UNSCની ઓપન ચર્ચામાં ભારતે સાયબર સ્પેસના ખોટા ઉપયોગ તરફ વિશ્વનું ધ્યાન ખેંચ્યું

સમાચાર

• અમુક દેશ ડિજીટલ ટેક્નોલોજીના માધ્યમથી આતંકવાદ ફેલાવવાનું કાર્ય કરી રહ્યા છે: વિદેશ સચિવ હર્ષવર્ધન શ્રૃંગલા

• વિદેશ સચિવે કહ્યું- આતંકવાદી તેમની ઘૃણા અને હિંસાની વિચારધારાને અંજામ આપવા માટે સોશિયલ મીડિયાનો ઉપયોગ કરી રહ્યા છે

30 જૂન, નવી દિલ્હી: સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદ (UNSC)માં આંતરરાષ્ટ્રીય શાંતિ અને સાયબર સુરક્ષા અંગે ચાલેલી ઓપન ચર્ચામાં ભારતે વિશ્વનું ધ્યાન સાયબર સ્પેસના ખોટા ઉપયોગ તરફ ખેંચ્યું હતું. ભારતના વિદેશ સચિવ હર્ષવર્ધન શ્રૃંગલાએ આ ઓનલાઇન બેઠકમાં વર્ચ્યુઅલ સંબોધન કર્યું હતું. આ દરમિયાન તેમણે કહ્યું કે વિશ્વમાં ડિજીટલ ટેક્નોલોજીના વધી રહેલા પ્રભાવનો દુરૂપયોગ કરીને અમુક દેશ તેમના રાજકીય ઉદ્દેશ્યોને પ્રાપ્ત કરવા માટે આંતકવાદ ફેલાવીને સામાજિક સોહાર્દ બગાડવાના ષડયંત્રોને અંજામ આપવામાં લાગેલા છે.

વિદેશ સચિવ શ્રૃંગલાએ કહ્યું કે કોવિડ 19 મહામારી દરમિયાન વિશ્વભરમાં લોકો ડિજીટલ ટેક્નોલોજી પર વધારે નિર્ભર બન્યા છે અને તેના લીધે શાંતિ અને સુરક્ષા માટે પડકાર વધી ગયા છે. તેમણે કહ્યું કે સુરક્ષા પરિષદની સ્થાપનાના સમયથી જ શાંતિનો અર્થ બદલાયો નથી પરંતુ સંઘર્ષના સ્વરૂપો અને તેના ઉપકરણોમાં ચોક્કસથી બદલાવ આવ્યો છે. આજે સભ્ય દેશોને સાયબર સ્પેસના વધી રહેલા ખતરાઓનો સામનો કરવો પડી રહ્યો છે.

તેમણે કહ્યું, “આતંકવાદીઓ તેમની ઘૃણા અને હિંસાને અંજામ આપા માટે સોશિયલ મીડિયો ઉપયોગ કરી રહ્યા છે. આતંકવાદથી પીડિત ભારતે એ વાત પર ધ્યાન આપ્યું છે કે સભ્ય દેશો સાયબર સ્પેસનો ઉપયોગ આતંકવાદી ગતિવિધિઓ માટે થતો હોવાથી સ્ટ્રેટેજી અપનાવીને તેના પર ધ્યાન દે અને સમસ્યા દૂર કરે. ”

તેમણે સૂચના અને પ્રસારણમાં ઉપયોગમાં લેવાતા ઉપકરણો જેવા કે મોબાઇલ, લેપટોપ, ટેબલેટ વગેરેને સુરક્ષિત કરવા પર ભાર મૂક્યો હતો. તેમણે કહ્યું, “આજે સાયબર સ્પેસમાં એક સહયોગપૂર્ણ નિયમ આધારિત દ્રષ્ટિકોણ અપનાવીને તેમાં પારદર્શકતા, સ્થિરતા અને સુરક્ષાની ખાતરી કરવાની દિશામાં કામ કરવું જરૂરી છે. ”

તેમના સંબોધનમાં વિદેશ સચિવ શ્રૃંગલાએ સતત વિકાસ લક્ષ્યો (એસડીજી)ને લાગૂ કરવા માટે ભારત દ્વારા આધાર અને યુપીઆઇ જેવી પરિવર્તનકારી ટેક્નોલોજીની પહેલ વિશે પણ જણાવ્યું હતું. કોવિન એપના ઉપયોગનો ઉલ્લેખ કરતા તેમણે કહ્યું- ભારતે કોવિડ રસીકરણ અભિયાન માટે કોવિન વેક્સિન એપ વિકસીત કરી છે જે એક ઓપન , સ્કેલેબલ અને પારદર્શક ટેક્નિકલ પ્લેટફોર્મ છે. તેને વિશ્વભરમાં સ્વાસ્થ્ય સમસ્યાઓને સમાપ્ત કરવા માટે વિકસિત કરી શકાય છે.

TejGujarati