ચિત્તની એકાગ્રતા માટે શું કરશો?
શિલ્પા શાહ ડીરેકટર ઇન્ચાર્જ, HKBBA કોલેજ.

ગુજરાત ભારત મનોરંજન સમાચાર


ચિત્ત જ્યારે આત્માને આધિન હોય ત્યાંરે જ પરમાત્માનું અનુસંધાન કરી શકે છે. પરંતુ વાસ્તવમાં ચિત્ત મનને આધિન હોય છે. જયારે મન ઇન્દ્રિયોને આધિન હોય છે. ઇન્દ્રિયો વિષયો અને નિમિત્તોને આધિન હોય છે. જેથી જીવનમાં દુઃખ છે. દુઃખમુક્તિ માટે ચિત્તને આત્મામાં સ્થિર કરવું અતિ આવશ્યક છે. માણસ પાસે કર્મ કરાવનાર મન છે અને મનને પ્રવૃત્તિ કરાવનાર મુખ્ય બે પરિબળો છે ૧) બાહ્ય-નિમિત્તો અને ૨) અંતર-સ્વભાવ, જે પૂર્વ જન્મોના કર્મોથી નક્કી થાય છે. ચિત્તને સ્થિર કરવા માટે પાપનો નાશ, સંશયરહિત જીવન, પ્રાણીમાત્રના હિતનો વિચાર અને પરમાત્મામાં સ્થિતિ અનિવાર્ય છે. ચિતની એકાગ્રતા દ્વારા જીવનની તમામ પીડાઓથી મુક્ત થઈ શકાય છે અને એ જ રસ્તો મોક્ષનો છે જે જીવતા-જીવત શક્ય છે. પરંતુ ચિત્તની એકાગ્રતા સામે મુખ્ય નવ અંતરાયો છે એટલે કે વિઘ્નો છે જે દૂર કરવા અતિ આવશ્યક છે. આ નવ અંતરાયો નીચે મુજબ છે.
૧) વ્યાધિ એટલે કે રોગ. શરીર નિરોગી હોવું ચિત્તની એકાગ્રતા માટે અનિવાર્ય છે.
૨) શક્તિ પ્રમાણે સ્વપ્ના જોવા. ખૂબ ઊંચાં લક્ષ્યાંકો ન રાખવા. તેમ જ હારને સહજતાથી સ્વીકારવી.
૩) સંશય એટલે કે આ કરું કે પેલું કરુ, એવા વિકલ્પોથી મનને મુક્ત કરવું. નિર્ણયોને ઈશ્વર પર છોડતા શીખવું.
૪) પ્રમાદ એટલે વિલંબ. કોઈ પણ કાર્યમાં અતિ વિલંબ ન કરવો.
૫) અવિરતિ- વિરતી એટલે સંયમ. અવિરતિ એટલે અસંયમ. ભોગવિલાસની ઈચ્છાપૂર્તિમાં અસંયમ ચિત્તની એકાગ્રતાનો સૌથી મોટો અંતરાય છે.
૬) ભ્રાંતદર્શન એટલે કે મિથ્યાજ્ઞાન. આત્માને જાણવો એ જ સાચું જ્ઞાન છે એ સિવાયની કોઈપણ માહિતી એકત્ર કરવી એ સમયનો વ્યય છે.
૭) આળસ- “કલ કરે સો આજ કર” કેમ કે આળસ સૌથી ખતરનાક અંતરાય છે.
૮) અલબ્ધિ એટલે કે વારંવારની નિષ્ફળતા. નિષ્ફળતાથી હાર ન માનતા સતત, અવિરત પુરુષાર્થ કરતા રહેવું.
૯) અનવસ્થિતિ એટલે સ્થિરતાનો અનુભવ ન થવો. સ્થિતપ્રજ્ઞ બનાવાનો અભ્યાસ કરવો.
ચિત્તની એકાગ્રતા માટે મહર્ષિ પતંજલિએ મુખ્ય માર્ગો નીચે પ્રમાણે સૂચવ્યા છે.
