જય ગુરુ દત્ત… ગૃણાતિ જ્ઞાનમ્ સ ગુરુ:- દેવલ શાસ્ત્રી.

ગુજરાત ટેક્નોલોજી ધાર્મિક ભારત મનોરંજન સમાચાર

જય ગુરુ દત્ત… ગૃણાતિ જ્ઞાનમ્ સ ગુરુ: અર્થાત્ અંધકારમાં જે જ્ઞાન આપીને પ્રકાશ તરફ લઇ જાય એ ગુરુ. ગુરુ શબ્દ માનવીઓ સમજી શકે એ માટે ભગવાને જે અવતાર ધારણ કર્યો એ ગુરુ દત્તાત્રેય…. ભગવાન બ્રહ્માના માનસપુત્ર અત્રિ મુનિને એક વાતની ખૂબ ચિંતા હતી કે માનવજાતને દુઃખ પડે છે, ત્યારે તેને જ્ઞાન કોણ આપશે? આ ચિંતામાં તપસ્યા કરતાં ભગવાન વિષ્ણુએ તેમને વરદાન આપ્યું કે, હું તમને મારી જાત દાનમાં આપું છું…. એટલે તે દત્ત કહેવાયા. અત્રિના પુત્ર હોવાથી અત્રૈય કહેવાય. દત્ત અને અત્રૈય નામને ભેગા કરવાથી તે દત્તાત્રેય બન્યા. માનવજાતને જ્ઞાન આપતા હોવાથી તેઓ ગુરુ દત્તાત્રેય કહેવાયા. પૌરાણિક કથાઓ મુજબ, ઇર્ષા દેવોથી મનુષ્ય સુધી વ્યાપ્ત છે. દત્તાત્રેયના માતા અનસૂયા અત્યંત સ્વરૂપવાન હતાં. નારદે તેમના રુપના વખાણ સરસ્વતી, લક્ષ્મી અને શક્તિ સમક્ષ કરતાં તેમણે અનસૂયાની પવિત્રતાની પરીક્ષા લેવાનું નક્કી કર્યું. બ્રહ્મા, વિષ્ણુ અને શિવ અનસૂયા સમક્ષ સાધુવેશ ધારણ કરીને ભિક્ષા માંગી. શરત મૂકીકે હે માતા, આપે નગ્ન અવસ્થામાં દાન આપવું. અનસૂયાએ ત્રણે ભગવાનનોને બાળક બનાવી દીધા. તેમને માતા સમાન ભાવથી સ્તનપાન કરાવ્યું. ત્રણે દેવોના પત્નીઓએ અનસૂયાની માફી માંગી અને ભગવાનને પૂર્વવત બનાવી દીધા. ભગવાન પણ અનસૂયાથી ખૂશ હતાં, ભગવાનનોએ તેમને માતા સ્વીકારી અને બ્રહ્મા સોમ બન્યા, વિષ્ણુ દત્તાત્રેય અને ભગવાન શિવ દુર્વાસા પુત્ર સ્વરૂપે બન્યા. કાર્તિક સ્વામી, ગણપતિ, પ્રહલાદથી જ્ઞાન આપવાની શરુઆત કરનારા ભગવાન દત્તાત્રેય છેક સંત તુકારામથી રંગ અવધૂત મહારાજ સુધી માનવજાત સાથે જોડાયેલા રહ્યા. ભગવાન દત્તાત્રેય બાબતમાં ગુજરાત લકી રહ્યું છે. મહર્ષિ અત્રિ અને અનસૂયાનું તિર્થ ખંભાતની ખાડી વિસ્તાર, ભરુચની નર્મદા કિનારા પર દત્તાત્રેય અવતાર પ્રગટ થયો હોવાની કથાઓ સ્કંદ પુરાણમાં છે. ગિરનાર પર્વત ભગવાન દત્તાત્રેયનું સ્થાનક છે. ગુજરાત-મહારાષ્ટ્રથી દક્ષિણ ભારતમાં દત્તાત્રેયનું પૂજન વધુ થાય છે. આપણે વાત કરવી હતી, ભગવાન દત્તાત્રેયસ્વરૂપની…. ઓમ શબ્દનું માનવસ્વરુપ સમાન ભગવાન દત્તાત્રેયની આસપાસ કલરફૂલ ચાર શ્વાન (કૂતરા) જોવા મળે છે. ચાર શ્વાન એટલે સનાતન ધર્મના આધાર એવા ધર્મ, અર્થ, કામ અને મોક્ષ. છ હાથ શુભના