ્નિ, ક્રોધનો અગ્નિ, પ્રેમનો અગ્નિ, કરુણાનો અગ્નિ વગેરે. જેવો અગ્નિ એ પ્રમાણેની અસર શરીર પર થાય છે. આપણી અંદર રહેલ અગ્નિના પ્રકારને જો સમજી લઈએ તો શારીરિક કે માનસિક વિકૃતિનો ભોગ બનતા અટકી જઈએ અને તન- મનની તંદુરસ્તી સરળ બની જાય. અગ્નિતત્વ પર સૂર્યના કુણા તડકાની ખૂબ ઉત્તર અસર પડતી હોય છે. જેથી સવારનો વહેલો સૂર્ય સ્વાસ્થ્ય માટે ઉત્તમ છે. વિજ્ઞાને પણ સાબિત કર્યું છે કે સવારના કુણા તાપમાં વિટામિન ડી ભરપૂર રહેલું છે. પાંચમું તત્વ એટલે આકાશતત્વ. શરીરનું આકાશતત્વ એટલે આત્મા જે ખૂબ શક્તિશાળી તત્વ છે. જે હંમેશા વિધાયક અને ઉત્તમ પરિણામ આપવા તત્પર રહે છે. જો આપણે ઉપરના ચારે તત્વોનું સંતુલન જાળવી શકીએ તો આકાશતત્વના સહકારથી જીવન આશિર્વાદ બની જાય અને સ્વર્ગનું સુખ પ્રાપ્ત થઈ શકે.

TejGujarati