૧) ઇશ્વરમાં એકાકાર થવું એટલે કે એકાગ્રતા પ્રાપ્ત કરવી. જે વૈરાગ્ય, સંયમ અને અભ્યાસ દ્વારા શક્ય બને છે. જન્મ-મરણના ફેરા પાછળ મુખ્યત્વે અજ્ઞાન, અહંકાર અને રાગ-દ્વેષ જવાબદાર છે. કષાયો કર્મ ફળ પેદા કરે છે, જે જન્મ-મરણના ફેરા માટે જવાબદાર છે. જેથી મુક્તિ માટે દુર્ગુણો પર કાબૂ રાખવો આવશ્યક છે. જે વૈરાગ્ય,સંયમ અને અભ્યાસ દ્વારા શક્ય બને.
૨) ચિતની એકાગ્રતા માટે મુખ્ય ત્રણ ગુણો પ્રાપ્ત કરવા આવશ્યક છે અ) સુખ દુઃખથી પર થવું બ) કર્મ અને ફળની આસક્તિ છોડવી ક) મોહ અને મદથી અલિપ્ત બનવું.
૩) આમ છતાં નિમિત્ત મળતા મન અસ્થિર બનતું હોય તો તેના નિવારણ માટે સતત ઓમકાર મંત્રનો જાપ કરવો કેમકે ઓમકાર મંત્રના સંગ જેવો કોઈ સત્સંગ નથી. સત્સંગથી સદવિચાર પ્રાપ્ત થાય છે. સદવિચારથી સત્કર્મ શક્ય બને છે, સત્કર્મથી સંસ્કાર પ્રાપ્ત થાય છે અને સર્વ કંઈ સંસ્કારયુક્ત હોય ત્યારે ઈશ્વર પ્રાપ્તિ સરળ બને છે.
૪) ચિત્તમાં વિક્ષેપ પાડનારા મુખ્ય ૯ અંતરાય (ઉપર દર્શાવેલા)થી બચવું.
5) નિરંતર, વિક્ષેપ વગર, સમય મર્યાદા વગર, ધીરજથી, સંયમ-વૈરાગ્ય અને એકાગ્રતા માટેનો અભ્યાસ ચાલુ રાખવો.
6) ચાર ગુણોનું આચરણ કરવું, જેથી સંસારમાં અન્યના સંપર્કમાં આવવાથી વિક્ષેપ ઉભો ન થાય.
૧) સુખી સાથે મિત્રતા ૨) દુઃખી પર દયા ૩) પુણ્યશાળીથી હર્ષ અને ૪) પાપની ઉપેક્ષા
7) પ્રાણાયામનો અભ્યાસ કરવો. રેચક (એટલે કે શ્વાસ બહાર કાઢવો) કુંભક (એટલે શ્વાસ રોકવો)ના પ્રયત્નમાં રેચક ઘટાડી કુંભક વધારતા જવું. પ્રાણાયામથી પ્રાણની ગતિશક્તિ વધે છે.
8) હર-હંમેશ સંપૂર્ણ વૈરાગ્ય, રાગ-વિતરાગ વગરનું આનંદનું વાતાવરણ ઊભું કરી તેમાં જ રહેવું.
૯) ચિત્તને પ્રિય એવા મનોહર પદાર્થોની નજીક રહેવું અને અપ્રિયથી દૂર રહેવું.