પ્રતીક, બે ચરણ એટલે શ્રેય અને પ્રેય… ભગવાન દત્તાત્રેયના ગુરૂઓની વાત પણ જાણવા જેવી… ચોવીસ ગુરૂ બનાવ્યા હતા. ચોવીસ ગુરુઓ : પૃથ્વી, વાયુ, આકાશ અથવા દ્રવ્ય, જળ, અગ્નિ, સૂર્ય, ચંદ્ર, અજગર, કબૂતરો, દરિયો, ઉધઈ, માખી, ગોંધેલો, હાથી, રીંછ, હરણ, માછલી, બગલા, બાળક, કુવાંરિકા, ગણિકા, લુહાર, સર્પ, કરોડિયો અને ભમરીની યાદી ને ગણવવામાં આવી છે. અવધૂત દ્વારા પુરાણમાં વર્ણવાયેલા ગુરુઓમાંથી દત્તાત્રેયના આ 24 ગુરુઓ આવ્યા છે. કોરોનાયુગમા ગુરૂ ઘણું શીખવે છે…પૃથ્વી પાસે ધૈર્ય અને પરોપકાર શીખવાના છે. વાયુ પાસે જીવન આપવાની શક્તિ, પાણી પાસે અદભુત જ્ઞાન છે, નદીનું પાણી સમુદ્રમાં ભળી જાય છે, આત્મા પણ પરમાત્મામાં ભળી જાય છે. અગ્નિને હરાવવો મુશ્કેલ હોવા છતાં માનવીને તેજ આપે છે. ચંદ્ર જિંદગી સમજાવે છે કે જે વધે છે એ ઘટે છે અને જે ઘટતું જાય છે એ વધવાનું પણ છે. સૂર્ય પાણી લઇ પણ લે અને પાછું પણ આપી દેવાનું. તેમનો એક ગુરૂ કબૂતર, એક ઝાડ પર કબૂતર કબૂતરી રહેતા, શિકારીની જાળમાં બચ્ચાં ફસાઈ ગયા એટલે માતા તેમાં કૂદી પડી આ જોઇને કબૂતર પણ કૂદી પડ્યો. શિકારીને શિકાર મળ્યો. કબૂતર પરિવાર આ રીતે પ્રાણ ત્યાગવો જોઈએ નહીં… થોડું અનાસક્ત રહેતા શીખવું જોઈએ. અજગર શિકાર કરવા ભાગદોડ કરતો નથી, જે મળે છે એમાં ખૂશ છે. મધમાખી મધ ભેગું કરીને સ્વયં ઉપયોગ કરતી નથી, સન્યાસીઓએ શીખવું જોઈએ. માછલી માંસનો ટુકડો જોઇને જાળમાં ફસાઈ જાય છે… પિંગલા નામની વેશ્યા, દિવસરાત ધનિકની રાહ જુએ છે. છેલ્લે તેને આ પ્રકારના જીવનથી પણ નફરત થઈ, ભગવાન દત્તાત્રેય પિંગલા નામની નગરવધૂને પણ પોતાની ગુરૂ બનાવી હતી. પોતાનામાં મસ્ત રહેવાની કળા બાળક પાસે શીખવી જોઈએ. કુંવારી કન્યા પણ તેમની ગુરૂ છે. મહેમાન આવતા કન્યા અનાજ દળે છે અને હાથમાંથી બંગડીઓનો અવાજ આવે છે. હાથમાંથી અવાજ ન આવે એટલે એક જ બંગડી રહેવા દે છે… જિંદગીનો આનંદ માણવા એકલતા જરૂરી છે. એ માટે કરોડિયો થવું પડે. જાતે જાળું બનાવવાનું. બાણ પાસે એકાગ્રતા શીખવા જેવી છે. સાપ પાસે પણ શીખવા જેવું છે, એકલું વિચરણ કરવું. સંન્યાસીઓએ મંદિર મઠ કે અન્ય પ્રતિષ્ઠા વિના વિચરણ કરતાં રહેવું. દત્તાત્રેય ભગવાને છેલ્લે એક વાત કહી કે માનવે સરવાળે એક વાત રાખવી જરૂરી છે. શરીર નાશવંત છે…જે શીખવા મળે તે શીખો… જીવન વ્યર્થ ખોવા જેવું નથી… લેખન અને સંકલન Deval Shastri?

TejGujarati