અહી એક વધુ બાબત પર ધ્યાન દોરવું મને જરૂરી લાગે છે કે ચિત્ત એ અંત:કરણનો એક ભાગ છે જેની એકાગ્રતા તેની શુદ્ધિ વગર શક્ય નથી. જેમ ગંદુ અને ડહોળાયેલું પાણી સ્થિર ન રહી શકે તેમ અશુદ્ધ ચિત્ત એકાગ્રતા ન સાધી શકે. અંતઃકરણમાં મુખ્ય ચાર તત્વોનો સમાવેશ થાય છે ૧) મન ૨) બુદ્ધિ ૩) ચિત્ત અને ૪) અહંકાર. ચિત્તની મુખ્ય ચાર અવસ્થા છે ૧) ચિંતન ૨) મનન ૩) પ્રેક્ષા અને ૪) ધ્યાન. આમ તો ધ્યાન એટલે જ એકાગ્રતા પરંતુ ધ્યાન પહેલાની અવસ્થા એટલે પ્રેક્ષા જેના વગર ધ્યાન શક્ય નથી તે જ રીતે મનન વગર પ્રેક્ષા શક્ય નથી અને ચિંતન વગર મનન શક્ય નથી આમ ચિત્તની એકાગ્રતા (ધ્યાન) સુધી પહોચવા માટે આ તમામ અવસ્થામાંથી પસાર થવું પડે જે શુદ્ધિ વગર શક્ય નથી. તો આવો સમજીએ ચિત્તની શુદ્ધિ કેવી રીતે થઇ શકે. ચિત્ત અંતઃકરણનો એક અગત્યનો ભાગ છે અને અંતઃકરણમાં મન-બુદ્ધિ-ચિત્ત અને અહંકારનો સમાવેશ થાય છે. જેમાંથી મનનું કાર્ય છે સંકલ્પ અને વિકલ્પ કરવાનું, બુદ્ધિનું કાર્ય છે નિર્ણય કરવાનું, ચિતનું કાર્ય સ્મરણ અને સ્મૃતિ છે. એટલે કે ચિત્તમાં જન્મોજન્મના સંસ્કારોની સ્મૃતિ ભરેલી પડી છે જેમ હાર્ડડિસ્કમાં અનેક જીબી ડેટા સ્ટોર થયેલો હોય છે તે રીતે આપણા ચિત્તમાં જન્મોજન્મની સ્મૃતિ સંગ્રહાયેલી પડી રહે છે અને સમયે સમયે પ્રારબ્ધકર્મ બની સામે આવે છે. ચિત્તને શુદ્ધ કરવા માટે સ્મૃતિમાં સંગ્રાહેલી નકામી ચીજોને ડિલીટ કરવી પડે. યોગ્ય માવજત દ્વારા ચિત્તશુદ્ધિ શક્ય બને છે વળી ચિત્તશુદ્ધિ દ્વારા જ વ્યક્તિની આંતરિક શક્તિ ખીલે છે, વિકસે છે. જીવનના અનેક કષાયોરૂપી અશુદ્ધિઓ દૂર થાય તો ચિત્ત અવશ્ય શુદ્ધ થાય. માનવજીવન સાથે સંકળાયેલા આવા કષાયો એટલે કામ, ક્રોધ, લોભ, મોહ, સ્વાર્થ, ઈર્ષા, અહંકાર, મમતા, દ્વેષ, નફરત વગેરે. તે જ રીતે ઉત્તમકર્મો (સદ્કર્મ) જ્ઞાનપ્રાપ્તિ અને ઈશ્વરપ્રણિધાન, મંત્રજાપ, નામ-સ્મરણ વગેરે દ્વારા પણ ચિત્તશુદ્ધિ શક્ય છે. જેમ ધનની શુદ્ધિ દાન દ્વારા થાય, તનની શુદ્ધિ તપ દ્વારા થાય તેમજ મન કે ચિત્તની શુદ્ધિ હકારાત્મકતા અને ઇશ્વરશરણ દ્વારા થાય. જેમ અંધકારને દૂર કરવા પ્રકાશની આવશ્યકતા છે તેમ અશુદ્ધિને દૂર કરવા ઈશ્વરકૃપામયી પ્રકાશ અનિવાર્ય છે. ચિત્તના મુખ્ય ચાર કાર્યો છે ચિંતન, મનન, પ્રેક્ષા અને ધ્યાન જેથી શુદ્ધિની પ્રક્રિયાની શરૂવાત સારા ચિંતન દ્વારા એટલે કે સદ્-વિચારો દ્વારા થવી જોઈએ. ત્યારબાદ સતત મનન એટલે કે અવિરત અભ્યાસ દ્વારા તેને સ્થિર કરી શકાય. ત્યારબાદ પ્રેક્ષાની સ્થિતિ મૌન દ્વારા પ્રાપ્ત કરી શકાય અને અંતે ધ્યાન કે એકાગ્રતાની પ્રાપ્તિ વ્યક્તિ અંતર્મુખી બની કરી શકે.

TejGujarati
  •  
  •  
  •  
  •  
  •  
  •